સુખનો પાસવર્ડ: તમારાથી બીજા કોઈને તકલીફ ન પહોંચે એનું ધ્યાન રાખો છો?

- આશુ પટેલ
સપ્ટેમ્બર 10, 2025ની રાતે એક યુવાન સોફ્ટવેર એન્જિનિયર પત્ની સાથે પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારનાં એક થિયેટરમાં હોરર ફિલ્મ ‘ધ કોન્જ્યુરિંગ લાસ્ટ રાઇટ્સ’ જોવા માટે ગયો હતો. પત્ની સાથે એ ફિલ્મ માણી રહ્યો હતો એ દરમિયાન એની પાછળ એક પુરુષ ઊંચા અવાજે એની પત્નીને કહેવા લાગ્યો કે હવે ફિલ્મમાં આગળ શું-શું થવાનું છે. એ અડિયલ માણસ ફિલ્મનું સસ્પેન્સ પણ પોતાની પત્નીને કહેવા લાગ્યો. એટલે પ્રેક્ષકો એની સામે જોવા લાગ્યા. જોકે તે માણસને એનાથી કશો ફરક પડ્યો નહીં. એણે પોતાની પત્નીને કહેવાનું ચાલુ રાખ્યું કે ફિલ્મમાં આગળ શું થવાનું છે.
છેવટે પેલો સોફ્ટવેર એન્જિનિયર યુવાન અકળાઈ ગયો. એણે પેલા નકટા માણસને વિનંતી કરી કે ‘ભાઈ, તમે ફિલ્મ જોઈ હશે એટલે તમને ફિલ્મમાં આગળ શું થાય છે અને આ હોરર ફિલ્મમાં શું સસ્પેન્સ છે? એ ખબર હશે, પણ તમે એ મોટા અવાજે કહીને અમને ફિલ્મ જોવામાં વિક્ષેપ ન પાડો. તમે સસ્પેન્સ કહી દેશો તો અમારો ફિલ્મ જોવાનો મૂડ બગડી જશે. મહેરબાની કરીને તમે શાંતિથી ફિલ્મ જુઓ અને અમને પણ જોવા દો.’
પાછળની હરોળમાં બેઠેલા પુરુષે તે સોફ્ટવેર એન્જિનિયર યુવાનની વિનંતીથી શરમ અનુભવવાને બદલે એના પર હુમલો કરી મારવા લાગ્યો એટલે સોફ્ટવેર એન્જિનિયરની પત્ની પતિને બચાવવા વચ્ચે પડી. તો પેલા પુરુષની પત્નીએ પણ એને મારી!
પેલો નફ્ફટ પુરુષ અને એની પત્નીએ સોફ્ટવેર એન્જિનિયર યુવાન અને તેની પત્નીને ઈજા પહોંચાડી. મામલો એટલો આગળ વધી ગયો કે એન્જિનિયર યુવાન પત્ની સાથે પોલીસ સ્ટેશનમાં જઈને તે માથાભારે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
થિયેટર્સમાં મારામારી થાય એવી આ પહેલી ઘટના નથી, પરંતુ આપણા દેશના મોટાભાગના લોકો બીજાઓની પરવા કર્યા વિના જ જીવે છે એ વાતનો પુરાવો આપતો આ વધુ એક કિસ્સો છે.
સભ્ય સમાજનો કોઈ માણસ ફિલ્મ જોવા જાય ત્યારે એ અપેક્ષા રાખી શકાય કે એ શાંતિથી ફિલ્મ જુએ અને બીજા કોઈને ખલેલ ન પહોંચાડે, પરંતુ એવી અપેક્ષા રાખવી આજના સમયમાં વધુ પડતી છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો…
થોડા દિવસો અગાઉ હું મુંબઈમાં એક મિત્રએ લખેલું નાટક જોવા ગયો હતો. એ નાટક ભજવાઈ રહ્યું હતું એ દરમિયાન અવારનવાર કોઈ ને કોઈ પ્રેક્ષકના મોબાઈલ ફોનની રિંગ વાગતી હતી. અને એ રિંગ પણ પાછી એટલી લાઉડ હતી કે ઑડિટોરિયમમાં બેસેલા બધાને ખલેલ પહોંચાડતી હતી.
વચ્ચે એક વખત તો નાટકનું દ્રશ્ય ભજવી રહેલી અભિનેત્રીએ ટકોર પણ કરી કે ‘એ કોના મોબાઈલ ફોનની રીંગ વાગી? મોબાઈલ ફોન તો મારી પાસેય છે. બધા પાસે છે, પણ મેં મોબાઈલ બંધ કરીને રાખી મૂક્યો છે!’
એને કારણે ઓડિયન્સમાં થોડા લોકો હસ્યા, પરંતુ એનાથી ઘણા મૂર્ખ અને નકટા પ્રેક્ષકો પર ખાસ કશી અસર પડી નહીં. અનેક પ્રેક્ષકોએ નફ્ફ્ટાઈપૂર્વક પોતાના મોબાઈલ ફોન સાયલન્ટ મોડ પર ન મૂક્યા તે ન જ મૂક્યા. એને કારણે અવારનવાર કોઈ ને કોઈ પ્રેક્ષકના મોબાઈલ ફોનની રિંગ વાગતી રહી.
તમે પણ જોયું હશે કે ઘણા પ્રેક્ષકો ફિલ્મ કે નાટક જોવા બેઠા હોય એ વખતે જોરજોરથી મોબાઈલ ફોન પર વાતો કરતા હોય છે. જાણે કે એ કોલ રિસીવ ન કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું જોખમ પૃથ્વી પર તોળાઈ રહ્યું હોય! વળી, આવા નફ્ફટ અને નાલાયક માણસોને બાજુનો કોઈ પ્રેક્ષક વિનંતી કરે તો મોબાઈલ પર ચોંટેલો પ્રેક્ષક લાજવાને બદલે ગાજવા માંડે એવા કિસ્સાઓ પણ અવારનવાર બનતા રહે છે.
આવું બીજી ઘણી જગ્યાઓએ પણ બનતું રહે છે. થોડા સમય અગાઉ હું સુરતથી મુંબઈ વચ્ચે એક એક્સપ્રેસ ટ્રેનના સેક્ધડ એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ એ વખતે એ એરકંડિશન્ડ કોચમાં કોઈ ઉતારુ મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો, કોઈ રિલ્સ જોઈ રહ્યો હતો, કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો. મોટાભાગના ઉતારુઓ ઈયરફોનનો ઉપયોગ કરવાને બદલે ખૂબ જ ઊંચા વોલ્યુમ સાથે મોબાઈલ ફોન પર પોતાને ગમતું હોય એવું કશુંક જોઈ રહ્યા હતા. હું હતો એ કમ્પાર્ટમેન્ટમાં જ ચાર વ્યક્તિ મોબાઈલ ફોન પર વળગેલી હતી અને બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી પણ મોબાઈલ ફોનના અવાજો આવી રહ્યા હતા.
કોઈ મહિલા વળી જોરજોરથી બરાડા પાડીને એની માતા કે સાસુ સાથે વાતો કરી રહી હતી. મને સખત ઉજાગરો હતો એટલે હું ઊંઘવા ઈચ્છતો હતો. એટલે મેં મારી સામે ખૂબ ઊંચા વોલ્યુમ સાથે રિલ્સ જોઈ રહેલા એક ઉતારુને કહ્યું કે ‘તમારી પાસે ઈયરફોન હોય તો એનો ઉપયોગ કરશો, પ્લીઝ?’
એણે કહ્યું, ‘મારી પાસે ઈયરફોન નથી.’
મેં કહ્યું, ‘તો વોલ્યુમ ઓછું રાખો પ્લીઝ. મને ખલેલ પહોંચી રહી છે.’
એ સાંભળીને પેલાએ મારી સામે એ રીતે જોયું કે જાણે એના ખાનદાનના તમામ વડવાઓના મૃત્યુ માટે હું જવાબદાર હોઉં!
ઘણી વખત તો ફ્લાઈટ્સમાં પણ આવા અનુભવો થતા હોય છે. કેટલાક બેવકૂફ માણસો પ્લેન આખું પોતાના પિતાશ્રીનું હોય એ રીતે મોબાઈલ ફોન પર મચી પડતા હોય છે. ફ્લાઈટ્સમાં આનું પ્રમાણ ઓછું છે, પરંતુ છે ખરું.
મૂળમાં આપણે સો કોલ્ડ સભ્ય સમાજમાં જીવીએ છીએ, પરંતુ મોટાભાગના લોકોની પ્રકૃતિ જંગલમાં વસતા આદિમાનવ જેવી હોય એવો ક્યારેક ને ક્યારેક અનુભવ થતો રહે છે. ક્યારેક કોઈ વ્યક્તિ વાજબી કારણથી ટકોર કરે ત્યારે માણસે શરમાવું જોઈએ એને બદલે આવા અડિયલ માણસો સીધા ઝઘડો કરવા માટે સજ્જ થઈ જાય છે. આ એક સમાજ તરીકે આપણી નિષ્ફળતા છે, એક દેશ તરીકે આપણી નિષ્ફળતા છે.
દરેક માણસે એટલું તો ધ્યાન રાખવું જ જોઈએ કે પોતાના થકી બીજા કોઈને તકલીફ કે ખલેલ ન પહોંચે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…