ઉત્સવ

મુઆની આળસે જીવનારા એદીઓ

ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી

વભાવે ઉદ્યમી લોકોના શબ્દકોશમાં આળસુ શબ્દ નથી હોતો અને આળસુ લોકોની ડિક્ષનરીમાં ઉદ્યમી શબ્દ નથી હોતો. આળસુ માણસની વ્યાખ્યા આપતો એક મજેદાર કિસ્સો છે કે એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે ‘આળસુ માણસનો જોક ખબર છે?’ બીજાએ ના પાડી અને કહ્યું કે કહે તો ખરો. પહેલાએ માત્ર બગાસું ખાઈ આળસ મરડી. કહેવાનું પણ આળસ થયું. શબ્દકોશ અનુસાર આળસુ એટલે સુસ્ત. જેને કામ કરવાનું મન ન થાય તે આળસુ અને વધારે પડતી આળસ હોય તે એદી ગણાય. એદી કામ કરે જ નહિ. ખરા એદી કોને કહેવાય એ દર્શાવતી એક કથા છે. દિલ્હીમાં બાદશાહ એક વાર ફરવા નીકળ્યો ત્યારે ચીંથરેહાલ હાલતમાં ત્રણ માણસને જોયા. શરીર પરની માખીઓ પણ નહીં ઉડાડી રહેલા આ ત્રણ શખ્સ એદી હોવાની બાદશાહને જાણ થઈ. કોઈ મોંમાં અન્ન મૂકે તો ક્યારેક આળસને કારણે એ ખોરાક ચાવે પણ નહીં. બાદશાહને પહેલા તો ક્રોધ ચડ્યો, પણ પછી દયાભાવ દેખાડી તેમને માટે એદીખાનું નક્કી કરી આપ્યું. તેમના ખોરાકની અને અન્ય મૂળભૂત જરૂરિયાતની વ્યવસ્થા કરી આપી અને બીજા કોઈ એદી નજરે પડે તો તેમને પણ એદીખાનામાં રાખવા એવી સૂચના આપી. દુર્ભાગ્યે એ જ વર્ષે દુષ્કાળ પડ્યો અને ઉદ્યમથી દૂર ભાગતા લોકોને બાદશાહના એદીખાનાની જાણ થઈ. રળવાની ઝંઝટ ન રહે અને વિનામૂલ્યે ભોજન મળી જાય એ ઈરાદે ઘણા લોકો ઢોંગ કરી એદીખાનામાં દાખલ થઈ ગયા. ધીરે ધીરે એદીઓની સંખ્યા બહુ વધી ગઈ અને રાજ્યની તિજોરી પર બહુ મોટો બોજ આવી ગયો. બાદશાહને ચિંતા થઈ અને આ ખર્ચ બહુ વધી શકે છે એ ખ્યાલ આવતા આ સમસ્યાનો નિવેડો લાવવા વજીરને ખરા એદીઓ સિવાય બાકીના બધાને બહાર કાઢવા કહ્યું. અકલમંદ વજીરે ચારે તરફ કાંટાના મોટા ઢગલા કરાવ્યા અને એક જ જગ્યાએથી જવા આવવાનો રસ્તો રાખ્યો. બીજે દિવસે વજીર બાદશાહને લઈને આવ્યો અને બધું સળગાવી નાખવાનો આદેશ આપ્યો. આળસુનો ડોળ કરીને આવેલા લોકો તો તરત ભાગવા લાગ્યા. બધા કાંટા સળગ્યા પછી છાપરું પણ સળગી ઊઠતા એદીખાનામાં કોઈ છે કેમ એ ચકાસવા વજીર અને બાદશાહ અંદર ગયા. જોયું તો માત્ર પેલા ત્રણ એદીઓ આળસુના પીરની માફક સૂતા હતા. માથા પર છાપરું બળતું જોઈ એક એદી બોલ્યો કે ‘દેખો યારો, કિસી કા ઘર જલ રહા હૈ.’ આ સાંભળી બીજો એદી બોલ્યો, ‘નૈન કૌન પસારે?’ (આંખ ઉઘાડીને કોણ જુએ?) આ સાંભળી ત્રીજો એદી બોલ્યો, ‘યાર, તને બોલવાની આળસ નથી આવતી?’ આ વાતચીત સાંભળી બાદશાહ ચકિત થઈ ગયો કે ઉપર છાપરું સળગે છે બળી મરવાની અણીએ છે ત્યારે આંખ ઉઘાડી જોવાને બદલે બોલવાની આળસની વાત કરે છે. ધિક્કાર છે તેમના જીવતરને. બાદશાહે તેમને ત્યાંથી હેમખેમ બહાર કાઢ્યા અને કહ્યું કે જો તમને કાઢ્યા ન હોત તો તમે બળી મરત. હવે આળસુનો જવાબ વાંચો. એદીઓએ જવાબ આપ્યો કે ‘અમે મુઆની આળસે જીવીએ છીએ, કારણકે અમે આળસુ હોવાથી મરવાનું પણ આળસ થતું હોવાથી અમે જીવીએ છીએ. બાકી જીવવાનું કોઈ કારણ નથી.’

राष्ट्र भाषा

ગયા અઠવાડિયે આપણે શબ્દ રચનામાં અને સાંભળવામાં ખૂબ સરખા હોવાનો ભ્રમ ઊભો કરતા કેટલાક હિન્દી શબ્દો અને એના અર્થથી માહિતગાર થયા. આજે એ ભ્રમ કથા આગળ વધારી એવા વધુ શબ્દો જાણી એના અર્થફેરને પણ તપાસીએ. અર્થમાં રહેલું અંતર આનંદ આપશે અને સાથે સમજણમાં વધારો સુધ્ધાં કરશે. ટૂંકમાં જ્ઞાન સાથે ગમ્મત. આજની પહેલી જોડી છે अनुताप और अनुपात । બંને શબ્દ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ત અને પ એ બે અક્ષરનો સ્થાનફેર થયો છે, પણ અર્થમાં ગજબનાક ફેરફાર જોવા મળે છે. अनुताप એટલે પશ્ર્ચાતાપ અને अनुताप એટલે પ્રમાણ. હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈના ફરકથી અર્થમાં થતા ગજબનાક ફેરફાર જાણીતા છે. દિન (દિવસ) અને દીન (ગરીબ) અત્યંત પ્રચલિત ઉદાહરણ છે. એક ઓછું જાણીતું ઉદાહરણ તપાસીએ अली और अलि અહીં પણ હ્રસ્વ અને દીર્ઘ ઇનો જ ફર્ક છે, પણ अली એટલે સખી અને अलि એટલે ભમરો. ભાવવિશ્ર્વને જોઈએ તો ભમરો સખી પાછળ પડતો હોય છે, બરાબર ને! આ ઉદાહરણને ઘણે અંશે મળતું આવતું ઉદાહરણ છે अलिक और अलीक. અહીં પણ સાધારણ તફાવત અર્થમાં મોટો ફેરફાર લાવે છે. अलिक એટલે કપાળ અથવા લલાટ જ્યારે अलीक એટલે મિથ્યા. કોઈ વાત મિથ્યા લાગે ત્યારે લલાટે – કપાળે હાથ મૂકવામાં આવતો હોવાનું તમે જોયું હશે. હવે એક ત્રિપુટી તપાસીએ : अवध, अवध्य, और अवध. જોઈ શકાય છે કે ત્રણેય શબ્દના પ્રથમ બે અક્ષર સરખા છે અને ત્રીજામાં નજીવો ફેરફાર છે, પણ ત્રણેયના અર્થમાં તો આસમાન જમીનનો તફાવત છે. अवध, એટલે અધમ અથવા હીન કક્ષાનું. अवध्य, શબ્દમાં અ નકારાત્મક ઉપસર્ગના અર્થમાં છે. વધ્ય એટલે વધ કરવા માટે અને અવધ્ય એટલે જેનો વધ ન થાય એવું, રક્ષણીય. ત્રીજો શબ્દ તો છેલ્લાં કેટલાંક વર્ષથી દેશભરની જનતાની જીભે રમતો થઈ ગયો છે. अवध એટલે અયોધ્યા. અયોધ્યામાં રામ મંદિરની ઉભારણીનું કામ પૂરું થવા આવ્યું હશે અને સમગ્ર દેશની મીટ અયોધ્યામાં બંધાયેલા રામ મંદિર પર હોવાની. અમિતાભ – હેમા માલિની પર ફિલ્માવાયેલું होरी खेले रघुवीरा अवध में होरी खेले रघुवीरा અહીં પણ અયોધ્યાનો જ અર્થ છે. અવધ શબ્દનો અન્ય અર્થ અવધિ પણ થાય છે.

अर्थपूर्ण म्हणी

થોડાક શબ્દોમાં કોઈ ગહન બાબત કે જીવનની ફિલસૂફી સરળતાથી સમજાવી દેવાની તાકાત મોટાભાગની ભાષાની કહેવતો અને રૂઢિપ્રયોગમાં જોવા મળે છે. પહેલી કહેવત પરથી આ વાતને સમર્થન
મળે છે.
कष्ट करणार त्याला देव देणार. મતલબ કે ઉદ્યમ કે મહેનત કરવાથી મુશ્કેલ કે અસાધ્ય લાગતું કામ પણ પાર પડી જતું હોય છે. ભગવાન પણ એવા લોકોની મદદે દોડી આવે છે. બીજી કહેવત છે जिच्या धरी ताक तिचे वरती नाक. અહીં આડંબર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. સમર્થ કે શ્રીમંત – ધનવાન વ્યક્તિ પોતાની સંપત્તિનો દેખાડો કરતી હોય છે એ વાત નાક પર ચોટેલી છાસના ઉદાહરણથી કરવામાં આવી છે. ज्वारी पेरली तर गहू कसा उगवणार? કહેવત તમને જાણીતી લાગી હશે. જુવારની વાવણી કરી હોય તો ઘઉંનો પાક થોડો ઉગે? એવા શબ્દાર્થ દ્વારા અનિષ્ટમાંથી ઈષ્ટ ન થાય કે ઈષ્ટમાંથી અનિષ્ટ ન થાય એ વાત સમજાવવામાં આવી છે. अंगात नाही बळ आणि चिमटा घेउन पळ પરિસ્થિતિનું વર્ણન કરતી કહેવત છે. દુર્બળ મનુષ્ય પાસે બળવાન વ્યક્તિ પર હુમલો કરવાની તાકાત – ક્ષમતા નથી હોતા. એટલે ચીંટિયો ભરી પોતાની ઈચ્છા પૂરી કરી ત્યાંથી નાસી છૂટે છે. अंधारात केले तरी उजेडात आले વાંચી તમને એવો જ અર્થ ધરાવતી ગુજરાતી કહેવત યાદ આવી જશે. ઉજેડાત એટલે અજવાળામાં. ચુપચાપ કે કોઈને જાણ ન થાય એ રીતે કોઈ કામ કર્યું હોય, એક દિવસ એની જાણ સાર્વજનિક સ્તરે થઈ જાય. પાપ છાપરે ચડી પોકાર્યા વિના રહે નહીં એનું સમરણ થઈ આવ્યું ને. करवतीची धार पुढे सरली तरी कापते मागे सरली तरी कापत કરવતની ધાર આગળ વધે તોય કાપે અને પાછળ સરકે તોય કાપે. એનો ગુણધર્મ કોઈ પણ અવસ્થામાં જળવાઈ રહે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે પ્રયત્નો કર્યા પછી પણ નુકસાન થતું હોય છે અને કશું ન કરવાથી પણ મુશ્કેલી ઊભી થતી હોય છે એ એનો ભાવાર્થ છે.

NOSE IDIOMS

દેશી ભાષાઓમાં નાકની કહેવતો તેમ જ એના રૂઢિપ્રયોગોથી વાકેફ થયા પછી હવે વિદેશી પણ વ્યવહારમાં ખૂબ જ મહત્ત્વ ધરાવતી એવી અંગ્રેજી ભાષાની કહેવતોમાં NOSE કેવું સ્થાન ધરાવે છે એના પર એક નજર નાખવાની મજા જરૂર પડશે. પહેલી અંગ્રેજી કહેવત છે Cut Off Your Nose to Spite Your Face. મતલબ કે To act in a proud way that ultimately damages your own cause. એવા અભિમાનમાં રાચવું કે જેનાથી જાતને જ નુકસાન થાય. We are aware that you’re angry because your junior was given the leadership, but don’t cut off your nose to spite your face. We still need you, and it’ll be better if you cooperate. તારા જુનિયરને લીડર બનાવ્યો એટલે તું નારાજ છે, પણ પોતાને ચડિયાતો માનીને રોફમાં રહેવાની જરૂર નથી. અમને તારી જરૂર છે અને તું સહકાર આપશે એ તારા હિતમાં હશે. બીજી કહેવત છે Have Your Nose in the Air જેનો ભાવાર્થ છે Have a snobbish or disdainful attitude. કોઈ વ્યક્તિ અહંકાર રાખી તોછડાઈથી વર્તે ત્યારે આ પ્રયોગ વપરાય છે. That girl has had her nose in their air ever since she moved from US to India. અમેરિકાથી ભારત પાછી ફરી ત્યારથી એ યુવતીના વર્તનમાં અહંકાર અને તોછડાઈ ભારોભાર જોવા મળી રહ્યા છે. Keep Your Nose Cleanમાં શરદીની કોઈ વાત નથી, હા. પ્રામાણિકતા સામે કોઈ આંગળી ચીંધે એવી પરિસ્થિતિ કે વર્તનથી દૂર રહેવું એ આ રૂઢિપ્રયોગનો ભાવાર્થ છે. ટૂંકમાં હાથ ચોખ્ખા રાખવાની વાત છે. There are all kinds of scams in business, but it’s better to keep your nose clean if you want to advance. સરળ ભાષામાં કહી શકાય કે બિઝનેસમાં જાતજાતનાં કૌભાંડો થતા રહે છે. જો વ્યવસાયમાં આગળ વધી તરક્કી કરવી હોય તો હાથ ચોખ્ખા રાખવા. આજની અંતિમ કહેવત છે Right Under One’s Nose. એટલે In an obvious location, yet overlooked. નિશ્ર્ચિત જગ્યાએ હોવા છતાં ધ્યાન બહાર રહી જવું એ એનો ભાવાર્થ છે. I looked all over for my keys, and they were right under my nose, in the center of my desk. ચાવી શોધવા હું ચારે તરફ ફાંફાં મારી રહ્યો હતો. જોકે, એ ચાવી મારી સામેના ટેબલ પર વચ્ચોવચ પડી હતી. ગુજરાતી કહેવત કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ યાદ આવી ગઈ ને!ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો