ચટપટી ‘ચોરી કળા’: ચુંબન – ચાંટાથી ચારિત્ર્ય સુધી…

મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઈટલ્સ:
દરેક કળા કુદરતમાંથી થતી ચોરી છે. (છેલવાણી)
હવે આપણે ત્યાં ‘ટેક્સચોરી’થી લઇને ‘પરીક્ષાનાં પેપરમાં ચોરી’ કે ‘શસ્ત્ર સોદાઓની ચોરી’ કે ‘સરકારી જમીનસંપત્તિ’ વગેરે જાતજાતની ચોરીઓ માટે રીતસરની ‘ચૌર્ય યુનિવર્સિટી’ હોવી જોઇએ. એ માટે જમીન પણ સરકારી જમીનમાંથી ચોરી કરીને મળી જશે, એને ચલાવવાની ગ્રાંટ પણ સરકારી તિજોરીમાંથી મળી જ જશે. જૂના અનુભવી નેતાઓ સરકારી ઓફિસરો એમાં વિઝિટિંગ લેક્ચર તરીકે આવી શકે! હવે ચોરીને સરકારી માન્યતા આપવાનો સમય આવી ગયો છે.
આજે ચોરીની વાત એટલે નીકળી કારણ કે 19 ઓક્ટોબર 2025ના રોજ, ફ્રાન્સના લુવ્ર મ્યુઝિયમના એપોલો ગેલેરીમાંથી બાંધકામ કામદારો તરીકે વેશપલટો કરીને ફ્રેન્ચ ક્રાઉન જ્વેલ્સના આઠ ટુકડાઓ ચોરી લીધા, જેનું મૂલ્ય આશરે 88 મિલિયન યુરોપિયન ડૉલર છે. આમાં ચાર ધરપકડો કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.
શું છે કે આપણે ત્યાં તો ચોરી એ સ્વીકૃત પરંપરા છે. આપણાં શાસ્ત્રોમાં ચિત્ર, નૃત્ય, સંગીતની જેમ ‘ચૌર્ય કળા’ને 64 કળાઓમાં બાકાયદા સ્થાન અપાયું છે, પણ હમણાં ચોરીની કળા અને ‘પ્રેમકળા’નો અનેરો સંગમ જોવા મળ્યો. થોડા વખત પહેલા મુંબઈનાં મલાડ પરામાં, એક સ્ત્રી ઘરમાં એકલી હતી. અચાનક એક ચોરે ત્યાં આવીને પૈસા, સોના-ચાંદીના ઘરેણાં, મોબાઈલ વગેરે કિંમતી સામાન ચૂપચાપ આપી દેવા કહ્યું.
‘મારી પાસે તો કોઈ કિંમતી સામાન નથી.’ સ્ત્રીએ હાથ જોડીને કહ્યું, હતાશ ચોરને કંઈ જ મળ્યું નહીં એટલે છેવટે એ પેલીને કિસ કરીને ભાગી ગયો!
બોલો! આને ‘સો સ્વીટ’ કહેવું કે ‘સો ચીપ’ કહેવું? આવી તે કંઇ ચોરી હોય?
વળી એક ચોર ચુંબન આપે છે તો કોઇ ચાંટો!
એક સ્ટેશન પર ટ્રેન ઊભેલી હતી ત્યારે કોઇ ચોર, બારીમાંથી એક સ્ત્રીનાં ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચવા લાગ્યો. ટ્રેનમાંના લોકોએ બૂમાબૂમ કરી મૂકી. સ્ત્રીએ શાંતિથી કહ્યું, ‘તમે બૂમાબૂમ શેના કરો છો? મંગળસૂત્ર નકલી છે!’
પછી ચોરે પેલી સ્ત્રીને એક ઝન્નાટેદાર થપ્પડ મારી, ‘નકલી મંગળસૂત્ર પહેરે છે, શરમ નથી આવતી?’ કહીને ભાગી ગયો.
ચોર ચુંબન કરે, ચાંટો મારે પણ કોઇક તો ચોવટ કરીને સલાહ પણ આપે. મધ્ય પ્રદેશનાં દેવાસ જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર સાહેબનું બંધ ઘર જોઈને ચોર એમાં ઘૂસ્યો. કલેક્ટર સાહેબ પાછા આવ્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું ને ચોરે ચિઠ્ઠી મૂકેલી : ‘ઇડિયટ, કલેક્ટર થઇને અકકલ નથી કે ઘરમાં પૈસા જ નથી તો તાળું શું જખ મારવા મારેલું?’
આપણે ત્યાં સી.બી.આઇ. જેવી સંસ્થાનું કામ જ મોટા ચોર લૂંટારા ગુનેગારોની તપાસ કરી પકડવાનું છે. (બીજું મેઇન કામ, વિપક્ષી નેતાઓ કે જાગૃત પત્રકારો નાગરિકોને બીવડાવવાનું યે ખરું!) થોડા વરસ પહેલાં સી.બી.આઇ.એ, દેશનાં બેઇમાન લોકો પાસેથી જે જે સોનું પકડેલું એમાંથી અમુક કિલો સોનાની ચોરી થઇ ગયેલી! જો સી.બી.આઇ.માંથી જ ચોરી થઇ શકે તો કહેવું કોને? એની પહેલાં ‘રક્ષા મંત્રાલય’માંથી ‘રાફેલ પ્લેનના સોદા’ને લગતાં દસ્તાવેજો ચોરાઇ ગયા છે!’ એવું સત્તાવાર કહેવાયેલું.
બોલો? ‘રક્ષા મંત્રાલય’ ખુદ, કામની ફાઇલોની રક્ષા ના કરી શકે-એ દેશમાં કંઈ પણ શક્ય છેને?
ઇન્ટરવલ:
હમારે ખ્વાબ ચોરી હો ગયે હૈં,
હમેં રાતોં કો નીંદ આતી નહીં. (બખ્શ લાઇલપૂરી)
પ્રાચીન ભારતમાં તો કર્ણિસુતે ‘સ્તેય-શાસ્ત્ર’ નામે ચોરીનું ઓફિશ્યિલ પાઠ્યપુસ્તક લખેલું, જેમાં ચોરો દ્વારા મકાનમાં સુરંગ ખોદવાનું, ઘરોમાં ઘૂસવાનું વર્ણન છે. ‘મૃચ્છકટિકમ્’ નાટકમાં, શર્વિલક ચોર તો ‘કમળ’,‘સૂર્ય’, ‘સ્વસ્તિક’ કે ‘ઘડો’.. એમ દીવાલો પરનાં 7 પ્રકારના બાકોરાંઓનાં આકારોનું વર્ણન કરે છે! અઠંગ ચોર રૌહિણ્યના મહાચોર પિતાએ મરતાં પહેલાં ખાસ સલાહ આપેલી, ‘ભૂલથી યે મહાવીર સ્વામીના પ્રવચનો ક્યારેય સાંભળતો નહીં.’
ચોર રૌહિણ્યે બાપની વાત બરોબર અનુસરી. મહાવીરજી, જ્યાંથી પસાર પણ થવાના હોય, ત્યાં નજીક જાય જ નહીં, જેથી મહાવીરજીનો એક શબ્દ પણ કાને પડે નહીં. જોકે એકવાર રૌહિણ્યને જ્યાં મોટી લૂંટ કરવા જવાનું ત્યાં મહાવીરજીનું પ્રવચન ચાલતું હતું. રૌહિણ્ય કાનમાં બે આંગળીઓ કાન ખોંસી ચાલતો હતો એવામાં એને પગમાં કાંટો વાગ્યો તો એણે એક હાથ કાનથી હટાવ્યો એટલામાં મહાવીરજીના શબ્દો કાને પડ્યા: ‘સ્વર્ગમાં રહેલા દેવતાઓને પરસેવો ન થાય, એમના પગ ક્યારેય જમીનને સ્પર્શતા નથી’ વગેરે, વગેરે રૌહિણ્ય પગમાંથી કાંટો કાઢીને ફટાફટ ભાગ્યો. થોડા દિવસે રૌહિણ્યને રાજાના સિપાહીઓએ પકડ્યો પણ રાજા મૂંઝવણમાં હતા કે એમની પાસે કોઈ પુરાવા તો હતા નહીં તો આને સજા આપવી કઇ રીતે? ચાલક મંત્રીએ રૌહિણ્યને ફસાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો. રૌહિણ્યને બેભાન કરીને, સરસ વસ્ત્રો આભૂષણો વગેરે પહેરાવી સ્વર્ગ જેવા લાગતા ભવ્ય મહેલમાં સૂવડાવી દીધો. રૌહિણ્યએ જાગીને જોયું કે આસપાસ અપ્સરાઓ નાચતી હતી, પોતે રાજવી વસ્ત્રોમાં હતો, દાસ-દાસીઓ સેવામાં હતા!
મંત્રીએ રૌહિણ્યને કહ્યું, ‘સ્વર્ગમાં રોહિણ્યનો રાજ્યાભિષેક થશે પણ એ પહેલા પૃથ્વી પરનાં કર્મોની કબૂલાત કરવી પડશે!‘ મુંઝાયેલા રૌહિણ્યને શંકા થઇ કે ‘શું આ ખરેખર સ્વર્ગ છે કે છલના?’ ત્યારે અચાનક એને મહાવીર સ્વામીના શબ્દો યાદ આવ્યા. પછી એણે જોયું તો ત્યાં બધાં જમીન પર ચાલતા હતા ને લોકોને પરસેવો પણ થઈ રહ્યો હતો! રૌહિણ્યને સમજાઇ ગયું કે રાજાએ કબૂલાત કરાવવા ભ્રમજાળ બિછાવી છે. રૌહિણ્ય, દિવસો સુધી કંઇ જ બોલ્યો નહીં. પુરાવાને અભાવે એ છૂટી ગયો ને જાન બચી ગઇ. એ પછી રૌહિણ્યને પ્રતીતિ થઈ કે જેમના બે શબ્દો ભૂલથીયે સાંભળવાથી જો જીવન બચી જતું હોય તો હું એમને સમર્પિત થઇ જાઉં તો ઉદ્ધાર જાય. રૌહિણ્ય, ચોરી ચકારી ત્યજીને મહાવીર સ્વામીના ચરણે પડી ગયો.
શું છે કે એ યુગમાં અમુક ચોરોમાં પણ ‘આત્મા’ બચેલો એટલે આટલી ‘સમજણ’ પણ બચી હતી. હવે એ ‘સમજણ’, રાજકારણમાં વપરાય છે: ‘ચોરી કરવા માટે’, ‘કોઇકને ચોર સાબિત કરવા માટે’ કે પછી ‘ચોરીને જ કાયદેસર સિદ્ધ કરવા માટે.’
એંડટાઇટલ્સ:
આદમ: ધારો કે ચોર મારા માથે બંદૂક મૂકે તો તું શું કરે?
ઇવ: આંખો બંધ કરી લઉં.
આપણ વાંચો: અન્યની માન્યતા કે અપેક્ષા પ્રમાણે નહીં, પણ જાતને વફાદાર રહીને જીવો…



