સ્પોટ લાઈટ : પતિના અંતિમ સંસ્કાર પતાવી સાંજે શૂટિંગમાં ગઈ! | મુંબઈ સમાચાર
ઉત્સવ

સ્પોટ લાઈટ : પતિના અંતિમ સંસ્કાર પતાવી સાંજે શૂટિંગમાં ગઈ!

  • મહેશ્ર્વરી

ગણેશોત્સવ દરમિયાન નાનકડા ગામડામાં કરેલાં નાટકો, ખાડાના થિયેટરનાં નાટકોથી લઈ ભાંગવાડી થિયેટરના પ્રયોગો અને પછી કાંતિ મડિયા જેવા દિગ્ગજો તેમજ ટેલિવિઝન પર ભજવેલાં નાટકોની લાંબી સફરમાં અનેક નાટકોમાં વિવિધ ભૂમિકા મેં ભજવી છે. જોકે, વાસ્તવિક જીવનમાં ‘સીતા ઔર ગીતા’ની માફક અસલી મહેશ્વરી અને નકલી મહેશ્વરીના ડબલ રોલનો સામનો કરવામાં આવશે એવું તો સપનામાંય નહોતું ધાર્યું. પણ કહે છે ને કે જીવન એક રંગભૂમિ છે જેમાં દરેકે એક પાત્ર ભજવવાનું હોય છે. ઈશ્વરે કદાચ મારા માટે ડબલ રોલ નક્કી કર્યો હશે એવો વિચાર આવતા જ હસી પડી.

બિરલા ક્રીડા કેન્દ્રમાં ‘સાચાબોલા જૂઠાલાલ’નો શો પૂરો થયો અને અમે બધા કલાકાર બહાર નીકળ્યા ત્યારે નાટક પૂરું થવાની રાહ જોઈને બેઠેલો પેલો મોબાઈલની દુકાનનો ભાઈ સતર્ક થઈ ગયો. અચાનક એની નજર સુનિતા સોનાવાલા પર પડી, પછી મારી સામે નજર કરી અને સુનિતા સામે આંગળી ચીંધી બોલ્યો કે ‘આ નહીં, અમારી મહેશ્વરી તો આ છે.’ પોલીસ પણ સાથે આવી હતી.

થોડી ઔપચારિક પૂછપરછ પછી અસલી મહેશ્વરીને એટલે કે મને ‘નમસ્તે બહેન, તમને થોડી તકલીફ આપી અને હેરાન કર્યા એ બદલ સોરી’ એવું કહી નકલી મહેશ્વરીને એટલે કે સુનિતાને લઈ પોલીસ સાથે પેલા મોબાઈલ શોપવાળા ભાઈ નીકળી ગયા. મેં રાહતનો શ્વાસ લીધો. બીજા પણ કેટલાક લોકો ’હવે શું થાય છે’ એવા કુતૂહલ ખાતર એની પાછળ પાછળ ગયા પણ ખરા. બીજાની ફજેતી કેવી અને કેટલી થાય છે એ માટે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ હોય છે.

મોબાઈલ શોપવાળો ભાઈ, પોલીસ અને સુનિતાનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. પોલીસે સુનિતાને જેલમાં પણ પૂરી. જોકે, તેને જામીન મળી ગયા અને મુકેશ રાવલે જામીનના પૈસા ભરી સુનિતાને છોડાવી એ બધી વાત અમારા સુધી પહોંચી હતી. ભલે તેણે ગમે એવા કરતૂત કર્યા હોય, અંતે તો એ અમારા નાટકની આર્ટિસ્ટ તો હતી ને. એટલે સ્વાભાવિકપણે બધી જાણકારી અમારા સુધી પહોંચાડવામાં આવતી હતી. પછી આગળ એનું શું થયું એની કશી ખબર ન મળી. મેં જાણવાની ઈચ્છા કે દરકાર પણ નહોતા રાખ્યા. મારા માટે તો ‘ધરમ કરવા જતા ધાડ પડી’ (ઘણી વાર કોઈનું સારું કરવા જતા આપણી પોતાની પર મુસીબત આવી પડે) જેવી હાલત થઈ હતી.

સુનિતા સોનાવાલા અચાનક ગાયબ થઈ જવાને કારણે નાટક નિર્માતા કિરણ સંપટ થોડા ટેન્શનમાં જરૂર આવી ગયા હતા. એમને તો એક કલાકારની ખોટ પડી હતી અને એ જગ્યા જો તાત્કાલિક ભરવામાં ન આવે તો શો કરવામાં મુશ્કેલી પડે. અમદવાદમાં જઈ શો કેવી રીતે કરવો એ વિચાર નિર્માતાને ઘેરી વળ્યો જે સ્વાભાવિક હતું. રિપ્લેસમેન્ટ તરીકે કોની પસંદગી કરવી એ દિશામાં ચક્રો ગતિમાન થઈ ગયા.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : વાસ્તવિક જીવનનો વિચિત્ર ડબલ રોલ

કેટલાક વિકલ્પો વિચાર્યા પછી શચી જોશી કામ કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો. લાલુ શાહની બહુરૂપી નાટ્ય સંસ્થાના પ્રખ્યાત નાટક ‘વિસામો’થી શચીની નાટ્ય સફરની શરૂઆત થઈ હતી. રવિ ચોપડા દિગ્દર્શિત અમિતાભ બચ્ચન – હેમા માલિનીની મેલોડ્રામેટિક ફિલ્મ ‘બાગબાન’ આ જ નાટક પર આધારિત હતી. જોકે, શચી એ સમયે ખાસ્સી વ્યસ્ત હતી એટલે કાયમ એ રોલ કરવાની તેણે ના પાડી હતી. ફક્ત અમદાવાદનો શો અને ગુજરાતમાં જો બીજા શો મળે તો એમાં કામ કરવા એ તૈયાર હતી.

સુનિતાના કારનામા નાટ્ય વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયા એ સ્વાભાવિક હતું, પણ આ વાત એ હદે ચારે કોર ફેલાઈ ગઈ કે ‘મુંબઈ સમાચાર’ અખબારમાં પણ એની વિશેષ નોંધ લેવામાં આવી હતી. જોકે, એક વાત મારે ખાસ કહેવી છે કે નાટ્ય વર્તુળમાં આ આખો મામલો થોડી ચગાવી – બઢાવી ચર્ચાઈ રહ્યો હતો, પણ ‘મુંબઈ સમાચાર’માં ઘટના જે પ્રમાણે બની હતી અસ્સલ એ જ સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. હું કેવી રીતે સપડાઈ ગઈ અને કઈ રીતે હેમખેમ બહાર નીકળી એ બધી વાતની સત્યતા જાળવી રજૂ કરવામાં આવી હતી. ‘મુંબઈ સમાચાર’ જનતાનું લોકલાડીલું અખબાર કેમ ગણાય છે એનું આ એક સચોટ ઉદાહરણ છે.

નાટકના શો પૂરા થયા અને એ વખતે મારી પાસે બીજું કોઈ નાટક નહોતું. નહોતા કોઈ નાટકના રિહર્સલ ચાલી રહ્યા કે નહોતો કોઈ નિર્માતાએ નવા નાટક માટે મારો સંપર્ક કર્યો. અલબત્ત, સાવ હાથ જોડી બેઠી હતું એવું સુધ્ધાં નહોતું. મીના ઘીવાલાની ‘ઝાકળ ભીના સપનાં’ સિરિયલમાં કામ કરતી હતી. પહેલી જ ટીવી સિરિયલ ‘છૂટાછેડા’થી મીના ઘીવાલાએ નામના મેળવી હતી. માત્ર છ એપિસોડની આ ધારાવાહિક દર્શકોને ખાસ્સી પસંદ પડી હતી. ત્યારબાદ તેમણે વિવિધ સિરિયલ બનાવી સફળતા મેળવી હતી. નાટક ન હોય ત્યારે ટેલિવિઝન માટે કામ કરવાનો અનુભવ મેં જ્યારે ફિલ્મોમાં કામ કર્યું ત્યારે કામ લાગ્યો હતો.

એવામાં એક દિવસ મારી દીકરી ચેરીનો ફોન આવ્યો કે ‘મમ્મી હમણાં ને હમણાં જોગેશ્વરી આવ.’ મેં સામે સવાલ કર્યો કે ‘શું થયું છે એ તો કહે.’ એ એટલું જ બોલી કે ‘અત્યારે વાત કરવાનો સમય નથી. તું બસ જલદી જોગેશ્વરી પહોંચી જા.’ હું ફટાફટ તૈયાર થઈ નીકળી તો ખરી, પણ રસ્તામાં જાતજાતના વિચારો મારા દિમાગને ઘેરી વળ્યા. એવું તે શું થયું હશે કે મને તાત્કાલિક બોલાવી એ વાત મારા મનમાં સતત ઘુમરાયા કરતી હતી. જોગેશ્વરી પહોંચી ત્યારે ખબર પડી કે…

માસ્તર (મારા પતિ) ગુજરી ગયા છે.

એક સ્ત્રીનો પતિ અવસાન પામે ત્યારે જે લાગણી અનુભવે એમાંની કોઈ જ લાગણી મેં એ દિવસે ન અનુભવી. અમે માત્ર કહેવા માટે પતિ – પત્ની હતાં. અમારા લગ્ન જીવનમાં લગ્ન હતા, પણ કોઈ જીવન નહોતું. વિધિ અનુસાર અમે સજોડે હતાં, પણ વાસ્તવમાં એ કજોડું હતું. પતિના અવસાનને કારણે મેં કોઈ દુ:ખનો કે પીડાનો અનુભવ ન કર્યો. જોગેશ્વરીનું ઘર છોડ્યું એ દિવસથી મારા એટલે કે મહેશ્વરીના જીવનનો એકલપંડે જીવવાના દોરની શરૂઆત થઈ હતી. મનમાંથી તો એમની બાદબાકી થઈ જ ગઈ હતી, હવે વિધિવત થઈ.

અંતિમ સંસ્કારની વિધિ ફટાફટ આટોપી લેવાય એ જરૂરી હતું, કારણ કે મારે સાંજે ચિન્મય પુરોહિતની સિરિયલના શૂટિંગ માટે જવાનું હતું. અલબત્ત એ નાનકડો રોલ હતો, માંડ આઠેક દિવસ કામ કરવાનું હતું. જોકે, માસ્તર મૃત્યુ પામ્યા એ જ દિવસે મારે જવાનું હતું એ અગાઉથી નક્કી થઈ ગયું હતું. એટલે જોગેશ્વરીમાં માસ્તરના અંતિમ સંસ્કાર પતી ગયા પછી હું મારા ઘરે પહોંચી અને નાહીધોઈને તૈયાર થઈ તરત શૂટિંગ માટે જવા નીકળી ગઈ.

સિરિયલનું શૂટિંગ પૂરું થયા પછી શું એવો વિચાર કરતી હતી ત્યાં શરદ સ્માર્તનો ફોન આવ્યો. ‘સાચાબોલા જૂઠાલાલ’માં તેમની સાથે કામ કર્યું ત્યારે એમની સાથે ઘણી વાતચીત થતી હતી. મને કહેવા લાગ્યા કે ‘મહેશ્વરી, હું નાટક કરી રહ્યો છું અને એમાં તારે કામ કરવાનું છે.’ શરદ ભાઈ સાથે કામ કરવા મળે એ તો લહાવો જ કહેવાય અને મેં તરત હા પાડી દીધી. નાટક હતું પ્રવીણ સોલંકીનું ‘મોટું કુટુંબ સુખી કુટુંબ’. નાટક બહુ સરસ હતું, કોમેડી હતું, પણ દર્શકોને પસંદ ન પડ્યું અને વીસેક શો પછી તો બંધ થઈ ગયું. એ નાટક જોવા આવેલા નાટ્યકારે મને નવા નાટકની ઓફર કરી.

શ્રી પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની

પ્રાણસુખ મણિલાલ નાયક, ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્ય રસિક અભિનેતા. ‘મિથ્યાભિમાન’ નાટકમાં સાકાર કરેલી જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી જીવરામ ભટ્ટ તરીકે પણ ખાસ્સા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટના પાત્રમાં તેઓ એ હદે ઓતપ્રોત થઈ જતા કે મંચ પર તે સફેદ અંગરખો, માથે મોટી લાલ પાઘડી, લાલ કિનારનું પાનકોરી ધોતિયું, ખભે ખડિયો અને હાથમાં દોરીલોટો લઈને સ્ટેજ પર એન્ટ્રી લેતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતા.વ્યવસાયી રંગભૂમિની નાટ્ય-સંસ્થાના કલાકાર, દિગ્દર્શક અને માલિક મણિશંકર ભટ્ટનું વતન મોરબી હતું. તેમણે ‘શ્રી પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની’ શરૂ કરી હતી.

કંપનીના સંચાલનની જવાબદારી છોટુભાઈ ભટ્ટ સંભાળતા હતા. તેમણે કેટલાક નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. દિગ્દર્શક દલપતરામ દેરાસરી તેમજ જૂની રંગભૂમિના સર્વાંગી દિગ્દર્શક મણિશંકર પોપટલાલ ‘હળવદકર’નો સાથ તેમને મળ્યો. મુંબઈ ગુજરાતી નાટક મંડળીનું ઉદઘાટન 29 જૂન 1889ના દિવસે બોમ્બેના શેરીફ અને નડિયાદના વતની ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કાન્તા પર આધારિત કુલીન કાંતાના દિગ્દર્શક ભજવવામાં આવ્યું હતું.

નાટ્ય લેખક દ્વિવેદીએ પર્ફોર્મન્સની જાહેરાત જોઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠીને પરવાનગી વિના નાટક કરવા બદલ કાનૂની નોટિસ મોકલવા કહ્યું. નાટક કંપનીના દિગ્દર્શક દયાશંકર નડિયાદ જઈ દ્વિવેદીને મળ્યા અને પરવાનગી નહોતી લીધી એ બદલ તેમની માફી માગી, હીરાની વીંટી આપી 500 રૂપિયામાં બીજું નાટક લખવા વિનંતી કરી. દ્વિવેદીએ વીંટી તો ન સ્વીકારી, પણ તેમના માટે બીજું નાટક ‘નૃસિંહાવતાર’ લખવા સંમત થયા હતા. (સંકલિત)

આ પણ વાંચો…સ્પોટ લાઈટઃ એ યુવાન કલાકારે સંજીવ કુમાર જેવી હિંમત બતાવી …

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button