સ્પોટર્સ: અમોલ મુઝુમદાર: આધુનિક એવા અણમોલ એકલવ્ય

- અમિત શાહ
હજારો રન કરનાર મુંબઈના આ બૅટ્સમૅનને ભારત વતી તો ન રમવા મળ્યું, પણ ભારતની મહિલા ટીમને સર્વોત્તમ ટ્રોફી અપાવીને રહ્યા.
કૅપ્ટન હરમનપ્રીત કૌરે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ગુરુ સમાન કોચ અમોલ મુઝુમદારને પગે લાગીને આદરભાવ વ્યક્ત કર્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમોલને અભિનંદન આપ્યા
મોડે-મોડે ભાગ્યનો ઉદય થવો એનો શું અર્થ થાય એનું સાક્ષાત ઉદાહરણ છે ભારતની વિશ્ર્વ વિજેતા મહિલા ટીમના કોચ અમોલ મુઝુમદાર. રણજી ટ્રોફી સહિત પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ખાસ કરીને મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અને આ સ્તરની ક્રિકેટમાં કુલ 171 મૅચ રમીને 30 સેન્ચુરી તથા 60 હાફ સેન્ચુરીની મદદથી 11,167 રનનો ઢગલો કરવા છતાં અમોલ માટે ભારતીય ટીમનો દરવાજો કદી નહોતો ખૂલ્યો. સાહેબ, નસીબની બલિહારી તો જુઓ…20 વર્ષની શાનદાર કરીઅરમાં ભારત વતી એક મૅચ રમવા માટે તરસી રહેલા અમોલને કુદરતે વ્યાજ સાથે એટલી બધી સફળતા અને લોકપ્રિયતા આપી દીધી કે તેમની ઓળખ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તો ન થઈ, તેમનું નામ વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય મહિલા ટીમના કોચ તરીકે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું.
અમોલ મુઝુમદાર માટે વિધાતાએ જાણે કંઈક વિશેષ સફળતા જ લખી હશે અને એટલે જ આટલા લાંબા સમય સુધી ભારત વતી જેમને રમવા ન મળ્યું તેમણે ભારત વતી રમતી સ્ટાર મહિલા ખેલાડીઓના સૌથી સફળ કોચ તરીકેનું નામ ઇતિહાસમાં અંકિત કર્યું.
લગભગ બે વર્ષ પહેલાં ભારતીય મહિલા ટીમના પ્રશિક્ષક તરીકેનું પદ સંભાળનાર અમોલ ઘણાં વર્ષો બાદ આ મોટી જવાબદારી ફરી સ્વીકારી રહ્યા હતા. આ પહેલાં તેઓ નેધરલૅન્ડ્સની ટીમના કોચ હતા અને એ ટીમના ખેલાડીઓએ વિશ્ર્વ સ્તરે જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું એનું શ્રેય અમોલને જાય છે. ભારતીય મહિલા ટીમની જવાબદારી જ્યારે અમોલે સ્વીકારી ત્યારે તેમણે પસંદગીના સાથી પ્રશિક્ષકોનું સિલેક્શન કર્યું હતું. અમોલે તમામ મહિલા ખેલાડીઓના પર્ફોર્મન્સને બારીકાઈથી પારખ્યો હતો. નિયુક્તિ પછીના બે વર્ષ દરમ્યાન મહિલા ટીમે ઘણા વિદેશ પ્રવાસો કર્યા હતા અને ત્યાં આપણી મહિલા ટીમના પ્રદર્શનમાં એટલો બધો સુધારો જોવા મળ્યો જે માત્ર અમોલ મુઝુમદારની રણનીતિનું જ પરિણામ હતું.
ઘરઆંગણે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું આયોજન થયું હોય અને માની લઈએ કે એ જીતવાનું ભારતીય મહિલા ખેલાડીઓનાં મનમાં છેલ્લા લગભગ એક વર્ષથી સપનું હશે, પરંતુ અમોલે તો તેમને કોચિંગ આપવાની બે વર્ષ પહેલાં જવાબદારી સ્વીકારી ત્યારથી જ પ્રણ લીધું હતું કે જે અપ્રતિમ સફળતા પોતે ખેલાડી તરીકે ન મેળવી શક્યા એ સફળતા કોચ તરીકે તો હાંસલ કરવી જ રહી. અને, એ ઇતિહાસ બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રચાયો. એ ગયા રવિવારે રાત્રે અમોલ મુઝુમદારની આંખોમાંથી જે આંસુ બહાર આવ્યા હતા એ ક્રિકેટમાં તેમણે બે દાયકા સુધી કરેલી તપસ્યાના સુંદર પરિણામના સ્પષ્ટ પુરાવા હતા.
એવું નથી કે અમોલને મોકો નહોતો મળ્યો, પરંતુ જ્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે ત્યારે તેમણે એનો પૂરો લાભ લીધો હતો. જોકે હજારો રન ખડકી દેવા છતાં તેમને ક્યારેય ભારત વતી રમવા ન મળ્યું એ કમનસીબી કહેવાય. બીજું દુર્ભાગ્ય એ હતું કે જે સમયે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબળી શારદાશ્રમ સ્કૂલ વતી હૅરિસ શીલ્ડ સ્પર્ધામાં વિશ્ર્વ વિક્રમવાળી ઇનિંગ્સ રમી રહ્યા હતા એ સમયે અમોલ પૅડ પહેરીને પોતાની બૅટિંગ આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનું એવું માનવું હતું કે જો આ બેમાંથી કોઈ એક બૅટ્સમૅન આઉટ થઈ જાય તો પોતાને બૅટિંગ કરવા મળી શકે. વિધાતાએ તેમને કરીઅરમાં એ જ રીતે રાહ જોતા બેસાડી રાખ્યા. જોકે હવે કોચ તરીકેની તેમની અસાધારણ સફળતા આપણા સૌની નજર સામે જ છે.
તેન્ડુલકર, કાંબળી, અમોલ અને પ્રવીણ આમરે આ બધા સ્ટાર બૅટ્સમેનો દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત રમાકાંત આચરેકરના શિષ્ય હતા. કોઈ પણ ખેલાડી અન્યથી ઊણો ઊતરે એવો નહોતો. સચિન તેન્ડુલકરની બૅટિંગમાં જબરું સાતત્યપણું હતું અને ક્રિકેટની અભ્યાસરૂપી સાધના કરતા રહેવાનો તેમનો અભિગમ હતો, જ્યારે કાંબળીની પ્રતિભામાં બહુ સારી નિખાલસતા હતી અને તેમની રમવાની શૈલી અનોખી હતી. જોકે અનુશાસનનું પાલન ન કરવા બદલ તેમની કારકિર્દી વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. પ્રવીણ આમરે પણ બહુ સારું રમી રહ્યા હતા. તેઓ રાષ્ટ્રીય ટીમ વતી પણ રમ્યા હતા, પરંતુ તેમને બહુ તક નહોતી મળી. આ તમામ સિતારાઓ જેટલા જ ટૅલન્ટેડ અને કાબેલ ખેલાડી હોવા ઉપરાંત બદનસીબ સાબિત થનાર ખેલાડી હતા અમોલ મુઝુમદાર.
આ બધી વાતો પરથી વિચારીએ તો અમોલ ખરેખર, આધુનિક એકલવ્ય છે જેમની આંગળી દ્રોણાચાર્યએ નહીં, પણ વિધાતાએ કાપી લીધી હતી.
મિતાલીની સાથે અમોલ પણ આઇસીસીની કમિટીમાં
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વિમેન્સ ક્રિકેટ કમિટીમાં ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ મિતાલી રાજ ઉપરાંત અમોલ મુઝુમદારનો પણ સમાવેશ કર્યો છે. એ રીતે, એકસાથે ભારતની બે હસ્તીઓને આઇસીસીએ સન્માનિત કરી છે. આ સમિતિ મહિલા ક્રિકેટ સંબંધમાં આઇસીસીની ગવર્નિંગ બૉડીને સલાહસૂચનો આપશે. એ રીતે, મિતાલી તથા અમોલ મહિલા ક્રિકેટના વિકાસ તેમ જ પ્રોત્સાહનને લગતા કાર્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કમિટી આઇસીસીને મહિલા ક્રિકેટની સિરીઝો અને ટૂર્નામેન્ટોના ટાઇમટેબલ બનાવવા વિશે સૂચનો પણ આપશે. લૉસ ઍન્જલસમાં 2028ની સાલમાં ક્રિકેટની રમત ઑલિમ્પિક્સમાં 98 વર્ષે કમબૅક કરશે એટલે એ દૃષ્ટિએ પણ મિતાલી તથા અમોલના સૂચનો મહત્ત્વપૂર્ણ બની રહેશે.
આપણ વાંચો: હેં… ખરેખર?!: 27 વર્ષ પગપાળા ચાલીને ઘરવાપસી!



