ઉત્સવ

હેં… ખરેખર?! જાસૂસ જયોતિ મલ્હોત્રા તો માતાહારી સામે બચ્ચુ છે!

-પ્રફુલ શાહ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના મિનિ-યુદ્ધ પછી યુ-ટયૂબર જયોતિ મલ્હોત્રા પાકિસ્તાન વતી જાસૂસી કરતી હોવાનું બહાર આવ્યું: થોડા સમય અગાઉ માધુરી ગુપ્તાનું નામ ચગ્યું હતું. ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસી કરતી સહમત ખાન (જેની વાર્તા ફિલ્મ ‘રાઝી’માં હતી), નેતાજી સુભાષચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મી વતી જાસૂસી કરતા નીરા આર્યા જેવી ઘણી મહિલા જાસૂસો સમાજમાં થઇ ગઇ.

જોકે મહિલા જાસૂસોમાં સૌથી શિરમોર એટલે માતાહારી ઉર્ફે ઝેલ્લે ઉર્ફે માર્ગારેટા ગેરત્રુઇદ મેકલોઇડ. માતાહારી એટલે મદહોશ કરતું સૌંદર્યં. ગજબની અદા, અદ્ભુત ડાન્સ… ટૂંકમાં ગ્લેમર જ ગ્લેમર. સ્ત્રીત્વ, સુંદરતા, લાવણ્ય, માદકતા અને નશીલી આંખોથી માતાહારી એક સમયે યુરોપને પોતાની આંગળી પર નચાવતી હતી.

ઇ.સ. 1876ની સાતમી ઓગસ્ટે નેધરલેન્ડમાં જન્મેલી માર્ગારેટા ટોપીના વેપારીની દીકરી. આ ખાધેપીધે સુખી પરિવારે માર્ગારેટા અને તેના ત્રણ ભાઇઓનો વ્યવસ્થિત ઉછેર કર્યો. સ્કૂલમાં ભણતી માર્ગારેટ તેર વર્ષની થઇ. ત્યાં પિતાએ દેવાળું ફૂંકયું એટલું જ નહીં. માતા-પિતાએ છૂટાછેડા લઇ લીધા. પિતાએ બીજા લગ્ન કર્યાં ને માર્ગારેટાએ જવું પડયું દાદાને ઘરે. સ્કૂલના હેડમાસ્ટર માર્ગારેટ સાથે ઇશ્કબાજી કરવા માંડયો તો દાદાએ પૌત્રીનું ભણવાનું છોડાવી દીધું. થોડા મહિનામાં એ દાદાનું ઘર છોડીને હેગમાં કાકાને ઘરે રહેવા પહોંચી ગઇ.

18 વર્ષની થઇ ત્યારે માર્ગારેટાએ ડચ લશ્કરના કેપ્ટન રૂડોલ્ફ મેકલોઇડની લગ્ન-વિષયક જાહેરખબર જોઇ અને તેણે સંપર્ક સાધ્યો. 1895ની 11મી જુલાઇએ માર્ગારેટ આમસ્ટર્ડેમમાં મિસિસ મેકલોઇડ બની ગઇ. હવે માર્ગારેટા સમાજના ઉચ્ચ-ધનિક વર્ગમાં વિહરવા માંડી. ચાર વર્ષમાં એ બે સંતાનની માતા બની ગઇ પણ એકંદરે લગ્ન નિરાશાજનક નિવડયા. દારૂડિયો રૂડોલ્ફ કયારેક માર્ગારેટ પર હાથ પણ ઉપાડી લેતો હતો. પોતાની બઢતી ન થવા બદલ એનો વાંક પણ કાઢતો હતો. દીકરા નોર્મનનું બીમારીમાં અવસાન થયું. એના મોત અંગે ય ખૂબ અફવાઓ ઊડી.

પતિની બદલી બાદ માર્ગારેટા સાથે ન ગઇ. આ સમયમાં એ દોસ્તો-સખીઓને લખતી કે મેં હવે મારું નામ ‘માતાહારી’ સ્થાનિક (ઇન્ડોનેશિયન ભાષામાં સૂર્ય). રૂડોલ્ફના ખૂબ મનામણા બાદ માર્ગારેટા એની પાસે ગઇ પણ એ જરાય સુધર્યો નહોતો. અંતે 1902ની 30મી ઓગસ્ટે બન્નેએ સત્તાવારપણે છૂટા પડવાની પ્રક્રિયા શરૂ કરી જે પૂરી થઇ 1906માં. એક સંતાનની સોંપણી માર્ગારેટાને થઇ અને બાળકના ભરણપોષણ માટે આપવાની રકમ નક્કી થઇ પણ રૂડોલ્ફે કયારેય ચૂકવી નહીં. થોડા સમય બાદ દીકરી જેની પિતા પાસે જતી રહી અને પિતાએ એને કયારેય પાછી ન મોકલી.

આ પણ વાંચો…11 રાજ્યોની પોલીસ પણ કરશે જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ, જાણો શું છે કારણ

1903માં ઝેલ્લે ઉર્ફે માર્ગારેટા ફ્રાંસના પેરિસમાં પહોંચી ગઇ. અહીં તેણે સર્કસમાં અશ્ર્વ-સવાર તરીકેની નોકરી મેળવી ને નામ રાખ્યું લેડી મેકલોઇડ. ક્યારેક જીવન-નિર્વાહ માટે એ આર્ટિસ્ટ સામે પોઝ આપતી હતી. એ વ્યવસાય બદલતી રહી અને 1904માં એ જાણીતી ડાન્સર બની ગઇ. લોકપ્રિયતા અને વ્યસ્તતા વધવા સાથે તેણે એજન્ટને પણ રોકયો.

હવે ઝેલ્લે સફળતાને માણવા માંડી. એ બેફામ બની ગઇ. ખુલ્લેઆમ અંગ-પ્રદર્શન કરવા માંડી અને ફલર્ટિંગ કરવા માંડી. એ પોતાના પ્રેક્ષકો અને ચાહકોને મંત્રમુગ્ધ કરવા લાગી. એ અબજોપતિ ઉદ્યોગપતિ એમીલ ગુઇમેગીની ઉપવસ્ત્ર તરીકે જીવવા માંડી, મોજશોખ કરવા માંડી.

એ સમયે મનોરંજન ઉદ્યોગમાં એવી ફેશન-પરંપરા કે દરેક પોતાના સંઘર્ષ કે ભૂતકાળની બનાવટી કાલ્પનિક વાર્તાઓ વહેતી કરે. ઝેલ્લેએ ગપગોળા ચલાવ્યા કે પોતે જન્મે હિન્દુ છે અને જાવાની રાજકુમારી છે. પોતે બાળપણથી ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ગળાડૂબ હોવાનો દાવો ય કર્યો. આ અવધિમાં તેણે કલાકારો માટે સંપૂર્ણ નગ્ન કે અર્ધ-નગ્ન ફોટાય પડાવ્યા. તેના પતિએ આ ફોટાનો ઉપયોગ દીકરીને પાછી માતા પાસે ન મોકલવા માટે અદાલતમાં કર્યો હતો.

અંદરની દુ:ખી માતાને જીવતી રાખીને ઝેલ્લે ઉર્ફે માતાહારી ઉર્ફે માર્ગારેટા સ્ટેજ ગજવતી હતી. એ નૃત્ય દરમિયાન પોતાના શરીર પરથી એક-એક વસ્ત્ર ત્યાગ કરતી ત્યારે ઘણાં ફાટી આંખે જોઇ રહેતા હતા. એના રૂપના યૌવનના દીવાના રોજબરોજ વધી રહ્યા હતા.

તેણે પેરિસમાં ઇરોટિક ડાન્સની એક નવી શૈલીને લોકપ્રિય કરી જે પછીથી વિશ્વભરે અપનાવી લીધી. એના ચાહકોની સાથોસાથ ટીકાકારોય વધી રહ્યા હતા. એની શૈલીની ઠેરઠેર નકલ થવાને બદલે એનું આકર્ષણ ઘટવા માંડયું. 1912માં ડાન્સર તરીકેની કારકિર્દી અસ્તાચલ તરફ જવા માંડી. 1915ની 13મી માર્ચે તેણે છેલ્લો ડાન્સ કર્યો.

પહેલું વિશ્વ યુદ્ધ થયું એમાં નેધરલેન્ડ એકદમ તટસ્થ રહ્યું હતું. આથી ડચ નાગરીક તરીકે ઝેલ્લે-માર્ગારેટા-માતાહારીને ફ્રાંસ અને નેધરલેન્ડ વચ્ચે મુક્તપણે અવરજવરની છૂટ હતી, જે એ કયારેક વાયા સ્પેન કે બ્રિટન ફરતી હતી.

આ વિશ્વ-યુદ્ધ દરમિયાન તે 23 વર્ષના રશિયન કેપ્ટન વાદિમ માસ્લોવના ગળાડૂબ પ્રેમમાં પડી. ત્યાં પ્રેમમાં કોઇ બંધન નહોતા અને બેમાંથી કોઇને નિયંત્રણ પસંદ નહોતા. આ પ્રેમી-પંખીડા એકદમ બેફામ અને બિન્દાસ્ત હતાં. આ પ્રેમ જ માતાહારીને એક નવી રોમાંચક, જોખમી અને અજાણી દુનિયામાં લઇ જવાનો હતો. વિશ્વભરમાં ખ્યાતિ મળવાની હતી પણ એની કિંમત કે જાણતી નહોતી.

આ પણ વાંચો…હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button