સન્ડે ધારાવાહિક : કટ ઑંફ જિંદગી – પ્રકરણ-21

‘સુખ અને ફૂલ કરમાઇ જાય તે પહેલાં મન ભરીને એની સુગંધ માણી લેવી જોઇએ.’
- અનિલ રાવલ
ઇન્સ્પેક્ટર શિંદેના ગયા પછી જ્યોતિ દોડતી ડો. શાહની કેબિનમાં ગઇ.
‘સર, અમને કોઇ પ્રોબ્લમ તો નહીં થાય ને….?’ એણે પૂછ્યું.
‘આ મને ગમ્યું કે તેં મને ને બદલે અમે શબ્દ વાપર્યો.’ ડો. શાહે કહ્યું.
‘સર, મિસ એક્સ અને હું ફ્રેન્ડ બની ગયાં છીએ. એ બહુ સારી છે.’ જ્યોતિએ કહ્યું.
‘જ્યોતિ, મને લાગે કે આપણે હવે મિસ એક્સની ફોઇને હોધવી પડહે….’ સોલંકીએ કહ્યું.
‘કેમ ફોઇનું શું કામ છે આપણને?’ જ્યોતિને સમજાયું નહીં.
‘ફોઇ મલે તો પૂછીએ કે એણે મિસ એક્સનું નામ હુ પાયડું છે.’ સોલંકીએ મજાકમાં કહેલી વાતમાં મર્મ હતો.
‘હા, મિસ એક્સનું કોઇ નામ તો હશે જ. એણે કદાચ કોઇ કારણથી છુપાવ્યું છે ને આપણે જાણવાની તસ્દી લીધી નથી.’ ડો. શાહે કહ્યું.
‘સર, એને આઘાતમાંથી બહાર આવવા દો. એને ધીરે ધીરે એ ખુલવા દો. કદાચ એ પોતે જ મન ખોલીને મને કહેશે.’ જ્યોતિએ કહ્યું.
‘આ દુનિયામાં ભૂતકાળ વિનાનો કોઇ માણહ નથી. મિસ એક્સ એની જાત્તે ભૂતકાળના પાનાં ખોલે તો ઠીક, નહીંતર આપણને એના પાછલાં જીવનના પાનાં ઊથલાવવાનો કોઇ હક નથી.’ સોલંકીએ કહ્યું.
હરેશ ભારે ડગલે દાદરા ચડ્યો. બચીબાઇના રૂમમાં ગયો. એ હાથપંખાથી હવા ખાઇ રહી હતી. હરેશે પંખાની સ્વિચ ઓન કરી.
‘રહેને દે….બીજલી કા બિલ બહુત આતા હૈ. ઓર વૈસે ભી કોઇ ધંધા હૈ નહીં..’ હરેશે સ્વિચ ઓફ કરી. એ માયૂસ ચહેરે બચીબાઇના ખોળામાં ઊંધું માથું નાખીને સૂતો.
‘ક્યા હુઆ…?’ બચીબાઇએ પૂછ્યું. હરેશ હિબકા ભરી ભરીને રડવા લાગ્યો.
‘ક્યા હુઆ કૂછ બતાયેગા ભી…’
‘વો ચલી ગઇ…’ હરેશ બોલ્યો.
‘મર ગઇ ક્યા….?’ બચીબાઇની આંખોમાં ચમક આવી ગઇ.
‘નહીં….હોસ્પિટલ સે ડિસ્ચાર્જ લે કર કહીં ચલી ગઇ.’
‘ચલો અચ્છા હુઆ…બોજ ગયા સર પર સે…’ બચીબાઇએ કહ્યું.
‘મૈં ઉસકો સમઝા કર વાપિસ લેને ગયા થા…ધંધા કરને કે લિયે મના લેતા…’
‘તૂ એક મર્દ હો કે એક ઔરત કે લિયે ઇતના રોતા હૈ…હરેશ, હમકો પ્યારબ્યાર કા ચક્કર પરવડેગા નહીં રે…’ હરેશે ખોળામાંથી ઉઠીને સાડીના પલ્લુથી આંસુ લૂછ્યા. બચીબાઇ હરેશના વાળમાં હાથ ફેરવવા લાગી. વાળમાંથી સરકીને હાથ એના ગાલ પર ફરવા લાગ્યા.
‘યે ઇશ્કવિશ્ક કૂછ નહીં. સિર્ફ જિસ્મ હૈ ઔર જિસ્મ કી કૂછ ઝરૂરતેં હૈ બસ.’
બચીબાઇ હાથની આંગળીઓ હરેશની છાતીના વાળમાં ફેરવવા માંડી. હરેશે એને અટકાવવા ઝટ દઇને એના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો.
‘મુઝ મેં અભી અંગાર હૈ…ઝરૂરત હૈ તો સિર્ફ હલકી હવા કી….’ કહીને બચીબાઇએ પલ્લું હટાવ્યો ને હરેશે એની છાતીમાં માથું ખોંસી દીધું.
ડો. શાહ વોર્ડમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. એક પછી એક દરદીઓને તપાસતા જઇને જયમાલાને દવાઓની સૂચના આપી રહ્યા હતા. ઇલિયાસના બેડ પાસે પહોંચ્યા. એના છેલ્લા રિપોર્ટસ જોયા.
‘બીપી અને ડાયાબિટીસ ક્ધટ્રોલમાં છે….ફેંફસાનું ક્ધજેશન પણ ઓછું થઇ રહ્યું છે.’ એમણે એક્સ રે જોઇને કહ્યું. ‘ઇલિયાસભાઇ ફિકર નહીં કરો…..સબ ઠીક હૈ…’ બોલીને બાજુના બેડ પર નિર્મલને ચેક કરવા આગળ વધ્યા ત્યાં ડો. સાળુંખે આવી પહોંચ્યાં.
‘સર, જલદી ચાલો એક મોટી સમસ્યા ઊભી થઇ છે.’
ડો. શાહ અને જયમાલા ડો. સાળુંખેની પાછળ દોડવા લાગ્યાં. હોસ્પિટલના આંગણામાં આઠ પેશન્ટ્સ બેઠા હતા અને સોલંકી કોઇની સાથે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો.
‘બાગ્વે સા’બ લેકિન હમકો બિના બતાયે આપને યહાં પેશન્ટ્સ કેસે ભેજ દિયે. પ્રાઇવેટ હોસ્પિટલ યા નર્સિંગ હોમ મેં ભેજને ચાહિયે.’
ફોન પરની થોડી રકઝક પછી ફોન નાખ્યો.
‘સર, એક તો આપણી હોસ્પિટલમાં બિલકુલ જગ્યા ની મલે અને બીએમસીના ઇમરન્સી ક્ધટ્રોલ રૂૂમે ફોર્મ ભરીને આ લોકોને અહીં મોકલી આયપા.’ સોલંકી થોડો ઉશ્કેરાયેલો હતો.
‘સર, આપણને મેડિકલ કે પેરા મેડિકલ સ્ટાફ કમ પડે છે…પૂરતી દવા અને ઇન્જેક્શનોનો સ્ટોક મળતો નથી. આપણે આ લોકોને રાખશું ક્યાં અને સારવાર કેમ કરશું?’ ડો. સાળુંખે બોલ્યાં.
‘સર, સાજા થઇને જનારાઓ કરતાં નવા આવનારા દરદીઓની સંખ્યા વધતી ચાલી છે. આવી અંધાધૂંધીમાં આપણે એડમિનિસ્ટ્રેશન કેમનું કરવાનું….મેં તો સીધું કહી દીધું બાગ્વેને કે આ લોકોને પ્રાઇવેટમાં મોકલવાનો બંદોબસ્ત કરો…’
‘એકેય દરદી પાછો નહીં જાય. એમની સારવારની જવાબદારી આપણી છે.’
બધાને શાંત ચિત્તે સાંભળી રહેલા ડો. શાહે કહ્યું.
‘પણ સર, સવાલ સારવારનો નથી, એમની વ્યવસ્થા કેમ કરશું?’ ડો. સાળુંખેએ કહ્યું.
‘ડો. સાળુંખે, આપણે આપણી સમસ્યા વિશે વધુ વિચારવાને બદલે થોડો વખત એનો વિચાર કરવાનું બંધ કરી દઇએ તો એનો ઉકેલ મળી જ આવતો હોય છે. ‘આવું તમે જ બોલેલાં ને…’ સાંભળીને ડો. સાળુંખે અવાચક બની જોતાં રહ્યાં.
‘તમારા બધાનું ધ્યાન સમસ્યા પર હતું ત્યારે હું એના ઉકેલનો વિચાર કરતો હતો. એનો ઉકેલ છે આપણી પાસે.’
સોલંકી, ડો. સાળુંખે અને જયમાલા ડો. શાહના ઉકેલ વિશે વિચારતાં ઊભાં રહ્યાં.
‘સોલંકી આપણી હોસ્પિટલથી બે ગલી આગળ મગનલાલ મંડપવાળો છે. એ આપણી સારવારથી સાજો થઇને હમણાં જ ગયો છે. એને બોલાવીને આંગણાંમાં ઉપર તાડપત્રી બાંધીને સામિયાણું બંધાવીએ. ગાદલા-ગોદડા નખાવીને સારવાર શરૂૂ કરીએ.’ ડો.સાળુંખેના ચહેરે એક પોઝિટિવ સ્માઇલ ઝળક્યું ને સોલંકી વિચારવા લાગ્યો કે પહેલીવાર એ ડો. શાહના દિમાગને પારખવામાં થાપ ખાઇ ગયો. ડો. શાહ મોબાઇલ પર મગનલાલને ફોન કરવા લાગ્યા.
‘સર, પણ એ આવા સમયમાં તાડપત્રી બાંધવા આવશે.?’ જયમાલાએ પૂછ્યું.
‘મન હોય તો માંડવે જવાય…એ જરૂર આવશે.’ ડો. શાહ બોલ્યા.
ડો. શાહ અને જયમાલા ફરી વોર્ડમાં ગયાં. નિર્મલને તપાસવાનો વારો હતો. એમણે ત્યાં ડો. ત્રિવેદી અને જ્યોતિને જોયાં.
‘નિર્મલનું ક્ધજેશન ઓછું થતાં હજી થોડીવાર લાગશે. સીપીએપી ટ્રીટમેન્ટ અને ઇન્જેક્શનનો કોર્સ ચાલુ છે. પણ હજી ઓક્સિજન લેવલ સ્ટેડી નથી રહેતું, ઓછું વત્તું થયા કરે છે.’ ડો. ત્રિવેદીએ ડો. શાહને રિપોર્ટ બતાવતાં કહ્યું.
‘આમને અર્ધ બેભાનાવસ્થામાં રાખવાની દવા કેમ આપો છો?’. ડો. શાહે રિપોર્ટ વાંચતા કહ્યું.
‘કેમ કે એ વારેવારે માસ્ક કાઢી નાખે છે. એટલે સીપીએપી ટ્રીટમેન્ટ આપવાનો આ એક રસ્તો હતો.’ ડો. ત્રિવેદીએ કહ્યું.
‘હા, પણ ઇટ્સ નોટ એડવાઇઝેબલ ટુ ગીવ ટુ મચ ઓફ ડોઝ….’
‘આઇ નો સર, જરૂર પૂરતાં જ ડોઝ આપીશ.’
‘બી વોચફુલ…’ ડો. શાહે કહ્યું.
મગન અને ગોદામમાં રહેતા એના ચાર માણસો ટેમ્પોમાં બાંબુ, તાડપત્રી, ચંદરવો, ગાદલાં-ગોદડાં અને બીજો સરસામાન ભરીને હોસ્પિટલના ગેટ પર આવ્યા. મિશ્રાએ ગેટ ખોલ્યો. માણસોએ ધડાધડ સામાન ઉતાર્યો. લશ્કરી ઝડપે ને ઢબે બેએક કલાકમાં વિશાળ સામિયાણું બાંધી આપ્યું. મગન ડો. શાહને હાથ જોડીને બોલ્યો: ‘કમાઇ લેવાના મોકા ઘણા મળશે સાહેબ, તમે માંડેલા સેવાના હવનમાં હાથ લંબાવવાની આવી ઘડી મને ક્યાં મળવાની.’
જયમાલા અને રમેશ રાતની શિફ્ટ પતાવીને ઘરે પાછાં જઇ રહ્યાં હતાં. જયમાલા રસ્તામાં પડેલાં પારિજાતનાં ફૂલો વીણવા લાગી. રમેશે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આપ્યો.
‘આ લે આમાં વધુ ફૂલો સમાશે.’ રમેશે કહ્યું.
‘ના, મારે મારી હથેળીમાં સમાઈ જાય એટલાં જ ફૂલ જોઇએ છે.’ એણે કહ્યું. જયમાલાએ રમેશ સાથેના સંઘર્ષ અને ક્લેશથી થાકીને ફુલો વીણવાનું સદંતર બંધ કરી દીધું હતું. રમેશ હોસ્પિટલમાં કામ કરવા લાગ્યો પછી પહેલી વાર એણે ફૂલો વીણ્યા ને સુંઘ્યા. ‘સુખ અને ફૂલ કરમાઇ જાય તે પહેલાં મન ભરીને એની સુગંધ માણી લેવી જોઇએ.’ એ મનોમન બોલી.
ઘરે પહોંચીને એણે અંદરના રૂમમાં ટેબલ પર ફૂલ મુક્યા ને ચોમેર સુવાસ પ્રસરી ગઇ. રમેશ સેનિટાઇઝર હથેળીમાં લઇને સીધો બાથરૂમમાં ગયો. ન્હાઇને સીધો રસોડામાં ગયો…ને એપ્રન પહેરતાં બોલ્યો: ‘મેડમ, આજ આપ ક્યા ખાઓગે?’
જયમાલા હસી પડી. કોરોનાએ પુરુષોને ઘણું બધું શીખવી દીધું હતું…એમાંનું એક રસોઇકામ હતું.
‘આજે મને બનાવવા દે નહીંતર ક્યાંક હું રસોઇ કરવાનું ભૂલી જઇશ.’ જયમાલાએ હસીને કહ્યું. જયમાલા છેલ્લાંં કેટલાક દિવસથી રમેશમાં આવેલું પરિવર્તન જોઇ રહી હતી. એ જયમાલાને ઘરકામમાં…રસોઇમાં મદદ કરવા લાગ્યો હતો. એના ચીડિયો સ્વભાવમાં ફરક પડવા લાગ્યો હતો. દીકરી સાથે ફોન પર મન ભરીને વાત કરી લેવા લાગ્યો હતો. દારૂ માટેના એના વલખાં બંધ થઇ ગયાં હતાં. કદાચ સ્મશાનમાં મૃત્યુને નિકટથી જોવાનું એ પરિણામ હતું. એ હવે જીવનને નિકટથી જોવા માંડ્યો હતો…જીવનનો મર્મ સમજવા માંડ્યો હતો. રમેશ એનું ઓશિકું અને ચાદર લઇને બહારની રૂમમાં સૂવા ગયો.
‘રમેશ….’ જયમાલાએ અંદરથી સાદ પાડ્યો. એણે અંદર જઇને જોયું. જયમાલા બેડ પર પારિજાતનાં ફૂલો વેરતી હતી. રમેશે આંખો મીચીંને એક ઊંડો શ્વાસ લઇને પારિજાતની મ્હેક માણી.
‘સુખ અને ફૂલ કરમાઇ જાય તે પહેલાં મન ભરીને એની સુગંધ માણી લેવી જોઇએ’ બોલીને જયમાલાને રમેશને પથારીમાં તાણી લીધો.
બે ત્રણ દિવસ બાદ જ્યોતિ દિવસની શિફ્ટ પુરી કરીને સાંજે ઘરે ગઇ. મિસ એક્સ બહાર આંગણામાં ખુરસી પર બેસીને દૂર આકાશને તાકી રહી હતી.
મિસ એક્સનું ધ્યાન ખેંચવા એણે આંખ સામે ચપટી વગાડી. મિસ એક્સનું ધ્યાન ખેંચાયું.
‘અરે વાહ તું અહીં બેઠી છો. શું જુએ છે આકાશમાં?’. જ્યોતિએ હાથના ઇશારે પૂછ્યું.
‘ખુલ્લી હવામાં સારું લાગે છે…’ મિસ એક્સે હાથ વડે કહ્યું.
‘હું પણ ખુરસી લાવીને બેસું છું….વેઇટ.’ જ્યોતિ અંદર ગઇ. એનું ધ્યાન ટેબલ પર પડેલી ચિઠ્ઠી પર પડ્યું. આશ્ર્ચર્યથી એણે ચિઠ્ઠી ઉપાડીને વાંચવાનું શરૂ કર્યુ: ‘મારું નામ સંધ્યા છે.’ આટલું વાંચીને જ્યોતિ સ્તબ્ધ થઇ ગઇ. એણે બહાર નજર કરી.
‘ઓહ માય ગોડ મિસ એક્સનું નામ સંધ્યા છે….એ લખી વાંચી શકે છે.’ એણે આગળ વાંચવાનું શરૂ કર્યુ: ‘સિંદૂરી રંગે રંગાયેલી સંધ્યા….આકાશે ખીલેલી સંધ્યા, જેનું ખીલવું ક્ષણિક છે…જે ક્ષણભરમાં અંધારી રાતમાં લપેટાઇ જાય છે, પણ હું અજવાસ અને અંધકાર વચ્ચેના મારા ક્ષણ બે ક્ષણના અસ્તિત્વને કાળા ડિબાંગ ભૂતકાળમાં ગરકાવ નહીં થવા દઉં. હું સંધ્યા બનીને ખીલતી રહીશ. મારા જીવનમાં સોનેરી….સિંદૂરી રંગ ભરતી રહીશ. મારે પણ તારી જેમ હવે પાછળ ફરીને નથી જોવું….આગળ વધવું છે.’
(ક્રમશ:)



