ટૅક વ્યૂહ : સરળ- સચોટ ને સ્પષ્ટ છે… દેશની પોતાની જીપીએસ સિસ્ટમ ‘નાવિક’ | મુંબઈ સમાચાર
ઉત્સવ

ટૅક વ્યૂહ : સરળ- સચોટ ને સ્પષ્ટ છે… દેશની પોતાની જીપીએસ સિસ્ટમ ‘નાવિક’

  • વિરલ રાઠોડ

ગૂગલ સર્ચ એન્જિન સાથે મળતી જુદી-જુદી સર્વિસની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, તેની કોઈપણ સર્વિસ ગમે ત્યાંથી ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે. માત્ર ઈન્ટરનેટ ક્નેક્શન સારું હોય તો ગૂગલ ડોક્સના તમામ દસ્તાવેજ માત્ર અંગૂઠો લગાવતા જ ખૂલી જાય. ફાઈલ સાઈઝની થોડી મથામણ કરવી પડે, પણ કામ ચાલી જાય. ગૂગલની દરેક સર્વિસ તો તમામ લોકો માટે દૈનિક ધોરણે કામ નહીં આવતી હોય પણ ગૂગલ મેપ્સ સિસ્ટમ તો હવે દરેક ટૂર પહેલા ટ્રેક થાય છે. આ માટે પાયાની વસ્તુ છે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) જે ડિવાઈસની અંદર ચાલુ (ઓન) હોવું જોઈએ. એ પછી મેપ્સ સર્વિસની કોઈ પણ સેવાને સરળતાથી એક્સેસ કરી શકાય છે. જેને મોટાભાગના લોકો એક સર્વિસ તરીકે જુએ છે એ વાસ્તવમાં આખી સિસ્ટમ છે. આ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો દુનિયાના અનેક દેશ મહત્તમ ઉપયોગ કરે છે. 6અબજથી વધારે યુઝર્સ ધરાવતી આ સિસ્ટમ પર સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, એકસાથે એકથી વધારે ડિવાઈસ પર શરૂ થતાં હેંગ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી.

માત્ર સ્માર્ટફોન જ નહીં, ઓટોમોબાઈલ સેક્ટરની કાર અને ટ્રક સુધી આ સિસ્ટમ પહોંચી છે. આ સિવાય પણ રાઈડ બુક કરતી વખતે પણ આ સર્વિસ ઓન રાખવી પડે છે. ‘જીપીએસ’ની ટ્રેકિંગ સિસ્ટમ આખી અમેરિકા સરકારના નિયંત્રણમાં છે. અમેરિકાની ‘સ્પેસફોર્સ’ નામની એક ટીમ, જે અમેરિકી એરફોર્સને એરગાઈડ કરે છે એ ઑપરેટ કરે છે. સૈન્યના ભૌગોલિક માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ આટલી હદે વ્યાપક થશે એ કોઈએ વિચાર્યું ન હતું.

‘જીપીએસ’ જેવી ટેકનોલોજી દરેક દેશે પોતાની રીતે વિકસાવી છે, પણ ભારતે આ સર્વિસમાં ડંકો વગાડ્યો છે. ભારત દેશની પોતાની નેવિગેશન સિસ્ટમનું નામ છે ‘નાવિક’ જીપીએસ. એકસાથે નવ સેટેલાઈટ પર કામ કરતા નાવિકને દેશના દરેક ખૂણા, રૂટ, રસ્તા અને પીકઅવર્સના ટ્રાફિક રૂટ, શેરી, મહોલ્લા, સર્કલ, અંડરપાસ, ફ્લાઈઓવર સહિતની તમામ વસ્તુઓ ખબર છે. એના પર એની નજર છે. માત્ર ભારત જ નહીં, દરિયામાંથી મિડલ ઈસ્ટથી લઈને ચીનની બોર્ડર સુધીનો વિસ્તાર કવર કરે છે. યસ, લેહ લદ્દાખ પાસે આવેલી ચીનની બોર્ડર.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: હાઈડ્રોફાર્મિંગ ટેકનોલોજી: ટનલની નીચે થઈ રહી છે અફલાતૂન ખેતી!

ઈન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ કે જેને નાવિક એટલે કે, ‘નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન’ એવું નામ આપવામાં આવ્યું છે. એના એક ભાગમાં કુલ સાત સેટેલાઈટના ક્નેક્ટેડ ગ્રૂપ છે. સાત સેટેલાઈટ તેને કંટ્રોલ કરે છે. આપણા દેશની આસપાસના કુલ 1500 કિલોમીટરના વિસ્તારને વ્યવસ્થિત રીતે કવર કરીને એની ઊંડાણભરી માહિતી આપે છે… હવે જસ્ટ, કલ્પના કરો પાડોશી દેશમાં ઝાડ પરથી પાન ખરે તો પણ આપણને ખબર પડે કે નહીં?!

આ સિસ્ટમ તૈયાર કરવાનો હેતુ ભારતીય નાગરિકો સરળતાથી ઉપયોગ કરી શકે અને સૈન્ય પાંખ ટ્રેક કરી શકે એ રહ્યો. કારગિલ યુદ્ધ વખતે જ્યારે ભૌગોલિક પરિસ્થિતિ વિકટ હતી અને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો એવા સમયે આવી સિસ્ટમની તાતી જરૂરિયાત ઊભી થઈ. એ સમયે આપણે અમેરિકાની સિસ્ટમનો સહારો લેવો પડતો. ‘ઈસરો’ દ્વારા તૈયાર કરવામાં આવેલી સિસ્ટમ ‘નાવિક’નો ટેસ્ટ પણ ‘ઈસરો’ના જ કેમ્પસમાં થયો. ઘરમાંથી સફળતા મળે તો મેદાને રમવા જવાય. એ અભિગમથી પછી બીજા પાસાઓ પર એના પરીક્ષણ શરૂ થયા. એક્યુરેસી અને પર્ફેક્ટ પોઝિશન મામલે નિષ્ણાતોએ સિસ્ટમને હરખભેર વધાવી.

એ પછી ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈશને મંજૂરી આપી અને સંસ્થાએ પણ સ્વીકારી. એટલું જ નહીં, વર્લ્ડ વાઈડ રેડિયો તરીકે લોકેશનના આધારે માન્યતા પ્રાપ્ત થઈ. તમામ જગ્યાઓ પરથી ટેસ્ટ થયા અને દરેક ટેસ્ટમાં નાવિક સફળ રીતે મુશ્કેલીનો દરિયો પાર કરી ગયો. માપદંડથી લઈ મુસિબત સુધી અને દુર્ગમ વિસ્તારથી લઈને ડિજિટલ ડિવાઈસ સુધી. આમ દરેક વિષયમાં ‘નાવિક’ પાસ થયું. જમીન પરના રૂટથી લઈને સમુદ્ર સપાટીથી જમીન સુધી અને એર રૂટમાં પણ ‘નાવિક’ સડસડાટ જવાબ આપતું. એ પછી વ્હિકલ ટ્રેકિંગ, ફ્લીટ મેનેજમેન્ટ, વિઝ્યુઅલ્સ અને વોઈસ ટ્રાંસમિશન સુધી નાવિકે પરિણામલક્ષી કામગીરી કરી અઘરા ટાસ્ક પૂરા કર્યા. હજુ પણ તે એક્ટિવ છે.

જ્યારે એક કંપનીએ આ ‘નાવિક’ માટેની ચિપ બનાવવા માટે નક્કી કર્યું એ સમયે જ નક્કી હતું કે, મોબાઈલ એપ્લિકેશનથી લઈ સબમરીન સુધીનું ટ્રેકિંગ આ ‘નાવિક’ કરી શકશે. જીયોગ્રાફિકસ લોકેશન પર એક્યુરેસીથી કામ કરતી ‘નાવિક’ સારી એવી ક્ષમતા અને મોટું કવરેજ ધરાવે છે. પોતાના જીપીએસ સિસ્ટમ પર એપ્લિકેશન અને એક આખી સિસ્ટમ તૈયાર કરનારા દેશની યાદીમાં અમેરિકા પહેલા ક્રમે આવે છે, જેણે સૌ પ્રથમ જીયો ટેગ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરી હતી. એનો ઉપયોગ સૌ પ્રથમ એના સૈન્યમાં કરવામાં આવ્યો. પણ પછીથી રૂટ નક્કી થતા લોકો માટે પ્રાપ્ય બની.

બીજા ક્રમે રશિયા, ત્રીજા ક્રમે યુરોપિયન યુનિયન, પછી ચીન અને છેલ્લે જાપાનનો ક્રમ આવે છે. યુરોપિયન યુનિયનનની જીપીએસ સિસ્ટમનું નામ ‘ગેલેલિયો’ રાખવામાં આવ્યું છે. જે એક સમયે દુનિયાનું ભ્રમણ કરવા નીકળ્યા હતા. જ્યારે ચીનની
જીપીએસ સિસ્ટમનું નામ ‘બેઈદાઉ’ છે. જ્યારે રશિયાની જીપીએસ સિસ્ટમનું નામ ‘ગ્લોનાસ’ છે.

મોબાઈલમાં માત્ર લોકેશન ઓન રાખવાથી મેપ્સના કોઈ પણ ફીચર્સને એક્સેસ કરી શકાય છે. હવે ગૂગલ મેપ્સ પર ઓન ધ સ્પોટ લોકેશન એડ કરવાની પણ સુવિધા છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહઃ સ્માર્ટફોન ખરાબ થાય એ પહેલાં… ઓળખી લો એનાં કેટલાંક જરૂરી સંકેત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button