ઉત્સવ

હેં… ખરેખર?! : યુવતીનાં આંચકાજનક પ્રયોગે અનેકને સાવ ઉઘાડા પાડ્યા…

  • પ્રફુલ શાહ

હા, મરીના અબ્રામોવિક એક યુગોસ્લાવિયન કલાકાર છે. કલાકાર હોવા સાથે તેમણે ઊંડાણપૂર્વક મનોવિજ્ઞાન, ફિલોસોફી અને સંપૂર્ણ જીવન વિશે ખૂબ મનન કર્યું, વિચાર કર્યો. આ બધાના ફળસ્વરૂપે તેમણે એક પ્રયોગ કરવાનું વિચાર્યું. સર્બિયાના બેલગ્રેડમાં 1946ની 30મી નવેમ્બરે જન્મેલાં મરીનાનું બાળપણ જરાય સુખદ નહોતું. એક તો મા-બાપમાં અણબનાવ અને પાછાં માનો મરીના સાથે અત્યાચારભર્યો વર્તાવ.

આ બધાએ તેમનાં બાળ-મન પર ભારે અને ભૂંડી અસર કરી. માંડમાંડ બાળપણ વિતાવીને ફાઈન આર્ટસનું શિક્ષણ લીધું. સ્ટેજ પર પર્ફોર્મન્સ કરવા માંડ્યા. આના ભાગરૂપે ક્યારેક તેમને કલાકો સુધી પ્રેક્ષકો સામે ચૂપચાપ પૂતળાની જેમ ઊભાં રહેવું પડતું હતું.

આ અનુભવના પ્રતાપે તેમનાં મનમાં એક અકલ્પ્ય વિચાર સ્ફૂર્યો. હકીકતમાં એ પર્ફોર્મન્સ એક પ્રયોગ, ખૂબ અધૂરો પ્રયોગ હતો. આ પ્રયોગે તેમને વિશ્વભરમાં જાણીતા બનાવી દીધા પણ આ માટે કેવું- કેટલું સહન કરવું પડ્યું એ જાણીને ય કમકમા આવી જાય તો મરીના પર શી વીતી હશે? આ પ્રયોગે માનવીની અંદરના સાચા માનવીને ઉઘાડા પાડી દીધા અને તેની શારીરિક, માનસિક નબળાઈ-ગંદકીને પણ ઉજાગર કરી આપી હતી.

મરીના અબ્રામોવિકે આ આંચકાજનક પ્રયોગ માટે પસંદગી ઉતારી ઈટલીના શહેર પર. તેમણે આ પ્રયોગને નામ આપ્યું ‘રિધમ ઓ’ (Rhythm O). મરીના છ કલાક પૂતળું બનીને ઊભાં રહી ગયાં. તેમણે બાજુમાં એક બોર્ડ પર લખ્યું: આગામી છ કલાકમાં આપ મારી સાથે જે ઈચ્છો એ કરી શકો છો. આ માટે આપનો કોઈ વાંક કે ગુનો ગણાય નહીં.

આ સાથે તેમણે સામે એક ટેબલ પર 72 (હા, છ ડઝન) ચીજ રાખી હતી. આમાં ફૂલ, સાબુ, રૂમાલ, વાળમાં નાખવાની ક્લિપ, બ્લેડ, ચાકુ, ચેન, હથોડો, કાતર, કોરડો અને પિસ્તોલ જેવી વસ્તુઓ હતી. જેનો કોઈ ઈચ્છે તો ઉપયોગ કરી શકે એવી મંજૂરી અપાઈ હતી.

‘રિધમ ઓ’ના પર્ફોર્મન્સનો સમય હતો રાતે આઠથી બે વાગ્યાનો. કલ્પના કરો કે કોઈ યુવતી ઊભી છે, એની સાથે જે કરવું હોય એ કરવાની છૂટ છે, એ પ્રતિકાર કરવાની નથી, બૂમાબૂમ-ફરિયાદ પણ નહીં કરે. તમારા પર દોષારોપણ પણ નહીં થાય કે કોઈ સજા ન થવાનીઆગોતરી બાહેંધરી હોય. આવા સંજોગોમાં માનવી કેવું વર્તન કરે? મગજ પર ભાર મૂકો અને વિચારી રાખો પછી આગળ જાણો કે મરીના સાથે શું-શું થયું હતું.

શરૂઆતમાં કોઈકે એમને ઊંધા ફેરવી દીધાં. કોઈકે એના હાથને હવામાં ઉછાળ્યાં. તો કોઈકે શરીરના અયોગ્ય સ્થળે સ્પર્શ કરવાની ચેષ્ટાં કરી, પરંતુ મરીના કોઈ પ્રત્યાઘાત ન આપે. લોકોની હિમ્મત વધવા માંડી. કોઈકે એનાં વસ્ત્રો બ્લેડથી કાપી નાખ્યા. ચોથા કલાકમાં અમુક લોકો એનાં શરીર પર બ્લેડ ફેરવવા માંડ્યા, પછી નાના-મોટા જાતીય છમકલાં-કુચેષ્ટાં થવા માંડી, પરંતુ મરીના એકદમ ચૂપ રહ્યાં. કોઈ પ્રતિભાવ ન આપ્યાં.

છ કલાક વિત્યા એટલે કદાચ ઊભાં રહીરહીને થાકેલાં મરીના લોકોની વચ્ચે ચાલવા માંડ્યા, પરંતુ કોઈ એમની સાથે આંખ મિલાવવા તૈયાર નહોતું. ભલે સંપૂર્ણ છૂટ અને અભયવચન હોવા છતાં ઘણાંને મનોમન થતું હતું કે પોતે ખોટું કર્યું, ભૂલ કરી નાખી. મરીનાએ પોતાના શરીરને સમાજ સમક્ષ એક નિર્જીવ સાધન તરીકે રજૂ કર્યું, જે અંદરોઅંદર બધું અનુભવતું હતું.

હકીકતમાં એમની નેમ સામાજિક મર્યાદા અને સ્વતંત્ર ઇચ્છાશક્તિની પરીક્ષા લેવાની હતી. આમાં સમય વીતવા સાથે પ્રેક્ષકો અસાધારણ વર્તન કરવા માંડ્યા અને હિંસક બનવા લાગ્યા હતા. એકે એની ડોક પર કાપો કર્યોં, તો બીજાએ લિપસ્ટિકથી એના મસ્તક પર લખ્યું ‘અંત’. આની પરાકાષ્ઠા તો એ હતી કે એક વ્યક્તિએ તો પિસ્તોલ લોડ કરીને મરીનાને ઈશારો કર્યોં: મરવા તૈયાર થઈ જાઓ.

આપણ વાંચો:  ઈકો-સ્પેશિયલ: વીમા પોલિસીમાં કયા કયા લાભ કવર થયા છે એ તમને ખબર હોય છે ખરી?

અલબત્ત, બધા દર્શકો ખરાબ નહોતાં. અમુક એમને નુકસાન પહોંચાડવા ઉતાવળા હતા, તો બાકીના એને બચાવવા તત્પર હતાં. આ પ્રયોગ હાથ ધરવા અગાઉ મરીના સુપેરે જાણતાં હતાં કે આમાં ખૂબ જોખમ છે.

આ પ્રયોગથી સાબિત થયું કે માનવ મનનું સ્તર કેટલું નીચું, નિંદનીય, છે. સંપૂર્ણ છૂટ મળે તો સામાજિક સ્તર બધી સીમા તોડી નાખે છે. આમાં માનવજીવનમાં સ્વતંત્રતા, જવાબદારી, અધિકાર અને સન્માનની આવશ્યકતા-અનિવાર્યતા પ્રતિબિંબિત થાય છે. આપણે પોતાની અંગત દબાવી રાખેલી ઈચ્છા અને પસંદગી પર કેટલી હદ સુધી અંકુશ રાખી શકીએ?

જો બેફામ છૂટ હોય, નિંદાનો ડર ન હોય અને સજાની ફિકર ન હોય તો માનવી (મોટાભાગના રાખીએ?) પશુથીય બદતર બની જાય છે. આમાં તો લાગે કે અંકુશ, કાયદા, સજા અને મુખવટા ભલે ગમે તેના હોય એ ખૂબ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button