આવાસ – કાચની પેટી કે ઘર?

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સ્થાપત્યના ક્ષેત્રમાં આવાસ માટે જેટલા અખતરા થયા છે તેટલા કદાચ અન્ય કોઈ પણ શ્રેણીના મકાન માટે નહીં થયા હોય. આવાસની રચના માટે એક જુદા જ પ્રકારની સ્વતંત્રતા મળે છે. અહીં સ્થપતિને પોતાની કેટલીક વિચારધારાનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવાની સ્વતંત્રતા મળે છે, સાથે સાથે ઘરાક પણ અહીં સીમા બહારના વિસ્તાર સુધી જવા માટે તૈયાર હોય છે. અન્ય કોઈ સંસ્થાકીય મકાનમાં થોડીક ગરબડ પણ લાખો લોકોને અસર કરી શકે તેની અપેક્ષાએ આવાસ એ મર્યાદિત વ્યક્તિઓને લગતી રચના હોવાથી ક્યારેક તેના વિશે એટલી ગંભીરતા નથી પણ રખાતી.
આવાસ વ્યક્તિગત હોય છે અને તેથી તે સાવ જ અલગ બની શકે તેની સંભાવના હોય છે. પણ આ સમગ્ર પ્રક્રિયામાં અમુક સીમા નિર્ધારિત કરવી જરૂરી છે. સાં કરવું એટલે અલગ જ કરવું તેમ નથી હોતું. દર વખતે અલગ કરવું તેમ પણ નથી હોતું. જે બાબત સ્વીકૃત છે તેના મૂળ અને કારણો ઘણાં ઊંડાં હોય છે. તે પ્રકારનું સ્વીકૃત ઝાડ ઉખાડી લોખંડની પાઇપ વડે નિર્ધારિત થતાં ઝાડ વિશે પ્રશ્નો પુછાય તે સ્વાભાવિક છે.
સ્થપતિ સોઉ ફૂજીમોટો દ્વારા નિર્ધારિત ટોક્યોના શાંત વિસ્તારનું માત્ર 85 ચોરસ મીટરનું ત્રણ માળનું કહી શકાય તેવું સન 2010માં તૈયાર થયેલ આ આવાસ વાસ્તવમાં કાચની પેટી જેવું છે. આ કાચની પેટીને અમુક સંજોગોમાં ઝાડ તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન થયો છે. કંઈક અંશે આ પ્રકારની અનુભૂતિ જોવા પણ મળે છે.
આ આવાસ આજુબાજુના કોન્ક્રીટના ઉપયોગથી બનેલા આવાસથી વિપરીત એક અદમ્ય સાહસ છે. ભાગ્યે જ આવાસ જેવું પ્રતીત થતું આ આવાસ એક અભિપ્રાય પ્રમાણે બાંધકામ માટે બંધાયેલા પાલખ જેવું જણાય છે. આજુબાજુની, પ્રમાણમાં જાપાનની પરંપરાગત કહી શકાય તે પ્રકારની વસાહત વચ્ચે આ ઉમેરો એલિયન જેવો જણાય છે.
સ્થપતિની વાત પ્રમાણે આ આવાસ વૃક્ષની અંદર રહેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તેમની અભિવ્યક્તિ પ્રમાણે આ આવાસમાં પક્ષીઓની જેમ આકાશમાં ક્ષણો વિતાવવાની તક ઊભી થાય છે. મારી કલ્પના પ્રમાણે, કોઈ ઝાડ પર જ્યાં સંભાવના હોય ત્યાં સમતલ મંચ બનાવી, એ બધા મંચને પરસ્પર જરૂરિયાત પ્રમાણેના દાદરથી જોડી, સમગ્રતામાં એક આવરણ તૈયાર કરી, પછી જો ઝાડ કાઢી લેવામાં આવે અને જે રચના ઊભરે તે આ આવાસ.
જરૂરિયાત મુજબ નિર્ધારિત જુદી જુદી ઊંચાઈ પર ગોઠવાય 21 ફ્લોર-પ્લેટ, તે બધાને પરસ્પર સાંકળતા વિવિધ દાદર, જે તે સ્થાનની ઉપયોગિતામાં સંભવિત વિવિધતા, સફેદ પાતળી ચોરસ કે લંબચોરસ સ્ટીલની ફ્રેમ વડે બનાવવામાં આવે માળખું, દીવાલ તરીકે વચ્ચે અને બહારની ચારેબાજુ જોડાયેલ મજબૂત અને ઉષ્ણતા-ધ્વનિ અવરોધક કાચની દીવાલો, ગરમ અને ઠંડી ઋતુ માટેની ખાસ વ્યવસ્થા, બુક શેલ્ફ જેવાં રાચરચીલાનો રચનાત્મક ઉપયોગ, તકનીકી અડચણનો સકારાત્મક અને રચનાત્મક ઉકેલ, ચોસલા ગોઠવીને નિર્ધારિત કરાઈ હોય તે પ્રકારની રચના અને સમગ્રતામાં એક રસપ્રદ કમ્પોઝિશનનું નિર્ધારણ – આ આવાસની આ કેટલીક ખાસિયતો છે.
અહીં ગોપનીયતાના પ્રશ્ન છે, અંદર-અંદરના અને બહારના વિશ્વ સાથેના પણ. એમ જણાય છે કે પડદા થકી આ પ્રશ્નનું નિવારણ લવાયું હશે. અહીં આવાસની અંદર અવાજનો પ્રસાર પણ ગોપનીયતામાં અડચણ રૂપ બની શકે. મજાની વાત એ છે કે આ આવાસ યુવાન દંપતી માટે છે. એમ જણાય છે કે આ યુગલ પોતાના આવાસમાં જાણે સતત વિચરતા રહેતાં હોય. આ પ્રકારની એકદમ પારદર્શક રચનાને કારણે આ યુગલ વચ્ચે પરસ્પરનું જોડાણ અનેરું હશે.
અહીં અન્યના અસ્તિત્વની – અન્યની હયાતીની અનુભૂતિ કરવા બીજા કોઈ સ્થાને જવાની જરૂર નહીં હોય. સ્થપતિની માન્યતા પ્રમાણે આ પ્રકારના જીવન દ્વારા યુગલ વચ્ચે પરસ્પર ગાઢ અવકાશી-સંબંધ સ્થપાતો હશે. વાસ્તવમાં આ પ્રકારની રચના ચોક્કસ પ્રકારની જીવનશૈલી કે માનસિકતાને યથાર્થતામાં પ્રતિબિંબિત કરે છે કે નહીં તે માટે પ્રશ્ન પુછાવો જોઈએ.
એક અભિવ્યક્તિ પ્રમાણે અહીં અલગતા પણ છે અને ઐક્ય પણ છે, વિવિધતા છે અને સમરસતા પણ છે, વિવિધ ઓરડાઓ પણ છે અને તેની ગેરહાજરી પણ છે, વિવિધ સ્થાનો વચ્ચે સંલગ્નતા છે અને સાથે સાથે વિશેષતા પણ છે. અહીં એક પ્રકારે ગીચતા છે અને સાથે સાથે ગીચતાની અનુભૂતિથી મુક્તિ પણ અહીં મળી શકે છે.
અહીં ગોઠવણ ક્યાંક કુદરતી રીતે વિકસેલી હોય તેમ જણાય પરંતુ બાંધકામમાં, બાંધકામના પ્રકારમાં તે કુદરતી પણું નાશ પામે છે. અહીં બહારની પરિસ્થિતિ સાથે મજાનું સામીપ્ય છે અને સાથે સાથે વચ્ચે એક અડચણરૂપ દીવાલ પણ છે. અહીં પ્રત્યેક ઓરડાની સીમા નિર્ધારિત નથી છતાં પણ અન્ય સ્વરૂપે તેનું નિર્ધારણ કરાયું છે. પ્રકૃતિના અસ્તિત્વની સતત જાણ રહેતી હોવા છતાં અહીં ક્યાંક કૃત્રિમતા એટલી જ હાવી જણાય છે. અહીં આવાસ છે પણ ખં અને નથી પણ.
એમ જણાય છે કે અહીં આવાસના સૌંદર્ય માટે એક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો છે. એક રીતે જોતાં આ રચનામાં પ્રવાહિતતા છે, નિખાલસતા છે, સુસંગતતા છે, મોકળાશ છે, ખુલ્લાપણું છે, સમાવેશીય નિયમબદ્ધતા છે અને સગવડ ભરેલી સંભાવનાઓ છે. આ સાથે અહીં એક પ્રકારનો વિશ્વાસ દેખાય છે. પ્રકાશથી ભરપૂર આવાસમાં એક પ્રકારની જીવંતતાની અનુભૂતિ પણ થઈ શકે. શહેરની આધુનિકતાને અહીં એક જુદી જ સીમા સુધી લઈ જવાનો પ્રયત્ન છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈઃ સ્થાપત્ય ને તેની માંગ



