સ્પોટર્સ વુમનઃ દિવ્યા દેશમુખ: ભારતીય મહિલા ચેસને મળી નવી દિવ્ય દૃષ્ટિ

- શાહિદ એ. ચૌધરી
નાગપુરની 19 વર્ષીય ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) દિવ્યા દેશમુખે ગ્રૅન્ડમાસ્ટર (જીએમ) બનવા માટે ઘણા સપનાં જોયા હતા અને એ માટે જરૂરી ત્રણમાંથી એકાદ નૉર્મ (પૉઇન્ટ) મેળવવાના આશયથી તાજેતરમાં જ્યોર્જિયાના ફિડે વર્લ્ડ કપમાં રમવા ભારતથી ગઈ હતી, પરંતુ પરિણામ એ આવ્યું કે તે સડસડાટ એક પછી એક ગેમ જીતીને વિશ્ર્વ કપની ફાઇનલમાં ભારતની જ પીઢ ખેલાડી 38 વર્ષીય કૉનેરુ હમ્પી સામે રમી હતી અને એમાં પણ જીતીને ચેસ વિશ્ર્વની યંગેસ્ટ ચૅમ્પિયન તો બની જ ગઈ, તેને આપોઆપ ગ્રૅન્ડમાસ્ટરનું ટાઇટલ પણ મળી ગયું. ભારતીય મહિલા ચેસમાં નવા યુગનો આરંભ થયો છે.
2013માં દિવ્યા 13 વર્ષની ઉંમરે વુમન ફિડે માસ્ટર (ડબ્લ્યૂએફએમ) બની હતી અને હવે માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્ર્વની મહિલાઓમાં 44મી તથા ભારતની ચોથી મહિલા જીએમ બની ગઈ છે. ભારતની કુલ 88મી જીએમ બનવા ઉપરાંત તેને આ વર્ષની ધ કૅન્ડિડેટ્સ સ્પર્ધામાં રમવા માટેની એન્ટ્રી પણ આપોઆપ મળી ગઈ છે.
પુરુષોમાં ચેન્નઈનો વિશ્ર્વનાથન આનંદ 2000ની સાલમાં પ્રથમ ભારતીય વિશ્ર્વવિજેતા બન્યો ત્યાર બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં ચેન્નઈનો ડી. ગુકેશ 19 વર્ષની સૌથી યુવાન વયે ચેસનો વર્લ્ડ ચૅમ્પિયન બન્યો અને હવે મહિલાઓમાં પણ ભારતની જ 19 વર્ષીય દિવ્યા વિશ્ર્વ વિજેતા બની એના પરથી ભારતમાં શતરંજની લોકપ્રિયતા કેટલી બધી વધી ગઈ છે. આના પરથી બીજી એક વાત પણ સાબિત થઈ કે ભારતમાં ચેસનું કેન્દ્ર હવે માત્ર ચેન્નઈ જ નથી, નાગપુર પણ છે.
ચેસમાં ગ્રૅન્ડમાસ્ટરનું ટાઇટલ મેળવવું ખૂબ કઠિન મનાય છે. એમાં ખેલાડીએ ફિડેના ત્રણ નૉર્મ ઉપરાંત 2,500 ઇલો રેટિંગ પણ પાર કરવા પડે છે. દિવ્યાએ વિશ્ર્વ કપ રમવા માટે ક્વૉલિફાય કર્યું ત્યારે તેને જીએમ બનવા માટેનું પ્રથમ નૉર્મ મળી ગયું હતું. જોકે તેણે વિશ્ર્વ કપ જીતી લીધો એટલે તે બધા વિઘ્નો પાર કરીને આપોઆપ જીએમ પણ બની ગઈ.
દિવ્યાએ નિશ્ર્ચિતપણે ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેણે પોતાનાથી બમણી ઉંમરની હમ્પીને 2.5-1.5થી હરાવીને મહિલા વિશ્વ કપ જીતનારી પ્રથમ ભારતીય તરીકેની ઉપલબ્ધિ તો મેળવી જ હતી, તે સૌથી ઓછી ઉંમરે ચેસનો વિશ્ર્વ ખિતાબ જીતનારી મહિલા પણ બની છે. દિવ્યા અને હમ્પીની અગાઉ ભારતની કોઈ મહિલા ખેલાડી વર્લ્ડ કપની ફાઇનલમાં પણ નહોતી પહોંચી, જ્યારે દિવ્યાએ પહેલી જ વખત ફાઇનલમાં એન્ટ્રી કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી.
ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં બન્ને ભારતીય ખેલાડી વચ્ચે ટક્કર થઈ હોય એવું પણ પ્રથમ વાર બન્યું હતું અને એમાં દિવ્યા મેદાન મારી ગઈ. દિવ્યા અને હમ્પી વચ્ચેની પહેલી બે ગેમ 1-1થી ડ્રૉમાં ગઈ ત્યાર બાદ ટાઇબ્રેકરમાં પ્રથમ ત્રણ મુકાબલામાં તેઓ બરાબરીમાં રહી હતી, પરંતુ ચોથા મુકાબલામાં દિવ્યાએ સમય પર અંકુશ મેળવી લીધો હતો અને વિશ્ર્વ રૅપિડ ચૅમ્પિયન હમ્પીને રૅપિડ ફૉર્મેટમાં હરાવીને સર્વત્ર આશ્ર્ચર્ય ફેલાવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે દિવ્યા દેશમુખ વિમેન્સ ચેસ વર્લ્ડ કપની વિજેતા છે, જ્યારે ચીનની જૂ વેનજુન વિમેન્સ વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપની વિજેતા છે અને આ વર્ષની ધ કૅન્ડિડેટ્સ સ્પર્ધામાં તેઓ સામસામે ટકરાશે.
ફરી દિવ્યાની વાત પર આવીએ તો તેણે 41 વખત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 24 ગોલ્ડ મેડલ જીતી છે. ચેસ બોર્ડના 64 ખાનાંની 14 વર્ષની સફરમાં ડૉ. જિતેન્દ્ર દેશમુખ અને નમ્રતા દેશમુખની દીકરી દિવ્યાએ ચાર પ્રકારની વિશ્ર્વ સ્પર્ધા જીતી છે. તે 2014માં અન્ડર-10 વિશ્ર્વ સ્પર્ધામાં ચૅમ્પિયન બની હતી. 2017માં તે અન્ડર-12 વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. 2024માં તે જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન બની હતી અને હવે વર્લ્ડ કપ જીતી છે.
ચેસમાં ક્લાસિક ફૉર્મેટની મહારથી દિવ્યા દેશમુખના કોચ શ્રીનાથ નારાયણનનું કહેવું છે કે ‘દિવ્યા આક્રમક ખેલાડી છે. જોકે સમય બદલાતાં દિવ્યા ઑલરાઉન્ડ ખેલાડી અને બહુમુખી ખેલાડી પણ બની ગઈ છે. મારા મતે તે ક્લાસિકલ, રૅપિડ અને બ્લિટ્ઝ ત્રણેયમાં સારું પર્ફોર્મ કરી જાણે છે. તે બહુ મહેનતથી દરેક સ્પર્ધા માટેની તૈયારી કરતી હોય છે. તે પોતાની સફળતાનો શ્રેય અથાક પરિશ્રમને આપે છે.’
ખુદ દિવ્યાએ ગયા મહિને વર્લ્ડ કપ જીત્યા પછી કહ્યું, ‘મેં તૈયારી તો ઘણી સારી કરી હતી, પરંતુ હું ફાઇનલ સુધી પહોંચીશ એવી પણ મને આશા નહોતી. હું ક્રમાંકિત ખેલાડીઓમાં નીચલા હાફમાં હતી એટલે મારે મારાથી ઘણી કાબેલ ખેલાડીઓ સામે રમવું પડ્યું હતું. એ જોતાં મારે દરેક મુકાબલા માટે સારી તૈયારી કરવી પડી હતી. મેં ટ્રેઇનિંગમાં કલાકો આપ્યા હતા. હું તો આ સિદ્ધિને માત્ર મારી એક શરૂઆત ગણું છું.’
મહિલા ચેસની ટૉપ-ટેનમાં અડધાથી વધુ ખેલાડીઓ ચીનની છે અને એમાં એકમાત્ર ભારતીય છે કૉનેરુ હમ્પી. જોકે હવે તો વર્લ્ડ કપ વિજેતા દિવ્યાએ મહિલા શતરંજમાં સનસનાટી મચાવી દીધી છે.
એક સમય હતો જ્યારે એવું મનાતું હતું કે મહિલાઓની માનસિકતા શતરંજ રમવાને લાયક નથી. એ માટે મહિલાઓની પ્રકૃતિને તેમ જ તેમનો જે નિયંત્રણો વચ્ચે ઉછેર થતો હોય છે એવા પરિબળોને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. એવું પણ કહેવાતું હતું કે સામાન્ય રીતે મહિલાઓ જોખમ નથી લેતી હોતી, સાહસ નથી ખેડતી હોતી એટલે તેઓ શતરંજની રમતને લાયક નથી અને તેઓ ચેસના બોર્ડ પર સારી ખેલાડી બની પણ ન શકે. ગૅરી કાસ્પારોવ જેવા મહાન ખેલાડી પણ આ વિચારના સમર્થક હતા.
જોકે 2002ની સાલમાં દૃષ્ટિકોણ બદલાઈ ગયો હતો. હંગેરીની મહાન ખેલાડી જુડિત પૉલ્ગરે જ્યારે ગૅરી કાસ્પારોવને હરાવ્યા અને તે રૅપિડ ગેમમાં વિશ્ર્વના તત્કાલીન નંબર-વન ખેલાડીને હરાવનારી પહેલી મહિલા ખેલાડી બની ત્યારથી મહિલાઓ પ્રત્યેનો અભિગમ ચેસની બાબતમાં બદલાઈ ગયો હતો. પૉલ્ગરનું તો ત્યાં સુધી કહેવું હતું કે શતરંજમાં પુરુષો અને મહિલાઓની અલગ અલગ સ્પર્ધા હોવી જ ન જોઈએ. આવું થશે તો મહિલા ચેસમાં સુધારો જોવા મળશે.
સ્વીકારવી પડે એવી એક હકીકત એ પણ છે કે શતરંજની તાલીમ ખૂબ મોંઘી હોય છે. રૂઢિચુસ્ત પરિવારોના મોટા ભાગના પૅરેન્ટ્સ આ રમતમાં અને ખાસ કરીને છોકરીઓ માટે પૈસા ખર્ચ કરવામાં સંકોચ રાખતા હોય છે. આને ભારતીય મહિલાની સૌથી મોટી સમસ્યા કહો કે ખામી, આ વાસ્તવિકતા છે જ. જોકે ફિડે વર્લ્ડ કપની ફાઇનલમાં બન્ને ભારતીય મહિલાઓ પહોંચી અને એમાંથી 19 વર્ષની નવયુવાન ખેલાડી દિવ્યા દેશમુખ ફિડે વર્લ્ડ ચૅમ્પિયન બની એટલે ભારતમાં મહિલા ચેસ પ્રત્યે પૅરેન્ટ્સનો અભિગમ જરૂર બદલાશે. દિવ્યા 43 લાખ રૂપિયા અને હમ્પી 35 લાખ રૂપિયા જીતી છે. જોકે બન્નેને સ્પૉન્સરશિપમાં હજી બીજા લાખો રૂપિયા મળશે. એ જોતાં પૅરેન્ટ્સ એ પણ વિચારશે આ રમતમાં પૈસા તો કમાઈ જ શકાય છે.