ટૅક વ્યૂહ : ઈન્ટરનેટ પર કસ્ટમર કેર એટલે ખોટા નંબરની માયાજાળ? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ટૅક વ્યૂહ : ઈન્ટરનેટ પર કસ્ટમર કેર એટલે ખોટા નંબરની માયાજાળ?

  • વિરલ રાઠોડ

માહિતી હોય કે મેસેજ, કોઈ વસ્તુ ક્રોસ ચેક કરવાની થાય ત્યારે સૌથી પહેલા ઈન્ટરનેટ પર એ વિષયવસ્તુ સંબંધીત ખાંખાંખોળા કરવામાં આવે છે. ડેટા સામગ્રી તો ઠીક, પણ કોઈ કસ્ટમર કેર કે અન્ય કોઈ હેલ્પલાઈન નંબરને લઈને જ્યારે પણ સર્ચ કરવામાં આવે છે ત્યારે એક્યુરેસી- ચોક્કસાઈના મામલે ઘણી વાર અનેક લોકો થાપ ખાઈ બેસે છે.

ડિજિટલની દુનિયામાં સમસ્યાનું સમાધાન શોધવા ઈન્ટરનેટ હાથવગું હથિયાર સાબિત થાય છે ત્યારે કેટલીક બાબત મુશ્કેલીમાં પણ મૂકી દે છે. ઈન્ટરનેટ પર સર્ચ કરાતા વિષયોની યાદી ક્યારેય પૂરી થતી નથી, જેમકે દિલ્હીમાં બેસ્ટ સ્ટ્રીટ ફૂડ ક્યાં મળે?, દિવાળીમાં શોપિંગ મેલા ક્યાં છે?, વેઈટલોસ કરવા શું કરવું જોઈએ?, ટીવી કે મ્યુઝિક સિસ્ટમની ઓનલાઈનમાં કિમત કેટલી? વગેરે વગેરે, જેટલી જિજ્ઞાસા એટલા સવાલ….

આ બધા વચ્ચે ઘણીવાર કસ્ટમર કેરનો નંબર સર્ચ કરવાની ભૂલ કરવા જેવી નથી. બેંક, ઓનલાઈન શોપિંગ સાઈટ, ટેલિકોમ કંપનીઓના નંબર, પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ જેવી વસ્તુઓ માટે સર્ચ કરવામાં આવતા નંબરમાં એક પૂર્વઆયોજિત કાવતરું છે. ટેલિકોમ સર્વિસ પૂરી પાડતી કંપનીઓ દરેક શહેરમાં પોતાની એક ઓફિસ ખોલે છે, જેના વિશે ગૂગલ સર્ચ કરવામાં આવે તો જે તે કંપનીનો એક સામાન્ય નંબર એના સંપર્કના ખાનામાં હોય છે.

અહીંયાથી શરૂ થાય છે નંબરની માયાજાળ…

જ્યારે નંબરને લઈને વાત આવે છે ત્યારે કેટલાક એકમને બાદ કરતા ફ્રોડ, પાયરેસી, ટે્રકિગ અને લોકેશન મોનિટરિગની શ્રેણી શરૂ થાય છે. સ્ક્રીન પર દેખાતા વેબપેજ કે એપ્સ પર માત્ર એક નંબરની ઉપર-નીચે તિજોરી (બેંક બેલેન્સ) ખાલી કરવા માટે પૂરતું છે. સર્ચ કરનાર કસ્ટમર કેર સુધી પહોંચવાના બદલે પહોંચી જાય છે સાયબર ગઠિયાના અડ્ડા સુધી!

સાયબર ફ્રોડ એ પણ નંબર ઉપરથી કરનારા ગૂગલ અને સર્ચ માટેના બીજા અલ્ગોરિધમ સારી રીતે જાણતા હોય છે. ક્યો શબ્દ ટાઈપ કરવાથી અને કઈ લિંકને સૌથી વધારે ફોલો કરવાથી સિસ્ટમ ટે્રક થાય એની આખી યાદી આવા સાયબર ફ્રોડવાળાઓ પાસે હોય છે. આમાં થાય છે એવું કે, આપણે જે તે કસ્ટમર કેર સુધી પહોંચવાના બદલે ફ્રોડના દરવાજે ટકોરા મારી બેસીએ છીએ. સાવ સામાન્ય નંબર કે વેબસાઈટના સ્પેલિંગમાં નાનકડી અમથી ઉપર-નીચે કરી એક લિંક તૈયાર કરવામાં આવે છે. જે જાણીતી કંપનીના નામ, બ્રાંડ, નંબર કે સંપર્ક સ્ત્રોત સાથે બિલકુલ મળતી આવે છે. પહેલી નજરે કોઈ ફરક પણ દેખાતો નથી. આને સાયબરની પરિભાષામાં `વેબસાઈટ ક્લોન’ કહેવાય છે. જ્યારે નંબરને લઈને કંઈ સર્ચ કરવામાં આવે તો પ્રોગ્રામમાં સર્ચના નંબરના મોટાભાગના અંક હોય છે. ભલે સિરિયલમાં ન હોય તો પણ. સર્ચના પરિણામમાં આવી વેબલિંક પણ ઉપર આવી જાય છે. જે અસલમાં ફેક હોય છે, પણ નંબરની માઈનોર અદલાબદલીથી સરખા જ દેખાય છે.

હવે સર્ચ કરનારા કોઈ વ્યક્તિ આ નંબર પરથી કોઈ કોલ કરે તો કસ્ટમર કેરના બદલે પહોંચે છે ડાયરેક્ટ સાયબર ગઠિયા સુધી. ગૂગલ સર્ચ પર નીયર મી શબ્દથી સર્ચ કરવામાં આવતા કોઈ પણ પરિણામ પર નંબરની ગેરેન્ટી ગૂગલ આપતું નથી. મેપિંગ અને ટે્રકિગ વખતે કંપની આવું કોઈને લખીને પણ કહેતી નથી એટલે શરૂ થાય છે ફ્રોડ ગેમ. પછી ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ, પ્રોડક્ટ, ઓટીપીનો ખેલ શરૂ થાય છે.

સામાન્ય રીતે આવા કેસમાં સામા છેડેથી બોલતી વ્યક્તિનો અવાજ પણ અસલી હોતો નથી. જે નંબર પરથી સામેથી કોલ આવે છે નંબર પણ હંગામી હોય છે જે એકવાર ઉપયોગમાં લેવાયા બાદ સર્ચ કરનારા કોઈ લગાવે તો લાગતા નથી. નંબર જ એક્ટિવ નથી તો લાસ્ટ લોકેશન કે ટે્રકિગ કરવાથી કે ફરિયાદ કરવાથી પણ કોઈ ફાયદો નથી. આવું સિમ જ્યારે બીજા કોઈ મોબાઈલમાં નાખવામાં આવે અને પછી ફોન ચાલુ થાય તો એ કાયમ રહેશે એ પણ નક્કી નથી. મોટાભાગના કેસમાં આવા મોબાઈલ પહાડી વિસ્તારો, દુર્ગમ એરિયા તો ક્યારેક વિદેશથી પણ ચાલુ થતા હોય છે, જેના લીધે ફરિયાદ થાય તો પણ એ એટલા ઝડપથી કોઈ સાયબર પોલીસની પકડમાં આવતા નથી.

દિલ્હીનો સાયબર ફ્રોડનો એક કિસ્સો જાણીને આંચકો અવશ્ય લાગશે. જેમાં ચોરાઈ ગયેલા ફોનનું લોકેશન છેક ચીનમાં દેખાતું હતું… ! જ્યારે ઓટીપી અને જે નંબરથી ફોન આવ્યો હતો એ લોકેશન મણિપુર હતું. ટે્રપ આખી એવી હતી કે, એક ટ્રાવેલરનો મોબાઈલ નંબર ગઠિયા ટે્રક કરતા હતા. પછી જે તે ડેસ્ટિનેશન પરથી એ ફોન ચોરાયો. જેમાં મામલો પૈસા લેવાનો નહીં પણ સામેથી આપવાની વાત હતી. લકી અને સ્પેશ્યલ નંબરમાં આ મોબાઈલ નંબર આવ્યો છે… ટુરિગ ડેસ્ટિનેશન પર જ ગિફ્ટ મળશે… એ પણ ઓનલાઈનમાંથી પાર્સલ આવશે….’ એવી માહિતી આપવામાં આવી … પાર્સલ તો ન આવ્યું પણ બેંક બેલેન્સની સાથે મોબાઈલ પણ ચોરાઈ ગયો હતો !

કોઈ કોન્ટેક નંબરની જરૂર હોય તો શું કરવું ?

જ્યારે કોઈ કસ્ટમર કેરના નંબરની જરૂર પડે તો ડાયરેક્ટ ગૂગલ સર્ચ કરવાના બદલે જે તે પ્રોડક્ટની કંપનીની ઓફિશિયલ વેબસાઈટને ફોલો કરો. દરેક વેબસાઈટ પર કોન્ટેક્ટ નંબર હોય છે એમાંથી એનો સંપર્ક કરો. નજીકની રિજનલ ઓફિસમાં જાવ ત્યારે વેબસાઈટ અને એમનો નંબર ક્રોસ ચેક કરો. ટેલિકોમ કંપનીઓ પોતાના વોટ્સએપ બોટ ચલાવે છે. એની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એના બોટ પર હેલ્પનો મેસેજ મૂકો, જ્યાંથી ડાયરેક્ટ કસ્ટમર કેર મેનેજર ક્નેક્ટ થશે. વેબસાઈટની લિંકને ધ્યાનથી તપાસો. સ્પેલિંગ મિસ્ટેક લાગે તો ક્લિક કરવાનું ટાળો. બેંક સંબંધિત કોઈ મામલો હોય તો મેન બ્રાંચને જાણ કરો. એ 24 કલાકમાં મુશ્કેલી ઉકેલી દેશે. કોઈ પણ કસ્ટમર કેર અધિકારીને તમારા મોબાઈલ નંબર સિવાય બીજી કોઈ જ વિગતની જરૂર હોતી જ નથી. અને પૂછે તો આપવાની થતી નથી.

આઉટ ઓફ ધ બોક્સ
વર્ષ 2015માં પહેલી વખત કોઈ ઈમેઈલ એડે્રસમાં નંબરની સાથે બીજા ડોમેઈન પરથી ફ્રોડ મેઈલની શરૂઆત થઈ હતી. એ પછી ઓનલાઈન શોપિંગ સર્વિસ આપતી કંપનીઓએ પોતાના મેલમાંથી નંબર જ હટાવી દીધા હતા.

આપણ વાંચો:  ટ્રાવેલ પ્લસ : પ્રકૃતિનો અલભ્ય નજારો-વેલી ઓફ ફ્લાવર્સ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button