
- વિરલ રાઠોડ
ઈન્ટરનેટ ડેટા સસ્તા ભાવે મળી રહેતા હવે દરેક મનોરંજન મોબાઈલની સ્ક્રીન પર પ્રાપ્ય છે. ઈન્ટરનેટ પર મફતમાં મળતું મનોરંજન, માહિતી અને મૂલ્ય કમાવી આપતી દરેક વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યેક વ્યક્તિની દૈનિક જીવનશૈલીને અસર કરે છે.
ઓનલાઈન ખરીદીથી લઈને ચુકવણી સુધી દરેક વસ્તુ ઓનલાઈન શક્ય બની છે. જે ઘણી સારી વાત છે. મનોરંજન માટેની એપ્લિકેશન પાર વિનાની છે. ઢગલાબંધ ફ્રી એપ્લિકેશનથી પ્લેસ્ટોર ઊભરાઈ રહ્યું છે. એને એકવાર ઈન્સ્ટોલ કર્યા બાદ એમાં પણ જે ફ્રી છે એ સૌની નજર સામે છે. ઘઝઝ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા એક વર્ગને ખ્યાલ હશે કે, ઈન્ટરનેટ ઉપર પણ બધું મફત નથી.
પ્રીમિયમ કોન્ટેન્ટ જોવા માટે જે તે ઓટીટી પર પૈસા ભરવા પડે છે. ફ્રી કોન્ટેન્ટમાં જાહેરાતોના અસહ્ય મારાથી કંટાળેલો યુવાવર્ગ હવે ઓટીટીમાં મોટી રકમ પે કરે છે. કોન્ટેન્ટ આપતા, તૈયાર કરતા અને એ માટે વિશાળ માધ્યમ પૂરા પાડતા વિતરકો પણ આવા OTT પ્લેટફોર્મ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે. જે તૈયાર કોન્ટેટને પેડ પ્લેટફોર્મ પર મૂકીને રોકડા કમાતા
હોય છે.
ગીત સાંભળવાની એપ્લિકેશનથી લઈને મુવી માટે અનેક એવા પ્લેટફોર્મ ચાર્જિસ વસુલ કરે છે અને પછી જે તે કોન્ટેન્ટ જોવા-જાણવા અને માણવા આપે છે. આવા OTTમાં એકવાર પૈસા ભર્યા બાદ પિક્ચર ક્વોલિટીથી લઈ નવી ફિલ્મો સુધીના એક્સેસ મળે છે. હવે શું જોવું એ યુઝર્સ પર નિર્ભર છે. આ એક એવી માર્કેટ છે, જેમાં મારધાડ કોન્ટેન્ટથી લઈને મદમસ્ત ને મદહોશ કરતા કામુક કોન્ટેન્ટ પણ છે. જ્યારે કોઈ યુઝર્સ એમાં એકવાર પે કરે છે એ પછી વારંવાર એના બીજા સબસ્ક્રિપ્શનમાં પે કરવા માટે લોભામણી જાહેરાત એએપ્લિકેશન ખોલતા જ આવે છે.
બસ, ફ્રોડ અહીંથી શરૂ થાય છે. સાયબર ગઠિયા આવી એપ્લિકેશનની આબેહુબ લિંક તૈયાર કરી અંગ્રેજી અક્ષરમાં સાવ નજીવો ફેરફાર કરીને ખેલ પાડે છે. પ્રીમિયમ ભર્યા બાદ ઓટો રિન્યૂઅલ ઓપ્શનથી ઓટોમેટિક પૈસા કપાય છે. જેમ જેમ આ તારીખ નજીક આવે એમ સાયબર ગઠિયા આવી લિંક મોકલી ફરી પે કરવા દબાણ કરે છે. ક્યારેક એના ફોન પણ આવે છે.
આને સાયબરની ભાષામાં ‘ટેપિંગટ્રેપ’ કહે છે. જ્યારે કોઈ યુઝર્સ પહેલીવાર OTT પર આવે છે ત્યારે કંપની યુઝર્સને ટકાવી રાખવા ઓફર્સ મૂકે છે અને સસ્તામાં પ્લાન એક્ટિવ કરાવે છે. પછી આ નંબર પરની સર્વિસ કોઈ પણ જુગાડથી સાયબર ગઠિયા સુધી પહોંચે છે અને પછી ખેલ શરૂ થાય છે. એકવાર પૈસા ભર્યા બાદ એક વર્ષ સુધી કંઈ થતું નથી.
પછી પ્લાન ફરીથી એક્ટિવ કરાવવા કે સબસ્ક્રિપ્શન પૂરું થાય તેની પહેલાં એક લિંક આવે છે, જેમાં ઓટો પે ઓપ્શન નથી હોતો. આવી લિંકમાં સાવ નાના અમથા સ્પેલિંગ મિસ્ટેકથી યુઝરનું ખાતું ખાલી કરાવવા બેંકની વિગત ભરવાનું ફોર્મ હોય છે અથવા પે કરવા માટે QR કોડ આપે છે. જો કોઈ યુઝર આને એકવાર સ્કેન કરે છે પછી એનો સ્કેનકોડ ગઠિયા સેવ કરી સમયાંતરે ખાતાનું તળીયું દેખાડી દે છે.
આવું ન થાય એ માટે પહેલાં તો મોબાઈલમાં આવેલી લિંકને શાંતિથી વાંચવી. ક્લિક કર્યા બાદ જો ડાયરેક્ટ જે તે ઓટીટી એપ્લિકેશન ખુલે તો એ લિંક ખરી છે. મોટાભાગના કેસમાં ઓટીટી કંપનીઓ એસએમએસ મોકલે છે આવી કોઈ લિંક મોકલતા નથી. જ્યારે ઓટીટી કંપની પેમેન્ટ ઓપ્શન એમની એપ્લિકેશનમાંથી જ આપે છે. જેમાં આગળ વધતા મોબાઈલ માં જ પેમેન્ટ એપ્લિકેશનથી પૈસા ચૂકવવા ડાયરેક્ટ કરે છે.
એમેઝોન પે, યુપીઆઈ, ફોન પે, ગૂગલ પે, ભીમ જેવી પેમેન્ટ એપ્લિકેશન ક્યારેય કોઈ ઓટીટીની ઓફરનું પ્રમોશન કે પ્રમોટ કરતા નથી. જ્યારે ઓટીટી પેમેન્ટ કરવાનું આવે ત્યારે આ એપ્લિકેશનમાં ખાસ કોઈ ઓપ્શન પણ આપતા નથી. ડીઝની હોસ્ટાર, નેટફ્લિક્સ, ગાના, સ્પોટીફાય, સોની લીવ, ડિસ્કવરી પ્લસ જેવી ઓટીટી એપ ઘણી કોન્ટેન્ટ ફ્રીમાં આપે છે.
આપણ વાંચો: મિજાજ મસ્તી : શ્યામ રંગ સમીપે: આપણે સૌ ચામડીનાં ગણવેશમાં…
આવી તમામ એપ્લિકેશનમાં પે માટે ખાસ ઓપ્શન અલગ હોય છે. ઓટીટી પ્લેટફોર્મ આવા યુઝર્સના સબસ્ક્રિપ્શનમાંથી તો કમાય છે પણ કોન્ટેન્ટ બનાવનારાઓને વિશાળ વ્યૂઅર્સ આપી દેવાની વાત કહીને પણ એના ચાર્જ વસૂલ કરે છે. આ ઉપરાંત જે તે ફિલ્મોને ઓટીટી પર રીલિઝ કરવા માટે પણ પૈસા લે છે એટલે યુઝર્સનું સબસ્ક્રિપ્શન તો આ રકમ સામે મામૂલી છે. બીજી બધી વીડિયો એપ્લિકેશન સામે ટકી રહેવા યુટ્યુબે પણ પોતાની સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે.
આ બધા વચ્ચે સૌથી ખાસ વાત એ છે કે, પ્રીમિયમ કોન્ટેન્ટ એકદમ શ્રેષ્ઠ હોય છે. એવી માહિતી સામાન્ય રીતે કોઈ સરળતાથી મળતી નથી. ખાસ કરીને ‘નેશનલ જીઓગ્રાફિક્સ’ની કેટલીક ડોક્યુમેન્ટ્રી. આ માટે એ ચાર્જ કરે છે. ચીટિંગ ત્યાં પણ થાય છે કે, એના પ્રોમો વીડિયો કે રીલ્સમાં થોડું ઘણું એડિટ કરીને વાયરલ કરી દેવામાં આવે છે, જેમાંથી પછી વિવાદ થાય છે.
આઉટ ઓફ ધ બોક્સ
ઓટીટી એપ ‘હોટ સ્ટાર’ સૌથી વધારે એશિયામાં જોવાય છે. એમાં સૌથી વધારે પ્રાદેશિક કોન્ટેન્ટ દર્શકો વધુ જુએ છે.