સ્મૃતિ વિશેષ : બંગાળી ફિલ્મકાર ઋત્વિક ઘટકની વિભાજન- વ્યથા

- અમૃત ગંગર
ઋત્વિક ઘટકની એકસોમી જન્મજયંતી હમણાં ચાર નવેમ્બર 2025ના દિવસે ઉજવાઈ ગઈ. આ વર્ષ એમની જન્મ શતાબ્દીનું વર્ષ (1925-2025) છે.
આમ તો આ સાવ આગવા એવા ફિલ્મકાર ઋત્વિક ઘટક અને એમની ફિલ્મકૃતિઓ વિશે મેં ગુજરાતી – અંગ્રેજી ભાષામાં અવારનવાર વિસ્તારપૂર્વક લખ્યું છે. એમના વિશે ભારતનું પ્રથમ વિશ્ર્લેષણાત્મક અંગ્રેજી પુસ્તક ‘એ રીટર્ન ટુ ધ એપિક’ (લેખક: આશિષ રાજાધ્યક્ષ)અમારી મુંબઇની ફિલ્મ સોસાયટી સ્ક્રીન યુનિટ વતી પ્રકાશિત કરવાની પણ મને 1982માં તક મળી હતી… તેનું વિમોચન સ્વ. ઋત્વિક ઘટક (મૃત્યુ 1976)ના પત્ની સુરમાએ કલકત્તામાં કર્યું હતું. ત્યારબાદ 1987માં ઋત્વિક ઘટક વિશેનું સ્ક્રીન યુનિટ-પ્રકાશિત અને આશિષ રાજાધ્યક્ષ, અમૃત ગંગર-સંપાદિત બીજા અંગ્રેજી પુસ્તક આર્ગ્યૂનેન્ટ્સ / સ્ટોરીઝનું વિમોચન અમારા વિશાળ રેટ્રોસ્પેક્ટિવ દરમિયાન ઘટકના શિષ્ય અને ફિલ્મકાર મણિ કૌલે કર્યું હતું.
1960-70ના દાયકામાં ઋત્વિક ઘટક મુંબઇના ફિલ્મિસ્તાન સ્ટુડિયોઝના સિનાર્યો વિભાગમાં જોડાયા હતા. એ ગાળામાં એમણે સ્ટુડિયોઝના વડા શશધર મુખર્જીને પત્ર લખીને ફિલ્મિસ્તાન તેના ફિલ્મ નિર્માણના બજેટમાં પ્રયોગાત્મક અભિગમને પ્રોત્સાહન આપે તેવી ભલામણ કરી હતી. મુંબઇના એમના રહેવાસ દરમિયાન તેમણે બિમલ રોયની ફિલ્મ ‘મધુમતિ’ની પટકથા લખી હતી.
ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘મુસાફિર’ના પણ એ સહપટકથા લેખક હતા. એમની ટૂંકી કારકિર્દી (1952થી 1976) દરમિયાન ઋત્વિક ઘટકે આઠ સંપૂર્ણ ફિચર ફિલ્મકૃતિઓ બનાવી હતી, જેમાંની ‘પ્રથમ નાગરિક’ 1952માં એટલે કે સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ કરતાં ત્રણ વર્ષ અગાઉ સર્જાઇ હતી, પણ કમનસીબે એ ફિલ્મ ઘટકના મૃત્યુ બાદ 1977માં રિલીઝ થઇ હતી. ત્યારે જણાયું હતું કે ફિલ્મની મૂળ નેગેટિવ પ્રિન્ટો નષ્ટ પામી હતી , પણ સ્થાનિક ટેક્નિશિયનોએ ખરાબ હાલતની એક પોઝિટિવ પ્રિન્ટ શોધી કાઢી હતી અને ઘણાં પ્રયત્નોના અંતે નવી રિલીઝ પ્રિન્ટ તૈયાર કરી હતી. કેટલાક અગ્રણી બંગાળી ફિલ્મ વિદ્વાનોના મત મુજબ જો ‘નાગરિક’ ફિલ્મકૃતિ 1952માં રિલીઝ થઇ હોત તો ભારતીય સિનેમાનો ઇતિહાસ અલગ રીતે લખાયો હોત!
ઋત્વિક ઘટકે ‘નાગરિક’ થી પૂર્વે તારાશંકર બંદોપાધ્યાયની વાર્તા આધારિત ‘અરૂપ કથા કે બેદિની’ નામની ફિલ્મકૃતિ બનાવી હતી. તેની શરૂઆત નિર્મલ ડે નામના દિગ્દર્શકે કરી હતી, પણ તે પૂર્ણ નહોતી થઇ શકી.
માત્ર 50 વર્ષની આયુએ કવેળા અંતિમ વિદાય લેનારા આ આગવા ફિલ્મ સર્જક ઋત્વિક ઘટકનું જીવન ઘણું ઝંઝાવાતી રહ્યું હતું. એમનો જન્મ ત્યારના પૂર્વ બંગાળના પાટનગર ઢાકામાં થયો હતો. બંગાળનું હિન્દુ મુસલમાન નાગરિકોને વિખૂટા પાડતું પહેલું વિભાજન ત્યારના બ્રિટિશ વાઇસરોય લોર્ડ કર્ઝને કરાવ્યું હતું. એમના જન્મથી વીસ વર્ષ પૂર્વાર્ધ 1905માં થયેલા બંગાળના વિભાજનના ઇતિહાસથી એ વાકેફ હતા. એમના જન્મથી વીસ વર્ષ ઉત્તરાર્ધ એટલે 1945ના વર્ષમાં બંગાળના બીજા વિભાજનના એંધાણ મળી ચૂક્યા હતા. અને તે ભારતની આઝાદી સાથે 1947માં નવા રાષ્ટ્રના નિર્માણ સાથે થયું. પછી પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન થઇ ગયું. 1943માં બંગાળનો કારમો દુકાળ એમણે જોયો હતો અને તેના થકી સર્જાયેલા હ્રદયદ્રાવક દૃશ્યોએ યુવાન ઋત્વિકને હચમચાવી મૂક્યા હતા. એ ગાળામાં જ એ પશ્ચિમ બંગાળના પાટનગર કલકત્તામાં આવી ગયેલા. એમની ત્રણ ફિલ્મકૃતિઓ ‘મેઘે ઢાકા તારા (1960),’ -‘ કોમલ ગાંધાર (1961) ’ અને ‘ સુવર્ણરેખા (1962)‘ પાર્ટિશન ટ્રિલજી તરીકે ભારત અને વિશ્વમાં ચર્ચાય છે. આજની ટેકનોલોજિના લીધે એમની બધી ફિલ્મકૃતિ અંગ્રેજી સબટાઇટલ્સ સાથે સહેલાઇથી જોઇ શકાય છે. 1987માં મેં એમની ફિલ્મોનો રેટ્રોસ્પેક્ટિવ ક્યૂરેટ કરેલો ત્યારે હજી ગૂગલેશ્વરની કૃપા અમને નસીબ નહોતી.
ઋત્વિક ઘટક ફિલ્મકલા તેમજ ટેક્નિકમાં બધી રીતે પારંગત હતા. એમની લેન્સિન્ગ સેન્સ એટલી આગવી ને તીવ્ર હતી કે હું એમને ‘લેન્સિન્ગ ફિલોસોફર’ કહું છું. એમની બાળકો માટેની ફિલ્મ ‘બાડી થેકે પાલિયે (1959)’ માં એમણે 18મીમીના વાઇડ એન્ગલ લેન્સનો ઉપયોગ કર્યો હતો. એવા વાઇડ એન્ગલ લેન્સથી એ પાત્રના ચહેરાનો ક્લોઝઅપ પણ લેતા. આ રીતે ફિલ્મકૃતિમાં નવા પ્રકારની ઊર્જાનું સિંચન કરી નવાં આયામ સર્જતા. એમની ઘણી ફિલ્મોમાં વાઇડ એન્ગલથી ઝડપાયેલાં દૃશ્યો જોવા મળશે. આ પ્રકારની બાબતો માત્ર ટેક્નિકલ ન રહેતાં ફિલ્મ એસ્થેટિક્સનો અંતરંગ હિસ્સો બની જાય છે. સામાન્ય રીતે લેન્સનો વિષય ફિલ્મના કેમેરામેનનો છે પણ ઋત્વિક ઘટક જુદી માટીથી ઘડાયેલા વિઝનરી ફિલ્મકાર હતા.
એમણે પોતાની ફિલ્મકૃતિઓમાં મેલોડ્રામાને ગ્રીક ટ્રેજેડીની જેમ નવું સ્વરૂપ આપ્યું. મેલોડ્રામાના વિનિયોગ માટે એમની વધારે પડતી ટીકા થતી તો એ કહેતા કે આ મારો જન્મસિધ્ધ અધિકાર છે. જીવનકાળ દરમિયાન એમની ફક્ત એક જ ફિલ્મ ‘મેઘે ઢાકા તારા’ (વાદળા વચ્ચે છુપાયેલો તારો) બોક્સ ઓફિસ પર સફળતાને વરી હતી, પણ ન જાણે કેમ ‘અજાંત્રિક’ (1957) જેવી એમની અનન્ય કૃતિને બંગાળના સમીક્ષકોએ અવગણી હતી.
એમની અંતિમ બે ફિલ્મ – બાંગ્લાદેશમાં શૂટ થયેલી ‘તિતાશ એક્ટી નદીર નામ (1973) ’ અને ‘જુક્તિ તાક્કો આર ગપ્પો (1974)’ ખૂબ આગવી કૃતિ છે, જે આજે વિશ્વભરમાં દર્શાવાય છે ને ચર્ચાય છે પણ એ વખતે નિષ્ફળતાને વરેલી.
ઋત્વિક ઘટકની ફિલ્મકૃતિના સાઉન્ડ – ધ્વનિ ઘણાં વિચક્ષણ ને વિલક્ષણ છે, કારણ કે તે નેરેટિવમાં ઓતપ્રોત થઇને તેને ગતિ આપે છે. તેનો ઉપયોગ એમણે ચીલાચાલુ રીતે દૃશ્યને ઇલસ્ટ્રેટ કરવા-દર્શાવવા માટે નથી કર્યો.
મૌનના મહારથી એવા ઋત્વિક ઘટક એમના નિબંધ ‘સાઉન્ડ ઈન સિનેમા’માં એ એક મજાનું વિધાન કરે છે.
એ કહે છે :
‘સાઇલેન્સ… ધેટ ઇઝ વ્હોટ આઇ કન્સિડર ધ મોસ્ટ ઇવોકેટિવ એલિમેન્ટ…. સાઇલેન્સ ઇન્વેન્ટેડ સાઉન્ડ.!’
નસીબજોગે અને સદભાગ્યે આજે સોશ્યલ મીડિયાને કારણે ઋત્વિક ઘટકનું નામ ચારેકોર ગૂંજે છે એ પણ વિધિની એક વક્રતા છે – સમયની બલિહારી છે…
આમ છતાં બંગાળી લહેકામાં કહીએ તો આવા વિચક્ષણ ફિલ્મસર્જક ઋત્વિકદાને સાત સલામ!
આપણ વાંચો: કેનવાસ : હેલોવીન ઉજવતા દેશો કરતાં વધુ ભૂતકથા ને ભૂતિયા સ્થળો તો ભારતમાં છે!



