ઉત્સવ

વિષમ સંજોગોમાં પણ જરૂરી છે ધીરજ ધરવી…

37000 ફૂટની ઊંચાઈએ ઊડી રહેલા વિશાળકાય બોઇંગ વિમાનનાં ચારેચાર એન્જિન અચાનક બંધ થઈ ગયાં એ વખતે કેપ્ટને સ્વસ્થતા જાળવીને ઇતિહાસ સર્જી દીધો!

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

આ વખતની કોલમ માટે વિષય શોધી રહ્યો હતો ત્યારે મારા બનેવી શશીકાંત સાપરિયાએ અમેરિકાથી વોટ્સ એપ પર એક મેસેજ મોકલાવ્યો. એ મેસેજ વાંચીને મને બેટ્ટી ટૂટેલનું પૂરતક ‘ઓલ ફોર એન્જિન્સ હેવ ફેઇલ્ડ’ યાદ આવ્યું. એ પુસ્તકમાં જેની વાત કરવામાં આવી છે એવા રિયલ લાઈફ હીરો કેપ્ટન એરિક મૂડી વિશે અને ઉડ્ડયન ક્ષેત્રની એક અકલ્પ્ય અને અવિસ્મરણીય ઘટના વિશે લખવાનું સૂઝ્યું.

24 જૂન, 1982ના દિવસે બ્રિટિશ એરવેઝનું બોઈંગ 747-200ઇ એરક્રાફ્ટ લંડનના હિથરો એરપોર્ટથી ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેર જવા માટે ટેકઓફ થયું ત્યારે એ ફ્લાઈટમાં સવાર 248 ઉતારુઓ અને 15 ક્રૂ મેમ્બર્સને કલ્પના પણ નહોતી કે એ ફ્લાઈટ દરમિયાન કેવી અણધારી ઘટના બનશે…

લંડનથી ઊપડેલી એ ફ્લાઈટ મુંબઈથી મલેશિયાના કુઆલાલમ્પુર, ત્યાંથી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં અને પછી મેલબોર્ન શહેરમાં થઈને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેર સુધીની સફર કરવાની હતી. તે વિમાન કોઈ વિક્ષેપ વિના 37,000 ફૂટની ઊંચાઈએ હિન્દ મહાસાગર પર રાત્રિના અંધકારમાં શાંતિપૂર્ણ રીતે ઊડી રહ્યું હતું. એ ફ્લાઈટના કેપ્ટન એરિક મૂડી અને તેમની ટીમ માટે એ અત્યંત સામાન્ય ઉડાન હતી. હવામાન સ્વચ્છ હતું. આગળ તોફાનમાંથી પસાર થવું પડશે એવી કોઈ ચેતવણી પણ મળી નહોતી.

અચાનક અકલ્પ્ય રીતે કોકપિટની બારીઓ પર પ્રકાશ ઝળહળવા લાગ્યો. વિમાનના આગળના ભાગ પાસે અને વિમાનની પાંખો પાસે અસંખ્ય ચમકતા કણો દેખાયાં. એ દૃશ્ય અસામાન્ય હતું એટલે કેપ્ટન મૂડીને થોડી ચિંતા થઈ. જોકે ત્યાં સુધી કશું ભયજનક નહોતું, પરંતુ થોડી જ ક્ષણો બાદ ખતરાનું એલાર્મ વાગ્યું! કોકપિટના સ્ક્રીન પર હૃદયના ધબકારા ચુકાવી દે એ રીતે ચેતવણી મળી. ચાર એન્જિન ધરાવતા એ વિશાળકાય વિમાનનું ચોથા નંબરનું એન્જિન અચાનક બંધ થઈ ગયું હતું!

કેપ્ટન એરિક મૂડી અને એની ટીમના સભ્યોને ધ્રાસ્કો પડ્યો, પરંતુ તેમણે સ્વસ્થતા ગુમાવી નહીં કારણ કે હજી પ્લેનના ત્રણ એન્જિન ચાલુ હતા. પણ એ જ વખતે અચાનક બે નંબરનું એન્જિન પણ બંધ થઈ ગયું! હવે કેપ્ટન મૂડી અને એમના સાથીદારો ભારે માનસિક તણાવ અનુભવવા લાગ્યા. એટલી વારમાં વિમાનનું એક નંબરનું એન્જિન પણ બંધ થઈ ગયું! અને પછી તરત જ ત્રણ નંબરનું એન્જિન પણ બંધ થઈ ગયું. આમ 37,000 ફૂટની ઊંચાઈએ તે પ્લેનના ચારેચાર એન્જિન બંધ થઈ ગયાં!
એ સમયમાં આધુનિક વિમાન માટે એવી પરિસ્થિતિની કલ્પના પણ કરી શકાય એમ નહોતી. એટલી ઊંચાઈએ ઊડી રહેલા પ્લેનનું એક એન્જિન બંધ થાય તો વિમાનનું ઉડ્ડયન ચાલુ રહી શકે. બે એન્જિન બંધ થાય તો ગંભીર સ્થિતિ ગણાય અને ત્રણ એન્જિન બંધ થાય તો સ્થિતિ અત્યંત ગંભીર ગણાય, પરંતુ અહીં તો અકલ્પનીય રીતે ચારેચાર એન્જિન બંધ થઈ ચૂક્યાં હતાં.

થોડી ક્ષણ માટે મૂડી અને તેમની ટીમ સ્તબ્ધ થઈ ગઈ. બોઈંગ 747 હવે એન્જિન વગરના ગ્લાઈડર સમાન બની ગયું હતું. નીચે અંધકારમય મહાસાગર હતો અને આગળ ઈંડોનેશિયાના પર્વતો હતા અને અધૂરામાં પૂરું , વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવવા લાગ્યું.

અચાનક મુસાફરોને ઓક્સિજન માસ્ક નીચે પડતા દેખાયા. હવામાં સલ્ફર જેવી તીવ્ર ગંધ ફેલાઈ ગઈ. બારીઓ બહાર ચમકતા કણો જોઈને ઉતારુઓ ડરી ગયા. કેટલાક ઉતારુઓએ તો અંતિમ પત્ર લખવાનું શરૂ કરી દીધું. તો કેટલાક ઉતારુઓ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા.

એ દરમિયાન કેપ્ટન મૂડીએ ફ્લાઈટ એન્જિનિયરને એન્જિન શરૂ કરવાની કોશિશ ચાલુ રાખવા કહ્યું. બીજીબાજુ તેમણે પોતાની જાત પર કાબૂ મેળવતા માઈક ઉઠાવ્યું. તેમણે અવાજમાં કોઈ પણ પ્રકારનાં ભય કે ધ્રુજારી વિના નિયંત્રિત સ્વરે એનાઉન્સમેન્ટ કર્યું: ‘સન્નારીઓ અને સજ્જનો હું તમારો કેપ્ટન બોલી રહ્યો છું. અમે એક નાની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. આપણા વિમાનના ચારેય એન્જિન અત્યારે બંધ થઈ ગયા છે. અમે તેને ફરી શરૂ કરવા માટે અમારાથી શક્ય છે એ તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે તમે અતિશય વ્યાકુળ નહીં બન્યા હો.’

(કેપ્ટન એરિક મૂડીનાં એ એનાઉન્સમેન્ટને આજની તારીખે પણ ઉડ્ડયન ક્ષેત્રનાં અત્યંત શાંત અને સંયમિત એનાઉન્સમેન્ટ તરીકે યાદ કરવામાં આવે છે).

કેપ્ટન મૂડીએ સ્વસ્થતા જાળવી રાખી એને કારણે કોકપિટમાં તેમની ટીમના અન્ય સભ્યો પણ વિચલિત થવાથી બચ્યા. હા, એ બધા અત્યંત ચિંતિત હતા ને ઉતાવળે એન્જિન પુન: ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા હતા.

આ દરમિયાન કેપ્ટન મૂડીની ટીમના એક સભ્યનો ઓક્સિજન માસ્ક ખરાબ થઈ ગયો હતો. કેપ્ટન મૂડીએ તરત જ વિમાનની નીચે ઉતારવાનો નિર્ણય લીધો, પણ હવે વિમાન મહાસાગર પરથી પર્વતો તરફ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન ફ્લાઈટ એન્જિનિયર સતત એન્જિન ફરી શરૂ કરવાની કોશિશ કરતા રહ્યા. તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. બીજો, ત્રીજો, પાંચમો, દસમો પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયો. કશું આશાજનક પરિણામ આવ્યું નહીં. દરેક નિષ્ફળ પ્રયાસ સાથે વિમાન વધુ ને વધુ નીચે જઈ રહ્યું હતું. વિમાન 15,000 ફૂટ નીચે આવી ચૂક્યું હતું. ફરી વધુ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા. વિમાન 14,000 ફૂટ નીચે આવી ગયું. પર્વતો હવે ખતરનાક રીતે નજીક આવી રહ્યા હતા!

ફ્લાઈટ એન્જિનિયરનો વધુ એક પ્રયાસ નિષ્ફળ સાબિત થયો. વિમાન હવે 13,500 ફૂટની ઊંચાઈએ આવી ચૂક્યું હતું. એ જ વખતે પંદરમા પ્રયાસ પછી ચોથા નંબરનું એન્જિન ફરી ચાલતું થઈ ગયું!

કેપ્ટન મૂડી અને તેમની ટીમના સભ્યોના જીવમાં જીવ આવ્યો. થોડી સેક્ધડોમાં બીજા નંબરનું એન્જિન ચાલુ થઈ ગયું. કેપ્ટન મૂડી અને તેમની ટીમના સભ્યોના ચહેરા પરનો તણાવ ઘટ્યો. પછીની થોડી સેકંડોમાં જ ત્રીજું એન્જિન ચાલુ થઈ ગયું અને પછી બાકી રહેલું એન્જિન પણ ચાલુ થઈ ગયું. થોડી જ વારમાં ચારેય એન્જિન ફરી ધમધમતા થઈ ગયા. એ દરમિયાન વિમાન લગભગ 13,000 ફૂટની ઊંચાઈ સુધી આવી ગયું હતું. કેપ્ટન મૂડીના ચહેરા પરનો તણાવ દૂર થયો. તેમણે એનાઉન્સમેન્ટ કર્યું:

‘સન્નારીઓ અને સજ્જનો, વિમાનના ચારેચાર એન્જિન શરૂ થઈ ગયાં છે. હવે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. આપણે થોડી વારમાં સહીસલામત રીતે ઉતરાણ કરીશું…!’

કેપ્ટન મૂડીએ ભલે ઉતારુઓનો માનસિક તણાવ દૂર કરવા માટે કહ્યું કે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. જોકે વિમાન હજી સંપૂર્ણપણે જોખમમાંથી બહાર નહોતું આવ્યું.

મૂડીએ જકાર્તાના હલિમ પર્દાનાકુસુમા એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ માટે પરવાનગી માગી.

કુલ 13 મિનિટ સુધી એ વિમાનના ચારેય એન્જિન બંધ રહ્યા હતા. એ વિમાનના ચારેય એન્જિન ચાલુ થઈ ગયાં હતાં, પરંતુ બીજું એક જોખમ તોળાઈ રહ્યું હતું…

વિમાનની આગળની બારીઓ પર જ્વાળામુખીઓની રાખ ચોંટી ગઈ હતી એને કારણે બારીઓ ધૂંધળી થઈ ગઈ હતી. આગળ કશું જોઈ શકાતું નહોતું. કેપ્ટન મૂડી અને તેમની ટીમે સાઈડ વિન્ડોઝ અન્ય સાધનો અને જમીન પરથી રેડિયો દ્વારા મળી રહેલા માર્ગદર્શન પર આધાર રાખ્યો. અને પ્લેનને જાકાર્તા શહેરના હલિમ પર્દાનાકુસુમા એરપોર્ટ પર ઈમર્જન્સી લેંડિંગની તૈયારી કરી અને કેપ્ટન મૂડીએ સફળતાપૂર્વક અત્યંત સુરક્ષિત રીતે એ પ્લેનની ઉતરાણ કરાવ્યું.

પ્લેન લેન્ડ થયું એ પછી ખબર પડી કે વિમાન માઉન્ટ ગલુન્ગગુંગ નામના જ્વાળામુખીના વાદળમાં પ્રવેશી ગયું હતું. એ જ્વાળામુખી ફાટવાને કારણે એની રાખનું વાદળ 37,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. જ્વાળામુખીની રાખ સાથે સૂક્ષ્મ કાચ જેવા કણો દેખાતા નહોતા, પરંતુ એ કણો એન્જિનની અંદર જઈને પીગળી ગયા હતા. એને કારણે ચારેય એન્જિન બંધ થઈ ગયાં હતાં. વિમાન નીચે ઊતર્યું એટલે તાપમાન ઘટ્યું. રાખ ઠરી અને એન્જિન ફરી શરૂ થઈ શક્યા.

જોકે એ 13 મિનિટ કેપ્ટન મૂડી અને તેમના સાથીદારો માટે ભયંકર પડકારરૂપ સાબિત થઈ હતી. એ દરમિયાન મૂડીએ કાબિલેદાદ સંયમ અને હિંમત દાખવી હતી એને કારણે તેમની ટીમના સભ્યોનો જુસ્સો પણ જળવાઈ રહ્યો અને તેમણે બચવાની અને ઉતારુઓને બચાવવાની આશા ન ગુમાવી.

એ ઘટના આખી દુનિયાની એવિએશન ઈન્ડસ્ટ્રી માટે ક્યારેય ન ભૂલી શકાય એવી બની રહી. એ ઘટના પછી ગ્લોબલ વોલ્કેનિક એશ વોર્નિંગ સિસ્ટમ્સ બની. વિમાનોને રાખના વાદળોથી દૂર રાખવાની નીતિ અમલમાં આવી. પાઈલોટ ટ્રેનિંગમાં આ ઘટના અભ્યાસરૂપે સામેલ થઈ.

કેપ્ટન એરિક મૂડી વર્ષો પછી નિવૃત્ત થયા અને માર્ચ, 2024માં મૃત્યુ પામ્યા, પરંતુ તેમણે ચારેય એન્જિન બંધ થયા ત્યારે જે સંયમિત રીતે શાંતિપૂર્વક કામ લીધું હતું, અકલ્પ્ય નેતૃત્વ પૂરું પાડ્યું હતું એને કારણે તેઓ એવિએશનના ઈતિહાસમાં અમર થઈ ગયા.

આ વાત ફક્ત બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ બીએ 009ના ચમત્કારિક બચાવની નથી, પરંતુ માનવીય સંયમ, અડગ પ્રયાસો અને અત્યંત વિકટ સ્થિતિમાં આશા નહીં ગુમાવવાની પણ છે.

જ્યારે ચારેય એન્જિન બંધ થઈ જાય એવી સ્થિતિ આવે એટલે કે જીવનમાં એ પ્રકારની સ્થિતિ ઊભી થાય ત્યારે હાર માન્યા વિના પ્રયાસ એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પ્રયાસ ચાલુ રાખવા જોઈએ. આ બોધપાઠ કેપ્ટન એરિક મૂડીએ પોતાના વર્તાવથી આપ્યો.

1985માં બેટ્ટી ટૂટેલે આ ઘટના પર ‘ઓલ ફોર એન્જિન્સ હેવ ફેલ્ડ’ પુસ્તક લખ્યું એમાં આ અકલ્પ્ય અને અવિસ્મરણીય દિલધડક ઘટનાની વાતો લખી છે.

જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય અને લાગે કે હવે તમામ રસ્તા બંધ થઈ ગયા છે, હવે કશી જ શક્યતા બચી નથી ત્યારે આવી ઘટનાઓ યાદ કરવી જોઈએ. ગમે એવા વિષમ સંજોગોમાં પણ ધીરજ ધરીએ તો કોઈને કોઈ રસ્તો મળી રહેતો હોય છે.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: જો…જો, મોબાઇલ ફોન કયાંક દુ:ખનો પાસવર્ડ ન બની જાય!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button