સુખનો પાસવર્ડ : અપેક્ષા વિના બીજાને ખુશી આપવામાં જ જીવનની સાર્થકતા છે…

- આશુ પટેલ
થોડા સમય અગાઉ એક સેલિબ્રિટીએ તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી રહેલા એક ચાહકને ધક્કો મારીને તેનું અપમાન કર્યું એ વીડિયો જોઈને સદગત હાસ્યલેખક વિનોદ ભટ્ટની આત્મકથા `એવા રે અમે એવા…’માંનો એક કિસ્સો યાદ આવી ગયો. એ કિસ્સો કાર્ટૂનિસ્ટ મિત્ર કાનજી મકવાણાએ શેર કર્યો હતો. એ કિસ્સો વિનોદભાઈના શબ્દોમાં જ વાચકો સામે મૂકું છું:
સુરતમાં માં ભાષણ હતું. ભાષણ પત્યા બાદ એક યુવાન મારી પાસે આવ્યો. તેના હાથમાં ટેપરેકોર્ડર હતું. તેણે મને કહ્યું:વિનોદભાઈ, આમાં કશુંક બોલોને? ચાર-પાંચ વાક્ય…’
`કેમ?’ મેં તેને પ્રશ્ન કર્યો.
`મારી પત્નીને સંભળાવવા.’ તે બોલ્યો.
`કેમ? તેમને સાથે લાવવા હતાં ને?’ મેં કહ્યું.
સહેજ ઉદાસ ચહેરે તે બોલ્યો, તેને પેરેલીસીસ થયો છે. પથારીવશ છે. તમારી કોલમ તે ખૂબ રસથી વાંચે છે. તમારી ફેન છે. તેણે મને કહ્યું કે,ટેપરેકોર્ડર લેતા જાવ. મારે વિનોદભાઈનો અવાજ સાંભળવો છે.’
આ સાંભળી હું દ્રવી ગયો. મેં તેને કહ્યું, તમે એક કામ કરો ભાઈ. તમે આવતી કાલે સવારે અમારા ઉતારા પર આવો. હું કાલે તમારા ઘરે બહેનને મળવા રૂબરૂ આવીશ.’ તે ગદ્ગદ્ થતો ચાલ્યો ગયો.
બીજે દિવસે સવારે તે આવી ગયો. અમે સાથે તેના ઘરે ગયા. કંતાઈ ગયેલું શરીર, પલંગમાં પડેલી માંડ 28-29 વર્ષની દીકરી. મેં તેના માથા પર ભાવથી મારા બંને હાથ મૂક્યા. મારા બંને હાથ પકડી આંખ પર મૂકી ડુસકા સાથે તે બોલી, `ભાઈ, આ ક્ષણે હું મરી જાઉં તો કેટલું સાં!’
`બહેન, બેટા, આ વાક્ય તો મારે બોલવાનું હતું. મારો અવાજ રૂંધાઈ ગયો…’
વિનોદ ભટ્ટે લખેલો આ કિસ્સો વાંચીને આપણી સંવેદનાના તાર પણ ઝણઝણી ઊઠે. ગઈ સદીના નામાંકિત ગાયક કુંદનલાલ સાયગલના જીવનનો આવો એક કિસ્સો પણ જાણવા જેવો છે. સાયગલજી તેમના સમયના સૌથી વધુ મોંઘા ગાયક-અભિનેતા ગણાતા હતા. તેમનો કાર્યક્રમ યોજવા માટે લોકો તેમને મોં માગી રકમ ચૂકવવા તૈયાર થતા હતા.
એક વખત ઉત્તર પ્રદેશના એક ઉદ્યોગપતિએ સાયગલને ખાનગી પ્રોગ્રામ માટે આમંત્રિત કર્યા અને તેમને પચીસ હજાર રૂપિયા પુરસ્કાર આપવાની ઓફર કરી. આ વાત સાત દાયકા અગાઉની છે, જ્યારે પચીસ રૂપિયા પણ ઘણી મોટી રકમ ગણાતી હતી અને બીજા ગાયકોને એક ગીત ગાવા માટે બસો-પાંચસો રૂપિયા જેવી રકમ મળતી હતી.
જોગાનુજોગ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જુનિયર ટેકનિશિયન તરીકે દૈનિક મહેનતાણાથી કામ કરનારા ગણપત નામના માણસે સાયગલ પાસે જઈને કહ્યું કે થોડા દિવસો પછી મારી દીકરીનાં લગ્ન છે તો એ રાતે તમે કાર્યક્રમ આપશો?
તેણે તારીખ કહી એ સાથે સાયગલજીને યાદ આવ્યું કે એ જ દિવસે તો ઉત્તર પ્રદેશના મોટા ઉદ્યોગપતિએ ખાનગી કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. જો કે તેમણે એક જ ક્ષણમાં નિર્ણય કરી લીધો અને કહ્યું કે હું તમારી દીકરીના લગ્નના દિવસે ચોક્કસ કાર્યક્રમ આપીશ. એ પછી તેમણે તે ઉદ્યોગપતિને ના પાડી દીધી કે હું તમારે ત્યાં નહીં આવી શકું. તેમણે 25 હજાર રૂપિયા જતા કર્યા, તે ઉદ્યોગપતિને નારાજ કર્યો અને એક જુનિયર ટેકનિશિયનની દીકરીના લગ્ન પ્રસંગે એક પણ રૂપિયાની અપેક્ષા વિના મફતમાં કાર્યક્રમ આપ્યો. લગ્નપ્રસંગમાં જઈને ગીતો ગાયાં! અને ઉપરથી તે દીકરીને ભેટ આપી!
આ રીતે સામાન્ય માણસોને ખુશી આપવા માટે બહુ ઓછા માણસો તત્પર રહેતા હોય છે. આવો જ એક કિસ્સો ગઈ સદીનો છે. દેશભક્ત-વિચારક-પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થી હિન્દી દૈનિક `પ્રતાપ’ થકી અંગ્રેજોના જુલમ સામે નીડરતાથી અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા અને એટલી જ તેમની ખ્યાતિ બીજાને મદદરૂપ થનારા માણસ તરીકે પણ ફેલાઈ હતી.
ગણેશજી `પ્રતાપ’ અખબારના તંત્રી હતા, પણ એ વખતના બીજા ઘણા તંત્રીઓની જેમ ભારમાં જીવતા નહોતા. તેમને કોઈ પણ માણસ મળી શકતો હતો અને પોતાની વ્યથા તેમની સામે ઠાલવી શકતો હતો અથવા તો મદદ માટે તેમની સામે હાથ લંબાવી શકતો હતો.
એક વાર એક યુવાન તેમની પાસે જઈ ચડ્યો. ગણેશજી એ વખતે કંઈક લખવામાં મશગૂલ હતા એટલે તે યુવાને દરવાજા બહાર ઊભા રહીને પૂછ્યું કે હું અંદર આવી શકું?
તેનો અવાજ સાંભળીને ગણેશજીએ ઉપર જોયું અને તેને આવકાર્યો. તેમણે ઈશારાથી તે યુવાનને પોતાના ટેબલની સામી બાજુની ખુરશી પર બેસવા કહ્યું. તે યુવાન બેઠો એટલે ગણેશજીએ તેના આગમનનું કારણ પૂછ્યું.
પેલા યુવાને કહ્યું, `હું સામાન્ય કુટુંબનો દીકરો છું. હું મારા ગામથી અહીં અભ્યાસ માટે આવ્યો છું, પણ હું ટે્રનમાં અહીં આવી રહ્યો હતો એ વખતે ટે્રનમાંથી મારો સામાન ચોરાઈ ગયો. મારા કુટુંબની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે. મારી ફરિયાદ કોઈ કાને ધરતું નથી. મારી પાસે થોડાઘણા પૈસા હતા એ પણ મેં મારા સામાન સાથે બેગમાં મૂક્યા હતા…’ વાત કરતાં -કરતાં તે યુવાન રડી પડ્યો.
ગણેશજીએ તે યુવાનને પાણી પાયું અને શાંત પાડ્યો. એ પછી તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખીને પોતાની પાસે જેટલા પૈસા હતા એ કાઢીને તે યુવાનને આપી દીધા. તેમણે કહ્યું કે અત્યારે તો મારી પાસે આટલા જ પૈસા છે. આજે રવિવાર છે એટલે ઑફિસમાં મેનેજર પણ નથી. તું કાલે આવજે અને તારી જરૂર પ્રમાણે પૈસા લઈ જજે.
યુવાન ગળગળો થઈને આભાર માનવા માંડ્યો. તેને વિદાય કરીને ગણેશજી ફરી લખવા માંડ્યા.
સફળ વ્યક્તિઓ ધારે તો સામાન્ય વ્યક્તિઓને સુખની ક્ષણો આપી શકે. વિનોદ ભટ્ટ, કુંદનલાલ સાયગલ કે ગણેશ શંકર વિદ્યાર્થીની જેમ સમય, પૈસા કે પોતાની કલા કે હૂંફ થકી કોઈને મદદરૂપ બનવાની કે ખુશીની પળો આપવા માટે તત્પર રહેવું જોઈએ.
કોઈ માણસ સફળ થાય, પણ તે કોઈને થોડી ખુશી ન આપી શકે, કોઈને મદદરૂપ બનવાની ભાવના ન હોય તો તે નિષ્ફળ જ ગણાય. એ રીતે જોઈએ તો કોઈ અપેક્ષા વિના લોકોને ખુશી આપનારા માણસોનું જીવન સાર્થક ગણાય.



