આંખનું કાજલ ગાલે ઘસ્યું અખો થયો અખા… | મુંબઈ સમાચાર
ઉત્સવ

આંખનું કાજલ ગાલે ઘસ્યું અખો થયો અખા…

  • ભાગ્યેશ જ્હા

‘આંખનું કાજલ ગાલે ઘસ્યું’ એવા છપ્પા દ્વારા ગુજરાતને નિર્ભિક બની જગાડનાર અખાનું જીવન-કવન બહુ જ રસપ્રદ છે.

અખાએ ગુજરાતીમાં કક્કા, સાત વાર, તિથિ, બાર માસ, કૈવલ્યગીતા, શરીરની ચાર અવસ્થા, પંચીકરણ અને અનુભવબિંદુ ટૂંકી રચનાઓ છે, જ્યારે ચિત્તવિચાર-સંવાદ, ગુરુશિષ્ય સંવાદ, અખેગીતા એ લાંબી રચનાઓ છે. તે ઉપરાંત અખાએ સવા બસો ઉપરાંત ગુજરાતી પદ લખ્યા છે, 346 સોરઠા-દુહા રચ્યા છે, 750 ઉપરાંત ભિન્ન ભિન્ન અંગોમાં વિભાજિત છપ્પા રચ્યા છે અને થોડી સાખીઓ પણ લખી છે. અખો અખા ભગત તરીકે ઓળખાય છે.

અખાનો જન્મ આશરે 1600માં અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં થયો હતો. તે જન્મે સોની-કેટલાકને મતે પરજિયો સોની તો કેટલાકને મતે શ્રીમાળી સોની. તેમના પિતાનું નામ રહિયાદાસ હતું. આ રહિયાદાસને ત્રણ દીકરા ગંગારામ, અખો અને ધમાસી. અખો અને ધમાસી નિર્વંશ હતા. જ્યારે ગંગારામના વંશજો હજી અમદાવાદ છે.

અખો બાળપણમાં જ માનું સુખ ખોઈ બેઠેલો અને તે પછી, ધંધાર્થે પિતાની સાથે અમદાવાદ આવીને વસેલો. અખાજીનો ઓરડો’ નામે એનું થાનક અમદાવાદમાં સાચવી રખાયું છે. કુરિવાજ મુજબ અખો પણ નાની ઉંમરે પરણેલો એટલે કે એને પરણાવવામાં આવેલો. પહેલી પત્ની ઝઘડાખોર હતી. તેના મૃત્યુ બાદ એ બીજી વાર પરણેલો.

આ નવી સાથે અખાને ઠીક બનતું, પણ તે ઝાઝું જીવી નહિ. એ સમયમાં અભ્યાસનો પ્રચાર નહીં એટલે અખાને નાનપણમાં વ્યવસ્થિત શિક્ષણ મળેલું નહીં. આજીવિકા માટે તો પિતાનો સોનીનો ધંધો હતો જ. એ ધંધામાં અખો કુશળ કારીગર હતો. એ સમયે અમદાવાદ તો ગુજરાતનું પાટનગર અને ત્યાંની વસતિ પણ બધી રીતે આબાદ.

‘સુખમાં સાંભરે સોની‘ એ ન્યાયે અખો પોતાના ધંધામાં ઠીક ઠીક આગળ વધ્યો મનાય છે. અખાને બહેન ન હતી તેથી પોતાના જીવનની એક મહત્ત્વની અધૂરપ ટાળવાને માટે અખાએ જમના નામની એક બાઈને પોતાની ધર્મની બહેન માનેલી. એ બાઈ પોતાની બચત અખાને ત્યાં થાપણ તરીકે મૂકતી. એ બાઈને બચતની રકમ ત્રણસો રૂપિયા જેટલી થઈ ત્યારે બાઈને એ રકમમાંથી સોનાની કંઠી કરાવવાનું મન થયું.

અખાને એણે વાત કરી. પોતે જેને બહેન માની છે તેના પ્રત્યેના સદભાવને કારણે અખાએ ગાંઠના સો રૂપિયા ઉમેરી રૂપિયા ચારસોની કિંમતની કંઠી તૈયાર કરી બાઈને આપી. કંઠી જોઈને બાઈ ખુશ થઈ ગઈ, પણ સમાજમાં માન્યતા કે સોની તો સગી બહેનનું ય ચોરે એટલે ભોળી જમનાએ ઉત્સાહથી કંઠી કોઈને બતાવી. કંઠી પર કાપ મૂકવામાં આવ્યો. સોનાનો કસ કાઢવામાં આવ્યો, કંઠીની કિંમત રૂપિયા ચારસોની અંકાઈ. બાઈ ખસિયાણી પડી ગઈ.

કોઈકના કહેવાથી પોતે અખા ઉપર વહેમ આણ્યો તે બદલ ખૂબ પસ્તાઈ. ગઈ પાછી અખા પાસે કંઠી સમી કરાવવા. કાપ જોઈને અખાને વહેમ ગયો. બાઈને કારણ પૂછ્યું. ત્યારે પોતાના વર્તન માટે એણે ઘણો પસ્તાવો જાહેર કર્યો. અખાએ બધું સાંભળી લીધું. એણે કંઠી તો બરાબર કરી આપી. પણ આ પ્રસંગે લોકમાંથી એની શ્રદ્ધા ડગી ગઈ. દુનિયામાં સૌ સ્વારથનાં જ સગાં છે, એવું ભાન એને સવિશેષપણે થઈ ગયું. દુન્યવી સંબંધોની ભ્રામકતા એને સમજાઈ.

અમદાવાદમાં બાદશાહ જહાંગીરે એક ટંકશાળ સ્થાપી હતી. એ ટંકશાળમાં અખો મહત્ત્વના અધિકારીની પદવી ધરાવતો હતો. કેટલાક ખટપટિયાઓએ રાજ્યમાં ખોટી રાવ કરી કે, અખો ઊંચી ધાતુના સિક્કાઓમાં બીજી હલકી ધાતુ ભેળવે છે. આખા ઉપર આળ આવ્યું અને રાજ્યે એને કેદ કર્યો. તપાસ ચાલી. તપાસ અંતે સાબિત થયું કે અખો સાવ નિર્દોષ છે.

અખો છૂટી ગયો, પણ તેનું મન ખાટું થઈ ગયું. ત્યાર બાદ એણે રાજીનામું આપી દીધું. પોતાના ધંધાના ઓજારો એણે કૂવામાં પધરાવી દીધાં. દુનિયાના નિષ્ઠુર અને અન્યાયી વ્યવહારથી ત્રાસી ગયેલો અખો સત્યની ખોજમાં નીકળી પડ્યો. જીવનમાં સાંપડેલા એક પછી એક આઘાતને કારણે સંસારથી વિમુખ બનેલા તેના મનને શાંતિ અર્પવા માટે તેણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો.
‘કહે અખો : હું ઘણુંયે રટ્યો, હરિને કાજે મને આવટયો, ઘણાં કૃત્ય કર્યા મેં બાઝ, તોયે ન ભાગી મનની દાઝ; દરશનવેરા જોઇ બહુ રહ્યો… પછે ગુરુ કરવાને ગોકુળ ગયો.’

અખો વારસામાં મળેલા ધાર્મિક સંસ્કારને દૃઢ કરવા અને કશુંક નવું પામવા ગોકુળ ગયો. પૂરો પૈસાપાત્ર, દેખાવે શેઠિયા જેવો એટલે ત્યાંના વૈષ્ણવ મંદિરમાં એનો સારો સત્કાર થયો. પુષ્ટિમાર્ગીય ભક્તિ સાથે સંકળાયેલ દબદબાભરી વિધિઓ અને ગોસાંઈ ગોકુળનાથજીની પ્રતિષ્ઠા એને આકર્ષી શક્યાં. અખાએ ગોકુળનાથજીને ગુરુ કર્યા. પણ કોઈક કારણસર એનું મન ત્યાંથી ઊઠી ગયું.

ગોકુળ છોડી એ કાશી ગયો. કાશીમાં સાચા બ્રહ્મજ્ઞાની ગુરુની શોધમાં અખો શેરીએ શેરીએ ભટકતો રહ્યો. એક રાતે સંન્યાસી-શિષ્યને ગુરુની વાણી સાંભળતાં સાંભળતાં ઝોકું આવી ગયું. વચ્ચે વચ્ચે હોકારો પૂરતો એ અટક્યો. એને બદલે બહાર ઊભા રહી કથા સાંભળતા અખાએ હોકારો પૂર્યો.

ગુરુને નવાઈ લાગી. કથા અટકી. ગુરુ તપાસ કરવા બહાર આવ્યા ત્યાં અખાને ઊભેલો જોયો. તેને પોતાની સાથે અંદર તેડી લાવી, સામે બેસાડી, અખા પાસે બહ્માનંદે ઓળખ માગી, અને પોતે કરેલ તત્ત્વોપદેશમાંથી અખો શું અને કેટલું સમજ્યો છે તે જાણવા બ્રહ્માનંદે અખાને થોડા પ્રશ્નો પૂછ્યા, અખાએ સંતોષકારક જવાબો આપ્યા.

ગુરુને પ્રતીતિ થઈ કે વેદાંતના ઊંડા અભ્યાસ માટે, અખો ઉત્તમ અધિકારી છે. એમણે અખાને શિષ્ય તરીકે સ્વીકાર્યો. બ્રહ્માનંદ ગુરુને ચરણે બેસી અખાએ ઉત્તમ વેદાંતગ્રંથોનું અધ્યયન કર્યું. તે પછી લગભગ ત્રેપનમે વર્ષે અખાએ પોતાની કાવ્યપ્રવૃત્તિ આરંભી :

‘દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો…’

અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય. ‘નિર્ભયતા’ અખાનું મહત્ત્વનું લક્ષણ છે. પોતાના સમયમાં પ્રવર્તમાન અંધશ્રદ્ધા, દંભ, પાખંડ, જ્ઞાનની પોકળતા, મિથ્યાભિમાન જેવા દૂષણોને તે કટાક્ષ કે ઉપહાસ કરીને ખુલ્લા પાડે છે.

‘પંડ પખાળે પુજે પણ, મનમાં જાણે હું તે જાણ,
અપ આતમ બહારે ભમે, મૂરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઇ જે આદરે, તે અખા ધાર્યું કેમ કરે?’
અખો આ પ્રકારની સંકુચિતતામાંથી મુકત થવા સલાહ પણ આપે છે અને કહે છે,
‘ખટને તું ખટપટવા દે, તું અળગો આવી પ્રીછી લે’
જાગો જાગો રે મોટા મુનિવરા, સહજે સદગુરુ પાયા જી;
રેરંકારની ધૂનમાં, મનવા તામેં મિલાયા જી.’

કહેવાય છે કે, કાશીના પંડિતોને અખાના વેદશાસ્ત્રને સમરૂપ કૃતિઓ તથા તેમની આ ખ્યાતિ અને તેમનું આ વર્ચસ્વ અશાસ્ત્રીય લાગ્યાં કેમ કે, તેઓ દેહે કરીને સોની અને તેથી શૂદ્ર-અને શૂદ્રને હાથે વેદાન્તશાસ્ત્ર રચાય તો, તેમના મત પ્રમાણે, સનાતન ધર્મની પુરાણી પ્રણાલિકાનો નાશ થાય અને તેથી શ્રી કાશીપુરીના કેટલાક અતિ આગ્રહી પંડિતોએ તથા ઘણા સંન્યાસીઓએ મળીને અખાના હસ્તલિખિત ગ્રન્થો ગંગાજીમાં ડૂબાડી દીધા! પરિણામે, તેમણે કાશીપુરી ત્યજી દીધું.

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

અખાને માનનારો બીજો વર્ગ તે પંજાબી-મારવાડી મુમુક્ષુ દલિતોનો હતો. આ પંજાબીઓ અખાજીને સન્માનપૂર્વક પોતાના દેશમાં તેડી ગયેલા અને ત્યાંના દલિતો સાથેના વસવાટ દરમ્યાન પોતે હિન્દી-પંજાબી-ઉર્દૂ મિશ્રિત ભાષામાં પોતાનો પરમાત્માનો સાક્ષાત્કાર વ્યક્ત કર્યો છે.

આપણ વાંચો:  આદિ કવિ નરસિંહ મહેતા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button