આજે આટલું જઃ ખૈરાત ચાલે છે | મુંબઈ સમાચાર

આજે આટલું જઃ ખૈરાત ચાલે છે

  • શોભિત દેસાઈ

આપણે જેને સાવ અક્કલમઠા, અસ્થિર મગજના અને ઐયાશીબાજ ગણી લઈએ કદાચ એવા એક ‘જય ગુરુદેવ’નો એટલો સુંદર મેસેજ મારી આંખને જોવા મળ્યો કે આંખ લગભગ પાવન થવા પર પહોંચી ગઈ. ‘તું તારી માને ઘરડાઘર કેમ લાવ્યો છે?’ ના ‘ગુરુ’ના સવાલના જવાબરૂપે પરિણીત પામર બોલે છે કે નબળી સ્થિતિ હોવાથી અને પત્ની અને માને 36નો આંકડો હોવાથી… આના જવાબમાં છેલછોગાળો ‘ધર્મ’જન સિક્સર ફટકારે છે કે તો પત્નીને વૃદ્ધાશ્રમ મોકલી આપ, કહીદે કે તું જા ઘરડાઘર, હું તો મારી મા સાથે રહીશ, જે માએ તને ગર્ભથી બહાર મૂકી મોટો કર્યો, યોગ્ય બનાવ્યો, માલિશ કર્યાં, ધબકારા ગણ્યા અને ગણતી જ રહી એ માને તું ઘરડાઘર દેખાડે છે? આ તો તારા પુત્રનાં વ્યક્તિત્વની આગળ ‘કુ’ લગાડવાની વાત આવી પહોંચી.

‘પુત્ર’ વદે છે કે નાણાકીય અને શારીરિક અશક્તિને લીધે મને સહારો મળે એવો માણસ હું રાખી શકું એમ નથી… અહીં છેલછોગાળો ખરેખર સાધુ બનીને બોલે છે કે પત્ની તો છે ને? પત્ની, પતિ અને સાસુ બન્નેને ના સંભાળી શકે? આ એ જ મા ને? કે જેણે તને આંગળી ઝાલીને ચાલતા શિખવાડ્યું, ભણાવ્યો, શું શું ન કર્યું… સમજાવી નહીં તેં તારી પત્નીને? ‘સમજાવી…’ ‘નહીં સમજી?’ ‘ના…’ અને પછી મારે છે મહારાજ એક મૂંગો ફટકો કાળજા પર: ‘અહીં બેઠેલી અને આ જોતી દરેક સ્ત્રીને હું એટલું કહું કે દરેક સ્ત્રીને દુ:ખ દેવા પુરુષ સમર્થ જ નથી, સ્ત્રીને સ્ત્રી જ દુ:ખ આપી શકે અને આપે છે.’ હું તો ઘા ખાઈ ગયો. સાવ કમર્શિયલ થઈ ગયેલા, અબજ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ‘ધર્મ’ના સ્ટેજ પરથી આવો અર્ક!!! અને એ પણ કેવા છોગાળા વ્યક્તિ તરફથી!!!

કરો પહેલાં જરા મંથનની પ્રક્રિયા તો સંભવ છે
ધુમાડામાં ને ધુમ્મસમાંથીયે રત્નો મળી આવે -મનોજ ખંડેરિયા

આજે આ વિષય તમારી સાથે જે છેડ્યો છે એનો આજનો વિલાસ તો અન્ડરહેન્ડ બોલિંગનો છે. બહુ ભારેખમ વિષય પર આવતા પહેલાં તમને થોડા routine રમાડી લઉં.

તમને ખબર છે જે સૌથી વધુ નિશ્ચિત છે જન્મ્યા પછી-મોત, એનાથી આખી દુનિયા સૌથી વધુ ડરે છે. આવો અદ્ભુત સૂર્યોદય દરરોજ થાય છે, આવો સુંદર દિવસ રોજ ઊગે છે, આવા કેસરિયા બાલમના દર્શન રોજના છે, પંખીઓના ચહેકાટ-કબૂતરોનું ગુટરગૂં-ચકલીનું ચીંચીં-મોર પરિવારની ટહેલ રોજ સવારે છે જેટલું નિશ્ચિત એટલો જ નિશ્ચિત છે સૂર્યાસ્ત, એ હજીય ઘણાં સમજે છે પણ આવનારા અને અત્યારના જીવનના વિરામ તરીકેના મોતથી બધા ગભરાય જ છે.

રોજ સવારે જાતને એમ કહીને જાગવું કે આજે એક વધુ દિવસ જીવવા મળ્યો, એક વધુ વાર સૂર્યદેવને ઘણી ખમ્મા… અને પછી જો તું જાદુ… અને સાંજ પડે ને બે પાંચ ક્ષણ પૂરતું જો અસુખ જેવું કદાચ લાગે તો તરત જ બોલી દેવું કે હે જગત નિયંતા! આજનો આવો સુંદર દિવસ દેખાડવા બદલ તારો આભાર મારી ભાષામાં માનું: થેન્ક યુ! અને પછી જુઓ ચમત્કાર… મનમાંથી આઠ દસ સુગંધો આખા અસ્તિત્વમાં ફેલાવા ના માંડે તો મારું ગળું પકડજો… દસ બાર અંધારી કે અર્ધઅંધારી રાત પછીની ચાંદનીને ફક્ત જોયા કરવાને બદલે એ રાતને આમ સંબોધો તો કેવું!!!

અજબની દેણ ઈશ્વરની અને સોગાત ચાલે છે
મુલાયમ ચાંદનીમાં રાતની રળિયાત ચાલે છે
અસલની ખાનદાની હોય છે એ જાત ચાલે છે
પટોળે જે પડી એવી ને એવી ભાત ચાલે છે
પ્રથમ થોડો વખત વાદળ વરસતાં હોય છે, એ બાદ
ધરા લીલીને જોતાં ઈશનો અશ્રુપાત ચાલે છે
સ્વીકારે છે કયા ભવની હૂંડી? અદૃશ્ય રહીને કોણ?
બધાં ખાલી છે કોઠારો, છતાં ખૈરાત ચાલે છે.

કેટલી બધી મુંઝવણ છે ! ચારે બાજુ સતત પુરવાર કરવા મથતા (800 કરોડ લોકોમાંથી)90 % ક્લિપ-રીલ-પોસ્ટ-ઓડિયો મૂક્યે જાય છે, નેતાઓ સતત તણાવમાં છે કે દેશ ચલાવવો? કે ચૂંટણી જીતવી? કે લાંચ લેવી? બાવા-સાધુ-પીર-સ્વામી-બાપુ-મુલ્લા-પાદરી કુળ સતત ચિંતામાં છે કે ધર્મનો ‘ધંધો’ કેમ રે પહોળો કરવો. ભાષાનો શૃંગાર એવાં સાહિત્યના ખેડુઓ અવનવા ઇનામ અકરામ કેમ પાળેલાઓને હસ્તગત કરાવવા અને અન્યોને, ખાસ કરીને માર્ગદર્શનવાંછુઓને કેમ પછાડવા એ વાતે મુગ્ધ છે અને આ બધા વચ્ચે ભિખારણોના ભટુરિયાં બહુ લહેરથી બપોરની સહેજ સુમસામ સડક પર, નાકથી સતત વહેતો ચહેરાનો શણગાર યથાવત્ રાખી પ્રત્યેક ક્ષણનું એક કરોડ રૂપિયાનું હસી રહ્યાં છે. હું તો આ અબજો રૂપિયાનો અરક્ષિત પડેલો હકાર લૂંટવા આ ચાલ્યો… આવવું છે તારે?!
આજે આટલું જ…

આપણ વાંચો:  કવર સ્ટોરીઃ ટ્રમ્પના ઈન્ડિયન ઈકોનોમી વિશેના તિકડમ ભારત સામે ટ્રમ્પનું ‘વિશેષ’ ટૅરિફ યુદ્ધ: શું આ મેડનેસમાં કોઈ મેથડ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button