મોર્નિંગ મ્યૂસિંગ : બોડીગાર્ડનો સશક્ત ઈતિહાસ, મુઘલોનાં હરમની ઉર્દૂ બેગીસથી સલમાનના શેરા સુધી…

- રાજ ગોસ્વામી
ભારતમાં બોડીગાર્ડને કોઈએ `ફેમસ’ બનાવ્યા હોય તો એ છે એક્ટર સલમાન ખાન. પોતાની અંગત સુરક્ષામાં શેરા નામનો બોડીગાર્ડ એટલો જ જાણીતો છે જેટલો એક્ટર પોતે.
એમ તો વડા પ્રધાન મોદીથી લઈને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સુધી દરેક વીવીઆઈપી લોકોના બોડીગાર્ડ હોય છે, પરંતુ એ બધા ગુમનામ હોય છે. લોકોને એમના વિશે કશી જાણકારી નથી હોતી. માત્ર સલમાન ખાનના કિસ્સામાં જ એના બોડીગાર્ડનું નામ અને ચહેરો લોકોમાં જાણીતો છે.
હજુ હમણાં થોડા દિવસ પર શેરાના પિતાનું અવસાન થયું ત્યારે એના પરિવારજનોને સાંત્વન આપવા સલમાન એના ઘરે ગયો હતો. તે વખતે પણ શેરા મીડિયામાં છવાઈ ગયો હતો. ટૂંકમાં, શેરા પડછાયાની જેમ ગુમનામ નથી રહેતો. એ ખુદ સલમાનના ચાહકોમાં એક સેલિબ્રિટી સ્ટેટ્સ ભોગવે છે.
સલમાન અને શેરાનો સંબંધ માત્ર બોસ અને બોડીગાર્ડનો નથી. સલમાન ખાને ઘણી વખત કહ્યું છે કે એ શેરા પર ઘણો વિશ્વાસ કરે છે… તો ભાઈ જેવો છે અને અમારા પરિવારનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ છે. શેરાના દરેક કામને સલમાન ટેકો આપે છે. શેરા ખાન પરિવાર સાથે પણ એટલો જ જોડાયેલો છે.
શેરાનું સાચું નામ ગુરમિત સિંહ જોલી છે. છેલ્લાં 30 વર્ષથી એ સલમાન ખાનના અંગરક્ષક તરીકે કામ કરી રહ્યો છે. ખાનની સુરક્ષા ટીમનો એ વડો અને સલમાન ખાનનો અંગત અંગરક્ષક છે. 1987માં મુંબઈ જુનિયરનો એ ખિતાબ જીત્યો હતો અને 1998માં `મિસ્ટર મહારાષ્ટ્ર જુનિયર સ્પર્ધા’માં ઉપવિજેતા રહ્યો હતો. શેરા પોતાની ખાનગી સુરક્ષા કંપની પણ ચલાવે છે.
ભારતમાં બોડીગાર્ડની સંસ્કૃતિ નવી છે. ખાસ કરીને એંસી અને નેવુંના દાયકામાં મુંબઈ જેવા મહાનગરોમાં અપરાધીકરણ વધ્યું પછી પ્રાઈવેટ બોડીગાર્ડનું ચલણ વધ્યું હતું. ત્યાં સુધી માત્ર સાર્વજનિક જીવનને સમર્પિત લોકોને જ, જેમાં રાજકારણીઓ, રાજ્યના વડાઓ, મંત્રીઓ, સરકારી અમલદારો અને સુરક્ષા અધિકારીઓને સરકારી સુરક્ષા પ્રદાન થતી હતી.
ભારતમાં સરકારી બોડીગાર્ડની પહેલી વ્યવસ્થા 18મી સદીમાં અમલમાં આવી હતી. તે વખતે ભારતના ગવર્નર જનરલની સુરક્ષા માટે બોડીગાર્ડ નીમવામાં આવ્યા હતા, જે પાછળથી વાઇસરોય બોડીગાર્ડ અને પ્રેસિડેન્ટ બોડીગાર્ડ બન્યા હતા.
1773માં જ્યારે વોરેન હેસ્ટિંગ્સને ભારતના વાઇસરોય જનરલ બનાવવામાં આવ્યા ત્યારે એમણે પોતાની સુરક્ષા માટે એક રેજિમેન્ટની રચના કરી હતી. રેજિમેન્ટમાં યુદ્ધમાં કુશળ એવા 50 ઊંચા કદના સૈનિકો હતા અંગ્રેજો દ્વારા લગભગ 200 વર્ષની ગુલામી પછી, ભારત વર્ષ 1947માં સ્વતંત્ર થયું અને અંગ્રેજો કાયમ માટે અહીંથી ચાલ્યા ગયા. જોકે, આ રેજિમેન્ટે પોતાની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.
આમ તો બોડીગાર્ડની સંસ્કૃતિના જનક રાજા-મહારાજાઓ છે. ભારતમાં અને અન્ય સામ્રાજ્યોમાં શાહી અંગરક્ષકોનું ચલણ હતું. પ્રાચીન સમયમાં, રોમન સામ્રાજ્યમાં પ્રેટોરિયન ગાર્ડસ, પર્સિયન સામ્રાજ્યમાં પર્સિયન ઈમ્મોર્ટલ્સ અને ઓટોમન સામ્રાજ્યમાં જાનિસરીઝ નામના સુરક્ષાકર્મીઓ શાહી સમુદાયની સુરક્ષા કરતા હતા.
પ્રાચીન જાપાનમાં સમુરાઈ નામના યોદ્ધાઓ સુરક્ષાકર્મીની ફરજ બજાવતા હતા. આ સુરક્ષાકર્મીઓ સૈન્યમાંથી આવતા હતા. આધુનિક સમયની સિક્યુરિટી એજન્સીઓનો અવતાર આ પ્રાચીન વ્યવસ્થામાંથી થયો હતો.
સુરક્ષા સેવાઓના વિકાસની સાથે ગુપ્તચરોનો પણ ઉદય થયો. આ મરઘી પહેલી કે ઈંડું જેવો પ્રશ્ન છે. મહત્ત્વની વ્યક્તિને સુરક્ષિત રાખવાની હતી એટલે તેના પર જોખમને લગતી માહિતીઓ એકઠી કરવાની જરૂર ઉભી થઇ કે પછી જોખમની માહિતીઓ મળતી હતી એટલે સુરક્ષા કવચ બનાવવામાં આવ્યું તે કહેવું મુશ્કેલ છે.
`ધ સિક્રેટ વર્લ્ડ: એ હિસ્ટ્રી ઓફ ઇન્ટેલિજન્સ’માં લેખક ક્રિસ્ટોફર એન્ડ્રુએ દાવો કર્યો છે કે પશ્ચિમની દુનિયામાં જાસૂસીનો પ્રારંભ યહૂદી પયગંબર મોસેઝના નેતૃત્વમાં ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી સિનાઈ પર્વત તરફ ઉચાળા ભર્યા ત્યારે થયો હતો.
પ્રાચીન ગ્રીસમાં મહાન એલેકઝાન્ડરેની સેનાની એક નાનકડી ટુકડીને અંગત સુરક્ષા માટે રોકી હતી. એ `સોમાટોફીલેક્સ’ કહેવાતા હતા. તેમાં મેસેડોનિયન અશ્વસેનાના સાત ઉચ્ચ અધિકારી રહેતા હતા. તે સમયે આ સાત બોડીગાર્ડ આખી દુનિયામાં સૌથી તેજ અને સાહસિક ગણાતા હતા. રોમન રાજાઓએ ગ્રીસની આ અંગરક્ષક પ્રણાલી અપનાવી હતી.
થોડા દિવસ પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈંગ્લેંડના પ્રવાસે ગયા ત્યારે એમના અંગરક્ષકોની ટીમમાંથી એક મહિલા કમાન્ડોની તસવીર વાયરલ થઇ હતી. તેનું નામ અદાસો કાપેસા છે. મણિપુરની છે અને સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી)માં જોડાનારી પહેલી મહિલા છે.
રસપ્રદ વાત એ છે કે પ્રાચીન ભારતમાં પણ મહિલા બોડીગાર્ડની પ્રથા હતી. મૌર્ય સામ્રાજ્યમાં, ખાસ કરીને ચન્દ્રગુપ્ત મૌર્યના સમયમાં, મહિલાઓને શાહી સુરક્ષામાં રોકવામાં આવતી હતી. ગ્રીક ઇતિહાસકાર મેગાથેનેસ અને કૌટિલ્ય બંનેએ આ હકીકત નોંધી છે. તે માત્ર રક્ષકો જ નહોતી, પરંતુ કુશળ યોદ્ધાઓ પણ હતી અને હથિયારો ચલાવી શકતી હતી.
એક અન્ય ઈતિહાસ અનુસાર, ભારતના શાહી મહેલોમાં ક્નિનરોની ઉપસ્થિતિ નોંધાયેલી છે, પણ મહિલા અંગરક્ષકોની ખાસ નોંધ નથી. કહે છે કે આવી રક્ષકોને મધ્ય એશિયામાંથી ભારત લાવવામાં આવતી હતી. ભારત અને પર્સિયન મહેલોમાં પુષ રક્ષકોને પગ મૂકવાની ઈજાજત નહોતી એટલા માટે રાજાઓ અને રાણીઓની સુરક્ષા માટે મહિલાઓને નીમવામાં આવતી હતી. આવી રક્ષકોમાં સ્ત્રી જેવી નજાકત નહોતી. સંસ્કૃતમાં એના માટે `પુરૂષાયિતા’ શબ્દ છે- જે પુષ જેવી દેખાય છે તે.
ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનાર બાબરે ઈબ્રાહીમ લોધીને હરાવ્યો ત્યારે એ પોતાની સાથે એનું હરમ (સ્ત્રીઓનો કાફલો) લઈને આવ્યો હતો, જેના રક્ષણ માટે એણે મહિલા રક્ષકો નીમી હતી. આ મહિલાઓ સામાન્ય રીતે હબસી, તાતાર, તુર્ક અને કાશ્મીરી મૂળની હતી. પછીથી મુઘલ વંશ પરંપરામાં એને `ઉર્દૂ બેગીસ’ કહેવાતી હતી- ઉર્દૂ એટલે શિબિર અથવા દરબાર અને બેગીસ એટલે મહિલા સરદાર.
શબ્દની વાત નીકળી છે તો, અંગ્રેજી બોડીગાર્ડ અથવા હિન્દી અંગરક્ષકનો અર્થ થાય છે શરીરનું રક્ષણ કરવું. આજે વડા પ્રધાન જેવા વીવીઆઈપી લોકો બુલેટપ્રૂફ જેકેટ પહેરે છે તેવી રીતે અગાઉના સમયમાં રાજાઓ અંગોની રક્ષા કરે તેવાં વસ્ત્રો પહેરતા હતા. તેના પરથી ઉર્દૂ ભાષામાં `અંગરખા’ શબ્દ આવ્યો છે, જે મૂળ સંસ્કૃત અંગરક્ષાનો અપભ્રંસ છે.
અંગરખું છાતીથી ઘૂંટણ સુધી પહોંચતું એક લાંબું ભારતીય વસ્ત્ર છે, જે 19મી સદીમાં ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય હતું અને પશ્ચિમ ભારતના પુષો પણ થોડો બદલાવ કરીને તે પહેરતા હતા. અંગરખાના ઘણા પ્રકારો છે: ફ્રોક શૈલી, કમર સુધી લાંબી કમરપટ અને ઘૂંટણ સુધી પહોંચતું લાંબું અંગરખું. અત્યારે તો તે ફેશન તરીકે જોવામાં આવે છે, પરંતુ તે સમયે અંગરખાનો હેતુ શરીરનાં અંગોને એવી રીતે ઢાંકવાનો થતો હતો જેથી એના પર વાર કરી ન શકાય.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગઃ લિયોનાર્ડો દા વિન્સી: પરંપરાગત દુનિયામાં મિસફિટ હતો એટલે જ એનું સર્જન અનન્ય છે…