ઉત્સવ

સતત બજારની અંદર-બહાર થયા કરતા લોકો પામે ઓછું ગુમાવે વધુ!

જયેશ ચિતલિયા

કહેવાય છે કે કોઈ એક જગાએ ખાડો ખોદાય અને પાણી ન નીકળે એટલે ખાડો બીજે ખોદવાનું શરૂ કરી દેવામાં આવે છે. ત્યાં પણ પાણી ન મળે તો ત્રીજી જગા, ચોથી જગા, પાંચમી જગા… એમ કરી દસેક જગાએ ખાડો ખોદીને પણ પાણી મળતું નથી, પરંતુ કોઈ એક જગાએ જયાં સુધી પાણી મળે નહિં ત્યાં સુધી કે કદાચ વધુ ખોદીને પાણી મળી શકવાની શક્યતા વધુ…

આમ છતાં, આપણી માનસિકતા તરત બીજે ફંટાઈ જવાની હોય છે, પરિણામે સફળતા મળવામાં સમય લાગી જાય છે અથવા પરિણામમાં નિરાશા મળે છે.

આ જ વાત શેરબજારને પણ લાગુ પડે છે. એક અભ્યાસ જણાવે છે કે છેલ્લાં દસ વરસમાં જે રોકાણકારો બજારમાંથી જુદા જુદા દસ મહત્ત્વના દિવસોમાં બહાર નીકળી ગયા હતા તેમને વાર્ષિક 9 થી 10 ટકા જેટલું વળતર મળ્યું, જયારે જે દસ વરસ સુધી શેરો હોલ્ડ કરીને ટકી રહ્યા તેમને વાર્ષિક 18-19 ટકા વળતર પ્રાપ્ત થયું! આને શેરબજારમાં સમયની સાથે કે સમયને સમજીને મેળવેલી સફળતા કહેવાય છે.

બેચેની બાજી બગાડે

શેરબજારમાં રોકાણ કર્યા બાદ આપણને થોડા સમય બાદ બેચેની થવા માંડે છે. વધઘટ વિના કોઈ એકસાઈટમેન્ટ લાગતું નથી. પરિણામે ઘણા રોકાણકારો દર થોડા મહિને કે થોડા દિવસે કે સપ્તાહે અમુક શેર્સ કાઢી નાખે છે, વળી અમુક સમયે એ જ શેરો પાછાં ખરીદે છે. બની શકે એમ કરવામાં તેઓ નફો બુક કરતા હોય, પરંતુ આમ કરતી વખતે જો એ શેરબજારના શ્રેષ્ઠ દિવસોમાં બહાર નીકળી ગયા હોય તો તેમના એકંદર વળતરમાં ખાસ્સો ફરક પડી જાય છે.

આ ફરક પચાસ ટકા જેટલો પણ હોઇ શકે. ઉપરોકત ઉદાહરણમાં દસ વરસ દરમિયાન માત્ર દસ જુદા જુદા દિવસે શેરબજારમાંથી બહાર નીકળી ગયેલા રોકાણકારોને મળેલું વળતર અડધું થઈ ગયું હોવાનું નોંધાયુ છે. કયારેક આમાં પરિસ્થિતિ વિપરીત થઈને રોકાણકારને નુકસાનીમાં પણ મૂકી શકે છે. ટૂંકમાં શેરબજારમાં અંદર- બહાર થવા કરતાં ટકી રહેવામાં વધુ મજા છે.

અલબત, અહીં ટ્રેડરોની તો વાત જુદી છે. તે તો દિવસમાં કેટલીય વાર અંદર બહાર થયા કરે છે.

સિસ્ટેમેટિક પ્લાનમાં અનસિસ્ટેમેટિક અભિગમ

જયારે પણ બજારમાં મંદી કે સતત ઘટાડો આવે ત્યારે ગભરાટમાં શેર્સ વેચી દેવાની આદત વરસોથી લોકોમાં ઘર કરી બેઠી છે, પરંતુ કરૂણતા એ વાતની છે કે આવા સમયમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ કરનારા પણ પોતાની એસઆઈપી બંધ કરી દે છે, અને આવી મંદ બજારમાં કોણ રોકાણ કરે? કે શા માટે રોકાણ કરીએ? એવા અભિગમ સાથે પોતાના એસઆઈપીને બંધ કે ડિસક્ધટીન્યુ કરાવી નાંખીને સૌથી મોટી ભૂલ જ નથી કરતા, એ પોતાના પગ પર કુહાડા પણ મારે છે એટલે કે પોતાની કમાવાની તકની જ કતલ કરી નાંખે છે.

આ એક પેનિક અથવા ફીઅર સાઈકોલોજી ગણાય છે, જેમાં રોકાણકારો પોતાની માટે શ્રેષ્ઠ બની શકે એવા સમયમાં બજારથી કે ઈન્વેસ્ટમેન્ટથી દૂર થઈ જાય છે. ખરેખર તો એસઆઈપીના ધારકોના ખાતામાં તો મંદીના સમયમાં શેરોનાં ભાવ-યુનિટસની ‘નાવ’ (નેટ એસેટ વેલ્યૂ) નીચે હોવાને લીધે વધુ યુનિટસ જમા થાય છે, જે તેજીના સમયમાં શ્રેષ્ઠ વળતર બની શકે છે.

બીજાઓને જોઈ લેવાતા નિર્ણય

શેરબજારમાં રોકાણ કરવાની બાબતમાં આ સવાલ દરેકને અને દરેક તબકકે થતા હોય છે. રોકાણકાર પોતે નિર્ણય લેવાને બદલે બીજાને જોઈ કે પછી બજારના વહેણને જોઈ રોકાણ કરવાની માનસિકતા ધરાવતો હોવાથી તેમને આ મૂંઝવણ સતત રહે છે : બીજા શું કરે છે?

હમણાં લઉં ને બજાર ઘટી જાય તો? ચાલ, થોડી રાહ જોઉં એવા વિચારે રોકાણકારો ઘણીવાર આવેલી તકને અજાણતા ચૂકી જાય છે. કયારેક તેઓ વહેલાસર વેચી દઈને વધુ નફાની તક ગુમાવે છે તો કવચિત ઉતાવળે કે કસમયે ખરીદી કરીને ઊંચા ભાવે ભેરવાઈ જાય છે. આમ એક યા બીજા કારણસર રોકાણકાર મહદઅંશે કમાવાની તક ગુમાવે છે અથવા ગુમાવામાં આગળ થઈ જાય છે. શેરબજારમાં અંદર -બહાર થવાની જેમ નિર્ણય લેવામાં મૂંઝવણ કે વિલંબને લીધે પણ રોકાણકાર દંડાય એવા કિસ્સા બનતા રહે છે. વાસ્તે રોકાણકારો રોકાણ બાદ જે તે સ્ક્રિપના કામગીરીના ટ્રેક રેકોર્ડને આધારે તેને જાળવી રાખે એમાં વધુ સાર રહે છે.

આવી ચંચળતાનાં ઘણા કારણ….

શેરબજાર ચંચળ હોય છે, શેર પોતે પણ ચંચળ હોઈ શકે, પરંતુ તમે ચંચળ ન બનો, કેમ કે એમ કરવામાં તમે ભૂલ કરી બેસો એવી સંભાવના વધુ રહે છે. જેટલું બજાર ચંચળ અથવા વોલેટાઈલ (સતત વધઘટવાળું) હોય તેટલું તમે સ્થિર રહો. કારણ કે સ્થિર રહી શકશો તોજ વાજબી નિર્ણય લઈ શકાશે. કદાચ નિર્ણય ન પણ લઈ શકાયો તો કમ સે કમ ગેરમાર્ગે દોરાવામાંથી કે ચંચળતાનો શિકાર બનતા બચી શકાશે.

બજારમાં આપણે જોઇએ છીએ કે એક દિવસ જે કારણસર બજાર તૂટ્યું હોય એ જ બજાર બીજે દિવસે પેલા કારણ વચ્ચે પાછું બમણું વધે પણ છે, તો પેલા કારણનું શું થયું? જો ઘટવાનું કારણ એક જ દિવસમાં તેની અસર ગુમાવી બેસે છે તો જે કારણથી બજાર વધ્યું છે એ કારણ પણ લાંબુ કયાંથી ટકી શકે અને તેનો કેટલો ભરોસો કરાય ? યાદ રહે, બજારમાં ઘણીવાર તેની ચાલને આધારે કારણ બહાર પડે છે, એટલે કે ઘટના પહેલા બને છે, ને એનાં કારણ પછી દર્શાવાય છે. વાસ્તવિકતા સાવ જ જુદી પણ હોઈ શકે છે. શેરબજારમાં સફળ થવા માટે રોકાણકારોમાં ચંચળતા કરતા મનની સ્થિરતા હોવી જરૂરી છે અને મહત્ત્વની પણ છે.

આ પણ વાંચો…રોકાણના સરળ ને બહેતર વિકલ્પ તરીકે ઈટીએફ અજમાવવા જોઈએ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button