ઉત્સવ

કોઈ પણ કામ પ્રામાણિકતા સાથે ઉષ્માભેર થવું જોઈએ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

થોડા સમય અગાઉ એક કેબમાં પ્રવાસ કરવાનું બન્યું હતું. હું કેબમાં બેઠો એ સાથે યુવાન કેબચાલકે `ગુડ આફ્ટરનૂન’ કહ્યું. તે હસમુખા સ્વભાવનો હતો. તે એફએમ પર ગીતો સાંભળી રહ્યો હતો. મેં તેને એ.સી. વધારવા કહ્યું તો તેણે તરત જ વધારી દીધું. મેં કોઈને કોલ લગાવ્યો એ સાથે તેણે વાગી રહેલા સોંગનું વોલ્યુમ નહિવત કરી નાખ્યું જેથી મને ફોન પર વાત કરવામાં ખલેલ ન પહોંચે. મેં નોંધ્યું કે તેની કારમાં પાછળના દરવાજામાં મિનરલ વોટરની નાનીનાની બોટલ્સ ભરી રાખી હતી.

કોલ પત્યો એટલે મેં તેને થેન્ક યુ’ કહ્યું. તેણે હસતાં હસતાં કહ્યું,અરે સાહેબ, થેન્ક યુ’ શા માટે કહો છો. આ તો મારી ડ્યુટી છે. તમે મારી કેબ બુક કરી તો મારે તમને સંતોષજનક સર્વિસ આપવી જોઈએ.’ મેં તેને પૂછ્યું :આ પાણીની બોટલ્સ…’

`હું એક સાથે પાણીની નાનીનાની બોટલ્સનું આખું બોક્સ ખરીદી લઉં છું અને કારમાં ઉતારુઓ માટે રાખી મૂકું છું. કોઈને પણ પીવું હોય તો એ આ પાણી પી શકે છે.’ એણે કહ્યું

મને સુખદ આંચકો લાગ્યો. આવો અનુભવ બહુ ઓછી વાર થતો હોય છે. મેં તે કેબ ડ્રાઈવર સાથે વાત શરૂ કરી. તેને આર્થિક સ્થિતિને કારણે ભણવાની બહુ તક મળી નહોતી. તે માત્ર એસ.એસ.સી. સુધી જ ભણી શક્યો હતો. એ પછી તેણે કેબ ડ્રાઈવર તરીકે કામ સ્વીકારી લીધું હતું. તે કાંદિવલીથી જુહુ સુધી હસતા ચહેરે વાતો કરતો રહ્યો.
જૂહુ ઊતર્યો ત્યારે મેં તેને વધારાના પચાસ રૂપિયા આપ્યા. તેણે આનાકાની પછી એ પૈસા લીધા. તેણે કહ્યું, `આજે મને બીજા એક ઊતારુએ પણ સો રૂપિયા વધારે આપ્યા.’

તે કેબ ડ્રાઈવરના જીવનમાં પણ ઘણી તકલીફ હતી, પણ તેનો ચહેરો હસતો હતો અને તેની નાનીનાની વાતોને લીધે તે મને યાદ રહી ગયો.

તે ડ્રાઈવરને મળીને મને પ્રખ્યાત લેખક શિવ ખેરાના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો. ખેરા એક વાર સિંગાપોર ગયા હતા. તેમણે ઍરપોર્ટ બહાર નીકળીને એક ટેક્સી પકડીને ટેકસી ડ્રાઈવરને એડે્રસ આપતા કહ્યું કે `મારે આ જગ્યાએ જવું છે.’

ટેક્સી ડ્રાઈવરે તેમને એ જગ્યાએ પહોંચાડી દીધા, પણ એ અગાઉ તેણે એક વિશાળ ઈમારતને ચકરાવો માર્યો અને તેમને જ્યાં જવું હતું ત્યાં ટેક્સી ઊભી કરી દીધી. તેની ટેક્સીનું મીટર અગિયાર ડૉલર ભાડું દર્શાવતું હતું એટલે ખેરાએ તેને અગિયાર ડૉલર આપ્યા, પરંતુ એ ટેક્સી ડ્રાઈવરે તેમની પાસેથી ફક્ત દસ જ ડૉલર લીધા!
શિવ ખેરાએ તેને પૂછ્યું કે `મીટર અગિયાર ડૉલર બતાવે છે, તો પછી તમે મારી પાસેથી માત્ર દસ ડ ડૉલર જ કેમ લઈ રહ્યા છો?’

ટેક્સી ડ્રાઇવરે જવાબ મળ્યો: `સર, હું ટેક્સી ડ્રાઇવર છું. તમે જે સ્થળનું એડે્રસ આપો ત્યાં મારે તમને સીધા જ પહોંચાડવા જોઈએ, પરંતુ તમે આપેલા એડે્રસ વિશે મને ચોક્કસ ખબર નહોતી એટલે મારે ટેક્સીને પેલી મોટી ઈમારત ફરતે ફેરવીને તમાં એડે્રસ શોધવું પડ્યું. જો હું સીધો તમને અહીં પહોંચાડત તો ભાડું ફક્ત દસ ડૉલર જ થયું હોત. મીટર પ્રમાણે હું તમારી પાસેથી અગિયાર ડૉલર લઈ શકું, પણ એવું કરવું એ અનૈતિક ગણાય. તમને ખબર નથી કે મારા કારણે એક ડૉલર ભાડું વધી ગયું છે, પણ મને ખબર છે કે મારા કારણે એક ડૉલર જેટલું ભાડું વધી ગયું છે એટલે હું દસ ડૉલર જ લઈ રહ્યો છું. હું પ્રામાણિકતા અને નૈતિકતા ન ચૂકી શકું.’

શિવ ખેરાએ તેની પ્રામાણિકતા અને નૈતિકતાની પ્રશંસા કરી એટલે તે ટેક્સી ડ્રાઈવરે નમ્ર સ્વરે કહ્યું, `સર,મેં એવું કોઈ મોટું કામ નથી કર્યું! સિંગાપોર ટૂરિસ્ટ સ્પોટ છે અને દર વર્ષે ઘણા બધા લોકો અહીં ફરવા આવે છે. ઈમિગ્રેશન અને કસ્ટમ્સની વિધિ પતાવીને બહાર આવે ત્યારે સૌ પ્રથમ એ ટેક્સી ડ્રાઈવરના સંપર્કમાં આવે છે. અને જો ટૂરિસ્ટ્સનો ટેક્સી ડ્રાઈવરની સાથેનો અનુભવ સારો સાબિત ન થાય તો તેમના મનમાં કડવાશની લાગણી જન્મે અને તેઓ તેમનો પ્રવાસ માણતી વખતે સતત એવું જ વિચારે કે આ સ્થળના લોકોમાં પ્રામાણિકતા નથી, એટલે હું માત્ર ટેક્સી ડ્રાઈવર નથી, પરંતુ હું ડિપ્લોમેટિક પાસપોર્ટ વગરનો સિંગાપોરનો એમ્બેસેડર છું!’

શિવ ખેરાએ આ કિસ્સો ટાંક્યા પછી લખ્યું હતું કે `એ ટેક્સી ડ્રાઇવર આઠ ધોરણ સુધી જ ભણ્યો હતો,પણ તેની સમજણમાં ગૌરવશાળી કાર્યકુશળતા અને ઉમદા વ્યક્તિત્વની ઝાંખી થતી હતી. તે દિવસે હું તેની પાસેથી શીખ્યો કે સારા વ્યવસાયી બનવા માટે નિયમો પ્રમાણેની વ્યવસાયિક-ક્ષમતા ઉપરાંત ઘણું બધું જીવનમાં વણી લેવું પડે છે. સફળ વ્યવસાયિક બનવા માટે માણસના વ્યવહારમાં માનવતા અને ઉચ્ચ જીવનમૂલ્યો હોય એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કામમાં આવડત અને કૌશલ્યની સાથે વિશ્વસનીયતા પણ જરૂરી છે. આપણું પ્રોફેશનલિઝમ આપણે જે કામ કરીએ છીએ એના પર નહીં, પરંતુ જે-તે કામ કેવી રીતે કરીએ છીએ એના પર – આપણી કાર્યપદ્ધતિ પર નિર્ભર કરે છે.’

શિવ ખેરાના જીવનનો આ કિસ્સો એટલા માટે વધુ સ્પર્શી ગયો કે આપણે ત્યાં ઘણા ટેક્સી ડ્રાઈવર્સ અને રિક્ષા ડ્રાઈવર્સ એવી રીતે વર્તતા હોય છે કે જાણે ઉતારુઓ તેમના ગયા ભવના વેરી હોય! એટલે આવા ટેક્સી ડ્રાઈવર કે રિક્ષા ડ્રાઈવર સાથે મુલાકાત થાય ત્યારે આનંદ થાય છે. આવા ટેક્સીચાલકો કે રિક્ષાચાલકો લોકો માટે સુખના પાસવર્ડ સમા સાબિત થતા હોય છે.

આપણા દેશમાં માત્ર ટેક્સી ડ્રાઈવર્સ કે રિક્ષા ડ્રાઈવર્સ જ નહીં, મોટા ભાગના ક્ષેત્રોના મોટા ભાગના લોકો માત્ર કરવા ખાતર,પૈસા કમાવાના જ આશય સાથે અથવા તો ઘર ચલાવવા માટે યંત્રવત કામ કરતા હોય છે. કોઈ પણ કામ માત્ર પૈસા ખાતર ન કરવું જોઈએ. જે કામ કરીએ એ પ્રામાણિકતા સાથે કરવું જોઈએ. દિલ દઈને કરવું જોઈએ.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: જો…જો, મોબાઇલ ફોન કયાંક દુ:ખનો પાસવર્ડ ન બની જાય!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button