સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી ? પ્રકરણ-15

- અનિલ રાવલ
ઝુબૈદાનું મન કશે લાગતું નહતું. એકનો એક દીકરો હોસ્પિટલમાં હોય તો કઇ મા આરામથી સૂઇ શકે અને કઇ મા સુખચેનથી જાગી પણ શકે? એ રાતભર ઇલિયાસના વિચાર કરતી જાગતી રહેતી. દિવસ રાત એ ચિંતામાં તડપતી રહેતી. ન નમાઝમાં કે ન કુરાનમાં…ન અઝાનમાં જીવ ચોંટે. ઇલિયાસની ખબર પૂછવાનો વિચાર આવતો, પણ એણે ઇલિયાસને કહેલી વાત યાદ આવી જતી. ‘બસ, મૈને તેરી આવાઝ સૂન લી, અબ મૈં તુઝે ફોન નહીં કરુંગી, તેરા ઇન્તેઝાર કરુંગી….તૂ જલદી ઠીક હોકે આ જા…’ એના ધીમા રડમસ અવાજમાં એક માનો ખુદા પરનો અતૂટ વિશ્વાસ હતો. જાફરભાઇએ ઝુબૈદાને બબડતી જોઇ. એમનાથી ઝુબૈદાનું દુ:ખ જોવાયું નહીં. એમણે કોલ કર્યો. ‘હલ્લો ઇલિયાસ, બેટા કૈસા હૈ તૂ?’
‘હાં, વો ક્યા હૈ કી ઇલિયાસ કો…માઇલ્ડ હાર્ટ એટેક આયા હૈ…’ સોલંકીએ ઇલિયાસના મોબાઇલ પરથી જવાબ આપ્યો. જાફરભાઇના કમજોર ખભા પર દુ:ખનું આભ તૂટી પડ્યું. ઇલિયાસની અમ્મી સામે જ બેઠી છે. એને ખબર પડશે તો એનો દમ નીકળી જશે. હવે આગળ કંઇ વાત નહીં થઇ શકે. ઇલિયાસની તબિયત વિશે વધુ જાણવું છે, પણ ઝુબૈદાની હાજરીમાં કેમ જાણી શકાય. અસમંજસની આવી હાલતમાં ઝુબૈદાથી વાત છુપાવીને વાત સમેટી લેવા સિવાય બીજો કોઇ માર્ગ નથી.
‘હાં બેટા, ક્યા? સબ ઠીક હો રહા હૈ….ચલો અલ્લાહ કા શુકર હૈ… અમ્મી? અમ્મી ઠીક હૈ…’ બોલતાં બોલતાં જાફરભાઇની જીભ સહેરાના રણમાં પાણી વિના તરફડતા મુસાફરની જેમ તાળવે ચોંટી જતી હતી. ખુશી અને ગમ…બંનેને ચહેરા પર એકી સાથે રાખવું બહુ મુશ્કેલ હોય છે અને જાફરભાઇ જી-જાન લગાવીને, મહામુશ્કેલીથી આ કામ કરી રહ્યા હતા. તેઓ દીકરાની ખબર જાણવા પોતાના પર મંડાયેલી ઝુબૈદાની બેતાબ આંખો ચુરાવીને બોલતા હતા.
ઝુબૈદા એમનો એકેએક શબ્દ ધ્યાનથી સાંભળી રહી હતી. સામે છેડે જાફરભાઇની ધડમાથા વિનાની વાતે સોલંકીને ગૂંચવી નાખ્યો. એ કંઇ બોલી શક્યો નહીં. જાફરભાઇ જ બોલ્યે રાખતા હતા. એ જ વખતે સોલંકીએ મોબાઇલમાં જોયું કોઇનો ફોન આવી રહ્યો હતો.
‘હાં તૂમ અપના ખયાલ રખના. અચ્છા બેટા રખતા હું….’ જાફરભાઇ બોલ્યા. હૈયાને ચીરી નાખતી વેદનાને ચહેરા પર લાવ્યા વિના વાત કરવાનું બહુ જ અઘરું હોય છે!
‘તુમને બાત જલ્દી ખતમ કર દી.’ ઝુબૈદાએ કહ્યું.
‘હાં, પતા ચલ ગયા કી સબ ઠીક હૈ ફિર…’ જાફરભાઇએ મોં ફેરવી લીધું.
‘સબ ઠીક હૈ? ’સચમૂચ?’ ઝુબૈદાએ જાફરભાઇની આંખોમાં ઝાંખવા એમનું મોં પોતાની તરફ કર્યું. જાફરભાઇએ નજર મિલાવી નહીં.
‘મેરે સામને દેખકર બોલો….સબ ઠીક હૈ…?’
જાફરભાઇ સાચું બોલી શક્યા નહીં, પણ એમની આંખોમાંથી વહેતા આંસુ સચનું બયાંન કરી ગયા. ઝુબૈદાએ એમને ક્યારેય આ રીતે રડતા જોયા નહતા. દીકરાનું દુ:ખ જેટલું માને હોય એટલું બાપને પણ હોય…એ ક્યારેક જ આંસુમાં ઝળકે. ઝુબૈદાએ એમને રડવા દીધા.
‘ઝુઠ કા બોજ દિલ પર ભારી પડતા હૈ’ એવી હકીકતથી વાકેફ જાફરભાઇએ ઝુબૈદાને કારમો આઘાત ન પહોંચે એટલા ખાતર દિલ પરથી ઝુઠનો એ કાળમીંઢ પથ્થર હટાવ્યો નહીં.
ડો. સાળુંખેએ પવિત્રાને ફોન લગાડ્યો. પવિત્રાએ જોયું નંબર અજાણ્યો હતો, કદાચ હોસ્પિટલમાંથી હોય એમ માનીને એણે ફોન લીધો.
‘હેલ્લો મિસિસ નિર્મલ?’
‘યસ’ પવિત્રાએ થડકતા અવાજે કહ્યું.
ડો. સાળુંખેએ ગળું ખંખેરતા કહ્યું: ‘હું ડો. પ્રભા સાળુંખે બોલું છું. જી. જી. ભોય હોસ્પિટલમાંથી.’ પવિત્રાના ધબકારા વધી ગયા.
‘નિર્મલને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી હતી એટલે એમને કન્ટિન્યુઝ પોઝિટિવ એરપ્રેશર-વે (વેન્ટિલેટર) પર રાખવામાં આવ્યા છે. જોકે, ગભરાવાની જરૂર નથી, પણ મારે એ જાણવું છે કે એમને ફેંફસા કે હાર્ટ કે કિડની જેવી બીજી કોઇ તકલીફ ખરી?’
પવિત્રા વેન્ટિલેટરનું નામ સાંભળીને ગભરાઇ ગઇ…એમાં બીજી તકલીફો વિશેની ડો. સાળુંખેની વાતે એને વધુ ગભરાવી મુકી, પણ મન મક્કમ કરીને જવાબ આપવા જરૂરી હતા.
‘એ લગભગ દોઢેક વર્ષ અમેરિકા હતો. ત્યાં કોઇ તકલીફ થઇ હોય તો મને કહે તો ખરો જ, પણ પ્લીઝ મને એ કહો…ઇઝ હી સિરયિસ?’
‘નહીં, નહીં…ડોન્ટ વરી. સીપીએપી સારવારથી ઠીક થઇ જવું જોઇએ, પણ આવા કેસમાં અમારી પાસે દરદીની મેડીકલ હિસ્ટરી હોવી ખૂબ જરૂરી છે. એટલે પૂછ્યું. ઓકે, થેન્ક યુ મિસિસ નિર્મલ.’
ફોન કટઓફ્ફ થવાનો અવાજ આવ્યો, પણ પવિત્રાના મનનો વિચાર કટઓફ્ફ ન થયો.. એ ક્યાંય સુધી ફોન પકડીને ઊભી રહી. ઇમર્જન્સી માણસને સભાન બનવા મજબૂર અને મજબૂત કરી દેતી હોય છે. એણે કઠ્ઠણ કાળજે સુકેતુને ફોન લગાડ્યો.
‘હા, બોલ.’ સુકેતુએ કહ્યું.
‘હોસ્પિટલમાંથી કોઇ ડો. મિસિસ સાળુંખેનો ફોન હતો.’
‘એની થિન્ગ સિરિયસ?’ સુકેતૂ થોડી આશંકા સાથે બોલ્યો.
‘એવું લાગે છે….નિર્મલને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે એને કન્ટિન્યુઝ પોઝિટિવ એરપ્રેશર-વે (વેન્ટિલેટર) પર રાખ્યો છે. અને….અને ડોક્ટરે નિર્મલની મેડીકલ હિસ્ટરી વિશે પૂછ્યું.’
‘ઓહ, તો વાત ઇમ્યુનિટી પર પહોંચી છે. મતલબ કે જો નિર્મલને બીજી કોઇ તકલીફ હશે તો કોરોનાના વાયરસ હાવી થઇ જશે અને ઇમ્યુનિટી ઓછી હશે અથવા નહીં હોય તો…’સુકેતુએ માથું ધૂણાવીને વિચાર ખંખેરી નાખ્યો.
‘હા, એને કન્ટિન્યુઝ પોઝિટિવ એરપ્રેશર-વે…શોર્ટફોર્મમાં એને સીપીએપી કહે છે. આ પણ સારવારનો એક ભાગ જ છે. ઇન શોર્ટ ટ્રીટમેન્ટ સાચી દિશામાં ચાલી રહી છે.’ ખુદ ડરી ગયેલો સુકેતુ સાવચેતીપૂર્વક બોલ્યો.
‘મને બહુ ડર લાગે છે સુકુ,’ પવિત્રા લગભગ રડી પડી.
‘તું, તું ચિંતા નહીં કર. મારી પાસે સોલંકીનો નંબર છે. હું એને લાઇન ઓફ ટ્રીટમેન્ટ વિશે પૂછતો રહીશ. તું બિલકુલ ચિંતા નહીં કર.’
‘સુકુ, આ કેવી કમનસીબી કે હું એને મળી પણ શકતી નથી.’
‘બધાની લાચારી એક જ સરખી હોય એવું માનવ ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે.’ સુકેતુએ કહ્યું.
‘પણ આ કેવી લાચારી કે આપણે આપણા માણસને હોસ્પિટલમાં જોવા પણ જઇ શકતા નથી. એના માથા પર હાથ
ફેરવી શકતા નથી.’ દરવખતે જેની પાસે દરેક સવાલનો ઉત્તર રહેતો એ સુકેતુ કદાચ પહેલીવાર નિરુત્તર બની ગયો હતો.
જાફરભાઈ સાથે વાત ચાલુ હતી ત્યારે સોલંકીએ જોયેલું કે ક્યારનો એક ફોન આવી રહ્યો છે. વાત પતાવીને એણે સામે કોલ કર્યો. કેશુકાકા આસપાસ નહીં હોવાથી કિસને ફોન ઊંચકયો.
‘હું સોલંકી..તમે કોણ બોલો?’
‘હા સોલંકી સાહેબ, આપણી વાત થતી હતી…પછી ફોન કપાઇ ગયો…આપની હોસ્પિટલમાં કોઇ નિર્મલ પરીખ કરીને પેશન્ટ દાખલ થયા છેને?’
‘હા એડમિટ થેયલા છેને.’ સોલંકીએ ઉતાવળે જવાબ આપ્યો. કિસનને એના જવાબ પરથી પોતે એને ડિસ્ટર્બ કરી રહ્યો હોય એવું લાગ્યું એટલે એણે ઝડપથી પૂછ્યું: ‘કેમ છે હવે એમને?’
‘આપ કોણ બોલો?’ સોલંકીએ સવાલ કર્યો.
‘કિસન મુંઝાયો. શું કહેવું? એ અમેરિકાથી પપ્પાની સાથે પ્લેનમાં આવેલા એમ કહેવું કે કોઇ બીજી રીતે તપાસ કરવી? એણે સાચું કહી દેવાનું નક્કી કર્યું.
‘નિર્મલભાઇ અને મારા પપ્પા અમેરિકાથી સાથે આવ્યા હતા. એક જ પ્લેનમાં. નિર્મલભાઇને એરપોર્ટ પરથી સીધા હોસ્પિટલમાં લઇ જવાયા અને…’
સોલંકીએ અધવચ્ચે પુછ્યું: ‘તમારા ફાધરને હાલમાં કોઇ તકલીફ ખરી?’
‘ના, ના, એમને કોઇ તકલીફ નથી….પ્લેનમાં સાથે હતા બસ એટલું જ અને એમનો નંબર લીધો નહીં. પપ્પાને એમની ચિંતા… કિસન ટેલિગ્રાફિક ભાષામાં બોલવા માંડ્યો. કેશુકાકાએ બહાર આવીને છેલ્લી વાત સાંભળી. એમણે તરત જ મોબાઇલ પોતાના હાથમાં લઇ લીધો અને સાંભળવા લાગ્યા.
‘જુઓ, હાલ એમને ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કયરા છે. હું તમને એમની વાઇફનો નંબર વોટ્સ એપ કરા….વધુ તમે એની પાહેથી જાણી લો એ બેટર રહેશે. અને પ્લીઝ, ઇમર્જન્સી સિવાય મને ફોન ની કરતા.’
‘કિસન, નિર્મલની હાલત સારી નથી લાગતી.’ કેશુકાકાએ મોબાઇલ આપતા કહ્યું. મોબાઇલ પર મેસેજની એલર્ટ સંભળાઇ. કિસને મેસેજ વાંચ્યો.
‘સોલંકીએ મિસિસ નિર્મલનો મોબાઇલ નંબર મોકલ્યો છે.’ કિસને નંબર વાંચતા વાંચતા કહ્યું.
‘આપણે એમને કોલ કરીને નિર્મલભાઇની તબિયતનું જાણી લઇએ?’ કિસને પુછ્યું.
‘નિર્મલની હાલત સારી નથી તો એની વાઇફની હાલત ક્યાંથી સારી હોવાની?’ કેશુકાકા ઊંડો નિ:સાસો નાખ્યો.
જી. જી. ભોય હોસ્પિટલમાં રાતે બુરખો પહેરીને એક બાઇ દાખલ થઇ. વોચમેન મિશ્રા રાબેતા મુજબ ઘોરતો હતો. બાઇ લપાતીછુપાતી અંદર પ્રવેશી. રિસેપ્શનિસ્ટ પાછળ માથું ઢાળીને પડી હતી. લોબીમાં બન્ને બાજુ ભયના ઓથાર હેઠળ શ્વાસ લઇ રહેલા કેટલાક દરદીઓની પથારીઓ હતી. બુરખામાંથી બંને બાજુ ઝાંખતી બાઇએ વોર્ડની ઉપરનું લખાણ વાંચ્યું. વાંચીને એણે હળવેકથી દરવાજો ખોલ્યો. બાઇએ લાંબા વિશાળ વોર્ડની પહેલા બેડ પર પહોંચીને દરદીની સામે જોયું. છતને તાંકીને સૂતેલી મિસ એક્સે બુરખાધારી બાઇને જોઇ… બાઇએ બુરખો હટાવીને મિસ એક્સની સામે જોયું. મિસ એક્સે બાઇનું મોં જોઇને ચીસ પાડી. વોર્ડમાં બૂમરાણ મચી ગઇ. મહિલા દરદીઓ ગભરાઇને બેઠી થઇ ગઇ. ચીસ સાંભળીને બાઇ ત્યાંથી નાસવા લાગી. રિસેપ્શનિસ્ટ સફાળી જાગી ગઇ. જયમાલા પહેલા માળેથી નીચે ઊતરી આવી. ધસી આવેલા ગોપાળ અને રમેશે બાઇને ભાગતા જોઇ. પકડો પકડો બોલતા બંને એની પાછળ દોડ્યા. બુરખા સાથે દોડી નહીં શકતી બાઇએ બુરખો કાઢીને ફગાવ્યો. ઊંઘમાંથી બેબાકાળો જાગી ગયેલો મિશ્રા પણ એની પાછળ ભાગ્યો, પણ બુરખામાં આવેલો હરેશ અંધારામાં ઓગળી ગયો.
‘લગતા હૈ કોઇ આદમી થા.’ રમેશે બુરખો ઉપાડીને ત્યાં દોડી આવેલા સોલંકીને આપતાં કહ્યું.
‘મિસ એક્સ…’ સોલંકી બુરખો જોતાં જ બોલી ઉઠ્યો. લોબીમાં જ ડો. શાહ મળ્યા.
‘શું થયું..? આ બૂમાબૂમ શાની હતી.?’ એમણે પૂછયું.
‘ટીવી ન્યૂઝની અસર…’ સોલંકીએ બુરખો બતાવ્યો. (ક્રમશ:)
આપણ વાંચો: કવર સ્ટોરી: બિહારનો ચૂંટણી જંગ : અહીં વૈકુંઠ નાનું છે ને ભગતડાં છે ઝાઝાં…



