ઉત્સવ

સોશ્યલ મીડિયાનો ઓવરડોઝ…

ઘણીવાર બધું શેર કરવા જેવું પણ નથી હોતું

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

વર્ષ 2009 પછી આઈફોન અને એન્ડ્રોઈડનો યુગ શરૂ થયો. વોટ્સએપ નામની મેસેજિંગ એપ્લિકેશનમાં સતત આવતી અપડેટથી નાગરિકો એ રીતે ટેવાયા કે, પર્ફેક્ટ રીતે ટાઈપ કરવાની આદત પડી ગઈ પછી એમાં એડિટ અને પરમેનન્ટ ડિલિટનો ઓપ્શન આવ્યો. સોશ્યલ મીડિયાના પાયામાં ઓરકુટ હતું, એ પછી આવ્યું ફેસબુક અને ટ્વિટર. સોશ્યલ મીડિયા વિશાળ થતું ગયું અને બીજા પ્લેટફોર્મ પણ તૈયાર થતા ગયા. થ્રેડ એની છેલ્લી એડિશન માની શકાય પણ સ્વીકારી ન શકાય.

આ પાછળનું કારણ એ છે કે, `સ્નેપ’ નામની એપ્લિકેશને ફોટો ક્લેરિટીમાં અને ફિચર્સમાં અન્નકુટ જેવો થાળ પીરસી દીધો છે. હવે સમય એવો છે કે, સોશ્યલ મીડિયા દરેકના જીવનનો એક ભાગ બની ચૂક્યું છે. ફોટો ઓપ્શનથી ફોટો પોસ્ટના શેરિગ સુધી એક જ ક્લિક પર બધુ મળી જતા બધુ આરામ કા મામલ હૈ ની જેમ પોસ્ટ થવા લાગ્યું છે. એમાં પણ ફેસબુકે પેજ, ગ્રૂપ, કોમ્યુનિટી અને મેટા એપ જેવા બહુવિધ વિકલ્પો આપી દેતા ડિજિટલ જલસો પડ્યો છે.

આ પછીના તબક્કામાં શરૂ થઈ લાઈક્સ અને ફોલોઅર્સ માટેની રેસ. ફોલોઅર્સની સંખ્યા વધારવા અને લાઈક્સના કાઉન્ટ વધારવા મન ફાવે એવા તુક્કા અજમાવવાનું શરૂ થયું. સોશ્યલ મીડિયાએ વીડિયો પ્લેટફોર્મને હાથવગુ બનાવી દેતા હવે વંચાતું નથી એટલું જોવાય છે. આ પણ હકીકત છે.

વીડિયો બનાવવા માટે જોખમી ખેલ સ્વીકાર્ય નથી. ઓસ્ટે્રલિયામાં ન્યૂયર સેલિબ્રેશન વખતે મસ્ત ફટાકડા ફૂટતા જોવા લાખો લોકો જોવા એકઠા થયા હતા. એ સમયે સૌ કોઈ પોતાના સેલફોન કાઢીને એને રેકોર્ડ કરતા હતા. એક ફોટોગ્રાફર એવી ક્લિક પાડી કે, બધાના હાથમાં મોબાઈલ જ દેખાયા. ફોટો વાયરલ પણ એટલો જ થયો. સોશ્યલ મીડિયામાં એક સરસ કેપ્શન કોઈએ આપ્યું. આપણે લાઈવ વસ્તુને રેકોર્ડ કરીને જોવાની ટેવ પડી ગઈ છે. ઓસ્ટે્રલિયામાં બાળકોને સોશ્યલ મીડિયાથી દૂર રાખવા માટે 42 ટકા વાલીઓએ પણ સોશ્યલ મીડિયા છોડી દીધુ. વાતનો મુદ્દો એ છે કે, સોશ્યલ મીડિયા પર શું શેર કરવું અને શું શેર ક્યારેય ન કરવું. કેટલો ઉપયોગ એ દરેક વ્યક્તિની સમજદારી પર નિર્ભર છે.

આટલું ક્યારેય ન કરવું…

આધારકાર્ડ કે પાનકાર્ડમાં કેટલાક જરૂરી અપડેશન કરાવવા જાવ છો અને સર્વર સ્લો આવે છે તો સિસ્ટમ પર ભડાશ કાઢવાના આવેશમાં પાનકાર્ડ કે આધારકાર્ડના ફોટો સાથે કોઈ ફોર્મ કે પ્રોસિજરના ફોટો કોઈ જ પ્લેટફોર્મ પર પોસ્ટ ન કરશો. તમારા આધારકાર્ડ પરથી સિમકાર્ડ નીકળી જશે તો ખબર પણ નહીં પડે અને પોલીસ આધારકાર્ડ ધારકને ખખડાવશે. જન્મતારીખ સુધી બરોબર છે કે, આપણા નેટવર્કમાં રહેલા લોકો વિશ કરે. આ પછીના નંબરે કોઈ ઘરનું સરનામું, ઓફિસના લોકેશન, કોમ્પ્લેક્સ કે બીજી કોઈ વિગત ન આપવી જ હિતકારક છે. સાયબર ગઠિયાઓ જ્યારે શિકાર શોધે છે ત્યારે સોશ્યલ મીડિયા એમનું પહેલું પગથિયું હોય છે.

બને ત્યાં સુધી અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો. લિંક મેસેજમાં આવી હોય તો કોપી કરીને સોશ્યલ મીડિયા પર જાણકારી હેતું શેર કરવાનું પણ ટાળો. આ પાછળનું કારણ એ છે કે, જ્યારે આવી લિંક ટે્રસ થાય છે ત્યારે તમારું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ સાયબર ગઠિયાઓના નજરે ચડે છે. પછી ઈમેઈલ પરથી પાસવર્ડ ક્રેક થતાં વાર નથી લાગતી. આ સમગ્ર માયાજાળને સાયબર ટેકનિકની ભાષામાં `ફિશિંગ’ કહેવાય છે જેમાં મોટાભાગના કેસમાં કોઈ ઓનલાઈન શોપિંગ માટેની સાઈટના જ એડે્રસ હોય છે. લિંક હોય છે.

ફેસબુક કે ઈન્સ્ટાગ્રામની ઓફર્સ પર ક્લિક કરવાનું ટાળો. આવી કોઈ લિંક આવે તો પહેલા એ ચકાસો કે, એની કોઈ ઓફિશિયલ વેબસાઈટ છે કે નહીં. એના પેજ અને એકાઉન્ટની તપાસ કરો. પછી ભૂલથી જો ક્લિક વાગી જાય તો એપ્લિકેશન મારફતે જવાના બદલે એકવાર એની ઓફિશિયલ વેબસાઈટ પરથી આગળ વધો.

ટ્રાવેલ એન્જોય કરવાની મજા અલગ હોય છે. ખાસ કરીને રોડ ટ્રિપ પર નીકળીએ ત્યારે રસ્તાના, કિલોમીટર દેખાડતા માઈલસ્ટોનના, સાઈનબોર્ડના અને નેશનલ હાઈ-વેના ફોટો મોટાભાગના લોકો પોસ્ટ કરે છે. આમાં કંઈ વાંધો નથી. વીડિયો લવર્સ હવે મેપ પર ટે્રન કે પ્લેનના એનિમેશનથી આખો રૂટ શેર કરતા હોય છે. આ જે તે શહેરના ચોર અને બીજા ગઠિયાઓને આમંત્રણ દેવા જેવું છે. કેવી રીતે? આવી કોઈ પોસ્ટ વાયરલ થાય કે સારું એનિમેશન હોય તો બીજે એને ઉદાહરણ તરીકે શેર કરે ત્યારે સાયબર ગઠિયા એની પ્રોફાઈલમાં લાસ્ટ શું કર્યું એ ચેક કરે છે.

તમામ વસ્તુ લોક હોય તો પણ બીજાના કોઈ પ્રસંગમાં તમારી હાજરી કે ઉપસ્થિતિ હોય એ ટે્રક થાય છે. એ પછી ટ્રાવેલ કરતી વખતે મેપ યુઝ કરવા લોકેશન તો ઓન જ હોય એટલે ખ્યાલ આવે છે કે, આ મહાશય ગામમાં નથી. પછી ખેલ પડી જાય છે. એરટિકિટ (ખાસ કરીને ફ્લાઈટ અને નંબર), કોઈ સિટી બસની ટિકિટ (એમાં પણ રૂટ), પીએનઆર નંબર, ટે્રન હોય તો એના એક્ઝેટ લોકેશન, રૂટ લોકેશન, ફોટો ક્લિક કર્યો હોય તો એનું મેપમાં સ્થાન ક્યાં છે, કોઈ લેન્ડમાર્ક પાસે ફોટો હોય તો મેપ કરવાની જરૂર નથી, જેમ કે, સીએસટી ટર્મિનલ, ક્નેક્ટિંગ ફ્લાઈટ હોય તો ટાઈમિંગ. આ બધા પાછળ કેટલાક કોમન કોડ હોય છે જે ટે્રક થતા વાર નથી લાગતી.

શું કરી શકાય…

એક જ ઉદાહરણ લઈને ટ્રાવેલવાળી વાતને જ આગળ વધારીએ અને સમજીએ. લોકેશન પર કોઈ ફિલ્મી સીન કે ગીત શૂટ થયું હોય તો એની સાથે મેચ કરી પોસ્ટને યુનિક બનાવી શકો. જે તે ફિલ્મનું હેશટેગ બનાવી શકો. ટ્રાફિક પણ મળશે અને લોકોને પણ ગમશે..

આઉટ ઓફ બોક્સ

વર્ષ 2017 માં `ફેસબુકે’ પોસ્ટ મોનિટરિંગ શરૂ કર્યું. જે પોસ્ટમાં ફ્રોડ ક્નટેન્ટ મળે એને કાયમી ધોરણે બ્લોક કરવા નિર્ણય કર્યો, જે હજુ લાગુ છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : ડિજિટલ પ્લેટફોર્મનો સમ્રાટ છે કોન્ટેન્ટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button