`ફટ છે મુઆ, પુરુષ થઈને બાઈ બન્યો!’

સ્પોટ લાઈટ – મહેશ્વરી
ત્રિઅંકી નાટકના સમયમાં જ્યારે નાટક ત્રીજા અને અંતિમ અંકમાં પ્રવેશે ત્યારે કથાના કલાઇમેકસ માટે અને એના અનુષંગે નાટકના અંત માટે ભૂમિકા તૈયાર થઈ જાય. હું પણ અત્યારે જીવનના અંતિમ તબક્કામાં અને નાટકની ભાષામાં કહું તો અંક ત્રીજો અને દ્રશ્ય ત્રીજું અને છેલ્લું તબક્કામાં પ્રવેશી ચુકી છું.
આંખ સામેથી અનેક દ્રશ્યો પસાર થઈ રહ્યાં છે, અનેક સ્મૃતિ તાજી થઈ રહી છે. મારી અભિનય કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો ભાંગવાડીમાં શ્રી દેશી નાટક સમાજમાં હતો એ નિર્વિવાદ હકીકત છે, પણ મારું પાયાનું ઘડતર તો એ પહેલા થયું હતું એ વાત પણ મારે સ્વીકારવી જ જોઈએ.
મારી નાટ્ય સફરની શરૂઆત ગણેશ મંડળનાં નાટકોથી થઈ હતી. એ નાટકોની ભજવણી સીમિત પ્રેક્ષકવર્ગ સમક્ષ થતી, એના શો પણ જૂજ થતા હતા પણ દર્શકોની હૂંફ, એમના પ્રેમની માત્રા ઝાઝી હતી. અભિનયનો એકડો અહીં જ ઘૂંટાયો. નાનકડા ગામમાં નાટકો થતાં ત્યારે નાયકોના સંતાનોની હાજરી ખાસ્સી જોવા મળતી. અહીં જોકે, વ્યવસ્થિત સ્ટેજ જેવું કશું જ ન હોય.
જમીન પર જ કર્ટન બાંધેલો હોય, ખુરશી જેવી કોઈ વ્યવસ્થા ન હોય અને રસિક પ્રેક્ષકો ચટાઈ કે બીજું કોઈ પાથરણું પાથરી નાટક જોવા બેસી જાય. ટિકિટ વેચાણની પણ કોઈ વ્યવસ્થા ન હોય. પ્રેક્ષકો વિનામૂલ્યે નાટક જુએ અને આનંદ માણે. આ ટોળાનાં નાટકો કહેવાય. આ ટોળાનાં નાટકોમાં કામ કરી, એમાં ઘડાઈને નાયકોના ઘણાં સંતાનોએ રંગભૂમિમાં કારકિર્દી બનાવી.
એક સમયે પ્રભાસ પાટણના ભગુભાઈ વૈદ્યનો અભિનય લાજવાબ હતો. આ કલાકાર કરુણ રસના કસબી હતા. એમનો અભિનય જોઈને પ્રેક્ષકોની આંખમાં દડ દડ આંસુ વહેવા લાગતા હતા. પ્રભાસ પાટણમાં સ્ત્રી પાત્ર ભજવતા એક કલાકારે પોતાના પરિવારને નાટક જોવા બોલાવ્યો હતો. નાટક માણી રહેલા પ્રેક્ષકોમાં કલાકારની પત્ની પણ હતી. ઓડિયન્સમાં બેઠેલી પત્નીએ પોતાના પતિને સ્ત્રી પાત્રમાં જોયો અને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એનાથી સહન ન થયું અને એ ત્રાડ પાડી ઊઠી હતી કે `ફટ છે મુઆ, પુરુષ થઈને બાઈ બન્યો!’
રંગભૂમિના વિકાસનો વિચાર કેટલાક લોકોને આવ્યો અને એમાંથી ખાડાની કંપની તૈયાર થઈ. પછી પતરાં બાંધી નાટક ભજવણીનો પ્રારંભ થયો. ઘણી નાની કંપની અસ્તિત્વમાં આવી અને નાટ્ય પ્રવૃત્તિને વેગ મળવા લાગ્યો. માઈક – લાઈટ જેવી સગવડ પ્રારંભના સમયમાં નહોતી. અનેક નાટકો કેવળ પેટ્રોમેક્સના અજવાળે ભજવ્યાં હતાં. જોકે, અંતરનો ઉજાસ વધુ હતો અને એને કારણે બીજી બધી તકલીફ વામણી લાગતી હતી.
ગામડામાં જે નાટકો ભજવાતાં હતાં એમાં એક વાતનું આશ્ચર્ય એ થતું કે કોઈ નાટ્ય કંપની અહીં આવતી ન હોવા છતાં અન્ય કંપનીના લોકપ્રિય નાટકો કઈ રીતે ભજવાતા હશે? નાટ્ય કંપનીઓની ભજવણી સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ જેવાં મુખ્ય શહેરોમાં થતી હતી. જોકે, દેશી નાટક સમાજમાં ભજવાતા બધાં નાટકોના શો નાનાં નાનાં ગામડાઓમાં પણ થાય એની તકેદારી રાખવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિ ગુજરાતના ગામેગામ ફૂલીફાલી એમાં શ્રી દેશી નાટક સમાજનો મોટો ફાળો છે.
ગયા હપ્તામાં મેં દ્રશ્યની ભજવણી વખતે થતા ગોટાળા અને એને પગલે ઊભી થતી વિનોદી પરિસ્થિતિ વિશે વાત કરી હતી. જોકે, કલાકાર એવા ઘડાઈ ગયા હોય કે પ્રેક્ષકને અણસાર પણ ન આવવા દે અને નાટક આગળ ચાલતું રહે. એ સમયમાં ટેકનોલોજી વિકસી નહોતી અને આજના સમયની સરખામણીએ તો નહીં જેવી જ કહેવાય. તેમ છતાં ટ્રિક સીનની રજૂઆત એવી સરસ રીતે થતી કે પ્રેક્ષકો દંગ રહી જાય.
`હોથલ પદમણી’ નાટકમાં એક ટ્રિક સીન હતો. અપ્સરા સ્વર્ગ પરથી પૃથ્વી પર આવે છે. નાટક જોવા આવેલા પ્રેક્ષકોને એનો એહસાસ થાય એ માટે અપ્સરા ઉપરથી નીચે ઊતરે એવી કમાલ રજૂ કરવામાં આવી હતી અને ઓડિયન્સને એનું અચરજ થયું હતું. અપ્સરા સ્વર્ગમાંથી ઊતરી રહી છે એવું વાતાવરણ ઊભું કરવામાં સફળતા મળી હતી. પ્રેમીની ચિઠ્ઠી પ્રેમિકાને પહોંચાડવી હોય એ માટે પણ બહુ સરસ ટ્રિક સીન જોવા મળતો. ચિઠ્ઠી પહોંચાડનાર વ્યક્તિ ઓડિયન્સમાં ફરી પાછી ચિઠ્ઠી લઈ આવે અને જાણે ખૂબ ઈંતેજારી પછી પ્રેમિકાને ચિઠ્ઠી મળી હોય એવો માહોલ ઊભો કરી શકાતો હતો.
અભિનેતા સિવાયના કસબીઓની કમાલ પણ ગજબની હતી. આજે સેટ ડિઝાઈનર તરીકે ઓળખાતા લોકો અમારા વખતમાં મિસ્ત્રી તરીકે ઓળખાતા હતા. એ લોકો એમના કામમાં પારંગત હતા અને સેટ પર સ્ટીમર પાણીમાં ઊભી હોય એવું વાતાવરણ એ લોકો આબેહૂબ ખડું કરી શકતા હતા.
બીએસટીની બસ કે ટ્રક સ્ટેજ પર દેખાડી શકાય એવી આવડત અને કુશળતા એ લોકોમાં હતી. કૈલાશપતિ’ નાટકમાં તો શંકર ભગવાન નંદી પર બેસીને સ્ટેજ પર આવે એવી ચમત્કૃતિ પ્રેક્ષકોને હેરત પમાડતી હતી. આ નાટકમાં સતીનું પાત્ર યજ્ઞની વેદીમાં હોમાઈ જાય છે એ સીન સિક્વન્સ પણ બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી.
નાટકોમાં કામ કરવાની મેં શરૂઆત કરી ત્યારે માઈક સિસ્ટમ જેવી કોઈ વ્યવસ્થા – સગવડ નહોતા. દર્શકો સુધી અવાજ પહોંચે, એને ડાયલોગ સંભળાય એ માટે કલાકારએ મોટેથી બોલવું જરૂરી હતું. એટલે અમારી વોઇસ ટે્રઈનિંગ બહુ સરસ રીતે કરવામાં આવતી હતી. જોકે, જ્યારે મારા સહિત અન્ય કલાકારોએ નવી રંગભૂમિમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે અમને ખાસ કહેવામાં આવતું કેજરા ધીમેથી બોલો, આ જૂની રંગભૂમિ નથી.’ ધીમેથી બોલવાની વાત તો સમજી શકાય એવી હતી, પણ `આ જૂની રંગભૂમિ નથી’ એ વાત બહુ ખટકતી હતી. માઠું લાગતું હતું. કેટલાક લોકો તો જોરથી બોલવાની શૈલીની બહુ ખરાબ નકલ કરી એને ઉતારી પાડતા એ જોઈને દુ:ખ પણ બહુ થતું હતું. આ લોકો જૂની રંગભૂમિનાં નાટકો જોયાં જ નથી અને એની ટીખળ કરે છે એ વાત અમને કોરી ખાતી હતી. જોકે, અમે ચુપચાપ બધું જોયા
કરતા હતા.
1950ના દાયકામાં ગુજરાતી રંગભૂમિની શતાબ્દીની ઉજવણી મુંબઈ અને ગુજરાતમાં થઈ હતી. આ મહોત્સવ આછી નાટ્ય પ્રવૃત્તિમાં નવો ઉત્સાહ અને નવા પ્રતિભાશાળી કલાકાર અને કસબીઓ જોવા મળ્યા હતા. રંગભૂમિનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. રંગભૂમિ ઉપર પહેલા જંગલ, મહેલ કે રસ્તાઓના પડદા હતા ત્યાં હવે આધુનિક ટેકનોલોજીના કારણે ગોળ-ગોળ ફરતા રંગમંચ, સરકતા મંચ, અન્ય ટેકનિક અને ત્રણ ડાઇમેન્સલ સેટ પણ આવ્યા. આ બદલાવ મહત્ત્વનો સાબિત થયો.
ઈન્દોરમાં જન્મેલા માસ્ટર અશરફ ખાન સાચા અર્થમાં અભિનયમાં માસ્ટરી ધરાવતા હતા. ભાષા ઉપરાંત સંગીત અને અભિનયમાં પ્રવીણતા મેળવી હતી. ગુજરાતી નાટક કંપની સાથે જોડાયા અને અહીંથી જ તેમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદી અને મૂળચંદ મામાની તાલીમ મેળવી માલવપતિ’ નાટકમાં મુંજની ભૂમિકા કરીને સફળતા મેળવી. અંગત જીવનમાં ક્યારેય દારૂને ન અડકનાર અશરફ ખાનેસિરાજુદ્દૌલા’માં સિરાજ તરીકે દારૂડિયાની ભૂમિકા સફળ રીતે ભજવી અને વાહ વાહ મેળવી. સંસારસાગર’ નાટકમાં ખલનાયક સુધાકરની ભૂમિકા અનેઅરબ કા સિતારા’માં હાસ્યનટની ભૂમિકા ભજવી હતી. ભૂમિકાના આવા વૈવિધ્યને કારણે તેઓ એક કુશળ નટ તરીકે પ્રસ્થાપિત થયા. `એક અબળા’ નાટકમાં બિહારીની ભૂમિકા અશરફ ખાન ભજવવાના છે એની જાણ થતા પ્રેક્ષકોનો મોટો ધસારો થયો હતો અને ખોટ કરતી નાટક કંપની સધ્ધર થઈ ગઈ હતી.
સ્ત્રીપાત્ર ભજવતા છોકરાઓ પર પ્રેક્ષકો મોહી પડતા
નટના વર્ચસ્વને કારણે અમૃત કેશવ નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ એડીપોલો’, મોહનલાલ, માસ્ટર અશરફ ખાન, પ્રભાશંકરરમણી’, જયશંકર સુંદરી’, મોતીબાઈ, માસ્ટર કાસમ, મૂળજી ખુશાલ, આણંદજીકબૂતર’, મુન્નીબાઈ, માસ્ટર વસન્ત વગેરે નટ-નટીઓથી જૂની ગુજરાતી રંગભૂમિ રળિયાત હતી. આ કલાકારોએ પોતાની ભૂમિકા અદા કરવા માટે પોતાની બધી જ આવડતો કામે લગાડી, તાલીમ પણ પ્રાપ્ત કરી હતી. અમૃત નાયકે છેક લખનઊ સુધી જઈને અભિનયની તાલીમ મેળવી હતી. આ કલાકારોની લોકચાહના એટલી બધી હતી કે એમની એકેક અદા પર લોકો વન્સમોર ગજવતા હતા.
આગા હશ્ર કશ્મીરીના એક નાટક અસિરે હિર્સ’માં અમૃત નાયકની ભૂમિકાથી લોકો ખુશખુશાલ હતા. અમૃત નાયકે લોકોની ખુશીનો સ્વીકાર કરવા માટે ત્રણ ત્રણ વાર પડદામાંથી બહાર આવવું પડતું હતું. કહેવાય છે કેકર્ટન કોલ’ની પ્રથા અમૃત કેશવ નાયકથી શરૂ થઇ હતી. સુંદર મેકઅપથી સ્ત્રીપાત્ર ભજવતા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા. મોહવશ થઈ તેમની નિકટ જવા, તેમની સાથે ઓળખાણ વધારવા તેમને ભેટસોગાદો આપીને આકર્ષણ ઊભું કરતા. દરેક વ્યવસાયમાં હોય છે એવા સ્વૈચ્છિક કે ફરજિયાત શોષણના બનાવો પણ બનતા. જોકે, છેવટનો આધાર વ્યક્તિની પોતાની ઉપર અને નાટકમંડળીની શિસ્ત પર રહેતો. (સંકલિત)



