ઉત્સવ

સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-18

બચીબાઇ, તૂ અબ ખાક હો ચુકી હો… તેરે મેં અબ વો અંગાર નહીં રહા. આગ ભડકાને કી કોશિશ મત કર.

  • અનિલ રાવલ

હરેશ પાછળ ઊભેલી બચીબાઇને જોઇને થરથર ધ્રૂજવા લાગ્યો. એના હાથપગ પાણી પાણી થઇ ગયા. કપાળે પરસેવો તગતગવા લાગ્યો. કૂકર્મ કરતા રંગે હાથ ઝડપાઈ ગયો હોય એવા હાવભાવ સાથે ઊભો હતો…અને બચીબાઇ વિફરેલી વાઘણની જમ ત્રાટકી.

‘હરામી કે પિલ્લુ…..લંપટ સાલ્લા….એક નંબર કા ચમડી…’ બચીબાઇ એને ધીબેડવા લાગી. ‘મૈંને મુશ્કિલ સે ઉસ ગૂંગી સે પીછા છુડાયા ઔર તૂં હોસ્પિટલ મેં પહુંચ ગયા. ક્યા સોચ કે ગયા…? ક્યું ગયા…? કૌન લગતી હૈ વો તેરી?’ બચીબાઇ બાજુમાં પડેલી છત્રીથી એને ઝૂડવા લાગી. ‘પુલીસ આયેગી યહાં તો કૌન તેરા બાપ બચાયેગા હમેં. જા….તૂ ઉસકા પતિ બન કે ભરતી હો જા હોસ્પિટલ મેં…ચીપક કે સો જા ઉસકો ઔર કરોના મેં મર….નીકલ યહાં સે…’
‘તૂ મેરી બાત સૂન ડા…ર…લિંગ…..’ હરેશ છત્રીના મારથી બચતો…થોથવાતો બોલતો રહ્યો.

‘મુઝે ડા…ર…લિંગ મત બોલ, વરના કાટ કે હાથ મેં દે દુંગી. નીકલ યહાં સે…વેસે ભી તૂ મેરી રોટિયા તોડતા હૈ. રસ્તે પર ભીખ માંગોગે તો ભીખ મેં કોરોના મિલેગા…નીકલ યહાં સે.’ બચીબાઈએ એને ધક્કો માર્યો.

અચાનક હોંશમાં અને જોશમાં આવી ગયેલા હરેશે બચીના હાથમાંથી છત્રી ખેંચી લઇને બાજુમાં ફેંકતા કહ્યું: ‘ઠીક હૈ…..જાતા હું ઔર પુલીસ સ્ટેશન જા કર બતા દેતા હું કિ તુમને ગૂંગી કો હોસ્પિટલ પહુંચાને કે લિયે મુઝે પૈસે દિયે થે. તૂ કહાં કહાં સે લડકિયાં ઉઠાતી હૈ સબ બોલ દુંગા. યે મત ભૂલ કિ મૈં એક દલાલ હું ઔર દલાલ કભી કિસી કા નહીં હોતા. મૈંને ફુકટ કી રોટિયાં નહીં તોડી…કમા કે દેતા થા તુઝે. સાલી મેરી કિસ્મત ખરાબ હૈ કિ કોરોના આ ગયા. અગર મૈં યહાં સે બહાર ગયા તો તૂ જેલ જાયેગી….’

બચીબાઇ હબક ખાઇ ગઇ. વાઘની મ્યાઉં માસી થઇને હરતો ફરતો મલાઇ ચાટતો હરેશ અચાનક વિકરાળ વાઘ બની ગયો. બચીબાઈ પાસે બચવાના કામચલાઉ ઉપાય તરીકે ઉંદર બનીને દરમાં ભરાઇ જવા સિવાય છુટકો નહતો.
‘ડા…ર…લિં…ગ…..’ બચીબાઇ હરેશ માટે ક્યારેય નહીં વાપરેલો શબ્દ બોલીને એના શર્ટના બટન ખોલવા લાગી. હરેશે એનો હાથ પકડી લીધો.

‘રહેને દે. બચીબાઇ, તૂ અબ ખાક હો ચુકી હો…તેરે મેં અબ વો અંગાર નહીં રહા. આગ ભડકાને કી કોશિશ મત કર. હરેશ બચીબાઇને શબ્દોના ડામ દઇને બુરખો આપનારી છોકરીની રૂમમાં જતો રહ્યો ને રોમેરોમ દાઝેલી બચીબાઇ અરીસા સામે ઊભી રહીને ભડભડ બળતું પોતાનું બદન જોતી રહી.

‘કાયરે ઇતના ક્યું ભડકેલા હૈ. ક્યા હુઆ?’ હરેશને ગુસ્સામાં જોઇને છોકરી બોલી.

‘તુમકો માલુમ હૈના મૈં જબ ગુસ્સે મેં હોતા હું તો ક્યા કરતા હું?’

ખિલખિલાટ હસીને છોકરી પાછળ ફરીને બ્લાઉઝના બટન ખોલવા લાગી.


કેશુકાકા ઘરમાં એક છેડેથી બીજે છેડે આંટા મારી રહ્યા હતા. એની ચિંતાની સોય નિર્મલમાં અટકી હતી. ચિંતા એના સ્વભાવમાં હતી…વિચારવાયુ એના દિમાગમાં સતત ઘૂમરાયા કરતો. કોઇ એક વિચાર કે ચિંતા ચિત્તમાં આવે એટલે એમનું મન ચકડોળે ચડે. તેઓ નિર્મલની ભાળ મેળવીને જ જંપ્યા. હવે એમના મનમાં નિર્મલને મળવાનું નવું ભૂત ભરાયું હતું… અને આ કોઇ તૂત નહતું. નિર્મલ પ્રત્યે કુદરતી જન્મેલી લાગણી હતી. એમના લાગણીશીલ સ્વભાવનું આ પરિણામ હતું. કાશ્મીરા એને આંટા મારતી જોતી હતી.

‘પપ્પાજી, આમ સતત ચિંતા કરવાથી તમે તમારી તબિયત બગાડશો.’

‘તું ઇચ્છતી હો કે મારી તબિયત નો બગડે તો તું કાંઇક કર.’ કેશુકાકા બોલ્યા.

‘હું શું કરું પપ્પાજી તમે જ કહો.’

‘તું કિસનને ‘કે કે મને નિર્મલ પાહેં લઇ જાય…મારે મળવું છે.’ કેશુકાકા બોલ્યા ને એ જ વખતે કિસન દુકાન વધાવીને ઘરમાં પ્રવેશ્યો.

‘તમારે એને મળવું છે કે મરવું છે…..હાથે કરીને મોતના કૂવામાં ધકેલાવું છે તમારે પપ્પા?’

‘પપ્પાજી, કિસનની વાત સાચી છે. હોસ્પિટલમાં તે કાંઇ જવાતું હશે…અને એ ક્યાં આપણો કોઇ સગો થાય છે.’ કાશ્મીરાએ કહ્યું.

‘અરે….કોઇ સગું પણ મળવા ન જાય એવી હાલત છે અત્યારે.’ કિસને હકીકત કહી.

‘મને કાંઇ થાવાનું નથી….હું પ્લેનમાં એની હાર્યે હતો…એણે મારો બેલ્ટ બાંધ્યો તોય મને કાંઇ નો થિયું….તો હવે હોસ્પિટલમાં જઇને એનું મોઢું જોવાથી હું મરી જાવાનો….નાખી દેવાની વાત કરે છે તું.’

‘પપ્પા, તમે સમજો હું તમને કેમ લઇ જાઉં…..લોકડાઉન છે.’ કિસને કહ્યું.

‘અરે, તારો ઓલો દવાબજારવાળો કો’ક છેને….તે ‘દિ તો ફટ દઇને ફોન નંબર લઇ લીધો તો…’ કેશુકાકા બોલ્યા.

‘પપ્પા, એ રસિકભાઈ છે દવાબજારના કિંગ…બહુ મોટા માણસ છે…એને તકલીફ ન દેવાય. તમારે એના ખબર પૂછવા હોય તો સોલંકીને ફોન કરતા રહો….બસ આ એક જ રસ્તો છે.’

‘ઠીક છે તો હું મારી રીતે ફોડી લઇશ.’ જિદ્દી કેશુકાકા એમના રૂમમાં જતા રહ્યા.


કિનુ બારીની બહાર જોતી બેઠી હતી. દાદાજીએ આવીને એના ખભા પર હાથ મૂક્યો.

‘કિનુ બેટા શું જુએ છે.’ દાદાજીએ પૂછ્યું.

‘પપ્પાની વાટ જોઉં છું.’ દાદાજી મનમાં બોલ્યા કે ‘બેટા, વાટ તો અમે બધા જોઇએ છીએ.’

‘પપ્પા અચાનક આવીને આપણને બધાને સરપ્રાઇઝ આપશે જોજેને.’ કિનુની વાતને બીજે વાળવાના ઇરાદે બોલ્યા.

‘દાદા, મને સરપ્રાઇઝનો બહુ ડર લાગે છે, નથી જોઇતી મારે. તમે જોયુંને યુએસથી આવીને સરપ્રાઇઝ આપવા જતાં હોસ્પિટલમાં જવું પડ્યું.’

દાદાજી ચૂપ થઇ ગયા.

‘દાદા, શું થયું છે પપ્પાને? મને કેમ કોઇ કાંઇ સાચું નથી કહેતું?

મમ્મી કેમ રાતે રડ્યા કરે છે?’

‘કોરોના થયો છે એટલે હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થવું પડ્યું છે.’

‘પણ આટલા બધા દિવસ? હોસ્પિટલમાંથી રજા કેમ નથી આપતા…મમ્મી રોજ હોસ્પિટલમાં ફોન કરે છે…સૂકેતુ અન્કલ પણ રોજ કોલ કરીને પૂછે છે…’

‘એ લોકો પપ્પાની ખબર પૂછવા ફોન કરે છે.’

‘દાદા, મારે પપ્પાને મળવું છે….મને લઇ જાઓને એમની પાસે.’

દાદા પાસે કોઇ શબ્દો ન હતા. આંસુને ધક્કો મારીને પાછા ઠેલી શકાતા નથી…એ અંતે વહીને જ રહે છે. દાદાજી કિનુને વળગી પડ્યા.

‘દાદા, હું હવે પપ્પાને મળવા જવાની વાત નહીં કરું…તમે પ્લીઝ રડો નહીં, હું પણ નહીં રડું. આપણે બધા પપ્પાની વાટ જોશું.’ કિનુ દાદાજીના આંસુ લૂછતા બોલી.


મિસ એક્સે ડો. શાહની ચિંતા વધારી હતી. કદાચ આ પહેલો એવો કેસ હતો જેમાં ખુશીને બદલે ચિંતા હતી. સાજી થયેલી મિસ એક્સનું હવે શું કરવું. પ્રશ્ન જટિલ હતો. મહિલાશ્રમમાં કે મૂક-બધીરના કોઇ મહિલા શેલ્ટરમાં મોકલવાનો એમને વિચાર આવ્યો, પણ હાલ કોરોનાના માહોલમાં આ કેટલું શક્ય બને એમાં શંકા હતી. એમાંય બુરખાવાળી ઘટનાએ મિસ એક્સ માટે અસલામતી ઊભી કરી હતી. ચેનલ પરના ન્યૂઝના રિસ્પોન્સની રાહ જોવી જરૂરી હતી અને મિસ એક્સને રજા આપીને હોસ્પિટલમાં એક જગ્યા ખાલી કરવાનું પણ એટલું જ મહત્ત્વનું હતું. સોલંકીએ કહી દીધું હતું કે મિસ એક્સનું પછી, પહેલાં સાજા થયેલાઓને ડિસ્ચાર્જ આપીએ. સોલંકીની એ વાત સમસ્યાનો ઉકેલ નહતો…કદાચ સોલંકીએ એને અગ્રક્રમ આપ્યો નહતો. હોઇ શકે કદાચ એના મનમાં કોઇ ઉપાય હોય પણ ખરો. દરદીઓની સારવાર સંબંધી અનેક સમસ્યાઓથી ઘેરાયેલા ડો. શાહે ડો. સાળુંખેને બોલાવ્યાં.


‘ડો. સાળુંખે, સાજા થયેલા તમામને ડિસ્ચાર્જ કરાયા?’ ડો. શાહે પૂછ્યું.

‘જી સર, સોલંકીએ બધી વ્યવસ્થા કરી.’ ડો. સાળુંખેએ ખુરસીમાં બેસતાં કહ્યું.

‘મિસ એક્સનું શું કરીશું?’ ડો. શાહે પૂછ્યું.

‘મારી પાસે એક રસ્તો છે…કદાચ એ ટૂંકો અને કામચલાઉ છે, પણ રસ્તો છે.’ ડો. સાળુંખેએ કહ્યું.

ડો. શાહને થયું કે મારે આટલી ચિંતા કરવાને બદલે ડો. સાળુંખેની સલાહ લેવાની જરૂર હતી. રસ્તો જાણવાની ઉત્સુકતા એમની આંખોમાં ઝળકી.

‘આપણી જ્યોતિ ક્વાટર્સમાં એકલી જ રહે છે. મિસ એક્સને એની સાથે રાખી શકાય.’ ડો. સાળુંખેએ માર્ગ સૂઝાડ્યો.

‘ઓહ માય ગોડ રસ્તો સામે જ હતો ને મને ન દેખાયો.’ ડો. શાહ બોલ્યા.

‘સર, આપણે આપણી સમસ્યા વિશે વધુ વિચારવાને બદલે એનો વિચાર કરવાનું બંધ કરી દઇએ તો તરત એનો ઉકેલ મળી આવતો હોય છે.’ ડો. સાળુંખે બોલ્યાં.

‘એ ખરું…હું સવારથી કદાચ એનો જ વધુ પડતો વિચાર કરતો હતો.’ ડો. શાહે કહ્યું.

‘સર, મિસ એક્સ અંદરથી બહુ ઘવાયેલી છે…એના ઝખમ ઊંડા છે.’ ડો. સાળુંખે બોલ્યાં.

‘કોરોનામાંથી તો એ બચી ગઇ, પણ એનો ખરો ઇલાજ તાજી આબોહવામાં છે….’ ડો. શાહે કહ્યું. એમણે તરત જ જ્યોતિને બોલાવી.


જ્યોતિ કેબીન પર ટકોરા મારીને અંદર આવી. ડો. શાહની સાથે ડો. સાળુંખેને જોઇને એ વિચારવા લાગી કે નક્કી કોઇ ભૂલ થઇ હશે. ઠપકો મળશે. અપરાધભાવે બંનેને જોતી ઊભી રહી.

‘જ્યોતિ, તારી એક મદદની જરૂર છે.’ ડો. શાહે કહ્યું. જ્યોતિનો ઉચાટ શમ્યો. જોકે હોસ્પિટલના ડીન મદદ માગે એનું આશ્ર્ચર્ય એને જરૂર થયું.

‘મદદ નહીં સર, સેવા કહો…’ એણે નમ્રતાપૂર્વક કહ્યું.

‘નહીં નહીં આ કોઇ તબીબી સેવા નથી, અંગત કામ છે અને એ કામ તું જ કરી શકે એમ છો.’ ડો. શાહે કહ્યું.

‘કહો સર હું બનતી બધી કોશિશ કરીશ.’ જ્યોતિ અંગત કામની કલ્પના કરતી ડો. સાળુંખેને જોવા લાગી.

‘મિસ એક્સને થોડા દિવસ તારા ઘરમાં રાખવાનો વિચાર છે.’ ડો. શાહ બોલ્યા. જ્યોતિ મુંઝાઇ ગઈ. એણે આવું અંગત કામ ધાર્યું નહતું.

‘તું એકલી જ છો. તું એને થોડા દિવસ સાચવી લે એવું ડો. શાહ ઇચ્છે છે.’ ડો. સાળુંખે બોલ્યાં. જ્યોતિ બંને સામે જોતી વિચારતી ઊભી રહી.

‘જો તું આ બાબતે વિચારવા માગતી હો તો…’ ડો. શાહ બોલ્યા. જ્યોતિ વચ્ચે જ બોલી: ‘નહીં સર, મને ડર છે કે કાલ સવારે પેલો બુરખાધારી ઘરમાં ઘૂસી આવે અને અમને….’

‘તું એની ચિંતા ની કર…હવે એ બુરખાવાળો આયવો ને તો હું એનો લેંઘો જ ખેંચી કાઢા…’ સોલંકીએ ધમાકેદાર પ્રવેશ કર્યો.

‘તું બિલકુલ ફિકર ન કર. તને કોઇ જાતની તકલીફ નહીં પડવા દઉં. મિસ એક્સને તારે ત્યાં રાખી છે એ વાત આપણે ગુપ્ત રાખીશું.’ ડો. શાહે ખાતરી આપતા સ્વરમાં કહ્યું.

‘જ્યોતિ, તું એને મૂક-બધીરની સાઇન લેન્ગ્વેજ શીખવજે. છુટી ગયેલી તારી પ્રેક્ટિસ થશે અને મિસ એક્સને ભવિષ્યમાં કામ લાગશે. ડો. સાળુંખેએ કહ્યું.

(ક્રમશ:)

આપણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : લેબ ગ્રોન ડાયમંડ (કૠઉ)… એ કેટેગરી છે કે કોમોડિટી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button