નવી બાબરી મસ્જિદ બાંધવાનો ખેલ ખતરનાક…

અયોધ્યામાં ઐતિહાસિક બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ પછી ત્યાં રામમંદિરનું નિર્માણ થયું એ વખતે દેશની હિન્દુ-મુસ્લિમ પ્રજા વચ્ચે ગજબનો વાદવિવાદ સર્જાયો હતો. સમય જતાં એ માંડ માંડ શમી રહ્યો છે ત્યાં નવી બાબરી મસ્જિદ બાધવાની યોજનાથી જૂની નફરતના ભૂતને ધુણાવવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે, જે દેશની કોમી એકતા માટે ખતરનાક છે…
કવર સ્ટોરી – વિજય વ્યાસ
તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા હુમાયુ કબીરે પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણનો પાયો નાખ્યો ને એ સાથે ‘તહરીક મુસ્લિમ શબ્બન’ નામની સંસ્થાના મુશ્તાક મલિકે હૈદરાબાદમાં ‘બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલ્ફેર ઇન્સ્ટિટ્યુશન’ બનાવવાનું એલાન કર્યું એ સાથે જ બાબર ફરી ચર્ચામાં ચઢી છે.
6 ડિસેમ્બર, 1992ના રોજ હિંદુવાદી સંગઠનોની કારસેવા દરમિયાન બાબરી મસ્જિદનો ધ્વંશ કરી દેવામાં આવ્યો તેની 33મી વરસીએ હુમાયુ કબીરે તો મુર્શિદાબાદમાં મસ્જિદનો પાયો પણ નાંખી દીધો. લાખો મુસ્લિમોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કરોડોનું દાન હુમાયુ કબીર માટે એકઠુ પણ કરી આપ્યું. હુમાયુ કબીરે મસ્જિદનો પાયો નાખ્યો એની સાથે વધું દાન મેળવવા એ સ્થળે દાનપેટીઓ પણ મૂકી છે.
કબીરના દાવા પ્રમાણે, દેશભરમાંથી સામાન્ય મુસ્લિમો આવીને દાનપેટીમાં રકમ નાંખી જાય છે અને અત્યાર સુધીમાં 6 કરોડ રૂપિયાનું દાન બાબરી મસ્જિદ માટે મળી ગયું છે. આ નવી ‘બાબરી’ મસ્જિદ નિર્માણ માટે લોકો સોના-ચાંદીના દાગીના પણ મોકલી રહ્યા છે. એક વ્યક્તિએ તો પોતે એકલા 1 કરોડ રૂપિયાનું દાન આપવાનું એલાન કર્યું છે. આ દરમિયાન ‘પશ્ર્ચિમ બંગાલ ઈસ્લામિક ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા’ નામનું સંગઠન આ પ્રોજેક્ટ સાથે જોડાયું છે.
આ સંગઠન વિદેશથી દાન લઈ શકાય એ માટેની મંજૂરી મેળવવામાં પડ્યું છે. આ મંજૂરી મળશે તો વિદેશથી પણ બાબરી મસ્જિદ માટે દાનનો પ્રવાહ શરૂ થશે. હુમાયુનો દાવો છે કે, સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, અમેરિકા, યુકે, કેનેડા સહિતના દેશોમાંથી દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતા ફોન આવી રહ્યા છે તેથી મસ્જિદના નિર્માણ માટે જરૂરી રકમ કરતાં વધારે રકમ આ દાનથી જ ઉભી થઈ જશે.
હૈદરાબાદમાં મસ્જિદ બનાવવાની જાહેરાત કરવામાં આવે છે, પણ હજુ સુધી એ દિશામાં કશું થયું નથી પણ કબીરના પ્રોજેક્ટને મળી રહેલા પ્રતિસાદને જોતાં હૈદરાબાદના પ્રોજેક્ટમાં પણ મુસ્લિમોને રસ પડી શકે છે. હૈદરાબાદમાં પણ મસ્જિદ નિર્માણ માટેની જગા નક્કી થાય તો આવો જ પ્રતિસાદ મળે એવું બની શકે. હૈદરાબાદમાં મુસ્લિમ વસતિ નોંધપાત્ર છે અને મુસ્લિમ મતબેંક માટેનું રાજકારણ પણ જોરશોરથી ચાલે છે તેથી આ મસ્જિદમાં પણ મુસ્લિમોને રસ પડશે તેમાં બેમત નથી.
હુમાયુ કબીરે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બાંધવાનો પાસો રાજકીય ફાયદા ખાતર ફેંક્યો છે એ કહેવાની જરૂર નથી. પશ્ર્ચિમ બંગાળમાં 30 ટકા વસતિ મુસ્લિમોની છે તેથી વિધાનસભાની ચૂંટણી જીતવામાં મુસ્લિમ મતો નિર્ણાયક છે. બંગાળમાં એક સમયે મુસ્લિમ મતબેંક પર ડાબેરીઓનો કબજો હતો પણ મમતાએ ધીરે ધીરે આ મતબેંક કબજે કરી લીધી છે તેથી છેલ્લી કેટલીક ચૂંટણીઓથી મુસ્લિમ મતો મમતા બેનરજીની ‘તૃણમૂલ કૉંગ્રેસ’ને મળતા રહે છે. કૉંગ્રેસ અને ડાબેરીઓએ એક થઈને મમતા પાસેથી મુસ્લિમ મતબેંક છિનવી લેવા બહુ મથામણ કરી પણ સફળતા મળી નથી. ભાજપ પણ મમતાને મુસ્લિમોનાં હમદર્દ અને હિંદુ વિરોધી ચિતરીને હિંદુઓ સાગમટે પોતાને મત આપે એ માટે મથે છે, પણ ભાજપ પણ ફાવતો નથી.
હુમાયુ કબીર મમતા બેનરજી તરફથી મુસ્લિમ મતબેંકને પોતાની તરફ વાળવા માટે બાબરી મસ્જિદનું પત્તુ ઉતર્યાનું છે. પોતાના રાજકીય ફાયદા માટે આ ખેલ કરી રહ્યા છે એવી વાતો થાય છે, પણ આ વાતોમાં દમ નથી. કૉંગ્રેસ-ડાબેરી કે ભાજપ બેમાંથી કોઈનું પ્યાદું બનીને વર્તી રહ્યા હોય એવી પૂરી શક્યતા છે. કબીરનો પ્રભાવ મુર્શિદાબાદથી બહાર નથી તેથી એ મોટા નેતા નથી પણ બાબરી મસ્જિદના નામે એ બંગાળના મુસ્લિમોને પોતાની તરફ આકર્ષી શકશે એવી ગણતરી તેમને ચાવી મારનારા પડદા પાછળના ખેલાડીઓએ માંડી હોય એ શક્ય છે.
ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચેની નફરત દૂર કરવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે કેમ કે કોઈ એકબીજાને અવગણી શકે તેમ નથી. ભારતમાં હિંદુ અને મુસ્લિમો બંનેએ સહઅસ્તિત્વ જ અંતિમ સત્ય છે એ સ્વીકારવું પડે. બહુમતી પ્રજા એ સ્વીકારીને જીવે છે, પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે તેમાં ડખા ઊભા કર્યા કરે છે. હુમાયુ કબીરે બાબરી મસ્જિદના નામે એ જ ખેલ શરૂ કર્યો છે ત્યારે આ ખેલ આગળ જતા ખતરનાક ન બની જાય એ જોવું જરૂરી છે.
ભાજપ કે ડાબેરી-કૉંગ્રેસમાંથી કોણ આ ખેલ ખેલી રહ્યું છે એ ખબર નથી પણ આ ખતરનાક ખેલથી સાવ ભૂલાઈ ગયેલો બાબર ફરી જીવંત થઈ જશે. હુમાયુ કબીરની બાબરી મસ્જિદ બ્લોકબસ્ટર સાબિત થાય એવાં એંધાણ અત્યારથી જ મળી ગયાં છે તેથી દેશમાં બીજે પણ બાબરી મસ્જિદ બાંધવા માટે મતોના ગીધ એવા નેતાઓ મેદાનમાં આવશે. અત્યારે હૈદરાબાદ અને મુર્શિદાબાદ એમ બે જ સ્થળે બનનારી બાબરી મસ્જિદો દેશભરમાં ફેલાશે.
આ ટ્રેન્ડના કારણે બાબરીના નામે ચરી ખાઈને દેશમાં મુસ્લિમ મતોના ધ્રુવીકરણ કરવાનું એવું ગંદુ રાજકારણ શરૂ થશે કે જે દેશ માટે ખતરનાક સાબિત થશે. મમતા બેનરજીને હરાવવાના ઉદ્દેશથી બાબરીને ફરી જીવતો કરનારા ટૂંકા ગાળાના ફાયદા માટે હલકી કક્ષાનું રાજકારણ રમીને દેશની બહુ મોટી કુસેવા કરી રહ્યા છે.
આ રાજકારણ કોઈ મહાન મુસ્લિમ નેતાના નામે રમાતું હોત તો પણ વાંધો નહોતો, પણ બાબર જેવો વિદેશી આક્રમક મુસ્લિમ બાદશાહ આ દેશના મુસ્લિમોનો હીરો બને તેનાથી વધારે મોટી કમનસીબી બીજી કોઈ ના હોઈ શકે. સત્તા ખાતર તેણે મંદિરો તોડીને મસ્જિદો બનાવીને આ દેશમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચેની નફરતની ખાઈને પહોળી કરી હતી, ભારતમાં બાબર જેવા મુસ્લિમ આક્રમણખોરોના કારણે ઈસ્લામ આવ્યો અને ધર્માંતરણ શરૂ થયું. અગિયારમી સદીથી શરૂ થયેલા આ સિલસિલાને બાબરે આગળ ધપાવ્યો હતો એ હકીકત ભૂલી જવી સહેલી નથી.
અયોધ્યામાં બનનારી નવી મસ્જિદમાં કોઈને રસ નથી!
સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે અયોધ્યામાં તોડી પડાયેલી બાબરી મસ્જિદના વળતર રૂપે મુસ્લિમોને નવી મસ્જિદ બનાવી આપવાનું ફરમાન પણ કરેલું. અયોધ્યાના ધન્નીપુરમાં બાંધવામાં આવનારી મુહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ માટે જમીન ફાળવાઈ છે, પણ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના બદલે બનનારી આ ‘અયોધ્યા મસ્જિદ’ના બાંધકામ માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
આ મસ્જિદની સાથે જ હૉસ્પિટલ અને કોમ્યુનિટી કિચન પણ બનશે કે જ્યાં સૌને ભોજન મળશે એવી યોજના છે. આ નવી મસ્જિદનું નિર્માણ ‘ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IIFC)’ કરી રહ્યું છે, મસ્જિદનું નિર્માણ 2026ની શરૂઆતમાં શરૂ થવાની અપેક્ષા છે.
પણ દેશની મુસ્લિમ પ્રજાએ આ નવી મસ્જિદ વિશે કોઈ વિશેષ ઉમળકો દેખાડ્યો નથી.
એક તરફ આવો સિનારિયો છે તો બીજી તરફ હુમાયુ કબીરની મુર્શિદાબાદમાં બનનારી મસ્જિદના કાર્યક્રમમાં હજારોની ભીડ ઉમટી પડી. લોકો સેંકડો કિલોમીટર ચાલીને અને માથે ઈંટો મૂકીને મસ્જિદ નિર્માણ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા તેના પરથી લાગે છે કે, ભવિષ્યમાં મુર્શિદાબાદની બાબરી મસ્જિદ મુસ્લિમ રાજકારણનું કેન્દ્ર બની જશે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો



