મિજાજ મસ્તી: વીતી રજાની મજા… ફરી એ જ રૂટિન સજા | મુંબઈ સમાચાર
ઉત્સવ

મિજાજ મસ્તી: વીતી રજાની મજા… ફરી એ જ રૂટિન સજા

  • સંજય છેલ

ફટાકડો અને જુમલો એક જ વાર ફૂટે. (છેલવાણી)
‘સૌથી મોટી ગિફ્ટ કઇ છે?’
‘જાતને પ્રેમ કરવો!’

લ્યો, આ વરસે પણ દિવાળી આવી અને ગઈ. દર વખતે દિવાળી આવતાં પહેલા લેખકો, ચિંતકો દિવાળીની સફાઇ વિશે ડાહ્યું ડાહ્યું લખતાં હોય છે. જેમ કે- ‘જે રીતે આપણે દિવાળીમાં જૂના સામાનને કાઢીને ઘરને સ્વચ્છ કરીએ છીએ એમ મનમાંથી પણ નક્કામી લાગણીઓને બહાર ફેંકી દેવી જોઇએ!’

વેલ, આ સુઝાવ ખૂબ સારો છે, પરંતુ જૂની ડોલ કે પેન કચરા ટોપલીમાં આસનીથી ફેંકી શકાય છે, પણ નક્કામો સંબંધ ગમે તેટલો નક્કામો હોય પણ એ ભૂતકાળ છે ને ભૂતકાળનો નાશ કરી શકવાની ફોર્મ્યુલા ભગવાન પાસે પણ નથી! વળી નક્કામી લાગણીઓને એક્ઝેટલી કઇ રીતે સાફ કરવી એ કોણ કહેશે?

ઇંગ્લેંડમાં સુઝેન રૂટ નામની મહિલાનાં મનમાં ગજબનો કરારો ભરાઇ ગયો હતો. કોઇ ગીત કે સંગીત એની આસપાસ ના વાગતું હોય તોયે એ એને સંભળાયા કરતું.

સુઝેનનાં મનમાં ‘હાઉ મચ ઇઝ ધ ડોગી ઇન ધ વીન્ડો’ એ ગીત ચાર ચાર વરસથી સતત ગુંજ્યા કરતું હતું. સાલું, એ ગીત એનાં મનમાંથી હટતું જ નહોતું. એને દિવસે તો વાંધો આવતો નહોતો પણ રાત્રે એ ગીત જરાયે સહન થતું નહોતું, કારણ કે રાત્રે આસપાસ શાંતિ હોય છે અને રાતની નીરવ શાંતિમાં એ ગીત વધારે જોરથી મનમાં પડઘાતું.

એણે એક મનોવૈજ્ઞાનિકની મદદ લીધી, થોડો ફાયદો પણ થયો પણ પછી એને જૂડી ગારલેંડનું ગીત ‘સમવેર ઓવર ધ રેઇન બો’ સંભળાવા માંડ્યું! લ્યો, આ વળી નવી ઉપાધિ! પણ જો સુઝેન રૂટ ભારતીય હોત તો આપણે એને સમજાવી દીધી હોત કે દિવાળીમાં ઘરની સફાઇ સાથો સાથ મનની સફાઇ કરવી જરૂરી છે!

એવામાં અમુક વૈજ્ઞાનિકોએ એવી દવા શોધી છે, જે તમારી ખરાબ યાદોને એકદમ સાફ કરી શકે. ‘મેમરી એક્સિંગ્શન’ એટલે કે ‘સ્મૃતિ વિનાશક’ દવા બનાવી છે, તમારાં ભય, તમારી કડવી યાદો, તમારી નફરત એ બધાંને મિટાવી નાખે! ‘ફીંગોલીમોડ’ નામની દવા લોહીમાં ભળીને દિમાગ સુધી જઇ અને યાદોની દિવાલો તોડીને ખરાબ યાદોને મિટાવી શકે છે.

દરેક દિવાળીએ આપણે ઘર સાફ કરીએ એમ આવી દવાની ટેબલેટ લઇને મન પણ સાફ કરવું જોઈએ. શકય છે કે અમુક વરસ બાદ આપણે ત્યાં આવી દવાઓ દિવાળી પર એકબીજાને ત્યાં ભેટ આપવાનો રિવાજ પણ બની શકે.

આપણાં મનમાં પણ નફરત, ખોટા પૂર્વગ્રહો, ખોટા વિચારો, ગુસ્સો, ફરિયાદ, પંચાત એવું કેટકેટલું ઘર કરી ગયું છે ને? પેલાંએ મને પાર્ટીમાં ‘કેમ છો?’ ના પૂછ્યું, ‘પેલીએ મારી સાડીનાં વખાણ ના કર્યાં’, ‘પેલો મારાં પૈસા ખાઇ ગયો’… આવા બધાં વિચાર આપણાં મનનાં ગોડાઉનમાં જમા થાય છે તો ચાલો નવા વરસે આપણે મનની સફાઇ કરી આ બધી વાતોને ઝૂડીને બહાર કાઢીએ! જાલિમ જાતને જંઝોડીને જીવી લઇએ.

આ પણ વાંચો…મિજાજ મસ્તી : યે મેરા પ્રેમપત્ર પઢકર…યાદથી ફરિયાદ સુધી!

ઇન્ટરવલ:

બે દીવા ઝાંઝા બળે ત્યારે દિવાળી થાય છે. (મરીઝ)

-તો મહેરબાન- કદરદાન, ફોર્મ્યૂલા એ છે કે – જાણતા-અજાણતા કોઇની નિંદા કૂથલી કરી હોય કે કોઇનું મન દૂભાવ્યું હોય એની મનથી માફી માગી લેવાનો પ્લાન કરજો. અરે, નાના અમથા, નરી આંખે ના દેખાતા વાયરસમાં જીવનને ખતમ કરવાની તાકાત હોય તો શું આપણે આટલા મોટા થઇને વેર-ઝેરને ખતમ ના કરી શકીએ?

નવા વર્ષથી જીવનની પાટીને સાવ સાફ કરીને એના પર નવી વાર્તા લખાવાની હોય એમ વિચારીને જેની સાથે વરસોથી કિટ્ટા હોય, એ બધાને મળવાનું એક લાગણીભીનું લિસ્ટ બનાવજો, જેની સાથે અબોલા હોય એની પાસે કાન પકડવાની અરીસા સામે પ્રેકટિસ કરજો, અને બીલિવ મી.. તમે તમને પોતાને જ બહુ ક્યૂટ લાગવા માંડશો!

તમે વરસોથી નેપાળ કે સ્વિત્ઝરલેંડ જવાના પ્લાન કે મનસૂબા બનાવ્યા હોય ને હજી ચાન્સ જ ના મળ્યો હોય તો આંખ મીંચીને તમને પોતાને ત્યાં કલ્પી જોજો વગર પાંખે ઉડવામાં પાસપોર્ટ-વિઝા નથી લાગતા! કોને ખબર વરસ-બે વરસમાં અત્યારે કલ્પેલી વાત સાચી પણ ઠરે! મર્યા પછી સ્વર્ગ છે કે નહીં એની કોઇ ગેરેંટી નથી છતાં એની આશાએ ડરી ડરીને જીવી નાખીએ છીએં તો જે સ્થળ છે એમાં જવાની આશા સાથે પળ-બેપળ જીવવામાં શું ખોટું છે?

તમે ક્યારેક તમારા ખર્ચામાંથી બચાવીને તમારા પ્રિય પાત્ર માટે કોઇ ગિફટ ખરીદી હતી.

ભલે એ ગિફ્ટ હજારો-લાખોની નહોતી, પણ એમાંથી જે લખલૂંટ ખુશી તમને મળી હતી એ ક્ષણને સંભારજો! શું મેળવ્યું કે શું ગુમાવ્યું-ના હિસાબ કિતાબ પડતા મૂકીને, નવા વર્ષે એક સાડી કે ચોકલેટ બોક્સ ખરીદવાનો ઉત્સાહ, આશા સાથે જીવવાનું ટોનિક આપશે.

યાદ કરજો પહેલી કમાણી જેને તમે તમારા મિત્રો સાથે શેર કરી હતી કે પછી ચાની ટપરી કે નાનકડી હોટેલમાં મિત્રોને આપેલી પાર્ટી હોય, એમાં દુનિયા જીતી લીધી હોય એવી જે ફિલિંગ થઇ હોય એ ક્ષણોને યાદોનાં આલ્બમમાંથી ખંખેરીને એકવાર અડી લેજો… તમારા ટેરવાં તાજા થઇ જશે ને આવનારા સમયનો ડર પળભરમાં વિસરાઇ જશે!.

સૌથી મોટી વાત, બીજાને કરી શકો કે નહીં પણ સૌથી પહેલાં જાતને માફ કરજો, તમારી ખામીઓથી ખુદને દુ:ખી કરશો નહીં અને ખૂબીઓ પર ફોકસ આપી આવનારા નવા સમય, નવા જીવનને આવકારજો કારણ કે તમારા માટે તમારાથી શ્રેષ્ઠ ચીજ કોઇ જ નથી… ટ્રાય કરી જુઓ, સપનાં જોવા પર સેલ્સ ટેક્સ નથી લાગતો!

આનાથી વધારે ફીલગુડ ફિલોસોફી આપણને નથી આવડતી ને એટલે જ કદાચ સુખી છીએં.

એન્ડ-ટાઈટલ્સ:

આદમ: કચરો કાઢ્યો

ઈવ: તારા મનનો કે મારા મનનો?

આ પણ વાંચો…મિજાજ મસ્તી : આજની દિવાળી… ત્યારની દિવાળી: થોડી ખરબચડી… થોડી સુંવાળી!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button