વિશેષ પ્લસ : મરુનગરી જોધપુર છે પર્યટન માટે બેસ્ટ!

-વીણા ગૌતમ
કોઈપણ શહેર નાનું હોય કે પછી મોટું હોય, તેની એક અલગ ઓળખ અને વિશેષતા હોય છે. આજે આપણે વાત કરીશું જોધપુરની મરુનગરીની. આ શહેર ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યટનની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ ધરાવે છે. આજે આ નગરી ગ્લોબલ પર્યટન માટે એક વિશેષ ડેસ્ટિનેશન છે.
જોધપુર રાજસ્થાનનું એક ઐતિહાસિક શહેર છે, જેને મરુનગરી અથવા થારનું દ્વાર કહેવાય છે. ભારત-પાકિસ્તાનની સીમા નજીક આવેલું છે. રાઠોડ વંશની રાજધાની મારવાડના વારસાનો આ ભાગ છે. એને રાવ જોધાએ 1459માં સ્થાપિત કર્યું હતું. અહીંનો મેહરાનગઢ કિલ્લો સૌથી વિશાળ અને મજબૂત કિલ્લો છે. જોધપુરનું નામ આવતા જ આપણાં દિમાગમાં રાજપુત શૌર્ય, સ્વાભિમાન અને યુદ્ધના દૃશ્યો નજર સામે તરવરવા લાગે છે.
આખા શહેરના ઘરોમાં જે બ્લ્યુ રંગ જોવા મળે છે, એના કારણે પણ આ શહેર અલગ તરી આવે છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ આ શહેર ખૂબ સમૃદ્ધ છે. એનું લોકસંગીત પણ ખૂબ લોકપ્રિય છે, તો લોકનૃત્યમાં ઘૂમર અતિશય પ્રસિદ્ધ છે. તો સાથે જ ત્યાંનો ઊંટ ઉત્સવ પણ વિશેષ છે. લોકોનો રંગબેરંગી પોષાક પણ તેમને ભીડમાં નોખા તારે છે. ભોજનની વાત કરીએ તો દાલબાટી, ચૂરમા અને મિર્ચી વડા તો દેશભરમાં ફેમસ છે.
પર્યટનની દૃષ્ટિએ જોધપુર માત્ર ભારત પૂરતો જ સીમિત નથી, પરંતુ વિશ્વભરમાં તે અગત્યનું કેન્દ્ર બન્યું છે. અહીંનો મેહરાન ગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, જસવંત થડા અને મંડોર ગાર્ડન નિહાળવા લાયક છે. રણની સફારીનો આનંદ પણ તમને અલગ અનુભવ કરાવશે.
જોધપુરનો હથકરઘા, ફર્નિચર અને કારીગરી ઉદ્યોગ ભારતના આંતરરાષ્ટ્રીય નિકાસમાં ખૂબ મોટી ભાગીદારી છે. વર્તમાનમાં જોધપુર એક મોટી બ્રાન્ડિંગ બનીને ઊભરી આવ્યું છે. વિશ્વભરના શ્રીમંતો અને સામાન્ય પ્રજા પણ જોધપુરનો શાહી અનુભવ લેવા માગે છે.
વિવિધ સેલિબ્રિટીઝ અહીં લગ્ન કરીને પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માગે છે. ઉમેદ ભવન પેલેસ શાહી લક્ઝરી અને રૉયલ સ્ટેટ્સનું વૈશ્ર્વિક સિમ્બોલ બની ગયું છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે અહિં વિવાહ કરીને આ મહલને વિશેષ ઓળખ અપાવી છે.
આ એક એવું હેરિટેજ કલ્ચરલ સિટી છે, જ્યાં તમામ આધૂનિક સુવિધાઓ મળી રહે છે. અહીં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે જોધપુરે એક ખાસ ઓળખ બનાવી છે. અહીંના કિલ્લાઓ પરંપરા અને સંસ્કૃતિના દર્શન કરાવે છે. વિદેશી પર્યટકોના મનમાં જોધપુર વસી ગયું છે.
ડિજિટલના આ યુગમાં જોધપુર ફોટોજેનિક અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડલી સિટી તરીકે ઓળખાય છે. એથી આ વિઝ્યુઅલ ટ્રીટ આપે છે. અહીંની હવેલીઓ એરકૂલ્ડ અને ક્લાઇમેટ ક્ધટ્રોલ છે, એથી હવે આ શહેર દરેક સીઝનનું ફેવરિટ શહેર બની ગયું છે.
ચોમાસાનો આનંદ લેવા માટે નવપરિણીતો અહીં ખાસ આવે છે. અરવલ્લીની હરિયાળી મનમોહક હોય છે. એવું લાગે છે કે ધરતી માતાએ લીલી ચુંદડી ઓઢી હોય. એથી જોધપુર એક વાર તો માણવા અને ફરવા જેવું છે.
આ પણ વાંચો…વિશેષ પ્લસ : એક એવું મંદિર, જ્યાં ધાર્યું ન હોય એવી એવી અવાક કરી મૂકે તેવી પૂજા થાય છે?