ઉત્સવ

ન્યૂ યૉર્ક: અબજોપતિની ફેન્સી જેલ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

દરેક રચનામાં થોડાંક પ્રશ્નો હોય અને થોડી સંભાવનાઓ હોય. કોઈપણ રચના સંપૂર્ણતાને પામી નથી શકતી. આ વાત સ્થાપત્યમાં સૌથી વધુ લાગુ પડે છે. સ્થાન માટેના લગાવને કારણે જે બહુમાળી ઇમારત બનાવાય છે તેનાથી અમુક પ્રકારની સિદ્ધિ અને ગૌરવની અનુભૂતિ તો થાય, પરંતુ સાથે સાથે લાંબા ગાળે તે ઈમારતનો ઉપયોગકર્તા માનવીની માનસિકતા પર નકારાત્મક અસર થતી હોય છે તેમ તબીબી વિજ્ઞાનમાં સ્થાપિત થઈ ચૂક્યું છે.

છતાં પણ ચોક્કસ પ્રકારના પડકારને ઝીલવાની મહેચ્છાને સ્થપતિ અને ડેવલોપર બહુમાળી ઇમારત બનાવવા તત્પર રહે છે, અને ગ્રાહક વર્ગ પણ એક પ્રકારની ઇમેજ – છબી સ્થાપિત કરવાના શોખને કારણે આ પ્રકારના ઈમારતમાં રહેવા તત્પર થાય છે. આ બંને માટે ક્યાંક પોતાની સ્થિતિ અને ક્ષમતા સમાજ સમક્ષ મૂકવાની પણ વાત હોય છે. સમયાંતરે જરૂરિયાત મુજબ આ ઈમારતમાં નાના-મોટા ફેરફારમાં કરાતા રહ્યા છે.

425 મીટર જેટલી ઊંચી 432 પાર્ક એવન્યુ બહુમાળી ઈમારત ન્યૂયોર્ક શહેરના સૌથી મહત્ત્વના ગણાતા અને સૌથી ધનાઢ્ય વિસ્તારમાં બનાવાઈ છે. સ્થપતિ રાફેલ વિનોલી દ્વારા નિર્ધારિત આ ગગનચુંબી ઈમારત સન 2015માં તેની પૂર્ણતાના સમયે વિશ્વની સૌથી ઊંચી રહેણાંકીય ઈમારત હતી. રાત્રીની રોશનીમાં આ ઇમારત હારબંધ ઊભાં ગોઠવાયેલ પ્રકાશિત ચોરસના સમૂહ જેવી જણાય છે.

ઊભા લંબચોરસ લાંબા ચોસલા જેવો આકાર, તેમાં લગભગ દર ત્રણ મીટરના અંતરે આવતી ફ્રેમની અંદર ગોઠવાયેલ આશરે નવ ચોરસ મીટર જેટલી ચોરસ બારી, ચારે દિશામાં ફરતી આ ફ્રેમ તથા બારીની ગ્રીડ પ્રકારની ગોઠવણીને પરિણામે ટાવરની બહારની પોર્ટલેન્ડ સિમેન્ટમાંથી બનાવાયેલ સપાટી પર લાલ કોંક્રીટની જાળીની ગોઠવણ, જેવી આ ઈમારતની બાબતો ચર્ચામાં રહી છે.

બહુમાળી મકાનમાં સંરચનાનીનું આયોજન જટિલ રહે છે. તેના નિર્માણ તથા વારતહેવારે જરૂરી રખરખાવ માટે જરૂરી યાંત્રિક ઉપકરણોની અસરકારક ગોઠણ માટે ટાવરને 12 માળની ઊંચાઈમાં વિભાજિત કરવામાં આવ્યો છે. બે માળના આ વિભાજનમાં લગભગ દરેક પ્રકારની સંરચનાકીય વ્યવસ્થાના રખરખાવની વ્યવસ્થા છે. બહુમાળી ઇમારતમાં આ પ્રકારની સગવડતા ખૂબ જરૂરી છે.

આ બે માળના ખુલ્લાપણાથી હવાની અવરજવર શક્ય બને છે અને ટાવર ઉપર આવનારું સંભવિત હવાનું દબાણ ઓછું થાય છે. એ પણ સમજવું જરૂરી છે કે સ્થાપત્યમાં કોઈપણ રચનામાં સમય જતાં ફેરફારની જરૂરિયાત તો ઊભી થતી જ હોય છે. આ મકાનની અપવાદ નથી. ફેર એટલો કે અહીંના ફેરફાર સ્થાપત્યની ભાષામાં નજીવા હોય.

મુખ્યત્વે આ રહેણાંક માટેની ઇમારત છે. અહીં 140 કરતાં વધારે એપાર્ટમેન્ટ છે જેમાં નાનામાં નાનો આશરે 32 ચોરસમીટર ક્ષેત્રફળનો જ્યારે મોટો આશરે 760 ચોરસમીટર વિસ્તારનો બનાવાયો છે. તે ઉપરાંત અહીં સામાન્ય સવલત માટે રેસ્ટોરન્ટ, વર્ક કલ્ચરને પ્રમોટ કરતા સ્ટુડિયો છે તથા બોર્ડ રૂમ, ફિટનેસ ક્લબ, લાઇબ્રેરી, નાનું ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલ સાથેનુ ક્લબ હાઉસ જેવી વ્યવસ્થા પણ છે.

સામાન્ય રીતે એમ જણાય છે કે બહુમાળી ઇમારતમાં દરેક માળની આંતરિક ઊંચાઈ ઓછી રાખવામાં આવે જેથી નિર્ધારિત ઊંચાઈની અંદર વધુ માળનો સમાવેશ થઈ શકે. તેનાથી વિપરીત અહીં લગભગ દરેક માળને 4.50 મીટર જેટલી આંતરિક ઊંચાઈ આપવામાં આવી છે. અહીં ઈમારતનું તળ-ક્ષેત્રફળ નાનું છે અને તેમાં હાર બંધ ચારે બાજુ 6-6 મોટી બારીઓ એકધારી ગોઠવાઈ છે જેને કારણે સર્જાતી દૃશ્ય-અનુભૂતિમાં એક પ્રકારની કંટાળાજનક સ્થિતિ ઉભી થાય છે.

આ ઈમારતનો ઊંચાઈથી પહોળાઈ 15:1 નો ગુણોત્તર વિશ્વમાં કદાચ સૌથી ઓછો અર્થાત પાતળો હોય તેમ લાગે છે. આ પ્રમાણમાપને કારણે આ ઈમારતની માળખાકીય રચનામાં ચોક્કસ પ્રકારની નિપુણતા જરૂરી હતી. માળખાકીય રચનામાં અહીં ઇમારતની વચ્ચેના એક કોંક્રીટના કોર સાથે, કેટલા સ્તંભ તથા બહારની આશરે 750 મિલીમીટર જાડાઈની દીવાલો પ્રયોજાઇ છે.

આ માળખાકીય રચનાને ઈમારતમાં આવેલ એલિવેટર અર્થાત લિફ્ટ અને નિસરણી સાથે વ્યવસ્થિત રીતે સાંકળી લેવામાં આવ્યાં છે. એ તો સ્વાભાવિક વાત છે કે આ પ્રકારના બહુમાળી ઈમારતમાં ધરતીકંપ સામે ઈમારતને રક્ષણ મળી શકે તે માટે સુનિયોજિત ફુલપ્રુફ વ્યવસ્થા હોવી જોઈએ. સાથે સાથે આગ જેવી ઘટના વખતે તમામ વ્યક્તિઓને ઈમારતની બહાર નીકાળવા માટે અલાયદી વ્યવસ્થા જરૂરી ગણાય.બહુમાળી ઈમારતમાં હવાનો માર પણ વધુ રહે, માળખાકીય ગણતરીમાં તેનો સમાવેશ પણ થતો હોય. એમ કહેવાય છે કે પ્રતિ કલાકના 50 માઈલની ઝડપવાળો પવન આ ઈમારતને 150 મિલીમીટર જેટલો હલાવી શકે છે.

ટાવરના કોર અને બાહ્ય ભાગ વચ્ચેનું અંતર દરેક દિશામાં 8.00 મીટર જેટલું સમાન છે, જે ઈમારતની અનુભૂતિને મોનોટોનસ બનાવે છે. બહુમાળી ઈમારતમાં માળખાકીય સુગમતાના કારણે મોનોટોનસ પ્રકારનું માળખું જરૂરી છે, પણ સાથે સાથે આ શહેરની વચ્ચે એક વિશાળ ઊભી સપાટીની ગોઠવણ સમાજ હોવાથી તેના ફસાડની રચનામાં કોઈ પ્રકારની સંવેદનશીલ સર્જનાત્મકતા તો દેખાવી જોઈએ, જેનો અહીં અભાવ છે.

આમ પણ આ ઈમારતના બાહ્ય દેખાવ માટે લોકોએ ઘણાં પ્રશ્નો ઉઠાવ્યા છે. એક દ્રષ્ટિકોણથી તો આ ઈમારત એવી છે કે જેના તરફ બીજી વાર નજર નાખવાની ઈચ્છા પણ ન થાય. 82 માળની કહેવાથી આ ઈમારત સમાજમાં આ અતિ શ્રીમંત લોકોના સ્ટેટસનું પ્રતીક ગણાય છે. સંપત્તિના દેખાડા માટે તે એક પ્રતિનિધિ ગણાય છે. પરંતુ અહીં ી જે એકલતા અને અલગાવનો અનુભવ થાય તે ચોક્કસપણે નકારાત્મક પરિણામ છોડે. એક અભિપ્રાય પ્રમાણે આ એક અબજોપતિ માટેની જાતે સ્વીકારેલી ફેન્સી જેલ છે. એક અભિપ્રાય પ્રમાણે સમાજમાં વધતી જતી આર્થિક અસમાનતાનું પણ એ પ્રતીક છે.

સમાજે અને સ્થાપત્યએ હવે એ સમજવું પડે કે ક્યાં અટકવું છે. શું કાલે ઊઠીને ટેકનોલોજીના વિકાસથી 1000 માળની ઇમારતનું બાંધકામ અશક્ય બને તો શું તે બનાવવી જોઈએ. માનવીનો જમીન સાથેનો સંબંધ બહુ અગત્યનો છે. જમીન દ્વારા તેની બધી જ જરૂરિયાતો પૂરી થાય છે. જમીન સાથેનો સંપર્ક તૂટી જવાથી માનવી કેટલીક સંવેદનાત્મક બાબતોથી વિમુખ થતો જશે. ક્યાં અટકવું તે સમજવું જરૂરી છે.

આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને તેની માંગ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button