સ્પોટ લાઈટ : વાસ્તવિક જીવનનો વિચિત્ર ડબલ રોલ

- મહેશ્વરી
પર્યુષણ પર્વ પછી ગણેશોત્સવ પણ રંગેચંગે પાર પડી ગયો. વિઘ્નહર્તા ગણેશજીના આગમન સાથે 10 દિવસ વાતવરણમાં ગજબનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. બાપ્પાની મૂર્તિ, એમની સમક્ષ કરવામાં આવતી ’સુખકર્તા દુ:ખહર્તા વાર્તા વિઘ્નાચી’ આરતી, ઉકડીચા મોદકનો પ્રસાદ… આ બધું મનભાવન હોય છે. ગણેશજીની મૂર્તિ વિશે મેં વાંચેલી એક સરસ મજાની વાત અહીં વાચકો સાથે શેર કરવાની ઈચ્છા થઈ છે.
પ્રજામાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા વધી ગઈ છે. એટલે હવે ‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ને બદલે શાડૂ માટી (રાખોડી રંગની માટી)ની મૂર્તિઓ બનાવવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. એમ કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ અને એના માટેની ભાવના જાણ્યા પછી હું પણ શાડૂ માટીના ઉપયોગનો આગ્રહ કરતી થઈ ગઈ છું. મુખ્યત્વે નદી કિનારે મળતી આ માટીની મૂર્તિ ઘડાઈ ગયા પછી એના પર પાણીમાં ઓગળી જાય એવા (વોટર સોલ્યુબલ) રંગથી સજાવટ કરવામાં આવે છે. કદમાં બહુ મોટી ન હોય એવી આ શાડૂ માટીની મૂર્તિનું વિસર્જન ઘરમાં જ એક નાનકડા ટબમાં કરવામાં આવે છે. નદી કિનારાની હોવાથી આ માટી ઉપજાઉ હોય છે અને બાગાયતના છોડ ઉછેરના કામમાં વાપરી શકાય છે. અનેક લોકો બાપ્પાના ઘર વિસર્જન પછી માટીનો ઉપયોગ તુળસીના છોડ માટે કરે છે. એ માટી છોડના ઉછેરમાં મદદરૂપ થાય છે અને પરિણામે બાપ્પા કાયમ એમના ભક્તો પાસે જ રહે છે. વિસર્જન પછી સર્જન. કેવો ઉમદા વિચાર. સાયન્સને જ્યારે શ્રદ્ધાનો સથવારો મળે ત્યારે પરિણામ આનંદદાયક હોય છે. ગણપતિ બાપ્પા મોરયા.
ગયા હપ્તે વાત જ્યાં અટકી હતી ત્યાંથી આગળ વધારીએ. નાટકમાં મારા અભિનયથી મારી ચાહક બનેલી અને પછી ‘સાચાબોલા જુઠાલાલ’ નાટકમાં મારી સાથે કામ કરનારી સુનિતા સોનાવાલાને મદદ કરવા જતા હું તો મુસીબતમાં મુકાઈ ગઈ. સુનિતા ઘરમાં નહોતી ત્યારે અચાનક ઘરના દરવાજા પર અજાણ્યા માણસો આવીને ઊભા રહ્યા અને ’અમારે મહેશ્વરી બહેનને મળવું છે’ એમ કહ્યું ત્યારે મને નવાઈ એટલે લાગી હતી કે મહેશ્વરીને જ એ લોકો ’મહેશ્વરી બહેનને બોલાવો, અમારે એમને મળવું છે’ એમ શું કામ કહેતા હશે? જોકે, પછી તેમણે જે વાત કરી એ સાંભળી હું ચોંકી ગઈ, સ્તબ્ધ થઈ ગઈ.
મને એટલો તો ખ્યાલ આવી ગયો કે સુનિતા આ લોકોને મળી હશે અને પોતાની ઓળખ મહેશ્વરી તરીકે આપી હશે. પણ મારું નામ લઈ તેણે શું કરવા ધાર્યું હશે એનો અણસાર પણ મને ન આવ્યો. જોકે, આવેલા ભાઈઓએ કહ્યું કે ‘એ બહેન અમારે ત્યાંથી ત્રણેક દિવસ પહેલા ચાર – પાંચ મોબાઈલ ફોન લઈ ગયા છે અને પછી મોઢું જ નથી દેખાડ્યું. બધા ફોન લેવા છે કે અમુક રાખી બાકીના પાછા કરવા છે એ અંગે કોઈ ચોખવટ નથી કરી. દુકાનમાંથી નીકળતી વખતે આ ઘરનું એડ્રેસ આપી ગયા હતા એટલે હિસાબ પતાવવા અમે અહીં આવ્યા છીએ.’ હું સમજી ગઈ કે સુનિતા નામનો મોરલો કળા કરી ગયો છે.
મને ચિંતા થઈ. અલબત્ત, સુનિતા કરતા વધુ કાળજી નાટકના શોની હતી. મોબાઈલની શોપના લોકો મારે ઘરે આવ્યા ત્યારે શુક્રવાર હતો. શનિવાર – રવિવારે ‘સાચાબોલા જુઠાલાલ’ નાટકના શો હતા. એ બે શો પતાવી નાટક લઈ પહેલી વાર અમદાવાદ જવાનું હતું. નિર્માતા કિરણ સંપટ સહિત દરેક કલાકાર ઉત્સાહમાં હતા. ચિંતા એ વાતની થઈ કે સુનિતા નાટકમાં રોલ કરી રહી હતી અને આમ અચાનક એક આર્ટિસ્ટ ગાયબ થઈ જાય ત્યારે છેક છેલ્લી ઘડીએ કોઈ અભિનેત્રીને રિપ્લેસમેન્ટ માટે નક્કી કરવી પડે. જો કલાકાર ન મળે તો પ્રોબ્લેમ થાય. શું કરવું ને શું નહીં એ વિમાસણ વચ્ચે ઘેરાઈ ગઈ.
નાટકના પ્રોડ્યુસર કિરણ સંપટને ફોન કરવો જોઈએ અને જે કંઈ થયું છે એનાથી એમને વાકેફ કરવા જોઈએ એવો વિચાર મને આવ્યો. વારંવાર ફોન જોડ્યો, પણ કિરણ ભાઈ ફોન ઉપાડતા જ નહોતા. મારે ત્યાં રહેવા આવી એ પહેલા સુનિતા મુકેશ રાવલને ત્યાં રહેતી હતી (તેણે જ મને કહ્યું હતું) એટલે મેં મુકેશ પાસેથી જાણકારી મેળવવા તેને પણ ફોન જોડ્યો. પણ મુકેશે સુધ્ધાં ફોન રિસીવ ન કર્યો. 1990ના દાયકામાં ફોન સંપર્કની ઉત્તમ સુવિધા ગણાતી હતી, પણ જરૂર હોય ત્યારે જ કામ ન આવે એ સગવડ શું કામની?
અને બીજા દિવસે પેલા મોબાઈલ શોપના લોકોમાંથી એક જણે સવારમાં મારા ઘરની બેલ મારી. દરવાજો ખોલીને જોયું તો એ પોલીસને લઈને આવ્યો હતો. મામલો ખૂબ ગંભીર બની ગયો હોવાનો ખ્યાલ મને આવી ગયો. હું સ્વભાવે નીડર. જીવનમાં અનેકવાર ભલભલા મુશ્કેલ કે ડરામણા પ્રસંગોનો સામનો અડગ રહી ગભરાયા વિના કર્યો હતો. જોકે, સાચું કહું છું કે એ દિવસે દરવાજા પર પોલીસ જોઈ હું સહેજ ગભરાઈ ગઈ હતી. અચાનક ઊભી થયેલી મોબાઈલની મોકાણમાં મારો કોઈ હાથ હશે એવું આ લોકો સમજી ન બેસે તો સારું એવો વિચાર મનમાં ઝબકી ગયો.
હવે બધો ખુલાસો કરવાનો સમય આવી ગયો છે એટલું મને સમજાઈ ગયું. મોબાઈલની શોપવાળા ભાઈ અને પોલીસને મેં ઘરમાં બેસાડ્યા અને તેમને કહ્યું કે ‘જુઓ ભાઈ, હું આ મોબાઈલ ફોન વિશે કશું જ જાણતી નથી. રવિવારે ચોપાટીના બિરલા ક્રીડા કેન્દ્રમાં સાંજે સાડા સાતે અમારા નાટકનો શો છે. તમે ત્યાં આવો અને તમને કઈ મહેશ્વરીની તલાશ છે એ શોધી કાઢો.’ હું જ મને શોધવા જણાવી રહી હતી એ વિચારે મને આંચકો આપ્યો અને થોડી રમૂજ પણ થઈ.
રવિવારનો સૂરજ ઉગ્યો અને સવારથી જ સાંજે શું થશે એ વિચારોએ મારા દિમાગને ઘેરી લીધું હતું. કલાકાર અને ખાસ કરીને ગુજરાતી નાટકોના કલાકાર માટે રવિવારની સવાર સાંજના શો માટે તાજગીનો એહસાસ હોય છે. કદાચ જીવનમાં પહેલી વાર શોના દિવસે નાટકને બદલે અન્ય બાબત પર મારું ચિત્ત ચકરાવે ચડ્યું હતું. હું તો નિયત સમયે થિયેટર પર પહોંચી ગઈ ત્યારે જોયું કે પેલા મોબાઇલવાળા ભાઈ શો શરૂ થવા પૂર્વે જ એમની ‘મહેશ્વરીને શોધવા અને પકડવા’ આવી પહોંચ્યા હતા. કિરણ સંપટને જઈને કહેવા લાગ્યા કે ‘અમને જેની તલાશ છે એ નહીં મળે ત્યાં સુધી અમે શો શરૂ નહીં થવા દઈએ.’ કિરણભાઈ ગભરાઈ ગયા અને બે હાથ જોડી વિનંતી કરી કે ‘પ્લીઝ, એવું નહીં કરતા. મારો શો હાઉસફુલ છે. શો પૂરો થઈ જવા દ્યો અને પછી તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરજો.’ સદનસીબે પેલા ભાઈ માની ગયા.
સુનિતાને વાતની કશી જાણ અમે થવા ન દીધી. શો પૂરો થયો અને અમે બધા થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે ‘આ રહી અમારી મહેશ્વરી’ એમ કહી પોલીસ સુનિતાને પકડીને લઈ ગયા. નકલી મહેશ્વરી પોલીસના તાબામાં આવતા અસલી મહેશ્વરીએ એટલે કે મેં નિરાંતનો શ્વાસ લીધો. ડબલ રોલવાળી હિન્દી ફિલ્મો વિશે સાંભળ્યું હતું અને ‘સીતા ઔર ગીતા’ તો જોઈ પણ હતી. જોકે, રીલ લાઈફની વાત અલગ છે. રિયલ લાઈફમાં આ પ્રકારના વિચિત્ર ડબલ રોલ વિશે ક્યાંય વાંચ્યું કે જાણ્યું નહોતું. કુદરત પણ કેવા કેવા ખેલ દેખાડે છે.
ભમ્મરિયા કૂવાને કાંઠડે
પ્રહસન એટલે બહુધા ફાર્સ તરીકે ઓળખાતો પાશ્ર્ચાત્ય હાસ્યનાટકનો પ્રકાર. સમાજમાં રહેલા દંભી કે પાખંડીઓને ખુલ્લા પાડી પ્રેક્ષકોને જાગૃતિ સાથે મનોરંજન આપવાનું પ્રહસનનું પ્રયોજન રહ્યું છે. વ્યવસાયી રંગભૂમિ પર પણ પ્રહસનાત્મક નાટકોની પરંપરા રહી છે. નાટક જોવા આવતા મોડા પડતા પ્રેક્ષકો મૂળ નાટક ચૂકી ન જાય તેથી અનુકૂળતા કરી આપવા ખાતર, મૂળ નાટકની પહેલા તેમજ બે અંક વચ્ચે દ્રશ્ય – ગોઠવણીની અનુકૂળતા માટે આગળના પડદા સમક્ષ પ્રહસન (કોમિક તરીકે વધુ જાણીતા હતા) નાટકો ભજવાતા હતા. મૂળ નાટ્ય વસ્તુ સાથે એનો વિશેષ સંબંધ ન રહેતો, પણ વ્યવસાયી રંગભૂમિમાં આ પરંપરા વિકસી હતી. પ્રહસન વિભાગના આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’, પ્રાણસુખ ‘તેતર’ (દલપતરામના ‘મિથ્થાભિમાન’ નાટકના જીવરામ ભટ્ટ), છગન રોમિયો, મા. શિવલાલ કોમિક ‘નયનાજી’, અલીદાદન, કેશવલાલ ‘કપાતર’ પણ એવાં જ યાદગાર ભૂમિકા ભજવી જનારાંનાં નામો છે. આણંદજી ‘કાઠિયાવાડી કબૂતર’નું ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ ગીત તથા ‘કેમ કરી પાણીડાં ભરાય રે ભમ્મરિયા કૂવાને કાંઠડે’ ને એવાં અનેક ગીત યાદગાર સંભારણું છે. પ્રભુલાલ દ્વિવેદીના ‘કીર્તિસ્તંભ’, ‘સત્તાનો મદ’, ‘ચેતન યુગ’, ‘અજયધારા’ વગેરે નાટકોમાં કોમિક ઝળકી ઊઠતું. જનતાના હૃદય પર છાપ પાડતા કોમિક માટે દર્શકોનો ધસારો રહેતો. ભાઈ આણંદજીએ દેશી નાટક સમાજમાં રહી પોતાનાં કાઠિયાવાડી લોકગીતો રેકોર્ડ થયા હતા. એ સમયે એચએમવી કંપનીના સંચાલક રમાકાંતભાઈ રૂપજીએ કાઠિયાવાડી ગાણાં રેકોર્ડ કરવા આણંદજીની પસંદગી કરી હતી. માસ્તર આણંદજી (કાઠિયાવાડી કબૂતર)એ એ પસંદગી સાર્થક ઠેરવી અને ચારેકોર એમના ગીત ગુંજવા લાગ્યા. એવી નોંધ છે કે એચએમવી કંપની ભાઈ આણંદજીને રૂપિયા એક હજાર વાર્ષિક રોયલ્ટી તરીકે આપતી. કંપની તરફથી આણંદજી ભાઈને એક સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : હિમાલયમાં રંગો ને સુગંધની સફર એટલે કુદરતે બક્ષેલી અણમોલ ભેટ…