સ્પોટ લાઈટ : પહેલી વાર નાટકમાં નેગેટિવ રોલ કર્યો…

- મહેશ્વરી
જૂની રંગભૂમિમાં હું સક્રિય હતી ત્યારે કૌટુંબિક ભાવના ધરાવતા નાટકો ખાસ્સા પ્રમાણમાં થતા હતા. આ પ્રકારના નાટકોની કથા પરિવારના જટિલ લાગતા અને ક્યારેક તોફાની સંબંધોની આસપાસ ફરતી હોય છે. સંઘર્ષ, વફાદારી, પ્રેમ અને વિશ્વાસઘાત વગેરે આ પ્રકારના નાટકોના રસાયણો હોય છે અને એમાં વ્યક્તિઓના ભાવનાત્મક સંઘર્ષ જોવા મળે છે. આવા નાટકોમાં કુટુંબો સામે આવી પડતાં પડકારોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને પેઢીગત તકરાર કે રહસ્ય એમાં વીંટળાયેલા હોય છે. બંધન અને સમાધાનની ક્ષણોથી સુખાંતનો આગ્રહ રાખવામાં આવે છે. આવા નાટકોને પ્રેક્ષકોની સહાનુભૂતિ મળી હોય એવા અનેક ઉદાહરણ છે. પારિવારિક નાટક જો સફળ નીવડે તો એને પ્રેક્ષકો વધુ મળતા કારણ કે કૌટુંબિક નાટક જોવા કુટુંબના સભ્યો સાથે આવતા.
આ કારણસર લેખક પ્રવીણ સોલંકી અને અભિનેતા શરદ સ્માર્ત જેવા નામવંતો સાથે કૌટુંબિક ભાવનાવાળા નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે હું રાજી રાજી થઈ હતી. ‘મોટું કુટુંબ સુખી કુટુંબ’ કોમેડી નાટક હતું, પણ દર્શકોએ નાટકને દિલ ન દીધું, પણ ડિંગો બતાવ્યો. નાટક બહુ જલદી બંધ થઈ ગયું એટલે હવે શું કરવાનું એ સવાલ ફરી મોઢું ફાડીને સામે આવી ગયો. જોકે, એનો જવાબ મેળવવા મારે રાહ ન જોવી પડી. પ્રવીણ સોલંકીનું નાટક જોવા હોમી વાડિયા આવ્યા હતા. વાચકોને યાદ હશે કે ચાર હપ્તા પહેલા મેં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન પર આધારિત એમની સિરિયલ ‘શપથ’માં કામ કર્યું એની મેં માંડીને વાત કરી હતી. નાટકમાં મારું પરફોર્મન્સ જોઈ ખુશ થયેલા હોમીએ એમના નવા નાટકમાં કામ કરવાની ઓફર કરી કહ્યું કે ‘મહેશ્વરી બહેન, તમારે મારા નવા નાટકમાં કામ કરવાનું છે.’ એમની સાથે સિરિયલમાં કામ કરવાનો અનુભવ યાદગાર હતો એટલે મેં તરત હા પાડી દીધી.
હોમી વાડિયાએ જે નવા નાટકનું આયોજન કર્યું હતું એનું નામ હતું ‘રેશમડંખ.’ ‘ઓકલ્ટ સ્ટડીઝ’ (તંત્ર વિદ્યા)ની કથાની પાર્શ્વભૂમિ ધરાવતા આ નાટકમાં મારો રોલ બહુ જ સારો હતો, પણ એ નેગેટિવ રોલ હતો. અનેક વર્ષો વિવિધ નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવ્યા પછી હું પહેલી વાર નેગેટિવ રોલ કરી રહી હતી. નાટક બેસાડવું આસાન નહોતું એટલે આશરે બે મહિના રિહર્સલ ચાલ્યા. નાટકની સ્ટોરી એવી હતી કે ધણી – ધણિયાણી ‘બ્લેક મેજિક’ (તાંત્રિક – અઘોરી કરે એવી ક્રિયા) કરતા હતા અને જે સોસાયટીમાં તેઓ રહેતા હતા ત્યાં એમનો દબદબો હતો. ગમતું ન હોવા છતાં તેમજ વિરોધ હોવા છતાં કોઈનામાં એમની સામે આંગળી ચીંધવાની કે વિરુદ્ધ બોલવાની હિંમત નહોતી. કોઈ નવી વ્યક્તિ કે પરિવાર સોસાયટીમાં રહેવા આવે તો પેલા પતિ – પત્ની વિશે ચેતવણી ન આપે.
સુજાતા મહેતા અને હોમી વાડિયા ‘રેશમડંખ’ નાટકમાં મુખ્ય ભૂમિકામાં હતા. નાટકના પ્લોટ અનુસાર હોમી વાડિયા એક સફળ બિઝનેસમેન હોય છે પણ એક તબક્કે બિઝનેસની એક મોટી તકથી એ વંચિત રહી જાય છે. એ સમયે એમને સલાહ આપવામાં આવે છે કે ‘જો તું નરબલિ (બાળક) ચડાવીશ તો બિઝનેસ તને મળી જશે.’ બિઝનેસ મેળવવાની પાશવી ઘેલછાને કારણે હોમી વાડિયાની પત્ની પ્રેગ્નન્ટ બને છે. બાળક થાય પછી એનો બલી ચડાવી શકાય અને કોન્ટ્રેક્ટ મેળવી શકાય એ મેલા ઈરાદા સાથે. જોકે, છેલ્લે બધું કપટ ઉઘાડું પડી જાય છે અને પતિ – પત્નીને જેલની સજા થાય છે.
નાટકની સ્ટોરી લીક થઈ એટલે અથવા અન્ય કોઈ કારણસર એ ખબર ન પડી, પણ આ નાટક મુંબઈમાં ઓપન થાય એ પહેલા જ અમદાવાદમાં ‘રેશમડંખ’ના 35 શોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું. ગુજરાતના દર્શકોને આ નાટક બહુ પસંદ પડ્યું, કારણ કે 35 શો કર્યા પછી અમે મુંબઈમાં કેટલાક શો કર્યા પછી ફરી અમદાવાદમાં શોનું બુકિંગ આવ્યું. એકંદરે મુંબઈની સરખામણીએ અમદાવાદમાં આ નાટકને વધુ સફળતા મળી. મંત્રવિદ્યા અથવા મૂઠચોટની વિદ્યા સમજની બહાર હોવા છતાં અનેક લોકોને એમાં કેમ રસ પડે છે એ હું ક્યારેય નથી સમજી શકી. જોકે, મારે માટે તો એ એક વ્યાવસાયિક નાટક હતું અને મને સોંપવામાં આવેલો રોલ મારે નિષ્ઠાપૂર્વક ભજવવાનો હતો અને એ જવાબદારી મેં નિભાવી. એનાથી વિશેષ કશું વિચારવાની જરૂર મને ન લાગી.
‘રેશમડંખ’ નાટકના મારા શો ચાલી રહ્યા હતા ત્યાં એક દિવસ રંગભૂમિના તેમજ હિન્દી ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મોના મસ્ત મજાના કલાકાર રસિક દવેનો ફોન આવ્યો, ‘મહેશ્વરી બહેન, તમારે મારા નાટકમાં કામ કરવાનું છે.’ નાટ્ય જગતમાં મને અનેક પ્રકારના અનુભવ થયા છે, કોઈ સારા તો કોઈ નરસા. જોકે, કેટલાક નાટ્યકારોએ ‘ના નહીં પાડતા, તમારે મારા નાટકમાં કામ કરવાનું જ છે’ એ જે રીતે આગ્રહપૂર્વક કહ્યું છે એ મારા માટે મીઠાં સંભારણાં છે. એમના પ્રેમ – લાગણી ઉપરાંત મારી અભિનય ક્ષમતા પર તેમને વિશ્વાસને કારણે આવું બની શક્યું હતું. નાટકનું નામ હતું ‘અનમેરીડ હસબન્ડ’. સર્વાંગ કોમેડી નાટક. કલાકારોની ટીમમાં મારી સાથે રસિક દવે, કેતકી દવે, મહેશ ઉદેશી જેવા નીવડેલા કલાકાર હતા. નક્કી કરેલા દિવસે એના રિહર્સલ શરૂ થઈ ગયા.
‘રેશમડંખ’ નાટક સાથે બન્યું હતું એ જ રીતે ‘અનમેરીડ હસબન્ડ’ નાટકના પણ અમદાવાદમાં 30 – 35 શો બુક થઈ ગયા. મુંબઈ અને અમદાવાદ એમ બંને ઠેકાણે રસિક દવેના નાટકને બહોળો આવકાર મળ્યો. ‘રેશમડંખ’ કરતા વધુ. નાટક સારા ચાલે એટલે નિર્માતાને તો આર્થિક લાભ થાય જ, પણ ‘નાઈટ’ (નાટકના શો પછી મહેનતાણા પેટે મળતું રોકડા પૈસાનું કવર) પર ગુજરાન ચલાવતા આર્ટિસ્ટોને પણ રાહત થાય. એટલું જ નહીં અન્ય નિર્માતાઓ પણ એમને લઈ નાટક કરવા વિશે વિચારતા થાય. જોકે, એક વાત મેં ખાસ નોંધી છે કે મુંબઈના ગુજરાતી પ્રેક્ષકો અને અમદાવાદના ગુજરાતી પ્રેક્ષકોની રુચિમાં અનેકવાર આસમાન – જમીન જેવો ફરક મેં જોયો છે. મુંબઈમાં ખાસ ન ચાલ્યું હોય એ નાટકે અમદાવાદમાં ધૂમ મચાવી હોય અને જે નાટકને મુંબઈમાં બહોળો આવકાર મળ્યો હોય એ નાટકને અમદાવાદના પ્રેક્ષકોએ પીઠ દેખાડી દીધી હોય.
બે નાટકની સફળતાથી હું ખુશ થઈ ગઈ હતી. રહેતી હતી એકલી એટલે ખર્ચા પાણીની બહુ ચિંતા નહોતી, પણ રંગભૂમિના કલાકાર માટે પૈસાની સાથે સાથે પ્રતિસાદનું પણ મહત્ત્વ હોય છે. પ્રેક્ષકોનું પીઠબળ રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકાર – કસબીઓને ટટ્ટાર રાખે છે. એમના આત્મવિશ્વાસને ટકાવી રાખે છે. હું બહુ સારા મૂડમાં હતી ત્યાં મારી દીકરીનો ફોન આવ્યો અને શાંત જળમાં પથ્થર પડતા કેવા તરંગો સર્જાય, એવું જ મારી સાથે બન્યું.
નાટકનો ઉદ્ભવ એક ‘ક્રીડનિયક’ તરીકે થયો હતો
નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક ભરતમુનિ સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા ગણાય છે. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો અભિનય કલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષક ગૃહ, મંચ સજાવટ વગેરે સર્વસંગ્રહ સાથે પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્ય ગ્રંથ છે. આ ગ્રંથમાં નાટ્યની નાનામાં નાની વિગતો આવરી લેવામાં આવી છે. ભરતમુનિના ઉલ્લેખ અનુસાર નાટકનો ઉદભવ એક ‘ક્રીડનિયક’ તરીકે થયો હતો. સંસ્કૃત નાટકોમાં સુંદર અભિનય માટે ‘શોભનં નર્તિતમ’ પ્રયોગ બહુ જાણીતો અને વિશેષરૂપે વાપરવામાં આવતો હતો. પરિણામે નાટ્ય સાથે નૃત્ય ગીત અને વાદ્યનો ચોગ થાય એ સ્વાભાવિક છે. અહીં જે ‘ક્રીડનિયક’ શબ્દ વાપરવામાં આવ્યો છે એનો શબ્દાર્થ રમવાનું સાધન – રમકડું થાય છે. જોકે, ભરતમુનિને નાટક એટલે આનંદનું સાધન એવો અર્થ અભિપ્રેત છે. ટૂંકમાં દુ:ખ અને ચિંતામાંથી મુક્ત કરવાનું સાધન. નાટકનો મૂળ હેતુ આનંદ માટે છે. આ કારણસર નાટકનું આયોજન એ પ્રકારે થાય છે કે કરુણ કથાવસ્તુનું નિરૂપણ અંતે તો આનંદ માટે જ થતું જોવા મળે. સંસ્કૃતમાં કરુણાંત નાટકની હાજરી નથી કે નજીવી હાજરી છે એના જે કારણો આપવામાં આવે છે એમાં આ પણ એક પ્રમુખ કારણ ગણવામાં આવે છે. આ સંદર્ભે સંસ્કૃતના સૌથી જુના અને પ્રતિષ્ઠિત ભારતીય નાટકકાર ભાસના બે એકાંકી નાટકોની વાત કરવી જોઈએ. મહાભારતના કથાનક પર આધારિત ‘ઊરુભંગ’ અને ‘કર્ણભાર’ નામના બે એકાંકીની ગણના કરુણ સંસ્કૃત નાટકોમાં કરવામાં આવે છે.
આપણ વાંચો: સર્જકના સથવારે : ગઝલનો રમ્ય મુકામ રાજેન્દ્ર શુક્લ