ટૂંકુ ને ટચ: એક મહિલાના પર્સમાં સમાય જાય સમસ્ત દુનિયા!

- અંતર પટેલ
મહિલા અને તેનું પર્સ… આ બન્નેને તમે ક્યારેય અલગ ન કરી શકો… એમ કહી શકાય કે એક મહિલાના ટોટ બેગમાં આખી દુનિયા સમેટાઈ જાય છે, જેમકે, મેકઅપ, સન ગ્લાસ, વૉટર બોટલ, સ્નેક્સ, સેનિટરી પેડ્સ, ડાયરી, સ્પ્રે, ટીસ્સ્યૂ વગેરે. અને એની સરખામણીએ પુરુષના ખિસ્સામાં હોય છે માત્ર વોલેટ અને ફોન!
ઘરની જવાબદારી સાથે બહાર જઈને જોબ કરતી- કામ કરતી ‘વર્કિંગ વુમન’ મહિલાની પર્સ કે બેગ એ શોભા માટે કે પછી માત્ર એક્સેસરીઝ નથી. બેગ એ મહિલાની વ્યક્તિગત ઓળખ અને વ્યક્તિગત સ્ટાઈલનો એક ભાગ છે.
જોવા જેવી તો વાત એ છે કે, મહિલા જે પર્સમાં વસ્તુઓ મૂકે છે તેમાં વર્તમાન કરતાં ભવિષ્યની ચિંતા વધારે દેખાય છે. ઉદાહરણ તરીકે એમાં બેન્ડ – ડેડ હોય છે. ક્યારેક કંઈ વાગી જાય તો? પર્સમાં નાસ્તાનો મિની ડબ્બો હોય છે. અત્યારે ભૂખ નથી લાગી, પરંતુ જો સાંજે લાગશે તો? હજી સવારે જ મેકઅપ કરીને નીકળ્યા છે, પણ અચાનક જ ઓફિસથી કંઈ બહાર જવાનું થાય તો? પર્સમાં મેકઅપ કીટ પણ મોજૂદ હોય છે…
મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ તાત્કાલિક કામ આવવાવાળી વસ્તુઓ નથી, પરંતુ કામમાં આવી શકે એવી શક્યતા પૂરી છે. આનાથી એમ જ તારણ નીકળી શકે કે, બેગ- પર્સની આ વસ્તુઓ કદાચ કામ આવી શકે એટલે કે, આ એક એવો માનસિક બોજ છે, જે દરેક મહિલા દરરોજ લઈને ફરે છે.
બીજી રીતે જુવો તો એક આખો ઉદ્યોગ એ વિચાર પર નભે છે કે, મહિલાઓએ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કોસ્મેટિક્સ, ફેશન અને લાઈફ સ્ટાઇલ બ્રાન્ડ્સ એ આજે પેકેજિંગમાં સારી એવી નિપુણતા મેળવી છે. ટ્રાવેલ પરફ્યુમ તન-મનને પ્રફુલ્લિત કરવાનો દાવો કરે છે, કોમપેક્ટ પાઉડર ચહેરાને સુંદર રાખવાનો દાવો કરે છે, ફોલ્ડેબલ ફ્લેટ હિલ્સ પગને રાહત આપવાનો દાવો કરે છે, ઈત્યાદિ ઈત્યાદિ. યાદ રહે કે આ બધી જ વસ્તુઓ લક્ઝરીના રૂપમાં નથી વેચવામાં આવતી. એ સુંદરતા અને ‘ફીલ ગુડ’ના કવચરૂપે વેચવામાં આવે છે.
અહીં પ્રશ્ન એ છે કે રોજિંદા સારા-સુંદર-વ્યવસ્થિત દેખાવાનો બોજ એક મહિલા ખાસ કરીને વર્કિંગ વુમન કઈ રીતે ઉપાડે છે? તેમની પર્સ- બેગમાં પોતાની જરૂરિયાત અને ગમતી વસ્તુઓ હોય છે અને હોવી પણ જોઈએ, કારણ કે એક બેગ એક મહિલાનો અરીસો જ છે. બેગમાં રાખેલી-રહેલી હર એક વસ્તુ મહિલાની અસાધારણ ક્ષમતાની સાક્ષી પણ છે.
આપણ વાંચો: ક્લોઝ-અપ: અજબ મ્યુઝિયમોની અનોખી દુનિયા



