આજે આટલું જ : નવરાત્રિ અને આ નવ દિવસ | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ : નવરાત્રિ અને આ નવ દિવસ

  • શોભિત દેસાઈ

નવરાત્રિ ભરપૂર રંગમાં આવવાની કોશિશ તો કરે છે પણ મા વેપારીકરણ અને સાંસ્કૃતિક, સંગિતિક અને નર્તનિક અધ:પતન રોકવાના-અટકાવવાના ઇરાદાથી જ અધધધ વરસાદની કૃપા પણ વરસાવી રહી છે. પણ મા પોતે પણ કરી કરીને તો કેટલું કરી શકે? આખરે તો મા છે, આ નહીં તો આવતા વરસે… અને ત્યાં સુધીમાં તો કોર્પોરેટ સ્પોન્સરશિપ પૂરી પાડતી ‘કોઈપણ ભોગે પ્રસિદ્ધિવાંછુ’ કંપનીઓ, સ્ટેજ ઉપર રહીને લાઇમલાઇટ ‘લૂંટતા’ આયોજકો, મુખ્ય મહેમાન બનીઠનીને આવતા રાજકારણી અને ફિલ્મવાળાઓ, Worthથી અનેકગણું દસ જ દિવસમાં કમાઇ લેતા ગાવાથી લઇને ખાવાનું પૂરા પાડતા કલાકારો દોરા-ધાગા-માદળિયાં-યજ્ઞ-હવન ઇત્યાદિ કરાવીને આવતા વર્ષે તો પાછા તૈયાર! અને મા કદાચ ગુસ્સે થાય ને તોય ક્ષણિક જ. આવતા વર્ષે તો એય વરસાદને કહી દે કે બેટા, બસ કર. આપણે માટે હિતાવહએ જ છે કે આપણે આપણા થીંગડાની ચિંતા કરવી, આભ ફાટવાની વાત ભૂલ જ જવી. એહમદ ફરાઝની થોડી ઓછી ગઝલો ઘણી ફેલાઇ પણ એમની એક લગભગ અણજાણ ગઝલનો મકસા છે.

તું તારા આશાના દીપકને લઇ રડે છે ફરાઝ?!

આ ઝંઝાવાતમાં, વહાલા! દીવા બધાના ગયા

પૂજાય છે આપણા દેશમાં જ સ્ત્રી અને સર્વોચ્ચ સ્થાને બિરાજે છે બંગાળમાં મા દુર્ગા, ગુજરાતમાં મા અંબા ઇત્યાદી અને બીજા રાજ્યમાં અન્ય મા. અને કયા દેશમાં સૌથી વધુ કિસ્સા બને છે બળાત્કારના? સ્ત્રી શોષણના? નારી જાતિને સાવ તુચ્છ અને નગણ્ય ગણવાના? હું ફકત મારા થીંગડાની ચિંતા કરું છું… ઉતરડાઇ ગયેલા આભની મને પડી જ નથી, ખાસ કરીને ત્યારે જયારે મારો સમય કુદરતી ક્રમે ઓછો થતો હોય.

આ પણ વાંચો…આજે આટલું જ : અમિરાઈ ક્યાં કોઈના વડીલનો ઈજારો છે??

આટલું આ જ પૂરતું કાફી છે
જે કંઇ થાય સૌને માફી છે

નવો ફકરો… નવી વાત. કલાકારોની દુનિયાનો, ભારત દેશનો અને આસામ રાજ્યનો એક ચમત્કાર, એક અવતાર ઝુબીન ગર્ગ અસ્ત પામ્યો એની જાણ થઇ મને ઇન્સ્ટાગ્રામ ઉપરથી. એક કરોડથી વધુ આસામીઓ હાજર એની અંતિમયાત્રામાં… અને આ અવતાર કેવો! એની મરણોત્તર વિદાય એને એના અમુક ગીતથી અપાય એવું એ મનના વારસાપત્રકમાં જણાવી ચૂકેલો અને એની માણસાઇના, એના સંગીતના, એની જીવનશૈલીના એકએક વારસદારોએ આ ગીત જ ગાયું અંતિમયાત્રામાં.

માતાજીના આ સુંદર પવિત્ર નવદિવસ દરમિયાન એક નારીએ એને અર્પેલી સુંદર પંક્તિઓ તમને જણાવું?: ઝુબીન ગર્ગને જાણવાની સફરની શરૂઆત ત્યારથી થઇ જયારથી એમની સફર પૂરી થઇ. પહેલાં તો હું એમને યા અલીના ગાયક તરીકે જ જાણતી’તી. મારું અતિપ્રિય ગીત હતું એ. પણ એ અવાજ કાનથી આગળ ન વધ્યો. પણ આ પાંચ દિવસમાં આસામે મને એ અવાજનો અર્થ સમજાવ્યો. એ માત્ર એક કલાકાર નહોતાં આસામના, એ વડીલ બંધુ હતા સમગ્ર આસામના.

એમનો અવાજ આસામના આત્મા પર લટકતું એક તાવીજ હતું … કલાકાર એટલે મનોરંજન એવો અર્થ કરનાર દરેકને મૂલ્યાંકનનાં તોલમાપ બદલવાં પડે એવું, આસામની પેઢીને નવી દિશા દોરનારું, પોતાનો અવાજ શોધવાનું અને આસામની જડો સાથે જોડવાનું એક આંદોલન હતા ઝુબીન ગર્ગ. સંગીતની એ બધી જ દીવાલ તહસનહસ કરી નાખી ઝુબીને જે પેઢીઓને અલગ કરતી હતી. આસામ બહારના બીજા કરોડોની નજર એ વખતે સ્ક્રિન પર તકાયેલી હતી અંતિમયાત્રાના ઈજ્ઞળાફક્ષશજ્ઞક્ષત તરફ જે ‘માયાબિની’, ઝુબીનની ઇચ્છા મુજબ ગાઇ રહ્યાં હતા. ફકત કલાકાર કયાં હતા ઝુબીન… એ તો એક ભરોસો હતા. એવો ભરોસો જેની સામે દરેક ધર્મની દીવાલ ઠીંગણી, વામન બની જાય… ઓળખવું અને જીવવું કેટલાં અલગ છે! બોલિવૂડ એમને ઓળખતું હતું, આસામ એમને રગરગમાં જીવે છે…

હો રહા હૈ અગર જુદા મુઝસે
મેરી આંખો પે ઉંગલિયાં રખ જા

અમીર કજલબારા

ઓશો શું કહે છે નવરાત્રિ વિષે! એ જે કહે એ આખરી તો હોય જ, બરાબરને?! નવરાત્રિ ફકત માની પૂજા કે ગરબા રાસ ટીચવા પૂરતા મર્યાદિત નથી, અંદર રહેલી શક્તિ જાગૃત કરવાના પણ આ દિવસો છે. ખરા ઉપવાસ પેટના નહીં, મનનાં છે : ખરું ઘૂમવાનું ગરબામાં નહીં મનના ચગડોળનાં બેલેન્સિંગનું છે. દરેક દિવસ અંદરના એક ગુણની પૂજા કરો. પહેલા દિવસે જગાડો સાહસને, બીજા દિવસે કરુણાને જગાડો, ત્રીજા દિવસે મૌનનો સ્વાદ માણો, ચોથા દિવસે ક્ષમાનો અભ્યાસ કરો, પાંચમા દિવસે ધૈર્ય અપનાવો, છઠ્ઠા દિવસે આનંદની શોધ કરો, સાતમા દિવસે સત્ય જીવો, આઠમાં દિવસે સમર્પણભાવ ચેતાવો, નવમા દિવસે સ્વતંત્રતા અનુભવો, આ નવ ગુણ નવરાત્રિમાં વહ્યા કે જીવનની નવી રાહ તમને મળવાની જ. નવરાત્રિ પૂજા પાઠ કે રાસગરબે ઘૂમવાની વૃત્તિ કરતાં અનેક ગણી વધુ છે ભીતરી ભૂગોળની સફરે જવા માટે.

આજે આટલું જ….

આ પણ વાંચો…આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button