સુખનો પાસવર્ડ: જો…જો, મોબાઇલ ફોન કયાંક દુ:ખનો પાસવર્ડ ન બની જાય!

- આશુ પટેલ
મોબાઇલ ફોન નામના આધુનિક રાક્ષસને કારણે ઘણા લોકોની જિંદગી નરક સમી બનતી જાય છે. હમણાં એક બાળકનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એ બાળક પાસેથી મોબાઈલ ફોન લઈ લેવામાં આવે છે એ સાથે એ બાળક જાણે હિસ્ટ્રિયાનો અટેક આવ્યો હોય એમ બેકાબૂ બનીને વર્તવા લાગે છે પછી તેને ખેંચ આંચકી આવવા માંડે છે. મોટા ભાગના વડીલો પોતે મોબાઈલ ફોનનો બેફામ ઉપયોગ કરતા હોય છે એ બાળકોને મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરવા માટે કયા મોઢે કહી શકે!
એ બાળકનો વીડિયો જોઈને એક વાત યાદ આવી ગઈ, જે જાણીતા વક્તા જ્ઞાનવત્સલ સ્વામીએ એક પ્રવચનમાં કહી હતી. તેમણે કહેલી વાત ટૂંકાવીને, આ કોલમને અનુરૂપ શબ્દોમાં ઢાળીને વાચકો સામે મૂકું છું:
આપણા દેશના ટોચના ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને એમના પત્નીનો ઇન્ટરવ્યૂ પંદર-વીસ વર્ષો પહેલાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયો હતો. આજે પણ એ પેપર કટિંગ મારી પાસે છે. કુમાર મંગલમ બિરલાના પિતાજી આદિત્ય બિરલાનું 50 વર્ષની ઉંમરે જ નિધન થઈ ગયું હતું. બહુ નાની ઉંમરમાં, માત્ર 28 વર્ષની ઉંમરે કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન બન્યા હતા અને તેમણે બહુ સારી રીતે પ્રગતિ કરી એ આપણે જાણીએ છીએ.
પત્રકારે તેમને એક સવાલ એવો પૂછ્યો હતો કે ‘તમે આટલા મોટા કારોબારની જવાબદારી લઈને બેઠા છો તમારી કંપનીનું પાંચ લાખ કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. દુનિયાના 60થી 70 દેશમાં તમારો બિઝનેસ ચાલી રહ્યો છે. તમારો ઓફિસ ટાઈમ, તમારો ટ્રાવેલ ટાઈમ, તમારો મીટિંગ ટાઈમ, તમારો એડમિનિસ્ટ્રેટિવ ટાઈમ એ બધાની વચ્ચે તમે પરિવાર માટે સમય કાઢી શકો છો ખરા?’
કુમાર મંગલમ બિરલા જવાબ આપવાનું શરૂ કરે એ પહેલાં તેમના પત્નીએ કહ્યું, ‘આ જવાબ હું આપવા ઇચ્છું છું. તેમણે કહ્યું, અમારા બિરલા પરિવારમાં એ રિવાજ છે કે રાતે આઠ વાગે બધાએ પોતાનો મોબાઈલ ફોન માતાને આપી દેવાનો.’
પત્રકારને આશ્ર્ચર્ય થયું કેમ કે મોબાઈલ ફોનની દુનિયા જ આઠ વાગ્યા પછી ખૂલે છે! મોબાઈલ વગર આપણે સમય નથી કાઢી શકતા. જો હાથમાંથી મોબાઈલ લઈ લઈએ તો અડધી દુનિયા એક અઠવાડિયામાં પાગલ થઈ જાય. અને રાતના ભોજન પછી હાથમાંથી કોઈ મોબાઈલ ફોન લઈ લે તો શું કરીએ? ક્યાં જઈએ?
પત્રકારે પૂછ્યું ‘એ પછી તમે શું કરો છો?’
કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું, ‘આઠ વાગ્યા પછી બધા રાતના ભોજન માટે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. પોણો કલાક જેટલા સમય સુધી ભોજન ચાલે છે. પછી પોણા નવથી સાડા નવ વાગ્યા સુધી બધા ત્યાં જ બેસી રહે છે અને વાતો કરે છે. અમે ઈતિહાસની વાતો કરીએ છીએ, કોઈ પારિવારિક પ્રસંગ આવતો હોય તો એનાં પ્લાનિંગની ચર્ચા કરીએ છીએ. આમારા પૂર્વજો વિશે નવી પેઢીને કહીએ છીએ. ક્યારેક શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ કરીએ છીએ. પછી સાડા નવ વાગે બધાને પોતપોતાનો મોબાઈલ ફોન પાછો મળે છે.’
પત્રકારે પૂછ્યું : ‘કુમાર મંગલમ બિરલા પોતે પણ આનો અમલ કરે છે?’
તેમના પત્નીએ કહ્યું, ‘હા. રાતના આઠથી સાડા નવ વાગ્યા સુધી ફેમિલી ટાઈમ. બીજું કશું જ નહીં. સાડા નવ વાગ્યે માતુશ્રી બધાને પોતપોતાના મોબાઈલ ફોન પાછો આપે છે કશી ઈમર્જન્સી ઊભી થઈ હોય કે કશુંક અર્જંટ કામ હોય એ માટે મેસેજ કે કોલ આવી ગયો હોય તો એ ચેક કરવા માટે. કોલ કે મેસેજ કરનારી વ્યક્તિને કોઈ અત્યંત જરૂરી કામ ન હોય તો કુટુંબના સભ્ય કહી દે છે કે કાલે સાડા દસ વાગે ઓફિસમાં વાત કરીશું. અને પછી બધા પોતપોતાના રૂમમાં જાય છે અને કોઈ સારું પુસ્તક વાંચે છે. કેમ કે બીજા દિવસે ફેમિલી ટાઈમ એટલે કે ડિનરના ટાઈમ દરમિયાન પોતે જે પુસ્તક વાંચ્યું હોય એની વાતો બધા સભ્યો એક પછી એક કરે છે. પરિવારમાં પાંચ સભ્ય છે પાંચેય સભ્ય રોજ એક પુસ્તકના કેટલાંક પાનાં વાંચે છે અને બીજા દિવસે ડિનર ટેબલ પર એ વિશે વાત કરે છે તો એક મહિનામાં બધાને પાંચ સારા પુસ્તક વિશે સાંભળવા મળે છે.’
આ પ્રકારનો જ નિયમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વડગામમાં ઘડાયો છે. વડગામમાં સાંજના સાત વાગે ડિજિટલ ડિટોક્સ માટે સાયરન વાગે છે એ સાથે ગામના બધા લોકો પોતાના મોબાઈલ ફોન બંધ કરી દે છે. એ પછી દોઢ કલાક સુધી બધા લોકો એકબીજાને મળે છે. પાડોશીઓ સાથે વાતો કરે છે કે પરિચિત લોકોને મળવા તેમના ઘરે જાય છે. સાડા આઠ વાગે ફરી વાર સાયરન વાગે છે એ પછી લોકો ફરી પોતાનો ફોન હાથમાં લે છે.
આવા નિયમનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. દિવસમાં અમુક સમય માટે મોબાઈલ ફોનથી દૂર રહેવાનો નિશ્ર્ચય કરવો જોઈએ. મોબાઇલ ફોનના માલિક આપણે છીએ, પણ મોટા ભાગના લોકોએ મોબાઈલને જ પોતાનો માલિક બનાવી દીધો છે!
આજના સમયમાં મોટા ભાગના માણસો મોબાઈલ ફોન પોતાના શરીરનાં એક અંગ સમાન બની ગયો હોય એ રીતે તેને અળગો કરતા નથી. ઘણા લોકો ટોઈલેટમાં પણ મોબાઈલ ફોન સાથે લઈને જતા હોય છે. મોબાઇલ ફોનને કારણે માનસિક બીમારીઓ પણ વધી રહી છે.
મોબાઇલ ફોન નામના રાક્ષસને માનવજાત જ મોટો કરી રહી છે. મોબાઇલ ફોન દુ:ખનો પાસવર્ડ ન બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ…
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : આપણી પાસે શું નથી એના કરતાં શું છે એ જાણવું વધુ જરૂરી



