સન્ડે ધારાવાહિક : કટ ઑંફ જિંદગી - પ્રકરણ-12 | મુંબઈ સમાચાર
ઉત્સવ

સન્ડે ધારાવાહિક : કટ ઑંફ જિંદગી – પ્રકરણ-12

  • અનિલ રાવલ

‘સર, આજે રાતે નવ વાગે. એ ટુ ઝેડ ન્યૂઝ ચેનલ પર સનસનાટી મચાવી દેતાં આ સમાચાર જોઇ લેજો.’

એ ટુ ઝેડ ટીવી ચેનલના રિપોર્ટર સંજુની ધમકીને ગળી જઇને ડો. શાહે કહ્યુ: ‘એક મિનિટ બેસો.’

ડૉ. શાહ બહાર ગયા. થોડીવાર રહીને સોલંકીની સાથે પાછા ફર્યા. સોલંકી ખુરસી ખેંચીને બાજુમાં બેસી ગયો. ડૉ. શાહે ઓળખાણ કરાવી. ‘સોલંકી, બીએમસી હેલ્થ ઓફિસર.’

‘કેમેરા ઓન કરો.’ સોલંકીએ કહ્યું.

‘એક રાતે બે જણ એક યુવતીને હૉસ્પિટલને પગથિયે મૂકીને જતા રહ્યા હતા? કોણ હતા એ લોકો.?’

‘કોણ મૂકી ગયું એની હજી ખબર પડી નથી.’ ડૉ. શાહે જવાબ આપ્યો.

‘એ યુવતી બહેરી-મુંગી છે?’ સંજુએ પૂછ્યું.

‘અરે એ બોલતી હો નથી ને હાંભળતી હો નથી એ જ તો રામાયાણ છે.’

‘એટલે કોણ મૂકી ગિયું એની ખબર કેમની પડે.’ સોલંકીએ કહ્યું.

‘તમે પોલીસને જાણ કરી છે?’

‘ના, કારણ કે એ હાલમાં કોરોનાની સારવાર હેઠળ છે ને મારી એક ડૉક્ટર તરીકે પહેલી ફરજ સારવાર કરવાની છે, પોલીસ કારવાઇ નહીં. હું તમારી ચેનલના માધ્યમ દ્વારા આ મૂક-બધીર યુવતીને અમારી હૉસ્પિટલમાં મૂકી જનારા લોકોનો આભાર માનું છું કે તમે એને અમારી હૉસ્પિટલમાં પહોંચાડી. કોરોના કલંક નથી. કદાચ તમે ભલે એને અછૂત ગણીને કાળી રાતે ચોરીછૂપીથી પગથિયે મૂકીને જતા રહ્યા. હવે ધોળે દિવસે એને લેવા જરૂર આવજો. તમારી અમાનત અમારી પાસે સલામત છે.’ ડૉ. શાહે સનસનાટી મચાવવાના ઇરાદે આવેલા ચેનલવાળાનું સુરસુરયું કરી નાખ્યું.

રિપોર્ટર સંજુએ હવે મિસ એક્સના સગાઓને શોધવામાં મદદ કરવી પડશે. નેગેટીવ સ્ટોરી માટે આવેલી ચેનલે હવે પોઝિટિવ ન્યૂઝ આપવા પડશે. જોકે, રિપોર્ટર સંજુના મનમાં હજીય સનસનાટી મચાવવાનું ભૂત ધૂણી રહ્યું હતું.
‘સર, અમારે એ યુવતીનું બાઇટ લેવું છે.’

‘અલ્યા ભાઇ, એ મૂંગી-બેરી બાઇ તમને બાઇટ આપહે કઇ રીતે મને જરા ફોડ પાડીને કેવની. અને બીજી એક વાત. એને કોરોના થેયલો છે. સોલંકી અકળાઇને બોલ્યો.

‘સર, અમે દૂરથી શૂટ કરીશું. પ્લીઝ સર.’ સંજુનો આખો સૂર બદલાઇ ગયો.

જોકે હજીય મિસ એક્સનો વીડિયો ઉતારીને હલચલ મચાવવાનો એનો કીડો સળવળતો હતો…

’હું ટમને મારી હૂરટી ભાષામાં કેઉં છું કે કોરોનાના દરદી પાહેં ડૉક્ટરો અને નર્સો સિવાય કોઇને જવાની પરવાનગી ની મલે. તમારા ભેજામાં ઉતયરું કે કે મારી અસ્સલ હુરટીમાં હમજાવું’ ડૉ. શાહે સભ્યભાષામાં વાત કરવા સોલંકીનો હાથ દબાવ્યો.

‘તમે આજ રાતે આટલું પ્રસારણ કરી દો તો જ તમને એનો વીડિયો ઉતારવા દઇશ. ફરી આવવા જેવા સંબંધ રાખવા કે નહીં એ તમે નકકી કરજો. અને હા, આવા કપરા સંજોગોમાં તમારી પાસેથી પોઝિટિવ સ્ટોરીની આશા છે’ ડૉ. શાહે ફોનનું રિસિવર ક્રેડલ પર મૂકતા કહ્યું.

સંજુ અને હેગડે જવા માંડ્યા. સોલંકી એમને વળાવવા ગયો. ગેટ પર બેઠેલા મિશ્રા પાસે પહોંચ્યા ત્યારે એણે કહ્યું: ‘હેગડે, મિશ્રાજી પાસે સીગારેટ તો ની મલે પણ તમાકુથી કામ હાલતું હોય તો આપે. અને હા, જી. જી. હૉસ્પિટલમાં બહુ બધા લેટેસ્ટ તબીબી સાધનો હો છે. ઇન્જેક્શનો હો આવી ગેયલા છે અને સ્ટાફ હો સારો છે અને હા, યુવતીનું રીલ ચેનલ પર આખો દા’ડો ચલાવ્યા કરજો. જેથી યુવતીના સગાવ્હાલાઓને એને ડોડતા લેવા આવે.

કેશુકાકા કિસને આપેલો સોલંકીનો મોબાઇલ નંબર લઇને ફોન જોડવા લાગ્યા. સતત એન્ગેજ ટોન આવ્યો, પણ અકળાયા નહીં. આખી રિંગ વાગી ગઇ ત્યાં સુધી રાહ જોઇ.

‘ઇ નંબર જોઇને સામેથી કરશે.’ કિસનને કહ્યું. એ નિર્મલને મળવાની કેશુકાકાની તાલાવેલી જોઇ રહ્યો હતો. સામેથી ફોન ન આવ્યો. ઘણો સમય પસાર થઇ ગયો એટલે કિસને જ કેશુકાકા પાસેથી મોબાઇલ લઇને ફોન જોડ્યો.
‘હેલ્લો’ સાંભળતા જ કિસને પોતાની ઓળખાણ આપી : ‘સોલંકી સાહેબ, હું હેલ્થવેલ કેમિસ્ટમાંથી કિસન ગજેરા બોલું છું.’ કેમિસ્ટ સાંભળીને સોલંકીને કોઇ મહત્ત્વની વાત લાગી.

‘હા બોલોને ભાઇ, હું વાત છે?’

‘આપની હૉસ્પિટલમાં કોઇ નિર્મલ પરીખને એડમિટ કર્યા છે?’

‘હા, છેને એડ્મિટ છે.’

દરમિયાન વોર્ડબોયે સોલંકીને કહ્યું. તમને ડો. શાહ બોલાવે છે.

સોલંકીએ ફોન કાપી નાખ્યો. કિસને હેલો હેલો કર્યું. કિસને ફરી ફોન લગાવ્યો, પણ સોલંકીએ ઉપાડ્યો નહીં.

‘શું થયું?’ કેશુકાકાથી ન રહેવાયું.

‘નિર્મલ પરીખ જી.જી. હૉસ્પિટલમાં છે, પણ એણે ફોન કાપી નાખ્યો ને હવે ઉપાડતા નથી. કોઇ ઇમરજન્સી આવી ગઇ લાગે છે.’ કિસને કહ્યું અને કેશુકાકાનું મન ચકરાવે ચડી ગયું.

‘ઇમરજન્સી નિર્મલ માટે તો નહીં હોય ને?’ એ બોલ્યા.

‘પપ્પા, હૉસ્પિટલમાં માત્ર નિર્મલ એક જ દરદી નથી. બીજા પણ છે.’

‘હા પણ, મારો તો એ એક જ છે’

જયમાલા રમેશને લઇને હૉસ્પિટલે ગઇ. જયમાલાના હસબંડ તરીકે સૌએ એને આવકાર્યો. ડૉ. શાહે વોર્ડબોય ગોપાળને બોલાવીને રમેશને સાથે રાખીને એને કામ શીખવવાની ભલામણ કરી.

ડૉ. સાળુંખેના શબ્દો હતા: ‘માણસે એકવાર મણિકર્ણિકા ઘાટ પર જઇને ભડભડ બળતી ચિતાઓ જોવી જોઇએ. મૃત્યુને નિકટથી જોવાનો અને જીવનના સત્યને નિરખવાનો આ સૌથી સરળ માર્ગ છે. રમેશ, સતકર્મ કરતા રહીને મન મગન રાખીએ તો જીવનમાં કોઇ ગમ નહીં રહે.’

રમેશને સમજાઇ ગયું કે ડૉ. સાળુંખેએ જીવન, મૃત્યુ અને કર્મનો આ પાઠ શા માટે ભણાવ્યો. રમેશને મળનારો સૌથી છેલ્લો માણસ સોલંકી હતો.

‘આ તારી નોકરી નાહીં અલ્યા, સેવા કરવાની તને મળેલી તક છે. આ તક બધાને નહીં મળતી.’ સોલંકીએ એની પીઠ થપથપાવી. રમેશ કાંઇ બોલ્યો નહીં માત્ર હાથ જોડ્યા.

આગલે દિવસે જયમાલાએ રાતપાળી પતાવીને ઘરે પહોંચ્યા પછી રમેશને નોકરીની વાત કરી ત્યારે એણે બહુ આનાકાની કરી હતી.

‘મારી કોઇ લાયકાત નથી, કોઇ ડિગ્રી નથી.’ એણે કહી દીધું હતું.

‘હૉસ્પિટલમાં લાયકાત વિના કરી શકે એવા ઘણા કામો છે.’ જયમાલાએ દલીલ કરી હતી.

‘મને કોરોનાનો ડર લાગે છે. હું એવા દર્દીઓને ન અડું…મને ચેપ લાગી જાય.’ સાંભળીને જયમાલાને સમસમી ઉઠી.

‘રમેશ, તું આ શું બોલે છે. હૉસ્પિટલમાં કામ કરનારા અમારામાંથી હજી સુધી કોઇ મર્યું નથી અને…….હું ઘરે આવું પછી મારી સોડમાં ભરાઇને મારી છાતી પર હાથ મૂકતી વખતે તને ચેપનો ડર નથી લાગતો…?’ એણે ઓશિકું રમેશ તરફ ફેંકીને બહારના રૂમમાં જઇને સૂઇ જવાનું કહ્યું.

જીભ લપસી ગયા પછી ફરી મોંમાં ગોઠવાઇ જાય, પણ શબ્દોને પાછા વાળી નથી શકાતા. રમેશના મનમાં હતું તે જીભ પર આવી ગયું.

જયમાલાને ક્યાંય સુધી ઊંઘ ન આવી. એને યાદ આવી ગયું એ દૃશ્ય જ્યારે એણે મિસ એક્સના ગળામાંથી સેમ્પલ લીધું હતું. એ વખતે પોતાને લાગેલા ભયનો વિચાર કરવા લાગી. મૃત્યુનો ભય સહજ છે તો એને અતિક્રમી જવાનું પણ સહજ હોવું જોઇએ. રમેશને કોતરી રહેલી એકલતાની પીડા, દારૂની લત અને દીકરીના ઝુરાપામાં કોરોનાનો ભય ઉમેરાયો હતો. એણે રમેશને મનાવવા, એના કમજોર વિચારોમાંથી પાછો વાળવાનો મક્કમ નિર્ધાર કર્યો. એ ઊભી થઇ. છુટા વાળનો ઢીલો અંબોડો વાળ્યો. બહાર આવીને રમેશની બાજુમાં સુઈને એના વાળમાં હાથ ફેરવવા લાગી.

‘હું તને ફોર્સ નથી કરતી. તું ટ્રાય કરી જો. ન ફાવે તો છોડી દેજે, પણ તું ભયમુક્ત થઇ જા.’

ડૉ. ત્રિવેદી ડો. શાહની કૅબિનમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં ડૉ. સાળુંખે અને સોલંકી હાજર હતા.

‘સારું થયું તમે પણ આવી ગયા. એક સારા સમાચાર છે. તોસિલિઝુમેબ ઇન્જેક્શન અસરકારક છે. ત્રણ દરદીઓ સાજા થયા છે.’ ડૉ. શાહે ખાનામાંથી એક ઇન્જેક્શન કાઢીને બતાવતા કહ્યું.

‘સર, ત્રણ સાજા થયા, પણ એની સામે મરનારાનો ગઇ રાતનો આંકડો વીસ છે.’ ડૉ. ત્રિવેદી બોલ્યા.

‘સરકારના પ્રયાસોથી ઝેડિયસ ફાર્મા કંપનીએ સ્વિટર્ઝલેર્ન્ડની રોશોનોમ ફાર્મા કંપનીના સહયોગથી તોસિલિઝુમેબ ઇન્જેક્શન બનાવ્યા છે…અને આપણા પ્રયાસો દરદીઓને બચાવવાના છે.’ ડૉ. સાળુંખેએ ઇન્જેક્શન પરની ડિટેલ વાંચતા કહ્યું.

‘થેન્કસ ટુ સોલંકી આપણને ઇન્જેક્શનો જલદી મળ્યા છે.’ ડૉ. શાહે કહ્યું.

ફોનની રીંગ વાગી. ડૉ. શાહે ફોન ઊંચક્યો.

‘હેલો સોલંકી કો દિજિયે.’ સામેથી અવાજ આવ્યો. ડૉ. શાહે સોલંકીને ફોન આપ્યો.

‘હેલો’ સોલંકી બોલ્યો….પછી ‘ઠીક હૈ સર… ઓકે સર…’ કહીને એણે ફોન મૂક્યો. બધા એની સામે જોતા હતા ત્યારે એણે કહ્યું: ‘બીજા થોડા ઇન્જેક્શનોનો લોટ લેવા જાઉં છું.’

એ ટુ ઝેડ ચેનલે લગભગ આખો દિવસ મિસ એક્સના ન્યૂઝ પ્રસારિત કર્યા…એવી આશા સાથે કે ડૉ. શાહ મિસ એક્સને મળવાની પરવાનગી આપશે અને એનો વીડિયો ઉતારીને ફરી સનસનાટી મચાવી શકાશે. આ બાજુ, ડૉ.
શાહે અને સોલંકીએ ન્યૂઝ જોયા…એવી અપેક્ષા સાથે કે ન્યૂઝ જોઇને મિસ એક્સનું કોઇ સગું આગળ આવશે, પણ એમના આશ્ર્ચર્યની વચ્ચે કોઇ આવ્યું નહીં. કોઇએ મિસ એક્સને ઓળખતા હોવાનો દાવો કર્યો નહીં.

બીજે જ દિવસે સંજુ અને હેગડે મિસ એક્સને મળવાના ઇરાદે હાજર થયા. ડૉ. શાહે એમને બેસાડ્યા. બાજુમાં ગંભીર ચહેરે સોલંકી બેઠો.

‘સર, મેં તમારી વાત માની. ચેનલ પર પેલી યુવતીના ન્યૂઝ ચલાવ્યા કર્યું. એના કોઇ સગાઓએ અમારી ચેનલનો સંપર્ક કર્યો નથી. હવે તમે અમને એને મળવા દો…પ્લીઝ.’ સંજુએ કહ્યું.

‘જુઓ, એની હાલત અત્યારે ગંભીર છે…હું પરવાનગી નહીં આપી શકું.’

‘સર, અમે દૂરથી વીડિયો લઇશું……’

‘અલ્યા તમે કોઇ વાટ હમજો કી ની હમજો. એક મૂંગી-બેરી છોકરી મરવા પડી છે ને એનો વીડિયો ઉતારવા છે. કોઇપણ ઘડીએ એ ટપકી પડહે. નીકળી પયડા કેમેરા લઇને સનસનાટી મચાવવા.’ સોલંકી તાડુક્યો.

સંજુએ હેગડેની સામે જોયું. ડૉ. શાહે સોલંકીના ખભા પર હાથ મુક્યો. હેગડેએ સંજુને ઊભા થવાનો ઇશારો કર્યો. બંને ચૂપચાપ નીકળી ગયા.

‘સર, તમે મસ્ત તુક્કો માયરો કે છોકરી ગંભીર હાલતમાં છે.’ સોલંકી બોલ્યો.

‘તમે પણ સારા ડાયલોગ માર્યા. હવે એ લોકો યુવતી ગંભીર હાલતમાં છે એવા ન્યૂઝ ચલાવશે.’ ડો. શાહે કહ્યું.

‘હા સર, ક્યારેક તુક્કો પણ તીર બની જાય. કદાચ એના હગલાઓ કોન્ટેક્ટ કરે.’ સોલંકી બોલ્યો.

એ સાંજે એટુ ઝેડ ચેનલ પર ન્યૂઝ પ્રસારિત થયા. જી. જી ભોય હૉસ્પિટલમાં રહસ્યમય યુવતી જીવનમરણ વચ્ચે ઝોકાં ખાય છે. બરાબર એ જ વખતે મુંબઈની એક ચાલમાં બેઠેલો એક જણ બોલ્યો: ‘વો મરને વાલી હૈ.’

‘મરને દે…હમારા પીછા છૂટ જાયેગા….હંમેશાં કે લિયે.’

(ક્રમશ:)

આ પણ વાંચો…સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-10

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button