બોલો, તમે શું કહો છો? જન્મ - જન્માક્ષર - જન્માંતર | મુંબઈ સમાચાર
ઉત્સવ

બોલો, તમે શું કહો છો? જન્મ – જન્માક્ષર – જન્માંતર

અવાજ…ઘોંઘાટ.. લડાઈ…ઝગડા…

  • જૂઈ પાર્થ

ઓટલા બેઠકોની જગ્યાએ આજે સમગ્ર પોળમાં સન્નાટો હતો. આખી પોળ મંજુબહેનનાં ઘેર અને મંજુબહેન તો બસ પોક મૂકીને રડ્યાં જ કરે ના ના, કોઈનું અવસાન નહોતું થયું. એમની એકની એક દીકરી રિયા ઘર છોડી જતી રહી હતી. ક્યાં- કોની સાથે ક્યારે- કેમ એની કોઈનેય જાણ નહીં. અરે, રિયાની ખાસ બહેનપણી માયાને પણ કંઈ ખબર નહોતી. બહુ શોધખોળ કરી, પાડોશીઓએ બધી દિશામાં સ્કૂટર- ગાડી હંકારી મૂક્યા પણ રિયા ના જ મળી.

રિયાનાં પપ્પા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા જતા હતા ને ત્યારે ચાવીનાં સ્ટેન્ડ પાછળથી એક કાગળ સરકી નીચે પડ્યો. ત્યાં ઊભેલા બધાંનું ધ્યાન કાગળ તરફ ગયું. મંજુબહેન અને એમનાં વરને ચિંતા કે કોણ જાણે કાગળમાં શું એ લખ્યું હશે….સવારથી એમની પડખે ઊભેલી આખી પોળને જાણવાની ઉત્સુકતા હતી :

કાગળમાં શું લખ્યું છે? છેવટે કાગળ જાહેરમાં મોટેથી વંચાયો

‘વ્હાલા મમ્મી- પપ્પા,

મને બેંગ્લોરથી બહુ સારી જોબ ઓફર આવી છે. બહારગામ એકલા રહીને જોબ ના કરવાનાં તમારા સખત વલણનાં કારણે તમને જાણ નથી કરી. આ પત્ર તમારા હાથમાં આવે ત્યાં સુધી હું બેંગ્લોરની ફ્લાઈટમાં બેસી ગઈ હોઈશ. પહેલાં પગાર સાથે આશીર્વાદ લેવા આવીશ. ધ્યાન રાખજો. તમારી મરજી વિરુદ્ધ પહેલી વાર કંઈક કર્યું છે એના માટે માફી માગું છું.

લિ. તમારી સૌથી વહાલી રિયા.’

આ વાંચી રિયાનાં પપ્પાને હાશકારો થયો કે ચાલો, દીકરી સુરક્ષિત તો છે, પણ મંજુબહેનનો પિત્તો ગયો એમનાં વરને લોકોની વચ્ચે જ બોલવાનું શરૂ કર્યું :

રિયાને લાડકોડથી ઊછેર્યાથી માંડીને માથે ચડાવ્યા સુધી બધું ઘણું સંભળાવ્યું ને દોષનો ટોપલો રિયાનાં પપ્પા એટલે કે પોતાનાં વર પર ઢોળ્યો. વચ્ચે એક જ્યોતિષીનોય ઉલ્લેખ આવ્યો કે ‘જોષીજીએ રિયાનાં જન્માક્ષર જોઈને કહ્યું જ હતું કે 23વર્ષે દીકરી ઘર છોડી દેશે પણ તમે જ એનાં પર આંધળો વિશ્વાસ રાખ્યો ને કોઈ પૂછપરછ નહીં, દીકરી ક્યાં આવે જાય છે, કોને મળે છે એને કોઈ’દી પૂછ્યું નથી. આપણે ચિંતા કરીએ કે ઘર છોડે એટલે ભાગીને લગ્ન કરશે અને ચલો, આ નોકરી માટે ગઈ તોય કોઈ પણ બહાને ઘર તો છોડ્યું જને? જો આપણે જોષીજીને થોડું ઊંડાણપૂર્વક પૂછ્યું હોત તો આજે આ નોબત ના આવતી….હું તો પહેલેથી કહેતી હતી કે આપણે પાણીનું પવાલું પણ જોષીજીને પૂછ્યા વગર નઈ પીવાનું. જોયું, હવે છોકરી ગઈને હાથમાંથી!’

આપણી આસપાસ આવાં ઘણાં મંજુબહેન હોય છે. કેટલાક તો આખા ને આખા પરિવાર એમનાં જ્યોતિષ કહે એમ જ કરે. બાળકનો જન્મ, નવા ઘરનું વાસ્તુ, નવી ગાડી લેવાની, ચૌદશ -અમાસે સારાં કાર્યો નહીં કરવાનાં, સારા ચોઘડિયામાં સારાં કામ શરૂ કરવાનાં, જો મુહૂરત ગયું તો જેનાં લીધે ચોઘડિયું ચૂક્યા તેનું આવી બને. આમ કેટલીકવાર આ શાસ્ત્ર જોનારની ચૂકનાં કારણે ઝગડા પણ થાય છે ને ઘરમાં અશાંતિ ઊભી થાય છે.

જ્યોતિષ ઉપરાંત છાયા વિદ્યા, નાડી જોવી, આભા મંડળ, ક્લેરવોયેન્ટ વગેરે ભવિષ્યની ઝાંખી કરાવતાં શાસ્ત્રો છે. જો કે પહેલાંના સમયમાં આ શાસ્ત્રો વધુ સુસંગત લાગતાં હતાં અને તેનાં મુજબ નિર્ણયો લેવાતા. જીવનનું આયોજન, નોકરી ધંધો, લગ્ન વગેરે જોષીજી કહે એ પ્રમાણે જ થતું.

જોકે, સમય જતાં બ્રહ્માંડમાં ગ્રહોની સ્થિતિ અને પૃથ્વી પર મનુષ્યની મનોસ્થિતિ પણ બદલાયા છે, સંપૂર્ણપણે નહીં , છતાં આપણને બધાને એક પ્રામાણિક પ્રશ્ન જાગે કે આપણને કેવું જીવન ગમે, જેમાં ભવિષ્યની જાણ થઈ જતી હોય એવું કે પછી સરપ્રાઈઝ એલીમેન્ટવાળું?

એકવાર એક બહેનને શનિની સાડાસાતી ચાલતી હશે. ઊતરવાનાં છેલ્લાં બે અઠવાડિયા બાકી હશે ત્યાં એક જ્યોતિષીએ એમને પૂછ્યું :‘બહેન, સાડાસાતીમાં પણ તમે આટલાં સ્વસ્થ છો એનું કારણ શું?’

બહેને સુંદર જવાબ આપ્યો કે મને સાડાસાતી વિશે કંઈ ખબર નહોતી. હું તો નિજાનંદમાં સમય પસાર કરતી હતી. હું ભલી ને મારો ભગવાન ભલો સામે એ જ્યાોતિષને પણ સાડાસાતી હતી, પણ જ્યોતિષીને પોતાની જ વિદ્વત્તા નડી. એમની તબિયત લથડી- વ્યવસાયમાં ખોટ કરી વગેરે જેવા નકારાત્મક અનુભવો થયે રાખ્યા.

ઘણીવાર ભવિષ્ય જાણી લેવાથી ફાયદા કેટલો થાય એ તો ખબર નથી, પણ સામે નુકસાન પણ છે, જેમકે કેટલાક લોકો જ્યાં સુધી ભવિષ્ય ભાખેલાવાળું હકીકતમાં ના ફેરવાય ત્યાં સુધી સતત તાણ અનુભવે. કેટલાક લોકો કોઈ શાસ્ત્ર પર આધાર રાખી મહેનત કરવાનું છોડી દે છે તો અમુક લોકોની તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાય ત્યાં સુધી ફક્ત શાસ્ત્ર પર જ આધાર રાખે છે.

આ વિષય કે વાતનો હેતુ કોઈ પણ પ્રકારનાં શાસ્ત્રોને નીચા દેખાડવાનો કે પછી એમાં ન માનવું એવો નથી. જન્માક્ષર મેળવેલા હોવા છતાં લોકોનાં લગ્નભંગ થતાં હોય છે ને તેનાથી વિપરિત ના મળતાં જન્માક્ષરવાળા આખો જન્મારો સાથે જીવી લે છે. આ જ રીતે બાળકની જાતિ, વ્યવસાય, દેશ પરદેશ વગેરે બાબતે શાસ્ત્રો 100% સાચા પડ્યાં છે તો કોઈ જગ્યાએ તદ્દન ખોટાં પણ પડ્યા છે. માટે અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે ભવિષ્ય કથન કરનાર કોઈ પણ શાસ્ત્ર કે પદ્ધતિ સારી અને સાચી હોઈ જ શકે, પરંતુ આપણે એમાં વહી નથી જવાનું કે નથી તેનો છેદ ઉડાડવાનો. પરિસ્થિતિને બધા ત્રાજવે તોલીને પછી જ એક સાચા નિર્ણય સુધી પહોંચી શકાય માટે શાસ્ત્રોનું માર્ગદર્શન, વડીલોની અનુભવી સલાહ અને સાથે પોતાનું અંતરમન જે દિશામાં લઈ જાય એમ જવું સારું. શાસ્ત્રો પથદર્શક બની જ શકે, પરંતુ પરવશતાની હદે નહીં. જેમ અસફળતા માટે ઓછી મહેનતે ગ્રહોનો વાંક ન કાઢી શકાય તેમ સફળતા માટે અથાગ પરિશ્રમને ફક્ત શાસ્ત્રોનું નામ ન જ આપી શકાય. બોલો, તમે શું કહો છો?

આપણ વાંચો:  મિજાજ મસ્તી : સમસ્યા ઓફ સેકંડ ઓપિનિયન: એક સવાલ મૈં કરું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button