ઉત્સવ

સ્પોટ લાઈટ …અને મને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી

  • મહેશ્ર્વરી

હવેલીના મહારાજએ લખેલું નાટક ભજવતી વખતે આનંદ તો થયો જ, પણ કોણ જાણે કેમ મનની અંદર ખૂબ શાંતિ અને પ્રસન્નતા અનુભવી. આ નાટક પ્રોફેશનલ નહોતું. મતલબ કે એમાં કામ કરવાથી કંઈ નાઈટ નહોતી મળવાની કે નહોતી એની ભજવણી તેજપાલ, ભાઈદાસ કે બિરલા જેવા ઓડિટોરિયમમાં થઈ હતી જ્યાં પ્રેક્ષકોની દાદ – એમની તાળીઓ જોઈ – સાંભળી પાનો ચડી જાય. નહોતા પ્લોટમાં એવા કોઈ ટ્વિસ્ટ અને ટર્ન જે કલાકારને આત્મસંતોષ આપવાનું કામ કરે. તેમ છતાં બહુ સંતોષની લાગણી અનુભવી. આ નાટકના પચીસેક શો માંડ થયા હશે, પણ એના દ્વારા દર્શકોને, સાચું પૂછો તો ભાવકોને જે મેસેજ પહોંચ્યો અને એનાથી એમના ચહેરા પર કશુંક મેળવ્યાના ભાવ જોયા એ એક નાટકોની અંગત – વ્યાવસાયિક સફળતાથી થોડો વધુ રાજીપો થયો. કદાચ પ્રભુના પ્રેમની વાત હતી એટલે આવો અનુભવ થયો હશે. જૈન ધર્મ પર આધારિત નાટક કર્યું હતું એવા જ આનંદ અને સંતોષનું અહીં પુનરાવર્તન થયું. ‘સર્વ ધર્મ સમભાવ’ વિશે મોટા મોટા પરિસંવાદો કે આલેખનો કરતા આ અનુભવ ચડિયાતો હતો.

ધાર્મિક પાર્શ્વભૂમિ ધરાવતા નાટક કરતી વખતે એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. ભૌતિકવાદમાં આપણે લપેટાઈ ગયા હોઈએ છીએ, પણ આવાં નાટકો સાચું ભાન કરાવી દેતા હોય છે. એ નાટકનો એક શો પતાવી હું વિચારે ચડી ગઈ હતી ત્યાં મારી દીકરી દર્શના (ચેરી)નો ફોન આવ્યો. મારો વન – રૂમ કિચનનો નાનકડો ફ્લેટ એ કોઈને ભાડે આપવા માગતી હતી. બીજી જ ક્ષણે મારા માંહ્યલાએ મને ઢંઢોળીને કહ્યું કે ‘હવે એ તારું ઘર નથી.’ મને હસવું આવી ગયું. હા, કાગળ પર એ ફ્લેટ મારા નામ પર હતો, પણ મેં તો એ ચેરીને આપી દીધો હતો. ત્યારે જ રેડિયો પરથી સ્તવનની પંક્તિઓ સંભળાઈ: તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ-જનમના તરસ્યા, તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા. અને મારાથી બે હાથ જોડાઈ ગયા. હું સોફા પરથી ઊભી થઈ ત્યારે મારા ખોળામાં પડેલો સીંગના ફોતરાંનો કચરો જમીન પર પડ્યો અને મેં જાણે મનમાંથી થોડો કચરો સાફ થયો હોય એવો અનુભવ કર્યો.

મારી પાસે કોઈ કામ નહોતું, પણ હવે ચિંતા કરવાનું કોઈ કારણ નહોતું, કારણ કે હવે હું દીકરા સાથે એના ફ્લેટમાં રહેતી હતી. એટલે દૈનિક જરૂરિયાતની કે માસિક ખર્ચની કોઈ ચિંતા કે પ્રેશર નહોતા. દીકરાની ગાડી પણ પાટા પર ચડી ગઈ હતી. એનું દૈનિક જીવન પૂર્વવત થઈ રહ્યું હતું. અને એક દિવસ અણધાર્યા સમાચાર મળ્યા, અલબત્ત રાજી થવાય એવા. કહે છે ને કે મુસીબત આવે ત્યારે ફોજ લઈને આવે તો સુખચેન આવે ત્યારે એકાદ બે મિત્રોને પણ સાથે લઈ આવે ને.

વાત એમ હતી કે ગામથી મારા કાકા – સસરા અચાનક ઘરે આવ્યા. અચાનક એમના આગમનથી આશ્ર્ચર્ય તો થયું, પણ હશે એમને કોઈ કામ એટલે આવ્યા હશે એમ મન મનાવી લીધું. હું વચ્ચે વચ્ચે ક્યારેક ગામ જતી હતી અને સાસરિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. ઔપચારિક વાતચીત પછી વડીલે બોમ્બ ફોડ્યો. અલબત્ત, આ બોમ્બથી ધડાકા – ધ્વંસ કે તારાજી ન થઈ બલકે, ફૂલોનો વરસાદ થયો.

‘તારા સસરા ગુજરી ગયા ત્યારે એમની કેટલીક જમીન તારા નામ પર કરી ગયા હતા,’ આ હતો કાકા – સસરાનો સુખદ ધડાકો.

મને તો કશી જ ખબર નહોતી, પણ અણધારી ગિફ્ટ મળી એનો અંદરખાને આનંદ જરૂર થયો. કાકા – સસરાને હું પગે લાગી અને મુંબઈ આવી આ વાત જણાવવા બદલ મેં હૃદયપૂર્વક આભાર માન્યો. સાથે સાથે બે હાથ પણ જોડાઈ ગયા. જમીન
તો મળી, પણ એનું કરવું શું? એના વિચારો મનમાં દોડવા લાગ્યા. ગામમાં જઈ જમીનમાં ખેતી કરવાની મારા દીકરાની કે મારી મુદ્દલ ઈચ્છા નહોતી. જમીનનો ટુકડો નહોતો, 16 એકર જમીન હતી. દીકરા શાંગ્રિલ સાથે ચર્ચા કરી અને અડધો અડધ જમીન વેચી નાખવાનું નક્કી કર્યું. ગામ જઈ જરૂરી સહી – સિક્કા કરી આઠ એકર જમીન વેચી નાખી. એ સમયે એના વીસેક લાખ રૂપિયા આવ્યા અને એ બધા પૈસા મેં ચિન્ટુ (કુલદીપ)ને આપી દીધા અને કહ્યું કે ‘જા, તારું પોતાનું ઘર ખરીદી લે.’

મેં આ બધું સહજ ભાવથી અને મારી ઈચ્છાથી, મારી ફરજ સમજીને કર્યું હતું. મારા આ નિર્ણયથી મારાં કાકી – સાસુને બહુ નવાઈ લાગી. ‘તું આ બધા પૈસા આપી દેવાની છો?’ તેમના ચહેરા પર અચંબો હતો. ‘હા, એમાંથી એક પૈસો મારે નથી રાખવો. મારા માટે ચિન્ટુનું ઘર થઈ જાય એ વધારે મહત્ત્વનું છે.’ છેવટે ‘મારે પણ એક ઘર હોય’ એ ચિન્ટુનું સપનું હકીકત બની ગયું. બધું થાળે પડી ગયું. પરિવારનો દરેક સભ્ય આનંદથી જીવી રહ્યો છે. જીવનની સમી સાંજે આ બધું જોઈ મને વિચાર આવે છે કે ઈશ્વરે મારી ઘણી કસોટી કરી, મારા માથે અનેક મુસીબતના પહાડ પણ તૂટી પડ્યા, પણ દરેક સમસ્યામાંથી પ્રભુએ મને હેમખેમ બહાર કાઢી મને જોઈતું હતું એ બધું, સાચું કહું તો એથી વિશેષ મને આપ્યું છે.

સમય સૌનો બદલાય છે, અલબત્ત, ક્યારે અને કેવો એની ધારણા કે કલ્પના નથી કરી શકાતી. માસ્તરે (મારા પતિએ) આટલી બધી જમીન એમના પિતા પાસે છે એની વાત ક્યારેય મને નહોતી કરી અને અચાનક એ જમીનની હું માલિક થઈ ગઈ. વન રૂમ – કિચનનો ફ્લેટ આપી દેવો પડ્યો પછી એવા અનેક ફ્લેટ લઈ શકું એવી વ્યવસ્થા ભગવાને કરી આપી. શાંગ્રિલના ચહેરા પર પણ પહેલા જેવી રોનક દેખાઈ રહી હતી. આ બદલાવ શેને કારણે હતો એ હું સમજી ગઈ. તેણે મને કશું કહ્યું નહોતું પણ એના જીવનમાં મધુરતાનો પ્રવેશ થયો છે એ મારું અનુમાન હતું જે સાચું સાબિત થયું.

એક દિવસ આવી મલકાતા મોઢે મને કહેવા લાગ્યો કે ‘આઈ, આપણે આ ઘર રિનોવેટ કરવું છે.’ હું પણ સામે મલકાઈ અને એટલું જ કહ્યું કે ‘કેમ, લાઈફ રિનોવેટ કરવાનું નક્કી કર્યું લાગે છે.’ અને મારો દીકરો, મારો શાંગ્રિલ શરમાઈ ગયો, નીચું મોઢું કરી ડોકું હકારમાં ધુણાવ્યું અને હું સમજી ગઈ કે ‘મૈને એક લડકી પસંદ કર લી’ જેવી વાત છે. એને લગ્ન કરી ઠરીઠામ થવું હતું.

ઘરને નવેસરથી શણગારવાનું હતું એટલે અમારે બંનેએ અન્ય ઠેકાણે રહેવું જવું પડે એમ હતું. શાંગ્રિલના જીવનમાં આવેલી એ ક્ધયાનું નામ હતું પૂજા. એ તરત આવી અને ઘર બદલવા માટે જે પણ કરવાનું હતું એમાં બનતી બધી મદદ કરી. રહેવાનું ઘર શોધવાની તો કોઈ જરૂર નહોતી, કારણ કે ચિન્ટુનો પોતાનો ફ્લેટ હતો જ. હું એના ઘરે રહેવા જતી રહી. શાંગ્રિલ તો એક મહિનો બહાર જ હોય અને એક મહિનો મુંબઈ પાછો ફરે ત્યારે ક્યારેક ચિન્ટુના ઘરે તો ક્યારેક પૂજાના ઘરે રહેવા જતો રહે. વાત ત્રણ – ચાર મહિનાની હતી, કારણ કે એટલા સમયમાં તો ઘર રિનોવેટ થઈ જશે એમ દીકરાએ મને કહ્યું હતું.

એવામાં એક દિવસ ફોન આવ્યો, ‘હેલો મહેશ્વરીજી?’ મેં કહ્યું, ‘જી બોલ રહી હૂં’. એટલે સામે છેડેથી સવાલ થયો કે ‘આપ ફિલ્મ મેં કામ કરોગે?’

રંગભૂમિ મારી જનેતા છે, મને એના ખોળામાં આળોટવા દ્યો

ગુજરાતી ફિલ્મોમાં મંજરી દેસાઈ સાથે કોમેડી પેરની જબરદસ્ત જોડી જમાવી અનેક દર્શકોને પેટ પકડી હસાવનારા રમેશ મહેતા મૂળે તો રંગભૂમિનો જીવ હતા. કોઈ કલાકારનું નાટક જોવા ગયા હોય અને કોઈ દ્રશ્ય કે અભિનય ગમી જાય તો તેમના ખૂબ જ જાણીતા લહેકા ‘ઓ હો હો’ કરી એવી રીતે બિરદાવતા કે કલાકારને અનન્ય પ્રમાણપત્ર મળી ગયું હોય એવી લાગણી થતી. રમેશ ભાઈના પિતા મીઠાઈની દુકાન ચલાવતા હતા, પણ સાહિત્ય અને નાટકના શોખીન હતા. સાહિત્ય અને નાટકનો વારસો રમેશભાઈને પિતાશ્રી પાસેથી મળ્યો હતો. ભણવામાં ચિત્ત ન ચોંટ્યું અને પિતાશ્રીના ધંધા માટે રુચિ પેદા ન થઈ, પણ નાટકોમાં રસ ધીમે ધીમે વધવા લાગ્યો. હવે તો રંગભૂમિ જ મારું જીવન એવી ગાંઠ વાળી અને નાટ્ય પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા. કિશોરાવસ્થામાં તેમણે ‘પ્રીતમલાલના પગલે’, ‘સૂડી વચ્ચે સોપારી’ તેમજ ‘હું એનો વર’ જેવાં નાટકો લખ્યા. એ સમયે અનેક લોકોની માન્યતા બંધાઈ ગઈ હતી કે રમેશ મહેતા રંગભૂમિની ઉજ્જવળ આવતીકાલ છે. રમેશભાઈને પણ લગાવ હતો જ એટલે વધુ અનુભવ મેળવવા રાજકોટથી મુંબઈ પધાર્યા. અહીં બેકસ્ટેજ સહિત નાટકના વિવિધ પાસાની તાલીમ લીધી. કોસ્ચ્યુમ, મેકઅપ વિશે પણ જાણકારી મેળવી અને તક મળી ત્યારે સંસ્કૃત નાટકો જોયા, એનું અધ્યયન પણ કર્યું. મુંબઈમાં તેમને ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ના પ્રસિદ્ધ અભિનેત્રી કલ્પના દીવાનના સાથ સહકાર મળ્યા. રાજકોટના પ્રખ્યાત હેમુ ગઢવી હોલનું ઉદઘાટન થયું ત્યારે રમેશ મહેતા હાજર હતા. એ સમયે ફિલ્મી હસ્તી તરીકે વધુ જાણીતા હતા, પણ નાટ્ય હોલના ઉદઘાટન પ્રસંગે લાગણીવશ થઈ ગયા અને બોલ્યા કે ‘હું રંગભૂમિના ખોળે ઉછર્યો છું. આ તખ્તો મારી જનેતા છે. મને તેના ખોળામાં આળોટવા દ્યો.’ એમ બોલી તેઓ સૂઈને આખા સ્ટેજ પર આળોટ્યા હતા.

આપણ વાંચો:  હેં… ખરેખર?: શ્રીરંગનાથસ્વામી મંદિર એટલે અનન્ય ભવ્યતા વત્તા ઈતિહાસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button