કટઓફ જિંદગી – પ્રકરણ-25

થીજી ગયેલી પળમાં ફફડતા જીવની રોમાંચક કથા
ઓક્સિજન મશીનોનો તીણો ખોફનાક અવાજ અંધારી ગુફામાં ઉડાઉડ કરતા ચામાચીડિયાઓની ભયાનક ચિચિયારી સમો ઘૂમી રહ્યો હતો.
સન્ડે ધારાવાહિક – અનિલ રાવલ
બાગ્વેને થયું કે સોલંકી શાણો તો છે જ. પહેલાં ઘરની ઘંટડી વગાડી, પછી ખતરાની ઘંટડી વગાડી. આ અલગ ટાઇપનો બ્લેકમેઇલિંગ છે. દુનિયાની સામે પોતાની ઇમાનદારીનો ઝંડો લહેરાતો રાખવા માગે છે પણ, મોં બંધ રાખવાની સામે અસલી ઇન્જેક્શનો આપવાનો સોદો ખોટો નથી. એ રિલેક્સ થયો. ઊભો થઇને કબાટમાંથી મોટું બોક્સ કાઢીને સોલંકીને આપતાં બોલ્યો:
અસલીવાલે હૈ.' થોડી ક્ષણો ચૂપ રહ્યો.સોલંકી, યે ગંગા ઉપર સે બહ રહી હૈ.’
`સા’બ, ગંગા કિધર સે ભી બહેને દો….હમ અપના હાથ દો લે તે હૈના…’
`ઓર હાં, રસિકભાઈ સે હાય બોલના…યે પહેલા ઐસા ગુજરાતી હોગા જો ઐસી મહામારી મેં પૈસા બનાતા હો. બાકી હમ ગુજરાતી લોગ મોત પે માતમ મનાતે હૈ…પૈસે નહીં બનાતે.’ સોલંકીના ફિલ્મી સ્ટાઇલના ડાયલોગથી બાગ્વેની રહીસહી ઊંઘ ઊડી ગઇ.
સોલંકી હોસ્પિટલે જતી વખતે કૌભાંડની ઉપરથી વહેતી મેલી ગંગા વિશે વિચારતો હતો. એને ગળા સુધીની ખાતરી હતી કે રસિકભાઇ જ આ કૌભાંડ પાછળનું મુખ્ય ભેજું છે. એ દવાબજારનો કિગ છે. સરકારનાં બધાં ટેન્ડરો એના ગજવે ભરાય છે… રાજ્યનું આરોગ્ય ખાતું…. બીએમસીનું આખેઆખું હેલ્થ ડિપાર્ટમેન્ટ એના ઉપલા ખિસ્સામાં છે. એણે પોતાની સાત પેઢીની આર્થિક તંદુરસ્તી અંકે કરી લીધી છે. બાગ્વે કાર્ટેલ શબ્દ બોલેલો. આ કાર્ટેલમાં બાગ્વે અને રસિકભાઈ ઉપરાંત બીજા કોણ હશે?. રાજ્યના હેલ્થ મિનિસ્ટરની રહેમ નજર વિના આ હદનું કૌભાંડ અશક્ય છે.
કૌભાંડના સીમાડા નથી હોતા… કોરોનાની જેમ અન્ય રાજ્યોમાં પણ વિસ્તર્યું હશે….એમાં મોટા માથાં સંડોવાયેલા હશે. આ ઇન્જેક્શનો જી. જી. ભોય હોસ્પિટલમાં થોડા લોકોના જીવ બચાવી શકશે, પણ શહેરની અન્ય હોસ્પિટલો-નર્સિંગહોમના દરદીઓનું શું… લાશોના ખડકલાં કરીને રૂપિયાના ઢગલા પર બેસવા માગતા કૌભાંડીઓને જડમૂળથી ઊખેડી નાખવા પડે. નકલી ઇન્જેક્શનનું કૌભાંડ કોરોના કરતા ઓછું જીવલેણ નથી…આ એક એવો વિચિત્ર રોગ છે જેનો હાલમાં એકમાત્ર ઉપાય ઓપરેશન તોસિલિઝુમેબ છે.
સોલંકીની કાર હોસ્પિટલને દરવાજે પહોંચી કે તરત જ વોચમેન મિશ્રાએ ગેટ ખોલી નાખ્યો. સોલંકી દોડતો અંદર ગયો….લિફ્ટની રાહ જોયા વિના ત્રીજા માળે આઇસીયુમાં પહોંચ્યો. વોર્ડમાં દાખલ થતાં જ જોયું તો આખાય વોર્ડમાં ઓક્સિજન મશીનોનો એકસામટો તીણો ખોફનાક અવાજ અંધારી ગુફામાં ઉડાઉડ કરતા ચામાચીડિયાઓની ભયાનક ચિચિયારીની જેમ ઘૂમી રહ્યો હતો. એકી સાથે આઠ ઓક્સિજન મશીનોની ભયંકર ચિચિયારી એક ખૂણેથી બીજે ખૂણે અફળાતી હતી. એવું નહોતું કે એણે ઇમર્જન્સી વોર્ડમાં અગાઉ સ્મશાનિયતભર્યો….ગમગીની ઉપજાવતો….થરથરાવતો અવાજ સાંભળ્યો નહતો, પણ આજનો કાળજું ધ્રૂજાવતો શોર કંઇક જુદો હતો.
આઠેય બેડ પર એને લાશો નજર આવવા લાગી…..એણે ઝડપથી બોક્સ ખોલીને એક ઇન્જેક્શન ડો. સાળુંખેને આપ્યું. ડો. સાળુંખેએ સચ્ચાઇ પારખવા એની પરનું લખાણ વાંચ્યું. જયમાલાએ નિર્મલનો હાથ પકડ્યો. ડો. સાળુંખેએ ઇન્જેક્શન આપ્યું ત્યારે સોલંકીએ નજર ફેરવી લીધી. એને ઓક્સિજન મશીનોની ભયંકર તીણી ચીસો સંભળાઇ રહી હતી.
ડો. શાહ વોર્ડમાં દાખલ થયા. એમણે એક ઇન્જેક્શન લઇને જોયું. એમની આંખોમાં ખુશી છલકી. સોલંકી સાથે આંખ મળી. પોતે કોરોનાનો અકસીર ઇલાજ ગણાતી સંજીવની લઇને આવ્યો હોવા છતાં એની આંખમાં ઓપરેશન તોસિલિઝુમેબ રમતું હતું. એણે ઓક્સિજનને સહારે ટકી રહેવા મથી રહેતા જીવો પર નજર કરી.
ડો. શાહ બોલ્યા: `મેડમ, હાઇપોક્સિયાના (ઓક્સિજન લેવલ સતત ચડ-ઉતર થયા કરતું હોય એવા કેસ) બીજા આઠેય દરદીઓને તાત્કાલિક ઇન્જેક્શન આપી દો. ત્રણ દિવસનો કોર્સ…રોજનું એક ઇન્જેક્શન. નિર્મલ પરીખની હાલત જોતાં કદાચ ચાર ઇન્જેક્શનનો કોર્સ કરવો પડશે.’
ડો. સાળુંખે અને જયમાલાએ ડે શિફ્ટ પૂરી થઇ હોવા છતાં આખી રાત વોર્ડમાં રહીને ઇમર્જન્સી ડ્યૂટી કરી હતી. ડો. શાહની સલાહથી ડો. સાળુંખેએ હાઇપોક્સિયાના બીજા દરદીઓને ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી. આખી રાત સતત મદદમાં રહેલી જયમાલાની આંખો ઘેરાવા લાગી હતી. ડો. સાળુંખેએ એની ઘેરાતી આંખો જોઇ.
`જયમાલા, તું ઘરે જઇને આરામ કર…હું જોઇ લઉં છું.’
`નહીં મેડમ, આટલું કામ પતાવીને જઇશ.’
`જયમાલા, હું તને કહેતી નથી આદેશ આપું છું… કાઢો પીને ચારેક કલાકની ઊંઘ લઇ લે….જા.’ જયમાલા ગઈ. ડો. સાળુંખેએ બીજી નર્સ માટે આસપાસ નજર દોડાવી. એની નજર સંધ્યા પર પડી. બંનેની નજર મળી. એમણે હાથને ઇશારે એને બોલાવી. સંધ્યાએ આઠેય દરદીઓને ઇન્જેક્શન આપવામાં ડો. સાળુંખેની મદદ કરી. સંધ્યાના કાને ઓક્સિજન મશીનનો ખોફનાક શોર પડતો નહતો.
ડો. શાહ અને સોલંકી ઇમર્જન્સી વોર્ડમાંથી બહાર નીકળ્યા. લોબીમાં ચાલતા ચાલતા સોલંકીએ એમને કિસન અને બાગ્વેની વાતથી વાકેફ કર્યા. બંને ચૂપ હતા. આમ તો માણસ ક્યારેય ચૂપ હોતો નથી. એની ચૂપકિદીમાં ય જાત સાથેનો વાર્તાલાપ ચાલતો જ રહે છે. અને એ સંવાદમાંથી જ અંતરાત્માનો અવાજ આવતો હોય છે.
ડો. શાહનું મનોમંથન કદાચ એ વાતનું હતું કે જેમને લોકોના આરોગ્યની વિશેષ ચિંતા હોવી જોઇએ એવા બાગ્વે જેવા….નિર્દોષોના જીવોને જોખમમાં મૂકનારાઓ સામે લડવું પડશે…મહામારી સામે ઝઝુમીને લોકોને બચાવવા પડશે….રાતોરાત અસલી ઇન્જેક્શનો લાવનારા સોલંકીને સલામ છે. કદાચ કૌભાંડનો પર્દાફાશ કરવાના ચક્કરમાં હોસ્પિટલે ઘણુંબધું ગૂમાવવું પડશે, પણ લોકોને બચાવીશું, એમને સાજાસમા ઘરે પાછા મોકલીશું. બંને કેબીનમાં જઇને બેઠા.
`સર, કોરોનાનો અંત ક્યારે આવહે…? તમને આ મહામુસીબતનો અંત દેખાય છે?.’ સોલંકીએ અંતરાત્માના અવાજને વાચા આપી.
`સોલંકી, હું ડોક્ટર છું. માનવસેવા કરવાના મેં શપથ લીધા છે. મારી સામે કોઇપણ મહાભયંકર મુશ્કેલી આવે, હું પીછેહઠ નહીં કં…..છેલ્લા શ્વાસ સુધી લડીશ ને તબીબીસેવા કરીશ, પણ તેં તો કોઇ શપથ લીધા નથી….તું શા માટે અહીંથી જતો નથી રહેતો?.’
`સર, સેવા માટે શપથ લેવાની જરૂર નથી. કોરોનાકાળમાં કેટલાંક લોકો માણસમાંથી ખરાબ માણસ બનવા જઇ રેયલા છે ત્યારે હું સામાન્ય માણસમાંથી સારો માનવી બનવાની ટ્રાય કં છું.’
`હેલ્થકેરની જવાબદારી જેમના માથા પર છે એ લોકો જ નિર્દોષોના જીવ સાથે ખેલ ખેલે છે… સો સેડ…’ ડો. શાહે કહ્યું.
`હું લડીશ મારી ન્યાતના એ કહેવાતા મારા ભાઇ-ભાંડરડા સામે…એ કૌભાંડીઓને પકડાવીને રહીશ. ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને આ જ સલાહ આપેલી… સર, મેં વ્યૂહરચના કરી લીધી છે.’
ઝુબૈદા નમાઝ અદા કરીને બારીની બહાર જોતી બેઠી હતી. જાફરભાઈ કુરાન વાંચી રહ્યા હતા, પણ એમનું ધ્યાન ઝુબૈદા પર હતું. ઝુબૈદાને કોનો ઇન્તેજાર હતો એ જાણતા હતા. રોજ ઝુબૈદાનું બારીની બહાર મીટ માંડીને બેસવું એમની જાણ બહાર નહતું. જાફરભાઈ ખુદ ઇન્તેજારમાં રહેતા પણ ઝુબૈદાની જાણ બહાર…એની નજરમાંથી બચતા રહીને. આંખ ભીની થઇ જાય તો એ બાથરૂમમાં જતા રહેતા. ઇન્તેજાર કી ઘડી સબ સે મુશ્કિલ હોતી હૈ…. એવું બબડીને રડી લેતા.
એમણે કુરાન બંધ કરીને આંખે અડાડ્યું. મોબાઇલ કાઢીને સોલંકીને ફોન જોડ્યો.
`હેલો મેં ઇલિયાસ કા અબુ……ઇલિયાસ કી તબિયત કેસી હૈ….’ એમણે પૂછ્યું.
`બઢિયા હૈ…..રિકવરી હો રહી હૈ…..આપ બિલકુલ ચિંતા મત કરો….’ સોલંકીના શબ્દોથી જાફરભાઈના મૃત શરીરમાં જાણે પ્રાણ ફુંકાયો. એને થયું ખુદાએ ખુદ આવીને ઇલિયાસના સારા સમાચાર આપ્યા.
`શુક્રિયા આપકા બહોત બહોત શુક્રિયા…’ ખુશીથી ભરાઇ ગયેલા ગળામાંથી શબ્દો નીકળ્યા.
`સૂનો ઇલિયાસ કી તબિયત અબ ઠીક હો રહી હૈ…..’ એમણે ચાલુ ફોને ઝુબૈદાને કહ્યું.
`અલ્લાહ કા શુકર હૈ….’ ઝુબૈદાએ જાફરભાઈની સામે જોયું. આ વખતે એમની આંખમાં ઝૂઠ નહતું…નરી સચ્ચાઇ હતી. જાફરભાઈએ ઝુબૈદાની આંખોમાંથી સરી પડેલા અમી ઝરતા શબ્દો વાંચી લીધા
બીજે દિવસે સવારના પહોરમાં બાગ્વેએ રસિકભાઈને ફોન કરીને મીટિગ માટે બોલાવ્યા. આમ તો બંને બપોરે બાગ્વેની ઓફિસમાં મળતા, પણ સવારમાં આવેલા ફોનથી રસિકભાઇને જરા ચિંતા થઇ હતી. એમણે સવાર સવારમાં કોલ કરવાનું કારણ પણ પૂછ્યું, પણ બાગ્વેએ વાત ટાળી હતી કેમ કે એ સામસામે બેસીને વાત કરવા માગતા હતા.
રસિકભાઈએ ઓફિસમાં પ્રવેશતા જોયું. બાગ્વે મૂડમાં નહતો.
`ક્યા હુઆ કૂછ પરેશાન લગ રહે હો….?’ એમણે બેસતાં જ પૂછ્યું.
`મૈંને કલ રાત ખતરે કી ઘંટી સૂની હૈ…..મૈં આપકો સૂનાતા હું….’ કહીને એણે માંડીને વાત કરી. રસિકભાઈના ચહેરા પર આછેરી ચિંતા ઊપસી આવી…નસો તણાઇ…
`વો અપની કાર્ટેલ મેં આ ગયા હૈ એસા લગ તો રહા હૈ. વો બોલા…ચૂપ રહેગા બદલે મેં ઉસકો અસલી ઇન્જેક્શન ચાહિયે…..બંદા ઇમાનદાર હૈના….’ બાગ્વે બોલ્યો.
`હર ઇમાનદાર આદમી પહેલે અપની ઇમાનદારી સે સામનેવાલે કો ડરાતા હૈ. ઉસકો અસલી ઇન્જેક્શન દેતે રહો…ઇસ બીચ હમ કૂછ રાસ્તા નિકાલતે હૈ…’ રસિકભાઈએ કહ્યું.
`કૌન સા રાસ્તા…?’
`પૈસા આદમી કી સબસે બડી વિકનેસ હૈ. બડા રૂપિયા દિખાયેંગેં…નહીં માના તો નકલી ઇન્જેક્શન કી માલા ઉસ કે હી ગલે મેં ટાંગ દેંગેં. ઉસકો ફસાને કા મેરે પાસ રાસ્તા હૈ.’
કિસને ય સવાર સવારમાં રસિકભાઇને ફોન કર્યો હતો. રસિકભાઇએ ઉપાડ્યો નહીં. બાગ્વેની ઓફિસમાંથી બહાર નીકળીને જોયું તો કિસનના ચાર પાંચ ફોન આવી ગયેલા. એમણે કારમાં બેસીને તરત કોલબેક કર્યો.
`કિસન, સોરી ભઇલા તારા બહુબધા કોલ હતા. બોલ શું હતું?’
`રસિકભાઇ, ઇન્જેક્શનોની પૂછા કરતા બહુ લોકો આવે છે….માલ ચપોચપ ઊપડી જશે. મને પણ કમાવાની તક આપો.’
`આપી તક તને. જોઇએ એટલો માલ આપીશ પણ હમણાં નહીં…..’
`કમાવાની સીઝન છે અત્યારે જ છે…’ કિસને કહ્યું.
`હા..હા.. ભઇલા નવો સ્ટોક આવવા દે….પણ બદલામાં તારે માં એક કામ કરવું પડશે.’
`તમે કહો તે કામ કરીશ.’ કિસને કહ્યું.
કિસનને રસિકભાઈનું કામ જાણવું હતું, પણ એણે કોલ કટ કર્યો.
કિસને મોબાઇલનું કોલ રેકોર્ડિંગ ચેક કરીને ફરી ફરી સાંભળ્યું. પછી રેકોર્ડિંગ સોલંકીને મોકલ્યું.
ઇમર્જન્સી વોર્ડમાં ફરજ પરની જ્યોતિ ઇન્જેક્શન અપાયેલા ઓક્સિજન પરના દરદીઓનું ખાસ મોનિટરિગ કરી રહી હતી. સંધ્યાની નજર પણ દરદીઓ પર સતત ફરી રહી હતી. સંધ્યાએ જ્યોતિને ગૂંગળામણ અનુભવી રહેલા ત્રણ દરદીઓની હાલત બતાવી. જ્યોતિએ જોયું કે ત્રણેય દરદીઓનું ઓક્સિજન લેવલ નીચું જઇ રહ્યું હતું. એણે તાબડતોબ ડો. ત્રિવેદીને બોલાવી લાવવાનો સંધ્યાને ઇશારો કર્યો. એ ડો. ત્રિવેદીને લઇને આવી. એમણે જોયું તો ત્રણેય દરદીઓના શ્વાસ બંધ થઇ ગયા હતા. (ક્રમશ:)
આ પણ વાંચો…કટ ઑંફ જિંદગી – પ્રકરણ-22



