સ્પોટ લાઈટઃ ઈશ્વરના દરવાજેથી પાછી ફરી…

-મહેશ્વરી
મારી નાટ્ય સફરમાં આફ્રિકાનો આ પ્રવાસ એક મહત્ત્વનો પડાવ સાબિત થઈ રહ્યો હતો. એનાં મુખ્યત્વે બે કારણો હતા. અભિનેત્રી તરીકે મારું ઘડતર નાના ગામડામાં ગણેશોત્સવ દરમિયાન થતાં નાટકો અને ત્યારબાદ જૂની રંગભૂમિમાં થયું. એ સફરમાં આગળ વધી મેં ટીવી માટે કામ કર્યું અને ધીરે ધીરે નવી રંગભૂમિ પર એન્ટ્રી લીધી. કાંતિ મડિયા, સરિતા જોશી, શૈલેષ દવે, શોભના દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો. એમાં પણ હું સાંગોપાંગ પાર ઊતરી અને કાંતિભાઈના ગ્રુપ સાથે આફ્રિકાના પ્રવાસમાં ત્રણ નાટકમાં કામ કરવા મળ્યું. આફ્રિકામાં અમારાં નાટકોને સારો આવકાર મળી રહ્યો હતો અને મારા પર્ફોર્મન્સને બિરદાવવામાં આવી રહ્યું હતું અને આફ્રિકા મારા પર ઓળઘોળ થયું હોય એવી લાગણી મેં ગયા અઠવાડિયે વ્યક્ત કરી હતી.
આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં નાટક જોવા – માણવાનો ઉમળકો હતો અને એમને કલાકારોને હળવા મળવાનું એમને માટે ભોજન સમારંભનું આયોજન કરવાનું, પાર્ટી રાખવાનું અત્યંત પ્રિય હતું. આમ પણ ગુજરાતી જગતના કોઈ પણ ખૂણે, ખાણીપીણીના જલસા કર્યા વિના રહે નહીં. આફ્રિકામાં અમારા ગ્રુપ માટે નાના મોટા મેળાવડા થયા કરતા હતા. મને ગાવાનો શોખ પહેલેથી હતો એટલે સંગીતના કાર્યક્રમો પણ ગોઠવાતા હતા. એક દિવસ કોઈ ફાર્મહાઉસમાં પાર્ટી રાખી હતી ત્યાં અમે જઈ રહ્યા હતા ત્યારે અણધારી ઘટના બની.
કારમાં અમે પાંચ જણ હું, મીનળ પડિયાર અને મુંબઈના આયોજકની બહેન પાછળ બેઠાં હતાં. આગળની સીટ પર ડ્રાઈવર સાથે ઈશ્વર પટેલ નામના ભાઈ બેઠા હતા જે મીનળ પડિયાર સાથે આવ્યા હતા. ઈશ્વર ભાઈ બહુ વાતોડિયા હતા અને એટલે આગળની સીટ પરથી પીઠ ફેરવી સતત મીનળ સાથે વાત કરી રહ્યા હતા.
બાજુમાં બેઠેલી વ્યક્તિ જો સતત કંઈને કંઈ કરતી રહે તો સ્વાભાવિક છે કે અનાયાસે ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થાય. આગળ ચાર રસ્તા પર ગ્રોસરી લઈ જતી કોઈ વેન આવતી હતી એની સાથે અમારી મર્સિડીઝ કાર જોરથી અથડાઈ અને તમે માનશો પણ ત્રણ ચક્કર ખાઈ એ ધડામ કરતી જમીન પર પછડાઈ.
આ પણ વાંચો….સ્પોટ લાઈટ: આફ્રિકા મારા પર આફરીન થયું…
જોકે, ઈશ્વરની કૃપા કે આવા ભયંકર અકસ્માતમાં પણ બધા હેમખેમ રહ્યા અને કોઈ મોટી ઈજા ન થઈ. આવા એક્સિડન્ટમાં લગભગ કોઈ બચે નહીં, પણ મર્સિડીઝ કાર હોવાથી અમારો ચમત્કારિક બચાવ થયો એવું કોઈકે કહ્યું હોવાનું સ્મરણમાં છે. સાચું કહું છું, ઈશ્વરના દરવાજેથી પાછી ફરી. થોડી વાર પછી બીજી કારની વ્યવસ્થા કરી અમને ચારેયને પાર્ટીના સ્થળે મોકલી દેવામાં આવ્યા. અમે બધા એવા સ્તબ્ધ થઈ ગયા હતા કે બાકીના રસ્તે કોઈએ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહીં.
ફાર્મહાઉસ પર તો પહોંચી ગયા, પણ મને મૂઢમાર સખત વાગ્યો હતો અને મારા કાન પાસેથી લોહી વહી રહ્યું હતું. મારી હાલત જોઈ આફ્રિકાના સ્પોન્સર બચુભાઈ ખૂબ અસ્વસ્થ થઈ ગયા. તાત્કાલિક ફર્સ્ટ એઈડની વ્યવસ્થા કરી અને ડોક્ટરને પણ બોલાવ્યા. કશું ચિંતાજનક નથી એવું જાણ્યા પછી બચુભાઈનો શ્વાસ હેઠો બેઠો. એનું કારણ એ હતું કે ત્રણેય નાટકમાં મારો મહત્ત્વનો રોલ હતો.
બચુભાઈ મને કહેવા લાગ્યા કે ‘બહેન, તમને આજે કંઈ થયું હોત તો મારે આત્મહત્યા કરવાનો વખત આવ્યો હોત.’ એમની પ્રતિક્રિયામાં અતિશયોક્તિ જરૂર હતી, પણ ટુરના આયોજકની મન:સ્થિતિનું પ્રતિબિંબ પણ પડતું હતું. મુખ્ય કલાકાર પરફોર્મ ન કરી શકે તો નાટકના શો કેન્સલ કરવા પડે અને આર્થિક નુકસાન તો થાય, આયોજક તરીકેની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે.
ઈસ્ટ આફ્રિકાથી શરૂઆત કરી અમે સેન્ટ્રલ આફ્રિકાના ઝામ્બિયા પહોંચ્યા હતા અને આ દોર પણ પૂરો થવા આવ્યો. અલબત્ત નૈરોબીની સરખામણીએ ઝામ્બિયાનું રોકાણ વધારે હતું. સ્વાભાવિક છે કે શો પણ વધુ થયા હોય. ત્યાંથી અમે સાઉથ આફ્રિકા જવા નીકળ્યાં. ઝામ્બિયામાં મને એક સાવ નવી વાત જાણવા મળી. એક સ્થળેથી બીજા સ્થળે નાટક કરવા માટે જતા હોઈએ ત્યારે રસ્તામાં ખેતરો જોવા મળે. એ ખેતરમાં લાલ રંગના ઘણાં બધાં ઝૂંપડાં નજરે પડે.
મેં મહારાષ્ટ્ર-ગુજરાતમાં ખેતરો ઘણા જોયા છે, પણ ખેતરમાં થોડે થોડે અંતરે ઝૂંપડા ક્યારેય નહોતા જોયા. કુતૂહલવશ મેં પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે ‘અહીં ખેતરમાં કામ કરતા હબસીઓને આઠ-નવ બૈરાં હોય એ બહુ સામાન્ય કહેવાય. આ બધી પત્ની સાથે તો ન રહે એટલે દરેક માટે અલગ અલગ ઝૂંપડું બંધાવે.’
આ પણ વાંચો….સ્પોટ લાઈટ : ચીલઝડપ: નાટક ને જીવન
બીજી એક અચરજ થાય એવી વાત એ હતી કે અમારે ત્યાં જે હબસી યુવતી કામ કરવા આવતી હતી એની સાથે ક્યારેક એની નાની બહેન પણ આવતી હતી. એની ઉંમર માંડ નવેક વર્ષની હશે, પણ એની ઊંચાઈ હતી સાડા પાંચ ફૂટ. આમ પણ હબસી સ્ત્રીઓના શરીરનું કાઠું ખૂબ જ સશક્ત અને કદાવર એવું સાંભળ્યું હતું. નવ વર્ષની છોકરીને જોઈ ખાતરી થઈ ગઈ. ઈસ્ટ આફ્રિકા પર અનેક વર્ષ બ્રિટિશ હકૂમત હતી અને 1960ના દાયકામાં કેન્યાને સ્વાતંત્ર્ય મળ્યું હતું. ત્યાર પછી ક્રમશ: અન્ય ભાગ ગુલામીની જંજીરમાંથી મુક્ત થયા હતા. ગરબી, શિક્ષણનો અભાવ અને પરતંત્ર રહેલી પ્રજામાં સામાજિક ચેતનાનો અભાવ હતો અને એટલે આવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી.
ઝામ્બિયાથી અમારો રસાલો વળ્યો સાઉથ આફ્રિકા તરફ. સાઉથ આફ્રિકા ઈસ્ટ આફ્રિકાની સરખામણીમાં સમૃદ્ધ વિસ્તાર. અહીં ગોરાઓનું પ્રભુત્વ. જોહાનિસબર્ગ, કેપટાઉન, ડર્બન, બ્લોમફોન્ટેન એનાં પ્રમુખ શહેરો. અને હા, પ્રિટોરિયા પણ ખરું. એ જ પ્રિટોરિયા જ્યાં જવા માટે ડર્બનથી 1893માં ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં પ્રવાસ કરી રહેલા મોહનદાસ કરમચંદ ગાંધી નામના બેરિસ્ટર (મહાત્મા ગાંધી તો એ પછી બન્યા)ને એમની ત્વચાના રંગને કારણે-રંગભેદની નીતિને કારણે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશન પર ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યા હતા.
ગાંધીજીના જીવનનો પહેલો સત્યાગ્રહ પણ અહીં સાઉથ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતમાં થયો હતો. આ બધી વાતનું સ્મરણ થયું અને મનોમન ગાંધી બાપુને વંદન કરી લીધા. મોહનદાસ કરમચંદ ગાંધી નામના બેરિસ્ટર મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા ગાંધીબાપુ બન્યા એ જીવનયાત્રામાં સાઉથ આફ્રિકાનું પ્રદાન છે.
અત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે મને અમારા પ્રવાસ દરમિયાન ડર્બનમાં 22 વર્ષ પછી રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ યાદ આવી ગઈ. રંગભેદની નીતિને કારણે 1970માં સાઉથ આફ્રિકા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો….સ્પોટ લાઈટ : પદ્મારાણીએ મારો કાન આમળ્યો…
21 વર્ષ પછી 1991માં એ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા બાદ 1992માં એ દેશમાં પહેલી વાર સત્તાવાર ક્રિકેટ મેચ રમાઈ હતી. યોગાનુયોગ એ હતો કે ભારતીય ક્રિકેટ ટીમ જ સાઉથ આફ્રિકાના પ્રવાસે આવી હતી. જે ભૂમિએ ગાંધીબાપુને ધુત્કાર્યા હતા એ જ ભૂમિ પર ભારતીય ટીમ સાથે રમી સાઉથ આફ્રિકાના ઈતિહાસના એક કાળા પ્રકરણનો અંત આવી રહ્યો હતો. અલબત્ત એ મેચ જોવાનો લાભ તો ન મળ્યો, પણ ડર્બનમાં એક સરસ મજાના ડોક્ટર દંપતીનો ભેટો થયો.
પ્રાણસુખ નાયક: મિસ કિશોરી અને બનારસી ભૈયાણી
જૂની રંગભૂમિમાં અનેક કલાકાર સ્ત્રી પાત્ર ભજવી મશહૂર થયા. કીર્તિ મેળવી, નામ અને દામ સાથે માનપાન પણ મેળવ્યા. પુરુષ કલાકારે ભજવેલાં સ્ત્રીપાત્રોની વાત નીકળે ત્યારે સૌપ્રથમ નામ જયશંકર ‘સુંદરી’નું જ લેવામાં આવે.
જોકે, એક કલાકાર એવા હતા જેમણે જયશંકર ‘સુંદરી’ની અદાકારી જોઈ, એમના અભિનયથી એટલા પ્રભાવિત થયા કે એ પાત્ર પોતાને ભજવવા મળે તો બેડો પાર થઈ જાય એવું માનવા લાગ્યા. એ કલાકારનું નામ પ્રાણસુખ નાયક. માત્ર બીજા ધોરણ સુધી શાળા અભ્યાસ કરી નવ વર્ષની ઉંમરે પ્રાણસુખ ભાઈ નાટકમાં કામ કરવા લાગ્યા હતા.
સુરતમાં શ્રી દેશી નાટક સમાજમાં ત્રણ રૂપિયાના પગારે રહ્યા અને ‘માલતી માધવ’ નાટકમાં નાનકડી ભૂમિકાથી તેમની અભિનય યાત્રાનો પ્રારંભ થયો. સ્ત્રીપાત્રોમાં તેઓ ખીલી ઉઠ્યા અને તેમની સુવાસ ફેલાતા મુંબઈ દેશી નાટક સમાજમાં 15 રૂપિયાના પગારે કામ મળ્યું. અહીં બાપુલાલ નાયક અને જયશંકર ‘સુંદરી’ના સહવાસમાં પ્રાણસુખ ભાઈને ઘણું શીખવા મળ્યું.
અભિનયમાં પરિપક્વતા આવવાથી મુંબઈ ગુજરાતી નાટક કંપનીમાં 51 રૂપિયાના પગારે જોડાયા. નવી નાટક કંપનીમાં ‘કુમળી કળી’ નામના નાટકમાં એમણે બનારસની ભૈયાણીનું પાત્ર ભજવી પ્રસિદ્ધિ મેળવી. નાટકમાં તેમણે ગાયેલું ગીત ‘હું તો તમારી વહાલી ભૈયાજી! ભાંગની પ્યાલી પાઓ ભૈયાજી!’ બેહદ પસંદ કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકો એ ગીત પર ઓવારી જતા હતા.
હાસ્ય કલાકાર છગન રોમિયો સાથે પણ તેમણે ઘણી ભૂમિકા ભજવી હતી. ‘કોલેજ ક્ધયા’ નાટકમાં છગન રોમિયો સાથે મિસ કિશોરીનું પાત્ર ભજવ્યું જેને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. કવિ દલપતરામના પ્રખ્યાત નાટક ’મિથ્યાભિમાન’માં પ્રાણસુખ ભાઈએ જીવરામ ભટ્ટની ભૂમિકા એવી આબાદ જીવંત કરી એ પછી તેમને જીવરામ ભટ્ટ તરીકે અફાટ લોકપ્રિયતા મળી હતી. આ પાત્રમાં તેઓ મંચ પર સફેદ અંગરખો, માથે મોટી લાલ પાઘડી, લાલ કિનારનું પાનકોરી ધોતિયું અને હાથમાં દોરીલોટો લઈને તખ્તા પર પ્રવેશ કરતા ત્યારે પ્રેક્ષકો એમના પર ઓળઘોળ થઈ જતા હતા.