વિલનને ઠાર કરતી વખતે પિસ્તોલ ને ખંજર બંને રાખવા પડતા…

સ્પોટ લાઈટ – મહેશ્વરી
જૂની રંગભૂમિ સાથે અને એમાંય ખાસ કરીને ખાડાની કંપની સાથે મારા અનેક સંસ્મરણો જોડાયેલા છે. ખાડાની કંપની પછી મેં નાટક કંપનીઓમાં કામ કર્યું અને વિવિધ નાટકોમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. જોકે, અમુક વાર એવુંય બનતું હતું કે ખાડાની કંપનીમાં હું ભજવી ગઈ હોઉં એમાંનાં કેટલાંક નાટકો થોડાઘણા ફેરફાર સાથે નાટક કંપની વતી ભજવવાના પ્રસંગ આવતા હતા.
જોકે, મને એક લાભ એ થતો હતો કે પાત્રના સંવાદ ખબર હોવાથી તૈયારી કરવામાં મને મુશ્કેલી નહોતી પડતી, બલ્કે આસાની રહેતી હતી. ખાડાનાં નાટકોમાં સેટ ઉભારણી પણ ઊંચી ગુણવત્તાવાળી રહેતી, દેશી નાટક કંપની જેવી જ. ચીમન પેઈન્ટર જેવા કસબીઓને એ આભારી હતું.
નાટકો દરમિયાન રમૂજી પ્રસંગો પણ બનતા હતા. એક વાત મને અત્યારે યાદ આવે છે ને હું હસવું નથી રોકી શકતી. વાંચ્યા પછી તમે પણ ખડખડાટ હસી પડશો એવું હું દાવા સાથે કહી શકું એમ છું. વાત એમ હતી કે કોઈ નાટકમાં બંદૂકની ગોળી મારી ખલનાયકને – વિલનને ઠાર કરવાનો સીન હોય. એ સમયે ટેકનોલોજી બહુ વિકસી નહોતી અને જે પણ આધુનિક સરંજામ ઉપલબ્ધ હતો એ નાટક કંપનીને પરવડે એવો નહોતો. એટલે બેકસ્ટેજમાં કામ કરતી કોઈ વ્યક્તિ ધડાકો કરવાનું સાધન લઈને ઊભો હોય. ગોળી મારનાર કલાકાર બંદૂકની ટ્રીગર દબાવે ત્યારે પેલા બેકસ્ટેજના કલાકારે ધડાકો કરવાનો હોય.
અભિનેતા વિલન સામે પિસ્તોલ તાકીને બોલે કે હવે હું તને ખતમ કરી દઈશ’ અને એ સાથે ટ્રીગર દબાવે અને એ જ વખતે બેકસ્ટેજમાં ધડાકો કરવાનો હોય અને વિલન ઢળી પડે. જોકે, કેટલીક વાર એવું બન્યું છે કે એક્ટરે બંદૂક ચલાવી હોય, પણ કોઈ ખામી કે સમસ્યાને કારણે ધડાકો જ ન થાય, અને ધડાકો થાય નહીં ત્યાં સુધી ખલનાયક ઢળી પડીમૃત્યુ’ ન પામી શકે. આવે સમયે અભિનેતાની સૂઝબૂઝ કામ કરી જાય. લોચો થઈ ગયો છે એની જાણ થતા પરિસ્થિતિ સંભાળી નાટક આગળ વધારવાની જવાબદારી કલાકારની હોય છે.
અભિનેતા બે – ચાર વાર ટ્રીગર દબાવે પણ પેલો ધડાકો ન થાય એટલે મૂંઝાયા વિના કેવો જમાનો આવ્યો છે! અનાજમાં તો ભેળસેળ થાય છે પણ હવે તો પિસ્તોલમાં પણ બનાવટ થવા લાગી છે’ એ પ્રકારનો કોઈ સંવાદ બોલી નાટકમાં વિક્ષેપ ન પડવા દે. અગાઉથી ગોઠવણ થઈ હોય એ અનુસાર ડે્રસમાં સંતાડેલું ખંજર કાઢે અનેતાં મોત તને બોલાવે છે’ એવો ડાયલોગ બોલી વિલનનો ખાત્મો બોલાવી દે.
ખલનાયકને ઠાર કરનારા અભિનેતાએ (મોટેભાગે એ નાયક એટલે કે હીરો જ હોય) પિસ્તોલ અને ખંજર બંને રાખવા પડતા. બંદૂકનો ભડાકો ન થાય ત્યારે ખંજર મદદમાં આવીને ઊભું રહે. એ સમયે સ્ટેજ પર લોહી વહે એવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે ખંજર વાગતા વિલન કોઈ યુક્તિ – પ્રયુક્તિથી બેકસ્ટેજનાં હિસ્સામાં પહોંચી જાય. ત્યાં એક વ્યક્તિ ઊભી હોય જે એના કપડાં પર લોહીના રંગ તેવો લાલ રંગ લગાડી દે અને વિલન ફરી સ્ટેજ પર આવી ગડથોલિયું ખાઈને પડી જાય અને સીન પૂરો થાય.
ખાડાની કંપનીમાંથી હું દેશી નાટક સમાજમાં જોડાઈ ત્યારે એક મહત્ત્વનો ફેરફાર મેં અનુભવ્યો. ખાડાની કંપનીનાં નાટકોમાં મેં કાયમ હીરોઈનના જ રોલ કર્યા હતા. દેશી નાટક સમાજની વાત જુદી હતી. એનું ફલક વિશાળ હતું અને મારા કરતાં વધુ અનુભવી અને સક્ષમ અભિનેત્રીઓ કેટલાક સમયથી કંપની માટે કામ કરતી હતી. એટલે મારા ફાળે વિવિધ પ્રકારની ભૂમિકાઓ આવતી હતી.
મોટાભાગનાં નાટકો પારિવારિક કથાવસ્તુ ધરાવતા હતા અને આ પ્રકારનાં નાટકોમાં સાસુ હોય, વહુ હોય, કે નણંદ અથવા ભોજાઈ હોય કે દેરાણી અથવા જેઠાણીનો રોલ પણ હોય. ક્યારેક રોલ નેગેટિવ પણ હોય. દરેક પ્રકારનું કામ કરવાની તૈયારી રાખવી પડતી હતી. એનો એક ફાયદો એ થયો કે અભિનેત્રી તરીકે માં ઘડતર થયું અને એક સક્ષમ કલાકાર બની. એટલે જ પછી કાંતિ મડિયા, શૈલેષ દવે જેવા દિગ્ગજો સાથે કામ કરવાનો મોકો મળ્યો અને એમાં હું સાંગોપાંગ પાર ઉતરી.
ઘણી વાર એવું પણ બન્યું છે કે નાટકમાં કોઈ રમૂજ ન હોય પણ અનાયાસે રમૂજ ઊભી થાય અને દર્શકો ખડખડાટ હસી પડે. કચ્છની ધરતીની કથાની પાર્શ્વભૂમિ ધરાવતા `હોથલ પદમણી’ નાટકમાં પણ અણધાર્યો રમૂજી પ્રસંગ બન્યો હતો. નાટકના એક દ્રશ્યમાં ઝાડ પર મારેલું તીર ખેંચી લીધા પછી પદમણી મળશે એવું નાયકને કહેવામાં આવે છે. અત્યંત સંવેદનશીલ દ્રશ્ય હતું. હવે શું થશે એની ઉત્સુકતા પણ પ્રેક્ષકોમાં હતી. તીર તો ઝાડમાં ખૂંપી ગયું, પણ નાયકએ તીર ખેંચવાની કોશિશ કરી ત્યાં આખું ઝાડ જ સ્ટેજ પર પડી ગયું. ઓડનું ચોડ થઈ ગયું અને પ્રેક્ષકોમાં હાસ્યનું મોજું રેલાઈ ગયું.
એક વખત તો હું જે નાટકમાં કામ કરતી હતી એમાં જ એક વિનોદી પ્રસંગ બની ગયો. નાટકના એક દ્રશ્યમાં હું અને રક્ષા દેસાઈ હતા. કોઈ કારણસર રક્ષાના માથા પરથી વિગ સરીને નીચે પડી ગઈ. હવે હું જો ખસી જાઉં તો પ્રેક્ષકોને ખ્યાલ આવી જાય કે લોચો થયો છે. એટલે મેં રક્ષાને ઈશારો કર્યો કે તારી વિગ પડી ગઈ છે એટલે તું જગ્યા પરથી હલતી નહીં. પછી મેં થોડું ઈમ્પ્રોવાઈઝ કરી એને ઢાંકીને ઊભી રહી નાટક ગતિમાં રાખ્યું. સદનસીબે તરત બ્લેકઆઉટ આવ્યો અને રક્ષાએ ફરી વિગ ધારણ કરી લીધી અને નાટક આગળ ચાલ્યું. આવી રમૂજ થતી હોય છે, પણ એમાં સમય સાચવી લેવાની કલાકારની આવડતની કસોટી પણ થતી હોય છે.
શ્રી દેશી નાટક સમાજના સંપત્તિ માટે’ નાટક માટે પ્રભુલાલ દ્વિવેદીએ લખેલા નાટકે અનેક દિવસો સુધી હાઉસફૂલ કરી એક ઇતિહાસ રચ્યો હતો નાટકની સફળતામાંધનવાન જીવન માણે છે’ ગીતનો મોટો ફાળો હતો. તમે પણ માણો જૂની રંગભૂમિનું એ યાદગાર ગીત. ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે, કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે.
બેહાલ ગરીબનાં બાલુડાં પૈસે પૈસે હોય ટળવળતા, ખાવાનું ત્યાં ખાનાર કેરી ખોટ આંસુ સારે છે. નારી ગરીબ દળણાં દળતી ધનવાળી હીરે ઝળહળતી, હીરા-મોતીવાળી રોતી એનો કંથ વિલાસો માણે છે. ગુણ દોષ ભલે હો ધનમદમાં પણ નમતાં પલ્લાં સંપદના, સુખ સંપદના સુખના વલખાં જન સંતોષી સુખ માણે છે. ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે, કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે.
રંગમંચ પર ગરબો મૂકી ગરબાના સ્વરૂપને ઘેરઘેર ગુંજતું કર્યું
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેમ એક સમયે કંપની (બોમ્બે ટોકીઝ, સાગર મૂવિટોન, કોહિનૂર ફિલ્મ કંપની, ન્યુ થિયેટર્સ ઈત્યાદિ)નો દબદબો અને મહત્ત્વ હતા એ જ રીતે જૂની રંગભૂમિના સમયમાં પણ નાટક કંપનીઓનું ખાસ્સું ચલણ હતું. દરેક કંપનીની ખાસિયત રહેતી. ઓગણીસમી સદીના અંતિમ દાયકામાં અસ્તિત્વમાં આવેલી શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ ખંભાતના છોટાલાલ મૂળચંદ પટેલ અને દયાશંકર વસનજી ગિરનારાનું સહિયાં સાહસ હતું.
નોંધવાની વાત એ છે કે નરોત્તમ મહેતાનીશ્રી ગુજરાતી નાટક મંડળી’ ખરીદી લઈને તેની આગળ મુંબઈ’ શબ્દ જોડીને નવા નામ સાથે શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ શરૂ કરવામાં આવી હતી. નટનું મહત્ત્વ વધારનારા પ્રારંભના કલાકાર પૈકી બાપુલાલ બી. નાયક આ કંપનીમાં જ હતા. સૌભાગ્ય સુંદરી’ નાટકના મુખ્ય પુષપાત્રસૌભાગ્ય સિંહ’નો તેમનો અભિનય દર્શકોએ વધાવી લીધો હતો.
બાપુલાલ નાયક નિષ્ઠાવાન અભિનેતા અને દિગ્દર્શક તો ખરા જ, પણ સાથે સાથે કંપની સાથે લેણું હોય એમ આજીવન શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ સાથે જ જોડાયેલા રહ્યા. અન્ય કંપનીઓ તરફથી આવેલી લોભામણી ઓફરો સામે તેમણે આંખ આડા કાન કર્યા. સમયે એવું પડખું બદલ્યું કે કેટલાય વખત પછી આ કંપનીના તેઓ માલિક પણ બન્યા હતા. રમણભાઈ નીલકંઠનું પ્રખ્યાત નાટકરાઈ નો પર્વત’ તેમણે ભજવ્યું હતું.
કંપનીના માલવપતિ',વડીલોના વાંકે’, સંપત્તિ માટે’,ગાડાનો બેલ’, સામે પાર’, વગેરે નાટકોને અસાધારણ લોકપ્રિયતા મળી હતી. નાટક લોકચિ કેળવવાનું માધ્યમ છે અને કુટુંબીજનો એકસાથે બેસીને જોઈ શકે એવાં સ્વચ્છ અને ધ્યેયલક્ષી નાટકો ભજવવાનો શિરસ્તો કંપનીએ જાળવ્યો.અશ્રુમતી’, અને વીણાવેલી’ નાટકોમાં રંગમંચ પર ગરબો મૂકી ગરબાના સ્વરૂપને ઘેરઘેર ગુંજતું કર્યું હતું. નવતર પ્રયોગનો શિરસ્તો જાળવીઉમા દેવડી’ નાટકમાં સાચા વરસાદનું દ્રશ્ય રજૂ કર્યું હતું.
(સંકલિત)



