આદિ કવિ નરસિંહ મહેતા…

જવાહર બક્ષી
નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન અભૂતપૂર્વ, મૌલિક અને સાહિત્યિક નિપુણતાસભર છે. તેમનો જન્મ 1404થી 1414 વચ્ચે અને મૃત્યુ 1478-79માં થયેલ જણાય છે. તેમના સમય પૂર્વે ગુજરાતી ભાષામાં આવી પદ રચના મળતી નથી. ફાગુ અને રાસા કાવ્યમાંથી અલગ માધુર્ય અને ઓજસથી સભર તેમની રચનાઓ અદ્ભુત છે.
તેની પરાચેતનામાં જાગૃતિ આવી જે તેમના પદ ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’, ‘ઊંઘમાં અટપટા ભોગ ભાસે’માં વર્તાય છે. નરસિંહની સર્જકતાનું મૂળ આ ઋષિ તુલ્ય અવસ્થા છે. તેના આત્મચરિતનાં પદોમાં કહે છે.
‘અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો,
સૂતી ઊઠી મારી આદ્યવાણી’
આ આદ્યવાણી એટલે જે ઋષિઓની સમાધિ ચેતનામાં અપૌરુષય વેદ વાણી દેખાઈ – સંભળાઈ તે શ્રુતિની વાણી છે. તેથી જ તેના જ્ઞાનનાં પદો આજે પણ નિત્ય નૂતન લાગે છે. ઋષિઓની વેદવાણી ગુજરાતીમાં સહુ પ્રથમ નરસિંહ મહેતામાં પ્રગટી છે.
મારા અગાઉના સંશોધનમાં મેં પુરવાર કર્યું છે કે નરસિંહ વેદોતી જ્ઞાની, યોગી, ભક્ત અને નિપુણ કવિ હતો. ડો. શિવલાલ જેસલપરાએ 500 જેટલી હસ્તપ્રતોમાંથી 121 પ્રમાણિત હસ્તપ્રતોમાંથી 807 કાવ્યો નરસિંહના છે તેમ જણાવ્યું હતું. તેમાંથી આત્મચરિતનાં 109, ઝારીનાં 4, સુદામા ચરિતના આખ્યાનમાં 8, દાણલીલાનાં 12, કૃષ્ણજન્મ અને વાત્સલ્યના 32, ભક્તિ-જ્ઞાનનાં 65, શૃંગારનાં 473, પ્રકીર્ણ 38 તથા પરિશિષ્ટમાં 39 પદો છે.
આદ્યવાણીમાં જાગેલ નરસિંહની કાવ્ય પ્રતિભામાં સમગ્રતા છે. તેમાં ભાવ સૌંદર્ય, ભાવ સમૃદ્ધિ, તત્ત્વ ચિંતન, અધ્યાત્મ, વસ્તુ વિષયની વિવિધતા, રચનાનું કૌશલ્ય, શબ્દ વૈભવ, રસ, અલંકાર, કલ્પના, દૃષ્ટાંતની વિપુલતા અને ચમત્કૃતિ છે, તેથી અમુક પદો વિશ્ર્વ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી શકે તેમ છે. તેની ભાષા તત્સમ, તદ્ભવ અને બોલચાલના શબ્દોથી સરળ અને સોસરવી ઊતરી જાય તેવી છે.
કે. કા. શાસ્ત્રી કહે છે, ‘ગુજરાતી સાહિત્યમાં પ્રારંભ આપણે જયારથી માનતા હોઈએ ત્યારથી એમાં જો કોઈ અસામાન્ય પ્રતિભાશાળી કવિ અને એમાં પણ ભક્ત હોય તો એ નરસિંહ મહેતા છે.’ અનેક સરળ છતાં ભાવગંભીર વેદાંત પદોમાં સિદ્ધાંતોને પણ એણે જે સરળતાથી મૂકયા છે એમાં એણે જે કામ કર્યું છે તે કામ અદ્ભુત કર્યું છે. એનો જોટો ગુજરાતના અન્ય કવિઓમાં અખાના અપવાદે નથી.’
ડો. શિવલાલ જેસલપુરા કહે છે ‘નરસિંહ મહેતા ભારતના જ નહિ પણ જગતના ઉત્તમ સંત કવિઓની હરોળમાં બેસે એવા કવિ છે.’ એટલે રામનારાયણ પાઠક કહે છે ‘ભારતના સંત કવિઓની પરિષદ ભરાય તો એમાં ગુજરાત તરફથી નરસિંહને મોકલીએ? જરૂર મોકલીએ.’
નરસિંહનાં પદોના મુખ્ય વિભાગ કરીએ તો પહેલાં તેનાં આત્મ ચરિતનાં 109 પદો આવે. તેમાં શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી અને રાજાએ કેદમાં પૂર્યાં ત્યારે ભગવાને હાર પહેરાવેલો તે હારસમેનાં પદો છે. નરસિંહના બાપનું શ્રાદ્ધ, કેદારો ગીરવે મૂકવાના વગેરે પ્રસંગોનો કોઈ ઉલ્લેખ જ નથી તે માત્ર જનશ્રૃતિમાં વિલસે છે. આધારવાળી હસ્તપ્રતોમાં નથી.
નરસિંહ મહેતાના પરિવારનો ઈતિહાસ ઈ.સ. 1304ના પાટણના પતનથી શરૂ થાય છે. પાટણ જીત્યા પછી અલાઉદ્દીન ખીલજી મલિક કાફરને ગાદીમાં બેસાડે છે અને તેનું ખૂન થાય છે. આ બધી અફડાતફડીમાં ત્યારના શાસન અધિકારી (જેને આજના ઈંઅજ? અધિકારી કહી શકાય મુખ્યત્વે નાગર જ્ઞાતિના હતા. તેના વડા ભાણજી પંડ્યા જ્ઞાતિના વડીલોને બોલાવી અને કહે છે કે જે સંસ્કાર અને જીવનશૈલીને આપણે વરેલા છીએ તે હવે અહીં શકય નથી. સહુ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરવાનું સૂચવે છે. 68 કુળો આમ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ઊના વગેરે સ્થળોએ સ્થિર થયા. તેમના એક ગદાધર પંડયા તે વખતના તુલજાપુર – આજનું તળાજા આવે છે. ત્યાં નાગાર્જુન રાજા તેને મહત્તરની પદવી આપી દેખરેખનું કામ સોંપે છે. તે ઉપરથી એ પંડયાને બદલે મહેતા કહેવાયા.
આ ગદાધર પંડયાની 20મી પેઢીએ હું જવાહર બક્ષી વંશવૃક્ષ પ્રમાણે છું. ગદાધરના પુત્ર પુરુષોત્તમદાસ તેનો પુત્ર કૃષ્ણદાસના પુત્ર નરસિંહ મહેતા. આશરે નરસિંહના 16મે વર્ષે માણેકબાઈ સાથે લગ્ન, 18મે વર્ષે પુત્ર શામળશાનો જન્મ અને 20મે વર્ષે પુત્રી કુંવરબાઈનો જન્મ થયો જણાય છે.
નરસિંહ બાળપણમાં નાગરી પરંપરા પ્રમાણે પાઠશાળામાં સંસ્કૃત, વેદાંત અને કાવ્યશાસ્ત્ર શીખ્યો તથા ભગવદ્ ગીતા, ભાગવત અને નારદ તથા શાંડીલ્યના ભક્તિ સૂત્રોથી પરિચિત હોય તેમ જણાય છે.
નિજાનંદમાં મસ્ત એવા નરસિંહને બાળપણથી ભક્તિભાવ જાગ્યો અને તેણે ઉપનિષદમાં અભ્યાસ ઉપરાંત યોગનો અભ્યાસ કર્યો હોય તેવું ફલિત થાય છે. મેં નરસિંહ મહેતાની કવિતાના મૂળ દસ પ્રમુખ ઉપનષિદો, ભગવદ્ ગીતા, ભાગવત અને ભક્તિ સૂત્રો તેમજ 12મી સદીના કવિ જયદેવના પ્રખ્યાત ગીત ગોવિંદ કાવ્યમાંથી શોધી કાઢયાં છે.
નરસિંહનો આ નિજાનંદ તેને આજીવિકા કમાવવા પ્રત્યે ઉદાસ રાખવાનું કારણ બન્યો હોય તેવો સંભવ છે. એકવાર આ કે અન્ય કારણે ભાભીનાં કઠોર વચનો એટલાં અસહ્ય થયાં કે નરસિંહ ‘કાં હું નહીં કા મારો ભગવાન નહીં’ એવા ભાવથી તળાજાથી 13 કિલોમીટર દૂર એક જમાનાના ગોપનાથના અપૂજ શિવમંદિરમાં જાણે કમળપૂજા કરવા બેઠો હોય તેમ દૃઢ સંકલ્પથી શિવની આરાધના કરે છે.
સાત દિવસ અને સાત રાત પછી શિવ પ્રગટ થાય છે. અહીં શિવ એટલે શંકર નહીં પણ જેને માંડુકય ઉપનિષદ શાન્તમ્ શિવમ્ અધ્વેતમ્ ચતુર્થમ મન્યતે સ આત્મા સ વિગ્નેય: કહે છે તે પરમ શિવ જે પ્રત્યેક મનુષ્યની પ્રગાઢ અંતરતમ્ ચેતનામાં છે તે પ્રગટ થાય છે. નરસિંહનું પદ કહે છે તેમ અચેત ચેતન થયો એટલે એ એની પરા ચેતના જાગૃત થઈ.
શિવ તેને માગવાનું કહે છે. નરસિંહે ના કહ્યા પછી પણ શિવ માગવાનો આગ્રહ કરે છે ત્યારે નિષ્કામ નરસિંહ કહે છે ‘તમને જે વલ્લભ હોય જે સુલભ’ તે આપો. શિવ જાણે છે કે તેને કૃષ્ણલીલા પ્રિય છે. તેથી નરસિંહને રાસલીલાનાં દર્શન કરાવે છે. આ બીજી જાતનો સાક્ષાત્કાર છે. જે સાકાર છે.
ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં અર્જુનને જેમ શ્રીકૃષ્ણના વિશ્ર્વરૂપનું દર્શન થાય છે તેમ નરસિંહ પોતાના દેહની બહાર ચિન્મય પ્રકાશ એટલે કે હિરણ્યગર્ભના તેજથી સર્જાયેલી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાનાં દર્શન કરે છે. તે એ વિષે તેના પદમાં કહે છે ‘દેહદશા ટળી, માંહે રહ્યો ભળી’, અને ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’, ‘રાસમંડળ રચ્યું, વૃંદાવન મચ્યું’ વગેરે અભિવ્યક્તિઓથી સ્પષ્ટ આલેખ આપે છે.
જેમ અર્જુનની ‘જ્ઞાતુમ, દૃષ્ટુમ, પ્રવિસ્ટુમ’ તેમ નરસિંહ પહેલાં સતભાન થાય છે. પછી લીલા જુએ છે અને પછી તેમાં પોતે ગોપીરૂપે પ્રવેશ કરે છે. છેલ્લે કહે છે ‘મુહરતે એકમાં ભૂતલે આવીયો’ અને ‘સાચું સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું’ જેવી પંક્તિથી જેમ કૃષ્ણએ વિશ્વરૂપ સંકેલ્યું અને અર્જુન હોશમાં આવ્યો તેવી નરસિંહની સ્થિતિ છે.
આમ ઈશ્વરની પ્રાપ્તિ કરી પાછો ઘરે આવી ભાઈ-ભાભીને પગે લાગી જૂનાગઢમાં સ્થળાંતર કરે છે. ત્યાં તેની કાવ્યયાત્રાનો આરંભ થાય છે.
‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવાં પદોમાં વેદ-વેદાંતના સાર આપી દે છે. આખું બ્રહ્માંડ એક જ તત્ત્વ શક્તિથી બન્યું છે અને ઈશ્વર બ્રહ્માંડના પ્રત્યેક કણમાં વ્યાપી રહ્યો છે.
‘પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યા, અણુ અણુમાંહી રહ્યાં રે વળગી’ સહુને ગળે ઊતરી જાય તેવી રીતે કહે છે કે ‘ધાટ ઘડીયા પછી નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે’. આ ઉપરાંત ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાશે’ અથવા ‘નિરપે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ જેવાં ઉત્તમ પદોથી ગુજરાતની ભાષાની શબ્દ ચેતના, 95 ચેતના અને કાવ્ય ચેતનાને જાગૃત કરી સહીઓ સુધી વહાવે છે.
‘પઢો રે પોપટ રાજા રામના’ પદમાં પોપટ માટે લીલા વાંસ વઢાવી રૂડું પાંજરું બનાવી હીરા રત્નથી સજાવવાને કહે છે અને પોપટ તારે કારણે શી શી રસોઈ રંધાવું? સાકરના કરી ચૂરમા ઉપરથી ઘી પીરસાવું. જેવી રૂપક રચના કહે છે. પોપટનો આહાર ઉપર ઘીનું ચૂરમું નથી. પણ ભારતીય પરંપરામાં અબુધ જીવ ને પોપટ, રસિક જીવને મોર, જ્ઞાની જીવને હંસ અને જે પરમાત્માને સાંગોપાંગ પામી ગયાં છે તેને પરમહંસ કહેવાય છે!
અહીં નરસિંહ કહે છે કે તેને શબ્દ, ર્સ્પશ, રૂપ, રસ અને ગંધના બધા ભોગ આપું પણ શરત એ છે કે ‘પઢો રે પોપટ રાજા રામના’ એવો જીવનમાં પરમાત્માને પ્રધાન લક્ષ્ય બનાવી જીવનનો રોજીંદો વ્યવહાર ગોઠવવાની સલાહ આપે છે.
નરસિંહ યોગનાં અનુભવનાં અનેક પદો છે. ‘ધ્યાન ધર ઘર નેત્રમાં નાથ છે’. અંતરભાળની એક સુરતીમાં યૌગિક નિરાકારનું ધ્યાન છે તો ધ્યાન ધર ધ્યાન ધર નંદના કુંવરનુંમાં સાકાર કરવાનું રૂપ ધ્યાન કરવાનું કહે છે તેના ‘જળકમળ છાંડી જાને બાળા પદ’માં આ કુંડલીની યોગ છે. જ્યારે કમળ અને નાગણનો સંદર્ભ સાથે આવે ત્યારે યોગ, હઠયોગ, કબીરપંથ, હિંદુ, જૈન કે બૌદ્ધ તંત્ર ગ્રંથો, રવિભાણ સંપ્રદાયથી લઈ શ્રી વિદ્યામાં એક જ અર્થ થાય છે. કુંડલીની યોગ.
મૂળાધારમાં કુંડલીની જાગૃત થાય ત્યારે ભયનો નાશ થઈ અભય પામે છે. પણ સ્વાધિષ્ઠાન કમળમાં જીજ્ઞાસા જાગૃત થાય છે ‘કહે રે બાળક તું મારગ ભૂલ્યો.’ પછી જ્યારે નાભિકમળમાં કુંડલીનો વિકાસ કરે છે ત્યારે ‘રંગે રૂડો, રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો તેવી કામની લાલચ આપે છે. યોગેશ્વર આગળ વધતાં હૃદયકમળમાં મોહના સ્થાને ‘તારી માતાએ કેટલા જન્મ્યા’ કહી ફસાવવાનો પ્રયત્ન કરે છે. છેલ્લે કંઠ કમળમાં ‘લાખ સવાનો મારો હાર આપું આપું રે તુંજને દોરીયો’માં લોભથી રોકવાનાં પ્રયત્ન કરે છે. અહીં પણ રૂપક છે.
નાગણ નવલખો હાર પ્હેરે તો એનું ડોકું કપાઈ જાય. અહીં લોભથી લલચાવી કૃષ્ણને રોકવા પ્રયત્ન કરે છે. હારી ને નાગને જગાડે છે ‘બેઉ બળીયા બાથે વળગ્યા કૃષ્ણે કાળી નાગ નાથ્યો’ માં ક્રોધને જીતી આજ્ઞા ચક્ર કે આજ્ઞા કમળમાં જેને શિવનું ત્રીજું નેત્ર કહેવાય છે, જ્યાંથી શિવ કામદેવના કામને ભસ્મ કરે છે. હવે નાગ હારી જાય તો ઢીલો ઢફ થઈ જાય. પણ અહીં નરસિંહ કહે છે ‘સહસ્ત્ર ફેણાં ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો’ એ આઠમે કમળ જેને ગગનમંડળ કહેવાય છે. ત્યાં અંતિમ વિજય થાય છે અને બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.
વળી છેલ્લે સ્વામી બદલાઈ જાય છે! શરૂમાં ‘સ્વામી અમારો જાગશે’. અહીં નાગણોનો સ્વામી કાળી નાગ છે. છેલ્લેે ‘બેઉ કર જોડી વિનવે, સ્વામી!’ મૂકો અમારા કંથને અહીં સ્વામી કૃષ્ણ છે અને કાળી નાગ કંથ છે. ‘જે સંસારના વિષય અને મોહનો પાશ છે. જ્યારે જીવન- જળ વહાવતી યમુનામાં તમારા સ્વામી કાળી નાગ છે. ત્યારે તમે પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફ ઘસડાવ છો. જ્યારે તમારો સ્વામી કૃષ્ણ થઈ જાય છે ત્યારે તમને અમરતા મળે છે.’
આવાં બીજાં પદો પણ છે ‘રાતલડી અંધારી…’ પદમાં અનેક કમળ રે બાઈ મારે વિકસ્યા રે મધુકર પામ્યા છે મોખ (મોક્ષ) અને ત્યાં નિરખ્યા રે બ્રહ્માદિકના ભૂપ અને આજ સખી શ્રી વૃંદાવનમાં પદમાં કહે છે ‘જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તી તુરીયા ઉન્મની તાળી લાગી રે, ત્રિગુણ રહિત થયું મન મારું, મનની ભ્રમણા ત્યાં ભાંગી રે, જ્યંહાં જયંહા દૃષ્ટિ પડે મારી સજની મુક્તિ તણાં સર્વે મોતી રે’ જેવી બે ને બે ચાર જેવી યોગ એટલે કે જીવન-શિવના ઐક્યની અનુભૂતિ નરસિંહને થઈ તેનાં ગાન છે!
ચમત્કારના પ્રસંગો વિષે વાત કરવા જેટલો અવકાશ નથી, પણ લગ્ન પછી શામળશાનું મૃત્યુ અને પછી પત્ની માણેકનું મૃત્યુ તેને જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પ્હોંચે તથા ‘સુખ દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડીયાં’ જેવાં પદો આપે છે.
નરસિંહની ચેતનાની સ્થિતિ ભાગવતના વકતા અને નિર્મળ સંતોમાં શિરમોર ગણાતા શુકદેવ જેવી છે. જેમ ભાગવતમાં જ્ઞાન, ભક્તિ અને શૃંગાર છે તેમ નરસિંહ પદોમાં પણ સાક્ષાત્કાર પછી અચેત ચેતન થયો ભવતણો અધ ગયો એટલે કે મારી પરા ચેતના જાગ્યા પછી મારા મનનો મેલ અને જન્મોજન્મના કર્મનો કલેશ નીકળી ગયો તેમ કહે છે કે તેના ચાતુરીનાં શ્રૃંગાર પદોની ભૂમિકા આપતા કહે છે કે ‘મન, કર્મ, વચન, ચાતુરી, અગમ અગોચર જેહ’ છે. બ્રહ્મવાદ તિબૌધ છે તેહને સમજશે કોણ પછે’
‘એવું નૌતમ યૌવન શ્રી વૃંદાવન શોભા જેવી વયણે (વાણીમાં) ન સમાય, સંસારમાં સમ્મુખ કહે તો સ્તુતિ ટળી નિંદા થાય એટલે નિર્ગુણ બ્રહ્મની વાત કરું તો તમને ગતાગમ નહીં પડે અને રાધા-કૃષ્ણની લીલામાં જીવ-શિવની વાત કરું તો તેના શૃંગાર કાવ્યોથી તમે મારી ટીકા કરશો.
આ જ કારણથી રાજા રા’માંડલિક લોકોની ફરિયાદ સાંભળી નરસિંહને જેલમાં પૂરે છે અને તેની ભક્તિનો પુરાવો માગે છે. નરસિંહ ક્રાંતિકારી કવિ છે. રાસલીલાની સમાપ્તિ વખતે જતાં જતાં કૃષ્ણ નરસિંહને કહે છે કે આ લીલાઓનું વર્ણન તું કરજે. ‘પ્રગટ ગાજે તુને વચન દીધું’. નરસિંહનાં શૃંગાર કાવ્યનું પ્રયોજન કૃષ્ણની આજ્ઞા છે. તેથી તે નાગરી નાતની પરવા નથી કરતો. હરિજન વાસમાં જઈ સમાજના અશ્પૃશ્યતાનાં બંધનો ફગાવી જ્ઞાન-ભક્તિનાં ગીતો ગાય છે. રાજદંડની પરવા પણ નથી કરતો.
ઈશ્વરને પણ કહે છે, ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં. હું હઈશ તિહાં લગી તું રે હઈશ હું જતે તું ગ્યાં અર્નિવાચી રહ્યો, હું વિના તું તને કોણ કહેશે’ નરસિંહની ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ કાવ્યસરિતા પર આજે અનેક વટવૃક્ષો મ્હાલે છે. જય હો.