સ્પોટ લાઈટ : મદદ કરવા જતા મુસીબત આવી…

- મહેશ્વરી
જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ હાલમાં જ સમાપ્ત થયો. રંગભૂમિને કારણે મને જૈન ધર્મનો પરિચય થયો હતો. હું જોગેશ્વરીમાં રહેતી હતી ત્યારે સ્થાનિક જૈન વેપારીના કહેવાથી પ્રતિક્રમણ’ નામનું નાટક કર્યું હોવાની વાત આ કોલમમાં મેં કરી હતી. પ્રતિક્રમણ જૈનોની એક ધાર્મિક ક્રિયા છે જેનો અર્થથયેલાં પાપની માફીની પ્રાર્થના’ થાય એવું મને કોઈએ સમજાવ્યું હતું.
જૈન ધર્મમાં ક્ષમાપનાનું વિશેષ મહત્ત્વ છે. પર્યુષણનો અંતિમ દિવસ ક્ષમાપના દિવસ હોય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ મતલબ કે ક્ષમા આપવી એ વીરનું આભૂષણ કહેવાયું છે. ક્ષમા આપવાનો ગુણ કેળવવો આસાન નથી, પણ મેં એવી કોશિશ કરી છે અને એમ કરવાથી આંતરિક શાંતિ અનુભવી છે. જાણવાની વાત એ છે કે જૈન ધર્મની બારીકીઓ સમજાવવાના પ્રયાસો નાટકના મંચન દ્વારા થતા આવ્યા છે.
સિદ્ધાર્થ રાંદેરિયાની સલાહ માની બિમલ માંગલિયાની ગુજરાતી ફિલ્મ માટે ખોટું કારણ આપી ના પાડી મેં સાચાબોલા જુઠાલાલ’ સ્વીકારી લીધી. અલબત્ત કેટલાક લોકોએ નાટક માટે ફિલ્મ છોડાતી હશે?’ એવું કહ્યું તો `મહેશ્વરી, તારો નિર્ણય બરાબર છે’ એવું કહેનારા પણ હતા. જોકે, મને સિદ્ધાર્થના કથનમાં પૂરી શ્રદ્ધા હતી અને એટલે હું તો ફિલ્મની ઓફર ભૂલી જઈ કિરણ સંપટના નાટકના રિહર્સલમાં વ્યસ્ત થઈ ગઈ.
સાચાબોલા જુઠાલાલ’માં મને શરદ સ્માર્ત સાથે કામ કરવાનો મોકો મળ્યો. શરદ ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર હતા. અભિનય ઉપરાંત નાટ્ય દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું. મને બરાબર યાદ છે બર્નાર્ડ શોનાપિગ્મેલિયન’ નાટકના મધુ રાયએ કરેલા ગુજરાતી સંસ્કરણ સંતુ રંગીલી’ નાટકમાં શરદ ભાઈએ ભાષાશાસ્ત્રી ડો. બુવારિયાનો રોલ કર્યો હતો.
નાટકમાં સંતુ તેમ જ પ્રોફેસર હિમાદ્રિ વદન વૈષ્ણવ ઉપરાંત ડૉ. બુવારિયાની ભૂમિકા પણ મહત્ત્વની હતી. લાલુ શાહનીબહુરૂપી’ સંસ્થા માટે શરદ ભાઈએ દિગ્દર્શિત કરેલા `કરવટ બદલે લાશ’ને પણ સારો આવકાર મળ્યો હતો. શરદ ભાઈ સાથે કામ કરવાથી ઘણું શીખવા મળ્યું.
નાટકના કલાકારોના કાફલામાં એક હતી સુનિતા સોનાવાલા. અમારી ઓળખાણ જૂની હતી. 1980ના દાયકામાં જ્યારે હું કાંતિ મડિયાનું નાટક `કોરી આંખો ને ભીના હૈયા’માં કામ કરતી હતી ત્યારે સુનિતા નાટક જોવા આવતી હતી અને ત્યારથી એ મારી ચાહક બની ગઈ હતી. અમારું મળવાનું નિયમિત નહોતું, પણ મળતા ત્યારે નાટકની અને બીજી અલકમલકની વાતો કરતા. નાટકમાં ક્યારેય સાથે કામ નહોતું કર્યું. આ પહેલો જ પ્રસંગ હતો.
એ સમયે સુનિતા કદાચ કોઈ અંગત સમસ્યામાં ઘેરાઈ હશે એટલે ગુજરાતી નાટકોના એ સમયના જાણીતા અભિનેતા મુકેશ રાવલના ઘરે રહેતી હતી. અચાનક એક દિવસ આવી મને કહેવા લાગી કે `મહેશ્વરી બહેન, તમે સાવ એકલા રહો છો તો પેઈંગ ગેસ્ટ કેમ નથી રાખતા? સારી કંપની મળે અને થોડી આવક પણ થાય.’ જોકે, મારી એવી કોઈ ઈચ્છા નથી એમ કહી મેં એને સાફ ના પાડી દીધી.
પોતાની પાસે એ સમયે રહેવા માટે ઘર નહોતું એમ સુનિતાએ મને કહ્યું. એટલે પેઈંગ ગેસ્ટ તરીકે મારે ત્યાં રહેવા ઉત્સુક હતી. શું પ્રોબ્લેમ હતો એ જાણવાની મેં કોશિશ પણ કરી નહીં, કારણ કે જીવનમાં એવી કેટલીક બાબતો હોય છે એ ન જાણીએ એ આપણા હિતમાં હોય છે. જોકે, રહેવા માટેની સુનિતાની જરૂરિયાત અને વ્યથા સમજી મેં એને એટલું જ કહ્યું કે `હું પેઈંગ ગેસ્ટ તરીકે તો તને નહીં રાખું. હા, આપણે એક જ ક્ષેત્રમાં સાથે કામ કરીએ છીએ એટલે હું પંદરેક દિવસ મારા ઘરમાં તારા રહેવાની વ્યવસ્થા કરી આપું છું. દરમિયાન તું તારા રહેવાની વ્યવસ્થા કરી લે.’
આ પ્રકારની ઘણી મુશ્કેલીઓમાંથી હું પસાર થઈ છું એટલે સુનિતાનો સમય સાચવી લેવા હું મદદરૂપ થઈ. ત્યારે ક્યાં ખબર હતી કે મદદ કરવા જતા મુસીબતમાં મુકાઈ જઈશ. પંદરેક દિવસમાં તું જગ્યા શોધી લેજે એમ કહી એને મારા ફ્લેટમાં રહેવા જગ્યા આપી.
એના સ્વભાવથી કે એની રહેણીકરણીથી હું જરાય પરિચિત નહોતી. જોકે, સાથે રહ્યા પછી ખબર પડી કે મોંઘીદાટ સિગારેટનું ધૂમ્રપાન નિયમિત કરવાની તેને આદત હતી. શરાબની પણ શોખીન હતી. ખાણીપીણીની પણ શોખીન હતી. એને ગુજરાતી દાળ બહુ ભાવતી એટલે હું એ બનાવી એને જમાડતી. મારું કોઈ અંગત હોય એ રીતે એનું હું બનતું ધ્યાન રાખતી હતી.
એક દિવસ એવી ઘટના બની કે હું સ્તબ્ધ થઈ ગઈ. હાથીના ચાવવાના દાંત જુદા અને દેખાડવાના જુદા એ કહેવત મેં સાંભળી હતી, પણ એનો સાક્ષાત પરિચય એ દિવસે થયો.
નિયત સમયે સુનિતા બહાર જવા નીકળી અને થોડી વાર પછી ઘરના દરવાજા પર બેલ વાગી. દરવાજો ખોલી જોઉં છું તો કેટલાક અજાણ્યા માણસો ઊભા હતા. એમાંથી એક જણે મને પૂછ્યું કે મહેશ્વરી બહેન છે?' મેં સામો સવાલ કર્યો કે
શું કામ છે?’ સામો જવાબ આવ્યો કે `અમારે મહેશ્વરીબહેનને મળવું છે.’ એટલે મેં કહ્યું કે હું જ મહેશ્વરી બહેન છું. બોલો, શું કામ છે?’
પછી ચાલેલો વાર્તાલાપ ચોંકાવનારો અને સ્તબ્ધ કરી દેનારો હતો. દરવાજા પર ઉભેલા અજાણ્યા લોકોમાંથી એક વ્યક્તિ બોલી કે `ના, ના, તમે નહીં. મહેશ્વરીબહેન તો ભૂત જેવા દેખાય છે. એમનું કામ છે. એમને બોલાવો.’ હું સમજી ગઈ કે આ લોકો સુનિતા સોનાવાલાને મળવા માગે છે.
હું સ્વભાવે પરગજુ છું. કપરા સમયે કોઈની પડખે ઊભા રહેવું જોઈએ, બનતી મદદ કરવી જોઈએ એવું મારું માનવું છે. જોકે, જીવનમાં એવા એવા અનુભવ થયા છે કે ક્યારેક આપણે શું લેવાદેવા એવો વિચાર મનમાં ઝબકી જાય છે. સુનિતા સાથેનો અનુભવ આ પ્રકારનો રહ્યો. અને પછી પેલા લોકોએ જે વાત કરી એ સાંભળી હું ગભરાઈ ગઈ.
સાત અંકના નાટકમાં 69 ગીત
1930ના દાયકામાં કલકત્તામાં ફિલ્મ થિયેટરના માલિક તેમ જ ફિલ્મ ડિરેક્ટર તરીકે નામના મેળવનારા જે. જે. મદનએ 1932માં ઈન્દ્રસભા’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ એના 69 ગીત (કેટલેક ઠેકાણે 72 ગીતની નોંધ છે, પણ નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર 69 ગીત હોવાનો ઉલ્લેખ છે)ને કારણે વધુ સ્મરણમાં રહી છે.
આ સંદર્ભમાં એક રસપ્રદ વાત જાણીએ. વાત એમ છે કેમોરબી આર્ય સુબોધ નાટક મંડળી’ના સ્થાપક વાઘજી આશારામ ઓઝા 1882માં ચાંપરાજ હાડો અને સોનરાણી’ કથાને આધારે સાત અંકનું નાટક લખ્યું હતું. નાનુભાઈ વકીલ નામના દિગ્દર્શકેચાંપરાજ હાડો’ નામની ફિલ્મ પણ 1923માં બનાવી હતી અને એનું લેખન વાઘજીભાઈએ કર્યું હોવાની નોંધ છે.
આ નાટકના સંવાદો દર્શકોને બહુ પસંદ પડ્યા હતા અને શો પૂરો થયા પછી અનેક મોઢે એ સાંભળવા મળતા. આજે જ્યારે બે અંકનું નાટક પણ લોકોને લાંબું લાગે છે ત્યારે સાત અંકના નાટકનો ઉલ્લેખ માત્ર ધ્રુજાવી દે. જૂની રંગભૂમિના નાટકોમાં ગીત-સંગીતનો ખાસ્સો પ્રભાવ રહેતો અને ચાંપરાજ હાડો અને સોનરાણી’ નાટકમાં 69 ગીત હતા.
એક રીતે આ નાટકેઈન્દ્રસભા’ની બરાબરી કરી એમ કહી શકાય. આ નાટકની અન્ય એક લાક્ષણિકતા એ હતી કે એમાં કેટલાક સંવાદો ઉર્દૂમાં હતા તો કવિ ગંગના છંદ મારવાડી બોલીમાં રજૂ થતા. ભાષાની આવી ભેળ ભાગ્યે જ કોઈ નાટકમાં જોવા મળી હશે.