ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…

- વિરલ રાઠોડ
મહત્ત્વની ચેટ-ડોક્સ ને મલ્ટીમીડિયા ઈત્યાદિ કાયમ સાચવી શકો એવી ટિપ્સ
ભારતમાં એપ્લિકેશન યુગનો મધ્યાહ્ન ચાલી રહ્યો છે. સોશ્યલ મીડિયા એપ્લિકેશનથી અનેકવિધ કોન્ટેટમાં સર્જનાત્મકતા વિચારતા કરી દે. કેટલાકને તો દાદ આપવી પડે. સમયનો સેક્ધડ કાંટો એ સ્પીડથી ફર્યો છે કે, હવે પ્રતિભાવ આપવા કોઈ ચિઠ્ઠી લખતું નથી. એક બટન દબાવો એટલે વાર્તા પૂરી…
સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. કોઈ કોન્ટેટ ન ગમે તો એનો વખોડી કાઢો તો પણ ગણતરીની મિનિટમાં એ સર્જક સુધી પહોંચે. સોશ્યલ મીડિયા પર થયેલા સર્વેનો રિપોર્ટ આશ્ર્ચર્યજનક છે. ‘ફેસબુક’ પર સૌથી વધારે વીડિયો જોવાય છે. આપણા દેશમાં સૌથી વધારે ‘ઈન્સ્ટાગ્રામ’નો યુઝ રાત્રે 12 વાગ્યા પછી થાય છે.
હવે ચોંકાવનારું સત્ય વાંચો. વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 9.30 વાગ્યા સુધી વોટ્સએપ એપ્લિકેશન સૌથી વધારે અને વારંવાર એક્સેસ થાય છે. ટૂંકમાં હવે લોકોની મોર્નિંગ વોટ્સએપથી પડે છે. ચેટિંગ એપ કેટેગરીમાં આવતી વીચેટ, આઈએમઓ અને સ્નેપ જેવી કેટલીય એપ્લિકેશન હાંસિયામાં ચાલી ગઈ, પરંતુ વોટ્સએપનો દબદબો યથાવત છે.
આ પાછળનું કારણ એક જ લીટીનું છે. સતત અને સખત અપડેટ. નવો ફોન એટલે અપડેટ મળે, ફોનમાં અપડેટનું નોટિફિકેશન મળે એટલે અપડેટ, બેકઅપ રીસ્ટોર ન થયું? અનઈન્સ્ટોલ કરી એટલે અપડેટ. સર્વે કરનારાએ ત્યાં સુધી કહ્યું કે, દર વખતે આવતી અપડેટમાં એપ્લિકેશન સર્વરની નવી-નવી કેટલીય ફાઈલ જોવા મળી. દર વખતે ક્લેરિટી અને ફીચર્સની એવી દુનિયા જોવા મળી જે કોઈ પણ એક્સક્લુઝિવ ન હતી છતાં દરેકને એક રોમાંચ ફીલ થતો.
મેસેજની આપ- લે સાથે મલ્ટિમીડિયાની આપ-લે સુધી વિસ્તયુર્ં. ફોટો-વીડિયોની સાથે ફાઈલની લેવડદેવડ વધી, એડ્રેસની સાથે લાઈવ લોકેશન આવ્યા, ગ્રૂપ ચેટની સાથે પોલિંગ આવ્યું, માત્ર એડમિન જ મેસેજ કરી દર્શકોને માત્ર રીડ ઓનલી કરી શકે એવું આવ્યું. આવા અનેક એવા પરિવર્તનથી આ એપ્લિકેશન માત્ર ટકી નથી ગઈ-એ વધુ બળુકી થઈ છે,.
પોર્ટેબિલિટીના પ્લેટફોર્મ પર ટ્રાય કરનારા પણ વધ્યા. વેબવોટ્સએપ પર કોઈ પણ ચેટબોક્સમાં જઈ ફોટો પોસ્ટ કરી શકો. અગાઉ ફોટોની નીચે કેપ્શન અલગથી પોસ્ટ થતું. હવે નીચે જ બોક્સ આપીને ફોટોસ્ટોરીનું ફીચર્સ આપ્યું. રીએક્શન એકશનમાં ઈમોજીની આખી લાયબ્રેરી ખોલી. જે ફીલ થાય એના એક્સપ્રેશન આપી જલસા કરો.
ચોંકાવનારું તારણ એવું કહે છે કે, અંગૂઠો મારતું અને લાલ કલરનું દિલ, આ બન્ને ઈમોજી સૌથી વધારે રીએક્શન આપવા વપરાય છે. બીજા નંબરે રાઈટનું નિશાન, ત્રીજા ક્રમે કિસ, ચોથા ક્રમે જોડેલા બે હાથ અને પાંચમા ક્રમે રોઝ ઈમોજી યુઝ થાય છે. રીએક્શન ઓપ્શન શરૂ થયો ત્યારે જોડેલા બે હાથ પ્રથમ ક્રમે હતા.
એ પછીના સમયગાળામાં વાર્તાલાપમાં ઈમોજીએ શબ્દોની જગ્યા લીધી. યસથી પતે તો રાઈટ આપી દે. સો ટકા વાત સાચી હોય તો 100 નું ઈમોજી દોડે. વાતચીતને વધારે સ્મૂથ બનાવીને ઈમોજીએ ખરા અર્થમાં સંવાદમાં ઈમોશન્સ ઉમેર્યા એવું કહીએ તો પણ ખોટું તો નથી.
ડિજિટલ પ્લેટફોર્મ પર કોપી-પેસ્ટનો કારોબાર ચાલે છે. આની બધાને ખબર છે. જાણીને આશ્ર્ચર્ય ન પામશો કે, સૌથી વધારે ટેક્સ કોન્ટેટ વાયરલ કરનાર પ્લેટફોર્મ વોટ્સએપ છે. જેના કારણે કેટલાક નિષ્ણાતો આને વિષવિદ્યાલય એવું નામ આપે છે તો કેટલાક કટાક્ષમાં વોટ્સએપ યુનિવર્સિટી, વગર કોર્સની ડિગ્રી એવું પણ કહે છે. ટેક્સ બાદ તમામ મલ્ટીમીડિયા આવે છે જે વાયરલની શ્રેણીમાં આવે છે.
જીવનમાં સ્ટેટસ બનાવવામાં જિંદગી નીકળી જાય પણ વોટ્સએપ આવતા સ્ટેટ્સનું ફીચર આવ્યું. ફોટો, વીડિયોથી સીમિત સ્ટેટ્સમાં મ્યુઝિક અને વોઈસનોટ ઉમેરાતા વગર વરસાદે કૂંપણો ફૂટી હોય એવું થયું. સારી વાત છે કે, એક અભિવ્યક્તિનું નવું માધ્યમ મળ્યું. એમાં મુશ્કેલી એ વધી કે, જાહેર સ્થળો પર સ્ટેટસ જોતા જાણે ડિજિટલ શોર-બકોર વધારી રહ્યા હોય એવું થયું. સ્ટેટસની વાત છે તો એમાં હવે એવું પણ શક્ય છે કે, તમારે જેને સ્ટેટસ નથી બતાવવું એને સિક્યુરિટીમાં મૂકીને લોક કરી શકો. સામે ગેરફાયદો એ પણ છે કે, તમે જેને લોક કર્યા છે એનું પણ સ્ટેટસ તમે નથી જોઈ શકતા.
માત્ર સંવાદમાં જ નહીં સ્ટેટસમાં પણ રીએક્શન રૂપે જે તે વ્યક્તિના વોટ્સએપ સ્ટેટસને લાઈક કરી શકો છો. રીપ્લાય કરવું પણ શક્ય છે. જાણીને નવાઈ લાગશે કે, આ ફિચર ફેસબુકમાંથી લેવામાં આવ્યું છે. પાયાનો કોન્સેપ્ટ હવે નવા અવતારમાં આવ્યો. સ્ટેટ્સ ક્રિએટ કરનાર વ્યક્તિને એની જાણ નોટિફિકેશન રૂપે પણ થાય છે. આવું જ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ છે. હવે સ્ટેટ્સમાં કોઈ વ્યક્તિને મેન્શન કરવાનું ફીચર નવું છે.
મજેદાર છે. એકસાથે પાંચ વ્યક્તિને મેન્શન કરી શકાય છે. જેની જાણ ચેટમાંથી થાય છે. સૌથી ખાસ વાત એ છે કે, કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય એવા વ્યક્તિને પણ મેન્શન કરી શકાય છે. દરરોજ કેટલાય લોકો સાથે આપણે વાતચીત કરીએ છીએ. પણ કેટલીક વાત ગમી જાય તો કેટલીય મહત્ત્વની હોય. આવા ચેટને એકસાથે સિલેક્ટ કરી સ્ટાર કરી રાખવાથી એ કાયમ સેવ રહેશે.
વોટ્સએપ ફરીથી નાખશો અને બેકઅપ સ્ટેટ્સ ઓન હશે તો આ મેસેજ ફરી દેખાશે. મેસેજ ટુ યોર સેલ્ફ. એટલે કેટલીક લીંક, મેસેજ, ફોટો, ફાઈલ અને શેર કરવા જેવા ક્વોટથી લઈ બીજી કેટલીય વસ્તુ તમારા નંબર પર મેસેજ કરી સેવ કરી શકો. આ સિવાય કેટેગરી વાઈસ સેવ કરવા હંગામી ગ્રૂપ બનાવી એમાં મેમ્બર્સને ડિલિટ કરી ઓનલી યુ તરીકે સાચવી શકાય છે. જેમ કે, ટુરિંગની રીલ્સ અલગ સેવ કરી શકાય. એજ્યુકેશન રીલ અલગ કરી શકાય, જેથી મેસેજ ટુ યોર સેલ્ફમાં બીજો ખીચડો ન થઈ જાય.
આઉટ ઓફ બોક્સ
બાય ડિફોલ્ટ લોક સ્ક્રીન પર કેમેરા ઓપ્શન આપવાની શરૂઆત આઈફોને કરી હતી. પછી બીજા ફોનમાં એનો વિકલ્પ આપવામાં આવતા એ સરળ બન્યું. જેથી લોક ખોલ્યા વગર ડાયરેક્ટ કેમેરા એપ ઓન કરી ક્લિક કરી શકાય છે.