ઉત્સવ

બધુ ખતમ થઈ ગયું હોય ત્યારે પણ…

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

જે વિન્સેન્ટ

ઈંગ્લેન્ડના ચેસ્ટર શહેરના 17 વર્ષીય પ્રતિભાશાળી મિકેનિક જે વિન્સેન્ટને બાઇક રાઇડિંગનો ગાંડો શોખ હતો. તે ઘણી વાર બાઇક રાઈડ પર નીકળી પડતો. આવી જ રીતે એક દિવસ તે તેના કેટલાક મિત્રો સાથે બાઇક રાઇડ પર નીકળ્યો. તે 90 માઈલ એટલે કે 144.8 કિલોમીટરની ઝડપે બાઇક ભગાવી રહ્યો હતો. અચાનક મોટરસાઈકલ પરથી કાબૂ ગુમાવ્યો ને એ ટેલિગ્રાફના થાંભલા સાથે અથડાઈ ગઈ. અકસ્માત એટલો ખતરનાક હતો કે વિન્સેન્ટના શરીરભરમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી.

એને કારણે જે વિન્સેન્ટ કોમામાં જતો રહ્યો. અકસ્માતમાં તેણે જમણો પગ ગુમાવવો પડ્યો. કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, તેના જમણા હાથમાં ત્રણ ફ્રેક્ચર થયાં અને ફેફસાંને પણ નુકસાન થયું. જો કે એમ છતાં તે બચી ગયો.

હોસ્પિટલમાં અનેક કલાકોની સર્જરી બાદ ડોક્ટરોએ તેનો જીવ બચાવ્યો, પરંતુ તેમણે કહ્યું કે ‘આ દર્દી હવે કદી ચાલી નહીં શકે.’

વિન્સેન્ટ ત્રણ સપ્તાહ પછી કોમામાંથી બહાર આવ્યો, પણ ત્રણ મહિના આઈ.સી.યુ.માં રહેવું પડ્યું. તે છ મહિના પછી હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે ખબર પડી કે ડોક્ટરે કહી દીધું છે કે તે હવે ક્યારેય ચાલી નહીં શકે. એ જાણીને તેને લાગ્યું કે હવે મારા જીવનનો અંત આવી ગયો છે…..હવે હું ક્યારેય જીવનને માણી નહીં શકું.

વિન્સેન્ટ ભાંગી પડ્યો હતો. તેણે નોકરી ગુમાવવી પડી હતી અને તે બીજું કશું કામ કરવા માટે પણ લાયક નહોતો. જીવનમાં આવી ગયેલા એ અણધાર્યા આઘાતજનક વળાંકને કારણે તે હચમચી ગયો હતો, પણ એ વખતે તેની પ્રેમિકા જેમા જેક્સને કહ્યું, ‘જે, હજી બધું ખતમ નથી થઈ ગયું. હું તારી સાથે છું. ભૂતકાળ ભૂલીને ભવિષ્ય પર ધ્યાન આપ. મને ખાતરી છે કે તું આ સ્થિતિમાંથી બહાર આવીને વધુ મજબૂત માણસ બનીશ.’ વિન્સેન્ટની એવી હાલતમાં તેને છોડી દેવાને બદલે તેની પ્રેમિકા જેમાએ તેને ફરી ઊભા થવા માટે પ્રેરણા આપી.

ફિટનેસ ટ્રેનર જેમા એ સમયમાં વિન્સેન્ટ માટે નર્સ તરીકે સંભાળ લેનાર વ્યક્તિ કે પ્રેમિકા જ નહોતી તે તેના માટે પ્રેરકબળ બની ગઈ.

વિન્સેન્ટ હોસ્પિટલના બેડ પર નિરાશ વદને પડ્યો હોય એ વખતે જેમા તેનો હાથ પકડીને કહેતી: ‘તારે હાર માનવાની નથી. તું હજી જીવતો છે એટલે બધું શક્ય છે. અને હું તારી સાથે અડીખમ ઊભી છું.’

જેમાના આ શબ્દો વિન્સેન્ટમાં આશાનો અને આત્મવિશ્વાસનો સંચાર કરતા. જેમાએ તેની ફિઝિકલ થેરાપીમાં મદદ કરી, કૃત્રિમ પગ પહેરવાની તાલીમમાં સાથ આપ્યો. તે હતાશ થઈને કે શારીરિક પીડાને કારણે રડી પડતો ત્યારે તે તેના આંસુ લૂછીને તેને ગળે વળગાડી લેતી.

મહિનાઓ સુધી શારીરિક સારવાર અને માનસિક ઉપચાર પછી વિન્સેન્ટ ધીમે-ધીમે ઊભો થવા લાગ્યો.

જેમાએ વિન્સેન્ટને કૃત્રિમ પગ લગાવડાવ્યો ને તેને જિમમાં જતો કર્યો. જેમાએ તેને ફિટનેસ માટે તાલીમ આપવા માંડી. તે હતાશ થઈ ગયેલા વિન્સેન્ટને કહેતી કે ‘તારે મારી સાથે જિમમાં સ્પર્ધા કરવાની છે.’

વિન્સેન્ટની સ્થિતિ થોડી સુધરી એટલે એક દિવસ જેમાએ તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: ‘જે, આજે મારે તારી પાસે કશુંક માગવું છે. તું પહેલાં બગડેલાં મશીનોને ઠીક કરીને દોડાવતો હતો. હવે તું પોતાની જાતને ઠીક કરીને એને દોડાવ. તારું મનોબળ મજબૂત કર પછી બધું થઈ પડશે.’

આ શબ્દોએ વિન્સેન્ટમાં નવી સ્ફૂર્તિનો સંચાર કર્યો. તેણે નક્કી કર્યું: ‘હવે હું મારા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરીને શક્તિ પાછી મેળવીશ…બોડી બિલ્ડર તરીકે એક નવી ઓળખ બનાવીશ.’

જેમાના પ્રોત્સાહનથી વિન્સેન્ટ માનસિક – શારીરિક રીતે નવી શરૂઆત માટે તૈયાર થયો. જોકે એ શરૂઆત અત્યંત તકલીફદાયક હતી. એક પગ પર સંતુલન રાખીને વજન ઉઠાવવું, કમરના દુખાવા સાથે રોજ તાલીમ લેવી અને એમાં વળી હાથની અશક્તિ એ બધા વચ્ચે પણ પ્રયાસ ચાલુ રાખવાનું અતિશય કઠિન હતું, પરંતુ જેમા તેને કહેતી કે ‘મને પૂરતી ખાતરી છે કે તું બધુ કરી શકીશ…’ જેમા દરરોજ તેની સાથે જિમમાં હાજર રહેતી. ક્યારેક તે શારીરિક સહારો આપતી તો ક્યારેક પોતાની હાજરીથી વિન્સેન્ટનો આત્મવિશ્વાસ વધારતી.

ધીરે-ધીરે વિન્સેન્ટનું શરીર ફરીથી શક્તિશાળી બનતું ગયું. તેની કમર મજબૂત થવા લાગી, હાથમાં શક્તિ પાછી આવવા લાગી, અને એ બધાનાં પરિણામે તેની આંખોમાં ફરી નવી ચમક જોવા મળી. જેમાની મદદથી તે ફરી વાર ઊભો થઈ ગયો.

અકસ્માતનાં સાત વર્ષ બાદ તે બોડી બિલ્ડર બની ગયો. બોડી બિલ્ડર તરીકે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું પણ શરૂ કરી દીધું અને તે ફરી વાર જીવન માણતો થઈ ગયો. થોડા સમય પછી તે ‘યુનિવર્સિટી ઓફ ચેસ્ટર’માં ફિટનેસ ટ્રેનર બની ગયો.

વિન્સેન્ટ માટે બોડી બિલ્ડિંગ માત્ર શરીર પૂરતું ન હતું – એ તેના માટે માનસિક પુનર્જન્મ સમાન હતું.

જેમાની મદદથી તેણે સોશ્યલ મીડિયા પર પોતાના જીવનની વાતો શેર કરવાનું શરૂ કર્યું. લોકો તેને ‘ધ આયર્ન સોલ’ તરીકે ઓળખવા લાગ્યા.

આજે વિન્સેન્ટ માત્ર પ્રોફેશનલ બોડી બિલ્ડર જ નહીં, પણ એક મોટિવેશનલ સ્પીકર અને ફિટનેસ કોચ પણ છે. એ એવા લોકોને પાનો ચડાવે છે જે અકસ્માત-બીમારી કે માનસિક તાણને કારણે જીવનથી નિરાશ થઈ ગયા હોય.
અકસ્માતને કારણે વિન્સેન્ટે એક પગ ગુમાવ્યો, નોકરી ગુમાવી, પણ તેણે જીવનનો અર્થ શોધી લીધો. તે કહે છે:

‘એ અકસ્માતે મારું શરીર તોડી નાખ્યું, મેં એક પગ ગુમાવ્યો, પણ મને જીવનનો ઉદ્દેશ મળી ગયો અને એ ઉદ્દેશ છે બીજા લોકોને બતાવવાનો કે તૂટ્યા પછી પણ ઊભા થઈ શકાય છે. બોડી બિલ્ડિંગે મને ફરી મારું જીવન પાછું આપ્યું. હું હવે અન્ય લોકોને શીખવું છું કે જીવન ગમે એટલું કઠિન હોય, પણ જો મનોબળ મજબૂત હોય તો ચમત્કાર શક્ય છે.’

એની પ્રેમિકા જેમા કહે છે: ‘જેને મેં હોસ્પિટલના બેડ પર તૂટી પડેલો જોયો હતો એ જે આજે તે સ્ટેજ પર હસતા-હસતા ઊભો હોય છે, તે સ્પર્ધાઓ જીતે છે, લોકોને પ્રેરણા આપે છે…બસ. આ જ મારા માટે સૌથી મોટું ઈનામ છે.’

જીવનમાં બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે ત્યારે માણસ મનોબળ થકી ઊભો થઈ શકે છે અને નજીકની કોઈ વ્યક્તિની હૂંફથી ફરી વાર ઊભો થઈને જીવન માણી શકે છે એનો જીવંત પુરાવો જે વિન્સેન્ટ છે. તે કહે છે: ‘મારી પ્રેમિકા જેમા જેકસને મારા જીવનમાં ચમત્કાર કર્યો છે.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button