
- મહેશ્વરી
‘મહેશ્વરી બહેન, તમારા સીનમાં ડાન્સ રાખીએ.’ ડિરેક્ટર નીરજ વોરાનું સૂચન સાંભળી ક્ષણિક હું વિચારમાં પડી ગઈ, પણ પછી હસી પડી. મેં આ નાટક સ્વીકાર્યું ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે નીરજ સાથે કામ કરવાની મજા જરૂર આવશે, પણ એ ધૂની માણસ છે.
સ્ક્રિપ્ટ અનુસાર નાટક તૈયાર કરવામાં નથી માનતો. ગમે ત્યારે એ લખેલા સીનમાં બદલાવ કરવા માટે જાણીતો છે કે પછી કોઈ સીન આખેઆખો પડતો મૂકી સાવ નવું જ દ્રશ્ય તૈયાર કરવાની એને આદત છે. આ બધું સાંભળ્યું હતું એટલે છેલ્લી ઘડીએ કોઈ સીન બદલાય?’ એવો વિચાર મને ન આવ્યો અને ન તો મેં એની સાથે કોઈ દલીલ કરી. જૂની રંગભૂમિમાં પણ મને આ પ્રકારના કેટલાક અનુભવ થયા હતા.
મેં કહ્યું સારું અને નીરજે મને સીન સમજાવ્યો. સીન એવો હતો કે છોકરાઓ દાદા સાથે અલકમલકની વાત કરતા હોય છે ત્યારે એમાંથી એક જણ એમને પૂછે છે કે ‘હેં દાદાજી, તમારા તો લવ મેરેજ હતા ને. તો તમે દાદી સામે પ્રેમનો એકરાર કઈ રીતે કર્યો હતો?’
આ મીઠી મધુર વાતચીત થઈ રહી હોય છે ત્યારે દાદા એમને યુવાનીની વાત કરે છે. એ સમયે હું ગીત ગાતી ગાતી નીચે આવું છું અને એ સીનમાં ગીત ગાતા ગાતા મારે એન્ટ્રી લેવી એવું નીરજનું સૂચન હતું. ગીત પસંદ કર્યું હતું રાજ કપૂર-નરગીસ પર ફિલ્માવાયેલું ‘ચોરી ચોરી’ ફિલ્મનું ‘જહાં મૈં જાતી હું વહીં ચલે આતે હો, ચોરી ચોરી મેરે દિલ મેં સમાતે હો’.
હવે જો તમે 2006માં આવેલી રોહિત શેટ્ટીની ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ જોઈ હશે તો અસ્સલ આવો જ એક સીન તમને જોવા મળ્યો હશે. ફિલ્મમાં દાદાનો રોલ પરેશ રાવલે કર્યો હતો અને દાદીમાની ભૂમિકા સુષ્મિતા મુખરજીએ કરી હતી.
સુષ્મિતા એટલે મજેદાર ટીવી સિરિયલ ‘કરમચંદ’માં પંકજ કપૂરની સેક્રેટરી કિટીનો રોલ કરનારી અભિનેત્રી. ‘ગોલમાલ’ ફિલ્મમાં પણ દાદાજી પરેશ રાવલ યુવાનીમાં દાદી સમક્ષ મૂકેલા પ્રેમના પ્રસ્તાવની વાત કરે છે ત્યારે સુષ્મિતા ‘કયું આગે પીછે ડોલતે હો ભવરોં કી તરહ’ ગીત ગાય છે. ટૂંકમાં ‘અફલાતૂન’ નાટકની કેટલીક બાબતો આબેહૂબ ‘ગોલમાલ’ ફિલ્મમાં જોવા મળી હોવાનું મને કહેવામાં આવ્યું હતું.
અલબત્ત ફિલ્મ મેં નથી જોઈ, પણ સાંભળેલી વાતો પરથી કેટલુંક સામ્ય હોવાનો ખ્યાલ આવે છે. મારી કોલમમાં અગાઉ પણ ગુજરાતી નાટકો પરથી પ્રેરણા લઈ તૈયાર કરવામાં આવેલી હિન્દી ફિલ્મોનો મેં ઉલ્લેખ કર્યો હતો. કોઈ અભ્યાસુ વ્યક્તિએ ખણખોદ કરી વધુ વિગતો મેળવી લોકો સમક્ષ મૂકવી જોઈએ.
આપણે 1990ના દાયકાના ગુજરાતી નાટક ‘અફલાતૂન’ વિશે વાત કરી રહ્યા હતા. નીરજ વોરાએ સૂચવેલો અખતરો અમે બેસાડી દીધો. જોકે, પહેલા શોમાં પ્રેક્ષકો બહુ નહોતા. નીરજનું માનવું હતું કે આ નાટક ઊપડ્યું તો ધમાલ મચાવશે.
અલબત્ત દસ શો સુધી નાટકને મળેલો મોળો પ્રતિસાદ જોઈ એને પણ થોડી નિરાશા થઈ હતી. મેં એવું સાંભળ્યું હતું કે ‘અફલાતૂન’ નાટક મૂળ મરાઠી નાટક ‘ઘર ઘર’ પરથી પ્રેરણા લઈ તૈયાર કરવામાં આવ્યું હતું.
નાટક ઊપડે નહીં ત્યારે દિગ્દર્શક કોઈ ફેરફાર કરીને કે કોઈ તુક્કો લડાવી નાટકને આવકાર મળે એ માટે કોશિશ કરતો હોય છે. ચારેક શો પછી નીરજે પણ એવા પ્રયત્ન કર્યા. નાટકની વાર્તા અનુસાર યુએસમાં રહેતા અમારા પૌત્રનું અવસાન થઈ ગયું હોય છે પણ અમને એની જાણ નથી હોતી.
નીરજ આવી મને કહેવા લાગ્યો કે ‘મહેશ્વરી બહેન, નાટકનો ક્લાઈમેક્સ બહુ ભારેખમ બની જાય છે. આપણે એ બદલી નાખીએ અને પૌત્રના મૃત્યુની જાણ દાદા – દાદીને છે એવું દેખાડીએ. એ અનુસાર તમે જ તમારો ડાયલોગ તૈયાર કરી નાખો. જરૂર લાગશે તો આપણે મઠારીશું.’ આ હતો નીરજ વોરા. ચોકઠામાં ફિટ બેસી કામ કરવું એના સ્વભાવમાં જ નહોતું.
લાંબો ડાયલોગ મેં તૈયાર કર્યો અને નીરજે એમાં નજીવા ફેરફાર કરી મને અભિનંદન પણ આપ્યા. એ ડાયલોગ એવો હતો જેમાં અમારા ઘરમાં ઘૂસેલા ચાર યુવાનોનું કપટ ઉઘાડું પડે છે. ક્લાઇમેક્સના આ બદલાવથી કે પછી કોઈ અન્ય કારણસર, અગિયારમા શોથી નાટક એવું ઊપડ્યું કે ન પૂછો વાત. દોડવા માટે જાણે ઢાળ મળ્યો હોય એમ નાટક સડસડાટ ચાલવા લાગ્યું.
400થી વધુ શો થયા અને એ સુધ્ધાં એક પણ ચેરિટી શો વિના. નાટકને મળેલી અસાધારણ સફળતા એની સાથે સંકળાયેલા દરેક કલાકાર માટે ટોનિક સાબિત થતી હોય છે. 1992થી 1994 એમ સળંગ બે વર્ષ મેં એ નાટકના શો કર્યા.
નાટક હોય ફિલ્મ હોય કે કળાનું બીજું કોઈ સ્વરૂપ હોય, એમાં સંવેદના હોવી જરૂરી છે. વાર્તા, નાટ્યાત્મકતા, સજાવટ, અભિનય આ બધું ફિલ્મ કે નાટકને એક અલગ ઊંચાઈ પર લઈ જાય એ વાત સાચી, પણ જો એ બધું દર્શકના ચિત્તને હલબલાવે નહીં, એના હૃદયને ઢંઢોળે નહીં તો એનો વિસ્તાર સીમિત રહે છે.
કૃતિએ જો સીમાડા ઓળંગી, છલાંગ મારી આગળ વધવું હોય તો એમાં કોઈ એવું તત્ત્વ હોવું જરૂરી છે જે દર્શકના લાગણીતંત્રમાં ખળભળાટ મચાવી દે. નીરજ વોરાની એવી કોશિશને કારણે નાટકને જ્વલંત સફળતા મળી એવું મારું માનવું છે.
‘અફલાતૂન’ને મળેલી અફલાતૂન સફળતાથી અમે બધા પોરસાઈ ગયા હતા. નાટકને ધૂઆંધાર સફળતા મળે ત્યારે નવું નાટક કરવાની ઈચ્છા થોડી ઢીલી પડી જતી હોય છે. એવામાં મને એક એવી ઓફર આવી જેની મેં કલ્પના પણ નહોતી કરી.
ઓફર અમેરિકામાં નાટક કરવાની હતી, પણ ‘અફલાતૂન’ના શો ચાલુ રાખી હું એ સ્વીકારી શકું એમ નહોતી. એટલે મેં આખી વાત નિર્માતા આશિષ ત્રિવેદી (ઉપેન્દ્ર ત્રિવેદીનો દીકરો)ને કરી. મારા આશ્ર્ચર્ય વચ્ચે તેણે તરત હા પાડી દીધી અને કહ્યું કે ‘મહેશ્વરી બહેન, ઊપડો અમેરિકા.’ કલાકારને સારી તક મળે એમાં રાજી થનારા લોકો પણ હોય છે. આશિષ ત્રિવેદી એવી વ્યક્તિ હતી.
આપણ વાંચો: હેં… ખરેખર?! : 33 હજાર ફૂટથી વગર પેરેશૂટે પડ્યાં ને જીવતાં રહ્યાં, બોલો!
એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી
કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત નવલકથા ‘પૃથ્વીવલ્લભ’નો આધાર લઈ પ્રભુલાલ દ્વિવેદીએ ‘માલવપતિ મુંજ’ નામનું નાટક લખ્યું હતું. આ નાટકમાં કામ કરતા નટ માસ્ટર અશરફખાનના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી. તેમના અભિનય ઉપરાંત દર્દ ભરેલા ઘૂંટાયેલા અવાજમાં રજૂ થયેલા ગીત નાટ્ય રસિકો માટે એક અવિસ્મરણીય ભાથું બની રહ્યા છે.
એક ગીત તો અનેક લોકોના અંતરમાં આજે પણ સચવાઈને પડ્યું હશે જેમાં મનુષ્યની બેમિસાલ વ્યાખ્યા થઈ છે: એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી. ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી, એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી. અશરફખાન ઉપરાંત એમના જેવી જ અવ્વલ ગાયકી ધરાવતા નટ ભગવાનદાસ આવ્યા.
સંગીત સમ્રાટ તરીકે પણ ઓળખાતા ભગવાનદાસ ‘દેશી નાટક સમાજ’માં પ્રભુલાલ દ્વિવેદી લિખિત ‘સત્તાનો મદ’ નાટકમાં ‘પતંજલિ’ની ભૂમિકાથી લોકપ્રિય બન્યા હતા. એ સમયે અશરફખાન પણ ‘દેશી નાટક’માં હતા અને ભગવાનદાસની સામે એક અલગ પાત્ર ભજવતા હતા.
નાટકમાં એક સિચ્યુએશન એવી આવતી જ્યારે એક વીંગમાંથી ભગવાનદાસ અને બીજી તરફથી અશરફી ગાતા ગાતા આવતા. આ અનોખી જુગલબંધી પર પ્રેક્ષકો ઓવારી જતા હતા. એ ગીતની પંક્તિઓ પણ જનમાનસના દિલમાં અડ્ડો જમાવી બેસી ગઈ છે. એ પંક્તિઓ હતી: તું ચેત મુસાફર વહી જશે, સમય ઘડી કે બે ઘડી, એ મસ્તી મનમાં રહી જશે, છે સમય ઘડી કે બે ઘડી. છે આંખ છતાં કાં અંધ બને, લઈ દીવો હાથ કાં કૂવે પડે? અભિમાન અશ્વ પર ચડી ચડી, છે સમય ઘડી બે ઘડી.