ટૅક વ્યૂહ : ડિજિટલ પ્લેટફોર્મનો સમ્રાટ છે કોન્ટેન્ટ

- વિરલ રાઠોડ
ટેક્નોલોજીની દુનિયામાં બદલાતાં પ્રવાહમાં અનેક પ્લેટફોર્મ પરથી કેટકેટલું પીરસાયું…! ‘ટિકટોક’ નામની એપ્લિકેશન બંધ થઈ જતા હરીફ કંપનીઓએ મર્યાદિત સમયના વીડિયોનો અફાટ સમુદ્ર બનાવ્યો. યુટ્યૂબથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી અને એડથી લઈને એનિમેશનથી સજ્જ શોર્ટ સ્ટોરીઝ સુધી, સર્વત્ર ફોટો-વીડિયોના કોન્ટેન્ટ-સામગ્રીથી વિઝ્યુલાઈઝેશન (ચિત્રાંકન) એકાએક વધ્યું. એક સમયે યુટ્યૂબના વીડિયો જોવા પણ રેર ગણાતા. ઈન્ટરનેટ ડેટાપેકની સસ્તી ને સરળ સવલતથી વીડિયો માર્કેટમાં શૅરબજાર જેવી તેજી આવી. ‘ગ્લોબલ મીડિયા સ્ટ્રેજિક’ સર્વે અનુસાર 5.1 મિલિયનથી વધુનું વીડિયો માર્કેટ એકલા યુટ્યૂબ ચેનલનું રહ્યું છે, જેમાંથી 300 કલાક શોર્ટ વિડિયોના છે. સાત જુદા જુદા રિજિયનમાંથી કરાયેલા આ જ વર્ષના સર્વેનું તારણ છે. 83 બિલિયન વિડિયોનું માર્કેટ એશિયાઈ દેશનું છે, જેમાં ફૂડ, ટ્રાવેલ્સ, હોમ ટિપ્સ અને ચાઈલ્ડ કેરના વીડિયો સૌથી વધુ જોવાયા છે. સર્વે કરનારી કંપની ત્યાં સુધી કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષનો આ સૌથી મોટો ગ્રોથ છે. જેની પાછળ સસ્તું ઈન્ટરનેટ ક્નેક્શન અને બીજા ક્રમે એના કોન્ટેન્ટ (સામગ્રી- માહિતી) જવાબદાર છે.
‘કોન્ટેન્ટ’ શબ્દના મૂળ લેટિન ભાષામાં છે. મૂળ શબ્દ કોન્ટિનેરે પરથી કોન્ટેન્ટ થયું અને એમાંથી બ્રિટિશ ઈંગ્લિશ અનુસાર કોન્ટેન્ટ શબ્દને સ્થાન મળ્યું, જેનો સીધો-સાદો અર્થ થાય છે સામગ્રી.
ડિજિટલની વિવિધતા ભરી દુનિયામાં દર વર્ષે શું સર્ચ થયું એની યાદી ગૂગલ જાહેર કરે છે. શું જોવાયું એના પર સર્વે થાય છે. એક વખત જે ગમ્યું એને લાઈક કર્યું એ પછી જુદા જુદા વિષયોની આખી હારમાળા પીરસાય છે. આ તમામ વસ્તુઓ પાછળ જે મેકેનિઝમ કામ કરે છે એને કહેવાય કોન્ટેન્ટ સાયન્સ. એમાં વ્યક્તિના મૂડ, મનપંસદ મ્યુઝિક, માહોલ અને મેઈન સ્ટ્રીમમાં ચાલતા વાયરલના વાયરા પર સૌથી વધુ ફોક્સ હોય છે. સોશ્યલ મીડિયાથી થોડે આગળ જતા ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ પાવરફૂલ, ક્લિયર, પર્ફેક્ટ અને ઈમોશન સાથે પીરસાતું વીડિયો કોન્ટેન્ટ પ્રાયોરિટીમાં હોય છે. નામી ઓટીટી પ્લેટફોર્મ તો વીડિયો ક્વોલિટીના રીઝોલ્યુશનને પ્રાધાન્ય આપીને એને પીરસવાના રૂપિયા લે છે અર્થાત્ કોન્ટેન્ટ ઈઝ ધ કિંગ. યુદ્ધ કથાથી લઈને યોગાભ્યાસ સુધી, ટ્રાવેલથી લઈને ટિખ્ખળ સુધી, પોડકાસ્ટથી લઈને પિક્ચર સુધી તમામ વીડિયો ફોર્મેટના પાયામાં છે એના વિષયનું કોન્ટેન્ટ.
જેમાં ચોક્કસ શબ્દો, શૈલી અને સ્ક્રિપ્ટના ફોર્મેટ સાથે તે પીરસાય એ અનિવાર્ય છે. વિષયોની અમાપ દુનિયામાં સાચું-ખોટું બધુંય ઠલવાય છે. વાઈરલ વીડિયો પાછળ કેટકેટલાય વાદ-વિવાદ થાય છે. સત્ય શું એ માટે થોડો વિચાર અવશ્ય આવે. આ માટે પણ કેટલીક ટિપ્સ અને નિરિક્ષણ જરૂરી છે, જેમ કે, કોઈ પણ વીડિયોમાં ભાષા કઈ, આસપાસના લોકેશન શું, જે વિષય છે એ સંબંધિત બીજા વાવડ શું આ તમામ પર થોડું રીસર્ચ કરીએ એટલે હકીકત સામે આવી જાય. એ ન મળે તો એટલું તો અવશ્ય મળે કે આખરે એના મૂળ ક્યાં છે. કોન્ટેન્ટનું કોપી-પેસ્ટ, નકલ અને બેઠી ઉઠાંતરી એ વિકટ સમસ્યા ઊભી કરી છે. એમાં એક દ્રષ્ટિકોણથી ડેટાનો પણ વ્યય થાય છે. સરળ, સ્પષ્ટ અને ટૂંકા કોન્ટેન્ટની મોટી માર્કેટ છે. ટ્વિટર (હવે ડ) જેવી વેબસાઈટે પહેલા મર્યાદિત શબ્દો આપીને ભલભલાને ક્રિએટિવ કરી દીધા, જેમાં ટેગથી લઈ હેશટેગ સુધી બધું આવી જાય એટલે ભયો..ભયો..સ્ક્રિપ્ટ મજબૂત હોય તો ફિલ્મમાં દમ છે એમ કહેવાય એમાં પણ કોન્ટેન્ટ છે. સોશ્યલ મીડિયા શરૂ થતા જ અઢળક વિષયોના કોન્ટેન્ટ ઠલવાયા. એમાંથી આપણને ગમ્યા એની આખી કેટેગરી ઊભી થઈ.
માર્કેટમાંથી પૈસા કેમ કમાવવાથી લઈને પેન્શન સ્કિમમાં જરૂરી દસ્તાવેજ સુધી કોન્ટેન્ટની આ માર્કેટમાં કેટલાય ઈન્ફ્લુએન્સર્સે કમાણીનો રસ્તો બનાવ્યો. એને પીરસવાની શૈલી ઉપર પણ આધાર છે. અઈં અને ચેટજીપીટી આવતા રૉ કોન્ટેન્ટની માર્કેટમાં ઉછાળો આવ્યો છે. ક્રિએટિવ શબ્દો, સુંદર શૈલી અને થોડું પ્રોફેશનાલિઝમ કરો એટલે જાણે કોઈ એક્સપર્ટે શબ્દો લખ્યા હોય એવી ફીલ આવે. ગૂગલે પણ આ વાતની નોંધ લઈને એક વાર્ષિક રિપોર્ટ બનાવવાનું શરૂ કર્યું.. જાણીને આશ્ર્ચર્ય થશે કે, વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષમાં સૌથી વધું જે કોન્ટેન્ટ સર્ચ થયા એમાં મ્યુઝિક, ધાર્મિક સીરિયલ, જૂના ગીત અને ટેક્નોલોજી સંબંધિત રહ્યા છે. એ પછીના એક વર્ષમાં હાઈવે ટ્રીપ, એડવેન્ચર, સિટી બ્લોગ, ફૂડ, ફેશન, ટીપ એન્ડ ટ્રિકસ મુખ્ય રહ્યા. છેલ્લા બે વર્ષમાં થયેલી સર્વેના રિપોર્ટ અનુસાર ગોસીપ, બોલિવૂડ સેલેબ્સના મેરેજ, ક્રિકેટ મેચની સ્ક્રિન પર ન આવેલી વાત, મુવી સિન્સ, વેધર, શોર્ટ સ્ટોરી, એડલ્ટ પ્રેંક અને છેલ્લે ઓટો. આટલા વિષયના કોન્ટેન્ટ સૌથી વધુ સર્ચ પણ થયા અને ભરપૂર જોવાયા.
મોટાભાગના કિસ્સામાં બ્યૂટી ટિપ્સ અને ફેશન સંબંધિત કોન્ટેન્ટ બપોરના સમયે જોવાય છે. જ્યારે સવારના સમયે ન્યૂઝ અને આર્ટિકલ્સ વંચાય છે. મોટાભાગના નાઈટ ટ્રાવેલ્સમાં યુટ્યૂબ પર સતત ચાલતા જૂના ગીત સર્ચ થયા છે. જ્યારે બિઝનેસ સંબંધિત કોન્ટેટ સૌથી વધારે સાંજના સમયે અથવા મોડી રાત્રે જોવાય છે. આ બધી સામગ્રી પરથી સોશ્યલ મીડિયા પર કે પોતાની કોઈ ચેનલ્સ તૈયાર કરવા એટલું તો નક્કી છે કે, કોઈ રસપ્રદ અને યુનિક કોન્ટેન્ટ હોય તો આવનારી ટેક્નોલોજીની દુનિયા કોન્ટેન્ટ ક્રિએટર્સની છે. એ પછી સ્ક્રિપ્ટ લખવાની ફાવટ હોય કે બોલવાની. એ પછી બીજા ક્રમે એ એડિટ કરનારા વીડિયો એડિટર્સની વાત આવે છે. કોન્ટેન્ટ બેસ્ટ હશે તો ટેક્નિકલ પાસું સરળ રીતે સેટ થશે.
આઉટ ઓફ ધ બોક્સ
અમેરિકા, કેનેડા, રશિયા, જાપાન અને આફ્રિકા જેવા દેશના લોકો સોશ્યલ મીડિયા છોડી રહ્યા છે, જ્યારે ભારતમાં સોશ્યલ મીડિયા વ્યૂઈંગ ટાઈમિંગ સૌથી વધારે છે. 24 કલાકમાંથી 18 કલાક…!
આપણ વાંચો: ઘરની બહાર, છતાં ઘરથી વધુ એવો ઓટલો!



