સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-10

- અનિલ રાવલ
‘માનવસેવા માટે મેડિકલની કોઇ ડિગ્રીની જરૂર નથી હોતી. મનથી થાય એ જ સાચી માનવસેવા.’ ડો. સાળુંખેએ કહ્યું.
કિસન સવારે તૈયાર થઇને દુકાને જવાની ઉતાવળમાં હતો. બરાબર એજ વખતે કાશ્મીરાએ વાત કાઢી.
‘મારે તને એક વાત કરવી છે.’
છેલ્લી મિનિટે વાત કાઢવાની કાશ્મીરાની આદત કિસનને ગમતી નહીં. પપ્પાને ટેસ્ટ કરાવ્યા વિના ઘરમાં ક્વોરન્ટાઇન કરવા પડ્યા એની ચિંતા તો એને હતી જ.
‘શું થયું? જલ્દી બોલ, મારે દુકાન ખોલવાની છે.’
‘આપણે પપ્પાને ક્વોરન્ટાઇનમાંથી બહાર કાઢીએ તો…’
‘તારું દિમાગ ફરી ગયું છે? પ્લેનમાં જેને અડક્યા એ માણસને કોરોના છે ને એ હોસ્પિટલમાં છે.’ કિસનનો પિત્તો ગયો.
‘પણ પપ્પાજીને કોરોના હોત તો આજે ચાર દિવસમાં કોઇ અસર તો દેખાઇ હોત ને.’ કાશ્મીરાએ ખૂબ ઠાવકાઇથી કહ્યું.
‘તારી વાત સાચી છે, પણ જોખમ છે. આપણા ઘરમાં નાનું બાળક છે.’ કિસન બોલ્યો.
‘કિલ્લોલની ચિંતા તને એકલાને જ છે? મને નહીં હોય?’
‘એકાદ દિવસ રાહ જોઇએ….’ કિસન એટલું કહીને બૂટ પહેરવા માંડ્યો.
‘કાલ સુધીમાં કોઇ ચિન્હો ન દેખાય તો પપ્પાજીને બહાર લાવીશું.’ ડોક્ટર હોસ્પિટલમાંથી દરદીને ઘરે જવાની રજા આપતો હોય એમ કાશ્મીરાએ કહી દીધું. કિસનને ગમ્યું નહીં, પણ એને દુકાને જવાની ઉતાવળ હતી. એ દુકાનની ચાવીનો ઝૂડો શોધવા ડ્રોઅર ફંફોસવા લાગ્યો.
‘અંતે તું જોખમને બાજુએ મૂકીને તારું ધાર્યું કરીશ…’ કિસન બોલ્યો.
‘ના હું જોખમને ઝોખીને પછી નિર્ણય લઇશ બસ.?’ એણે બાજુના ડ્રોઅરમાંથી ચાવી શોધી આપતાં કહ્યું.
કિસન ચાવીનો ઝૂડો ખિસ્સામાં મૂકીને નીકળી ગયો.
મિસ એક્સ એના બેડ પર ફરી રહેલા પંખાને એકી નજરે જોઇ રહી હતી. પાસે આવીને ઊભી રહી ગયેલી નર્સ જ્યોતિને જોઇને જરા મલકી. જ્યોતિએ સામું સ્માઇલ આપીને સાંકેતિક ભાષામાં એનું નામ પૂછ્યું. જવાબમાં મિસ એક્સ જરા વધુ મલકી. જ્યોતિને જવાબની આશા બંધાઇ.
‘ઘર ક્યાં છે’ એ આંગળીઓ વડે સંકેતો કરવા માંડી. મિસ એક્સ આ ભાષા જાણતી-સમજતી હશે કે કેમ એની શંકા તો હતી જ. એ મિસ એક્સની સાંકેતિક ભાષાની આશા સાથે એના હાથ અને આંગળા જોવા લાગી. મિસ એક્સની આંખોમાં ચમક આવી. એણે મોંઢાના અવાજ અને હાથના ઇશારા સાથે કહ્યું: ‘મારું કોઇ નામ નથી, ઘર નથી…સરનામું નથી.’ જવાબ જ્યોતિને વિચિત્ર લાગ્યો. ‘આ યુવતીનું નામ નથી? ઘર નથી? કોઇ સરનામું નથી?
એવું કઇ રીતે શક્ય છે?’
મિસ એક્સ ફરી ધીમે ધીમે ફરી રહેલા પંખાને જોવા લાગી. જ્યોતિએ એનું ધ્યાન ખેંચવા એની આંખ નજીક જઇને ચપટી વગાડી. મિસ એક્સની રહસ્યમય આંખ જ્યોતિને જોઇ રહી. જ્યોતિએ હાથ અને આંગળીઓની ઇશારત કરીને પૂછ્યું: ‘તું અહીં કઇ રીતે પહોંચી?’ જવાબમાં એની આંખમાંથી ભીનું રહસ્ય ટપક્યું. જ્યોતિની પાછળ આવીને ઊભા રહી ગયેલા સોલંકીએ એમની વચ્ચેનો આ મૂક સંવાદ સાંભળ્યો. એ જતા જતા બોલ્યો: ‘મિસ એકસ કોઇ સચ્ચાઇ છૂપાવી રેયલી છે.’
ડો. શાહે ત્રિવેદીને બોલાવીને કહ્યં ુ: ‘ઇન્ટર્ન ડોક્ટર્સ અને બીજા પેરા મેડિક્સ આવી ગયા છે. એમને જરૂરી સૂચનાઓ અને ગાઇડલાઇન આપી દો.’
‘જી સર, હાલત દિવસે દિવસે બગડતી જાય છે. કોરોનાના દરદીઓમાં બાળકો પણ આવવા લાગ્યા છે. કદાચ લોબીમાં સારવાર આપવી પડશે.’
‘એ માટે તમે ડો. સાળુંખેને કહી દો. લોબીનો ઉપયોગ શરૂ કરી દો.’ ડો. શાહે કહ્યું.
‘અને બીજી એક વાત સર કે ઓક્સિજનના બાટલાનો સ્ટોક ખૂટવા લાગ્યો છે.’
‘આ ચિંતાનો વિષય છે. તમે એક કામ કરો, સોલંકીને કહી દો. એ મેનેજ કરશે. ઇન્જેક્શન જેટલી જ જરૂર ઓક્સિજનની છે.’ ડો. શાહે કહ્યું.
‘મેડમ, એક વાત કરવી છે.’ જયમાલાએ ડો. સાળુંખેને કહ્યું.
હંમેશાં સામેવાળાને શાંતિથી સાંભળવાની દાનત અને વૃતિ ધરાવતાં ડો. સાળુંખેએ આંખના પલકારે સંમતિ દર્શાવી.
‘રમેશ…મારા પતિ પાસે લોકડાઉનમાં કોઇ કામ નથી….દારૂ અને દીકરી વિના એ તરફડે છે. એને આપણી હોસ્પિટલમાં કોઇ કામ આપી શકાય તો…’ જયમાલા અટકી.
‘એનું મન કામમાં પરોવાશે અને તું શાંતિથી કામ કરી શકીશ….’ ડો. સાળુંખેએ જયમાલાએ અધૂરું મુકેલું વાક્ય પૂરું કર્યું.
‘હું ડો. શાહને વાત કરું છું.’
‘મેડમ, પણ એની પાસે કોઇ મેડિકલની ડિગ્રી નથી.’
‘માનવસેવા માટે મેડીકલની કોઇ ડિગ્રીની જરૂર નથી હોતી…મનથી થાય એ જ સાચી માનવસેવા.’ ડો. સાળુંખેએ કહ્યું.
‘તેં કિસનને ગળે વાત ઉતારી ન હોત તો હજી ય હું તો નજરકેદ જ હોત.’ કેશુકાકાએ કાશ્મીરાને કહ્યું.
‘પણ કિસનનું મન હજી માનતું નથી….એને ગમ્યું નથી.’ કાશ્મીરાએ કિસનના મનની વાત પણ કહી દીધી.
‘હું જાણું છું…..હું હંધુય જાણું…ઊંંડે ઊંંડે થાય પણ ખરું કે ક્યાંક ઊંધું નો વેતરાઇ જાય તો હારું.’
‘આપણે જેટલા દિવસ આપ્યા…એટલા દિવસમાં કોઇ ચિન્હો દેખાયા નહીં….અને મારું મન કહે છે કે પપ્પાજી તમને કંઇ નથી. હા, હજી ઘણી તકેદારી રાખવી પડશે, પણ કિસન ચિંતા બહુ કરે…અત્યાર સુધીમાં ત્રણ ફોન આવી ગયા કે પપ્પાને કંઇ થાતું નથી ને! કંઇ થાતું નથીને!’
‘પણ એક વાત તને કહી દઉં કે કિસન તારી વાત માને છે હો બાકી.’ કેશુકાકા આઝાદીની ખુશાલી મનાવી રહ્યા હોય એમ વાતે વળગ્યા.
‘કિસન મારી વાત નહીં, પણ મારા ઇન્ટ્યુશનની વાત માને છે.’ કાશ્મીરા ગૌરવ લેવા માંડી.
‘તારું હાનું ટ્યુશન..? તું હાનું ટ્યુશન કરે છે?’ કેશુકાકાને ઇન્ટયુશનનો અર્થ સમજાયો નહીં.
કાશ્મીરા હસી પડી. ‘ટ્યુશન નહીં ઇન્ટયુશન. એટલે અંતરાત્માનો અવાજ.. અંદરનો અવાજ…!’
‘આ તારા અંદરના અવાજે મને બહાર કાયઢો.’ થોડીવાર પછી ગંભીર થઇને બોલ્યા: ‘મારો અંતરનો અવાજ કહે છે કે મારે નિર્મલને મળવું છે. કોઇપણ ભોગે મળવું છે.’
સોલંકીએ ડો. શાહની કેબિનમાં જઇને કહ્યું: ‘તોસિલિઝુમેબ ઇન્જેક્શન આવી ગ્યા છે.’
‘ખરેખર તું છો તો આપણને ઇન્જેક્શન અને બીજી દવાઓ જલદી મળે છે…બાકી પ્રાઇવેટ હોસ્પિટલો અને નર્સિંગહોમવાળા આપણા ભાગે ઇન્જેક્શન પહોંચવા ન દે.’
‘બહાર બ્લેક બોલાય છે. લોકો દાગીના વેંચીને હો ખરીદે છે. આપણને ટેસ્ટિંગ માટે પહેલાં થોડાં ઇન્જેકશનો મયલા એનો રિપોર્ટ હારો હુતો?’ સોલંકીએ કહ્યું.
‘સોલંકી, આપણને વધુ ઇન્જેક્શનો અને દવાઓની જરૂર છે….આટલાંથી કામ નહીં ચાલે.’
‘હું પાછળ જ લાગેલો છું…’
‘ઇન્જેક્શન ક્યાં રખાવ્યા છે?’ ડો. શાહે પૂછ્યું.
‘તમારી રૂમના ફ્રીજમાં…સૌથી સેફ.’ સોલંકી બોલીને નીકળી ગયો.
વહેલી સવારે મિસ એક્સ વોર્ડની બહાર નીકળી….આસપાસ બંને બાજુ નજર કરીને દબાતે પગલે ગેટ તરફ જવા લાગી. એ જ વખતે લિફ્ટમાંથી બહાર નીકળી રહેલા સોલંકીની નજર એની પર પડી. એ મિસ એક્સની પાછળ પાછળ જવા લાગ્યો. મિસ એક્સ છેક મેઇન ગેઇટ સુધી પહોંચી ગઇ. બંનેને જોઇને વોચમેન મિશ્રા ઊભો થઇ ગયો. મિસ એક્સ ગેટ પર પહોંચી ગઇ. સોલંકી ઝડપથી મિસ એક્સની આગળ જઇને એને અટકાવતો હોય એમ બે હાથ આડા કરીને ઊભો રહી ગયો. બન્ને સામસામે થઇ ગયાં.
સોલંકી મિસ એક્સની માસ્ક પાછળની આંખો વાંચવાની કોશિશ કરતો રહ્યો. એણે નહીં જવાનો ઇશારો કરતા માથું હલાવ્યું.
મિસ એક્સ એના ઇશારાને મચક આપ્યા વિના આગળ વધી. સોલંકી ફરી વચ્ચે ઊભો રહી ગયો.
વોચમેન મિશ્રા બંને વચ્ચેનું ખામોશીભર્યું રહસ્યમય દ્રશ્ય જોઇ રહ્યો હતો. થોડી ક્ષણો પછી વોચમેન મિશ્રા બન્નેને અંદર જતા જોઇ રહ્યો. કંઇ જ નહીં સમજી શકેલા મિશ્રાએ તમાકુની ડબી કાઢીને હથેળીમાં મસળવા લાગ્યો. પણ સોલંકીને એક વાત સમજાઇ ચૂકી હતી કે મિસ એક્સ અહીંથી જતી રહેવા માગે છે, પણ શા માટે જવા માગે છે? એ ક્યાંથી આવી છે? ને એ ક્યાં જશે? મુંગી બહેરી…આ શું રહસ્ય છે. શું ભેદ છે એના જીવનનો?
વિચારી રહેલો સોલંકી મિસ એક્સને છેક એના વોર્ડમાં મૂકવા ગયો.
મિસ એક્સ પલંગ પર સુઇને ફરતા પંખાને તાકી રહી હતી. થોડી ક્ષણો બાદ મિસ એક્સે જોયું તો સોલંકી હજી ત્યાં જ ઊભો હતો.
‘ક્યાં જવું હતું. શા માટે જવું હતું.?’ સોલંકીએ હાથના ઇશારે પૂછ્યું.
જવાબમાં મિસ એક્સે પોતાના ગળા પર બન્ને હાથ રાખીને ગળાફાંસો ખાઇ લેવાની ઇશારત કરી…પછી હાથનું કાંડું બતાવીને કાંડું કાપી નાખવાનું દર્શાવ્યું. સોલંકી જોતો જ રહી ગયો. એનું દિમાગ સુન્ન મારી ગયું. રોજ સંખ્યાબંધ લોકોને મરતા જોનારા સોલંકીને કોઇએ આ રીતે આત્મહત્યા કરવાની વાત કરી ન હતી. કોરોનાથી જલદી છુટકારો મેળવવા કાંડું કાપી નાખવું હશે કે બીજું કોઇ કારણ.? એ મિસ એક્સના પલંગ પર બેસી ગયો.
‘નૈ….’ સોલંકીનો અવાજ જાણે માસ્ક ફાડીને બહાર નીકળ્યો. મિસ એક્સને સંભળાયું નહીં, પણ અહેસાસ થયો. સોલંકીએ શ્વાસ રુંધી નાખતું માસ્ક કાઢી નાખ્યું…અને ઊંડા શ્વાસ લેવા માડ્યો.
‘નૈ…મરવાનું નામ નૈ લેવાનું…તને જીવનનો મતલબ કેમ ની હમજાય? જો તારી આજુબાજુ જો…આ બધા જીવવા માટે તલસી રેયલા છે. અને તું મરવાની વાત કરે છે! તારે અહીંથી જવાનું નૈ, જીવ દઇ દેવાની વાત કરવાની નૈ…એકવાર તું સાજી થઇ જા, પછી તારે જાં જવું હશે તાં….હું તને જાતે મૂકી જાવા.’
મિસ એક્સ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. એના આંસુ ઓશિકા પર રેલાઇ રહ્યાં હતાં. આંસુને કોરોનાનો ચેપનો ભય નહતો. સોલંકીના શબ્દોનો શ્વાસ હેઠો બેઠો. મિસ એક્સે સોલંકીનો હાથ પકડવા હાથ લંબાવ્યો, પણ બીજી જ ક્ષણે પાછો ખેંચી લઇને બે હાથ જોડ્યા. કદાચ એ આત્મહત્યાની વાત કરીને સોલંકીનું મન દુભાવવા બદલ માફી માગતી હતી. સ્પર્શનો ડર કેટલો ભયાનક છે! સોલંકીએ એના બન્ને હાથ પકડી લીધા….જીવના જોખમની પરવા કર્યા વિના. આ કેવી લાગણી? આ કેવો પ્રેમ….આ કેવું ખેંચાણ? સોલંકી નહતો ડોક્ટર, નહતો મિસ એક્સનો કોઇ આપ્તજન કે નહતો કોઇ મિત્ર. કદાચ એ આ બધાથી ઉપર હતો.