સ્પોટ લાઈટઃ એમનામાં કાંતિ મડિયા જેવી ચીવટ ને સભાનતા હતા… | મુંબઈ સમાચાર

સ્પોટ લાઈટઃ એમનામાં કાંતિ મડિયા જેવી ચીવટ ને સભાનતા હતા…

મહેશ્વરી

‘સુગંધનું સરનામું’ અને ‘સરનામા વિનાનું ઘર’ એ બે નાટક રાજેન્દ્ર બુટાલા સાથે કર્યા પછી જાણે બુટાલા મારા માટે નાટકનું સરનામું બની ગયા હોય એવો ઘાટ થયો. બીજું નાટક ‘સરનામા વિનાનું ઘર’ના શો હજી ચાલી રહ્યા હતા અને એને સારો આવકાર મળી રહ્યો હતો ત્યાં બુટાલાનો ફરી ફોન આવ્યો. ‘મહેશ્વરી બહેન, હું એક નવું નાટક કરી રહ્યો છું અને તમારે આમાં પણ કામ કરવાનું છે.’

આ સાંભળી મને આનંદ થવો તો સ્વાભાવિક હતો પણ લાગલગાટ ત્રીજું નાટક? જોકે, એક નિર્માતા મને રિપીટ કરતો હતો એ મારા માટે તો સારા પરફોર્મન્સની પાવતી જ હતી. નાટકનું નામ હતું ‘અંત વગરની અંતાક્ષરી.’ નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. નાટકની થીમ કંઈક આવી હતી: એક યુવતી ગુંડા-મવાલી જેવા યુવકના પ્રેમમાં પડે છે. યુવતીએ પિતાનું છત્ર ગુમાવી દીધું છે અને ઘરમાં માતા અને ભાઈ સાથે રહેતી હોય છે. ઘરનું વાતાવરણ પણ સતત ડહોળાયેલું રહેતું.

અચાનક પરિસ્થિતિ બદલાય છે અને કથા વળાંક લે છે. જોકે, આ નાટકને પ્રેક્ષકોએ વધાવી ન લીધું. બુટાલા જેવા ખમતીધર નિર્માતા હોવાથી નાટકે જેમતેમ 50 શો ખેંચી કાઢ્યાં. પછી નાટક બંધ થઈ ગયું. ત્રીજું નાટક ધાર્યા કરતાં વહેલું બંધ થઈ જવાથી હું અચાનક કામ વિનાની થઈ ગઈ. જોકે, હૈયે આશા હતી કે ફોન રણકશે અને નવા નાટકની ઓફર આવશે. અને ફોન રણક્યો. ‘હેલો, હું અરવિંદ વેકરિયા બોલું છું’ સામે છેડેથી આ વાક્ય સાંભળ્યું ને હું આનંદમાં આવી ગઈ.

પચાસેક વર્ષ રંગભૂમિ પર વિવિધ નાટકોમાં અભિનય અને દિગ્દર્શનથી નાટ્ય રસિકોમાં પ્રસિદ્ધિ અને પ્રશંસા મેળવનારા અરવિંદ ભાઈ ‘દાદુ’ સાથે મેં નાટક નહોતું કર્યું પણ એમની સાથે પરિચય હતો. એમની સાથેના અંગત સંબંધ આજ દિન સુધી અકબંધ રહ્યા છે. કાંતિ મડિયા પાસે જેમ હું ઘણું શીખી એમ અરવિંદ ભાઈ પાસે પણ મને ઘણું શીખવા મળ્યું જે મને મારી કરિયરમાં ઉપયોગી સાબિત થયું છે.બોલ્ડ વિષયનાં નાટકો કરવા માટે જાણીતા અરવિંદ ભાઈ, અમૃત પટેલ, મીરા આચાર્ય અને એમના પુત્ર તન્મય વેકરિયા (જેને આજે અનેક લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં બાઘાભાઈના પાત્રમાં માણી રહ્યા છે) સાથે કોમેડી નાટક ‘સુખને એક ચાન્સ આપો’નું આયોજન કરી રહ્યા હતા.

નાટકના ડિરેક્ટર અરવિંદ ભાઈ જ હતા. એમના દિગ્દર્શનમાં કામ કરવાનો એ મારો પહેલો અનુભવ હતો. નાટકના રિહર્સલ દરમિયાન મને એમની કાર્યશૈલીમાં કાંતિ મડિયા જેવી ચીવટ અને સભાનતા જોવા મળ્યા. નાટકના દરેક પાસા બારીકાઈથી સમજાવે અને પરિણામે પાત્ર ભજવતો કલાકાર એમાં જલદી ઓતપ્રોત થઈ જતો. મેં આ વાત એમને કહી પણ હતી. જોકે, આ નાટક બહુ ચાલ્યું નહીં. પચાસેક શો પછી બંધ પડી ગયું.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : શો મેં કર્યો ને ‘નાઈટ’ દેવયાની ઠક્કરને આપી!

અલગ અલગ નાટકોમાં ક્યારેક કરુણ, ક્યારેક કોમેડી તો ક્યારેક ચોંકાવનારી કથાનાં પાત્રો ભજવનારી મહેશ્વરીના એટલે મારા અંગત જીવનમાં એક અત્યંત ચોંકાવી દે એવી ઘટના બની. મારા ઘરમાં જ ધમાલ થઈ. બન્યું એવું કે મારો દીકરો અમારા જ બિલ્ડિંગમાં રહેતી કોઈ મદ્રાસી (એક સમયે સાઉથ ઈન્ડિયન લોકો મુંબઈમાં મદ્રાસી તરીકે જ ઓળખાતા) યુવતીના પ્રેમમાં પડ્યો. પેલી યુવતી પણ મારા દીકરાના પ્રેમમાં પાગલ હતી.

આખી વાતની મને જાણ થઈ એટલે મેં એ યુવતીને ઘરે બોલાવી અને સમજાવવાની કોશિશ કરી કે ‘આપણા પરિવારોનો કોઈ મેળ નહીં ખાય. તું મારા દીકરા સાથે પરણવાની વાત ભૂલી જા. તારા મા-બાપ કંઈ માનશે નહીં’. એણે તો મારી વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખી.

પરિવારની મંજૂરી નહીં મળે એનો ખ્યાલ આવી જતા બંને ઘરેથી ભાગી ગયા. અને કોઈને જાણ કર્યા વિના તેમણે કોર્ટ મેરેજ કરી લીધા. વાત વાજતેગાજતે યુવતીના ઘરે પહોંચી અને એટલે તરત એના માતા-પિતા મારા ઘરે આવ્યા. ખૂબ ઝઘડો કર્યો, ખરું- ખોટું સંભળાવ્યું. મેં ચુપચાપ સાંભળી લીધું, કારણ કે મારે પણ પુત્રીઓ હતી અને આવી પરિસ્થિતિમાં દીકરીની મા પર શું વીતે એ હું સમજી શકતી હતી.

હું નાટકમાં દિવસ-રાત વ્યસ્ત રહેતી હોવાથી મને કશી જાણ નહોતી એવું ખોટું પણ તેમની પાસે બોલી. અલબત્ત, આ ખોટું બોલવાનો મને કોઈ અફસોસ નહોતો, કારણ કે કોઈને નુકસાન પહોંચાડ્યા વિના કોઈનું હિત જાળવવાનું હતું. જોકે, આવા પ્રસંગોમાં મોટે ભાગે થતું હોય છે એવું જ થયું. સોડાની બોટલનું ઢાંકણું જ્યારે ઉઘડે ત્યારે ક્ષણિક કેવો જોરદાર ફુવારો છૂટે અને પછી ગણતરીના સમયમાં જ બધું કેમ શાંત પડી જાય એમ યુવતીના માટે પિતાનો રોષ પણ ઠંડો પડી ગયો. જમાઈને સ્વીકૃતિ મળી ગઈ અને મારા ઘરમાં પુત્રવધૂનું આગમન થયું.

અંગત જીવનમાં અણધાર્યું ભજવાયેલું નાટક કેટલાક આંચકા સાથે સુખાંતમાં પરિણમ્યું એનો હાશકારો અનુભવ્યો. અચાનક ઉદભવેલી આ માથાકૂટમાં મારી પાસે કોઈ નાટક નહોતું એ વાત હું થોડા દિવસ માટે જાણે ભૂલી ગઈ હતી. દીકરો-વહુ ઘરમાં ઠરીઠામ થયા અને હું ફરી રંગભૂમિના વિચારોમાં મગ્ન થઈ ગઈ. મારાં છેલ્લાં બે નાટકને પ્રેક્ષકોનો મળેલો મોળો પ્રતિસાદ મને જરા ખટક્યો હતો.

અલબત્ત, નાટક હિટ થશે કે ફ્લોપ એ કલાકારના હાથની વાત નથી હોતી, પણ રંગભૂમિની વાત જ એવી હોય છે કે દરેક કલાકાર નાટકને પોતાનું ગણીને કામ કરતો હોય છે. અમારા વખતમાં તો એવું હતું. આજની મને ખબર નથી.
કામ વિનાની બેઠી હતી અને નવા નાટક માટે કોના તરફથી ઓફર આવે છે એ વિચારી રહી હતી ત્યાં ફોન રણક્યો, ‘હેલો હું હોમી વાડિયા બોલું છું. એક ટીવી સિરિયલ બનાવી રહ્યો છું એમાં તમે મારી સાથે કામ કરો એવી ઈચ્છા છે.’

મારા આનંદની કોઈ સીમા ન રહી. નાટકનું વિચારી રહી હતી ત્યાં સિરિયલની ઓફર આવી. નાટકની સરખામણીએ સિરિયલમાં કામ કરવાના પૈસા વધુ મળે અને જો સીરિયલને સફળતા મળે અને એમનું પાત્ર ગમી જાય તો બીજી ઓફરો પણ આવતી થઈ જાય. આનંદનું બીજું એક કારણ એ પણ હતું કે હોમી વાડિયા સાથે કામ કરવાનું હતું.

કવિ કાન્તનું નાટક નવા નામે ભજવાયું અને…
મણિશંકર રતનજી ભટ્ટ… કવિ કાન્ત તરીકે વધુ પ્રખ્યાત થયા. ‘વસંત વિજય’ તેમજ ‘સાગર અને શશી’ તેમનાં ખ્યાતનામ કાવ્યો છે. જોકે, તેમણે નાટ્યલેખન સુધ્ધાં કર્યું હતું. તેમની કવિ તરીકેની અભૂતપૂર્વ નામનાને લીધે નાટ્ય લેખકને ઓછી પ્રસિદ્ધિ મળી. અંગત જીવનમાં કવિને મહારાજા ભાવસિંહજી સાથે ઘરોબો હતો. મહારાજા ભાવસિંહ એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી. ભારતને આઝાદી મળ્યા પછી ભારતને અખંડ રાષ્ટ્ર બનાવવાનું સરદાર પટેલનું સપનું સાકાર કરવા પોતાનું રાજ્ય દેશને અર્પણ કરનારા કૃષ્ણકુમારસિંહજી પ્રથમ રાજવી હતા. ભાવસિંહજી મહારાજની સૂચનાથી જ કવિ કાન્તે ચાર નાટક લખ્યા હતાં. અલબત્ત એમના બે નાટક ‘સલીમશાહ અથવા અશ્રુમતી’ અને ‘દુ:ખી સંસાર’માં કવિ ડાહ્યાલાલ શિવરામ સહ લેખક હતા.

‘સલીમશાહ’ નાટકમાં કાન્તે જાતિના વાડાઓ અને તેમની વચ્ચે રહેલા વૈમનસ્ય દૂર કરવા માટે મહેનત કરતી પ્રતાપી પુત્રી અશ્રુમતી અને સલીમશાહના પ્રેમની કરુણ કહાણીનું વર્ણન કર્યું છે. તેમના ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટકમાં સ્વદેશીનો સીમાડો છોડી સર્વદેશીપણાને આંબવા જતી હિન્દુ-મુસ્લિમ એકતાની ભાવનાનું નિરૂપણ છે.

તેમણે લખેલા ‘રોમન સ્વરાજ્ય’ નાટકમાં રાજાશાહી સામે નાગરિકોના રાજનો એક સાવ નવો અને અસરકારક વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. રાજવી પરિવાર સાથેની નિકટતાએ એમાં ભાગ ભજવ્યો એવું કહેવાયું હતું.

રસપ્રદ વાત એ છે કે ‘રોમન સ્વરાજ્ય’ને સારો આવકાર નહોતો મળ્યો પણ આ જ નાટક જ્યારે ‘જાલિમ ટુલિયા’ નામથી ભજવાયું ત્યારે એને સારી પ્રસિદ્ધિ મળી હતી. એક નિષ્ફળ નાટક નજીવા ફેરફાર સાથે જ્યારે નવા નામથી ભજવાય અને સારી સફળતા મળે એવા અનેક ઉદાહરણ ગુજરાતી નાટકોના ઈતિહાસમાં જોવા મળે છે.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button