આજે આટલું જ: આ આખું નાટક શા માટે?

- શોભિત દેસાઈ
સપરમા અને પરમ ઉત્સવના દહાડાની હજી શરૂઆત થઇ નથી તો એ પહેલાં, લગભગ તો સારા નિર્ણયનો ચહેરો ધરાવતા શાસનને નજર ન લાગી જાય માટે એના એક કુનિર્ણય બદલ એનું ધ્યાન દોરતું, શાસનના ચહેરા ઉપર કાળું ટપકું મૂકતો આજનો આ લેખ…
મને યાદ છે મારા એ 1984થી 1993 સુધીના દર વર્ષના નવેમ્બર ડિસેમ્બરના દિવસો. ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ એ દિવસોમાં હજીય નવું હતું. પાકિસ્તાન – ઈમરાન ખાન – ઝહિર અબ્બાસ – મુશ્તાક અહમદ – મિયાંદાદ ઈ. આપણા ગાવસકર – વિશ્ર્વનાથ – વેંગસરકર – કપિલ દેવ ઈ.ને આરામથી ધોતા’તા અને છતાંય કદાચ હારતા ભારતને ‘નિરખવા’નો અને ક્રિકેટરોને માફ કરવાનો અને મનોમન સાંત્વન ધર્યા કરવાનો જુવાળ, ક્રેઝ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર માથે ટોપલો મૂકી બેગારીકામ કરતાં કોશિયા સુધી વ્યાપ્યો હતો. કોઈક દુકાનમાં ટીવી ચાલતું હોય તો બેગારી મજૂરી ભૂલીને રાહદારીઓ સાથે ઊભો રહી જાય અને બે ઓવર તો જૂએ જ. આવી આપણી ભારત ‘મા’ ને કૈં કેટલીયવાર મેચ ફિક્સિગંથી માંડી ટીમમાં આંતરિક વિભાજનથી માંડી આવડત વગરના નર્યા રાજકારણીઓ વહીવટકર્તા તરીકે મેળવવાથી માંડીને અનેક બટ્ટા લાગ્યા હોવા છતાં ક્રિકેટ પોતાના સંતાનો ધર્મ સમજે એ વિચારને પણ સ્વીકારી લઈ સદા સૌમ્ય ભારત ‘મા’ હજી અક્ષુણ્ણ, અખંડ અને અપાર છે અને રહેશે… માટે આજની આ વાત.
1970થી નિરાશ્રિતોની હિજરત શરૂ થઈ પૂર્વ બંગાળ (આજના બંગ્લાદેશ)માંથી… અને 1971માં એક નારીએ મહા નરનો હાઉ ઊભો કરવા પાકિસ્તાનને તોડી પણ નાંખ્યું. કર્ટસી સામ માનેકશો અને બીજા કેટલાક જાંબાઝ મિલિટરી ભૂષણોને પાકિસ્તાનને વાંકા વળાવીને લાળા પણ ચવાડાવ્યા અને ‘મેડમ’ની સંમતિથી છોડી પણ મુક્યા. એ વખતે નાટક ત્રિઅંકી ચાલતા મુંબઈની રંગભૂમિ પર, એના આ ત્રણ અંક. પણ હિંસામાંથી જ જે આખો ધર્મ નિપજ્યો છે એ વાત એના કેટલાક સજ્જનો કદાચ ભૂલી ગયા હોય. પણ મોટા ભાગના ના ભૂલ્યા, અને કાશ્મીરનું કેન્દ્રિકરણ કરાયું.
આતંકવાદના વર્લ્ડ હેડક્વાર્ટર તરીકે ભારતને તહસનહસ કરવાની કોશિશના ચોઘડિયા મંડાણા 1988-89માં. પછી શું અને શું શું થયું એ વાત સર્વવિદિત હોય તો અહીં હું શું કામ સમય બગાડું! પણ એમ સમજોને…2014 પછી થોડી ઘણી ઠેકાણે પડવાની શરૂઆત થઈ અને 2019 પછી તો કાશ્મીર પાછું આવી ગયું. ભારતમાં એ પછી તો અમે સૂચિ વ્યાસ અને મિત્રો સાથે પાછા (1985માં હનીમૂન પછી) કાશ્મીર જઈ આવ્યા ય ખરાં, અને આ બાજુ પાકિસ્તાન (‘તુમ્હારે કીયે કી સઝા તૂમ્હેં યહીં મિલેગી’ – દર ત્રીજી હિન્દી ફિલ્મનું વાક્ય) નાદાર ઉધાર દેવાદાર વધુને વધુ બનવા માંડયું, એવા અત્યારના સમયમાં આપણે આ ટુચ્ચા જેવી મેચ રમી પાકિસ્તાનને દેડકીમાંથી હાથણી બનવા માટે ઊભા થવાનું બળ ફલફશક્ષ આ ટુચ્ચા જેવડી એશિયા કપની મેચ રમીને પૂરું પાડ્યું એ વાત જો હું ને તમે જાણતા હોઈએ તો શું આટલા વિચક્ષણ આપણા પોલીસીમેકર્સ શાસકો ન જાણે?! તો પછી, આ આખું નાટક શા માટે? નહીં સમજ્યા? સમજાવું… પણ એ પહેલાં એટલું જણાવી દઉં નવા વર્ષની પધરામણી પહેલા કે આપણી એક બે ટકાની ટુચ્ચી જીતમાં ને માટે આપણે પાયમાલ પાકિસ્તાનને થોડે ઘણે અંશે બેઠું કરી દીધું, અને જ્યાં સુધી ભારત પાકિસ્તાનનો સવાલ છે,
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયોં અદાવતમાં.
આ હરામખોર મુલ્કને કચડી નાંખવાનો હોય (મરીઝ મેહદી હસનની માફી સાથે) એને બદલે એને આઈસીસીનો એના ભાગનું રેવન્યૂ પહોંચાડી આપણે એનો બેઠો કરીએ છીએ. આપણે તો ગંજાવર જાહેરાતના ભાવ અને એથી ય હાઉસફુલ ‘ઓડિટોરિયમ’ની ટિકિટોના ભાવ દ્વારા ઓલરેડી આત્મનિર્ભર હોવા છતાં કમાણી કરીએ જ છીએ પણ આપણે તદ્દન ભિખારી પાકિસ્તાની રાજકારણીઓના ગજવા પણ ભરીએ છીએ, રમવાની હા પાડીને.
હજારો સાલથી આ નાટક ચાલે છે. રાજાઓ પહેલાં પણ સવાલોથી ડરતા હતા. તો એમણે શું કર્યું? એમણે અખાડા બનાવડાવ્યાં, પાંજરામાં લડાઈઓ કરાવી. વાઘથી માણસને ભિડાવ્યો. જનતાએ ચીસો પાડી, તાળી વગાડી, ભુખ, ટેક્સ, અન્યાય શાસકોની જાડી ચામડી બધું ભૂલી ગઈ. સમય બદલાયો. રાજા ગયા, પણ એ ખેલ એના એ જ રહ્યાં. આજે મોટા મોટા સ્ક્રીન પર યુએફસી, ડબલ્યુડબલ્યુએલ, આઈપીએલ છે.
એર ઈન્ડિયાનું વિમાન પડયું કોઈએ પૂછ્યું કેમ? નહીં. કારણ કે હમણાં હમણાં ઈંગ્લેન્ડને ઈન્ડિયાએ એજબાસ્ટનમાં પહેલીવાર હરાવ્યું. પહલગામમાં શું થયું? કોઈને ખબર છે? અરે કોણ યાદ રાખે? કારણ? આરસીબી પહેલીવાર આઈપીએલ જીત્યું. આપણે વ્યસ્ત છીએ ક્રિકેટ, ધર્મ, જાત, રીલ્સ, બીગ બોસમાં. હસીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ પણ પૂછતા નથી. કારણ કે જો આપણે સવાલ પૂછયા તો એમના તખ્ત હાલી જશે. એટલે નાટક ચાલે છે આપણે બસ પ્રેક્ષક બનીને બેઠા છીએ. મોટી મોટી સરકારોએ અને કોર્પોરેટ્સે સામાન્ય માણસને એટલો વ્યસ્ત કરી નાંખ્યો છે રોટલીની ગોળાઈમાં કે ક્રાંતિનો તો સમય જ ના બચ્યો, સવાલ પૂછવાનો તો સમય જ ન બચ્યો. જે બચ્યો એને હું ને તમે ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ સ્ક્રોલ કરવામાં વિતાવીએ છીએ. હું-તમે અને દરેક આમાં હિસ્સેદાર છે.
આવતા વર્ષે આપણે સવાલો પૂછવાની હિમ્મત ઉઠાવીએ એવી શુભકામના સાથે
આજે આટલું જ…
આ પણ વાંચો…આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…