ઝબાન સંભાલ કે : શરદ પૂનમ, કૌમુદી પૂનમ તેમ જ માણેકઠારી પૂનમ!

- હેન્રી શાસ્ત્રી
મંગળવારે આસો સુદ પૂનમ. આસો સુદ એકમથી દશમ સુધી – દશેરાના દિવસ સુધી લોકો ભક્તિ અને શક્તિને સમર્પિત થઈ મસ્તીથી ઝૂમે છે. દસેદસ દિવસ ’રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી’ના મશહૂર ત્રણ તાળીના ગરબે કે પછી ‘સોનલ ગરબો શિરે અંબે મા ચાલો ધીરે ધીરે’ના તાલે ઝૂમ્યા પછી દશેરાએ રાસ ગરબાની રમઝટ પૂરી થઈ એવી લાગણી થાય, પણ પૂનમનું સ્મરણ માત્રથી ‘પાણી ગ્યાતા રે અમે તળાવના, પાળેથી લપસ્યો પગ કે બેડાં મારા નંદવાણાં રે’ ચિત્તમાં રમવા લાગે અને મન આનંદિત થઈ જાય છે.
જ્ઞાનકોષમાં શરદ પૂનમની એવી સમજણ આપી છે કે શરદ પૂનમની રાત એટલે ચાંદની રાત, ઠંડો પવન અને અમૃત વરસાવતું આકાશ. ચારે તરફથી ગોળ ચંદ્રમાંનું સૌંદર્ય અને એમાંથી એટલો પ્રકાશ ફૂટે કે આખી પૃથ્વી આ પ્રકાશમાં નહાય છે એવું લાગે. ચારે બાજુ અજવાળું જ અજવાળું લાગે છે. શરદઋતુમાં ચારેબાજુ સ્વાસ્થ્યવર્ધક વાતાવરણ ઉત્સાહમાં વધારો કરે છે. દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીની રમઝટની વિદાય વચ્ચે આ રઢિયાળી રાત શરદ પૂર્ણિમા રંગરસિયાઓ માટે રાસ – ગરબા મજા માણવાનો પ્રસંગ બની રહે છે. આ રાતે શરદ પૂનમની રાતડી રંગ ડોલરીયો, માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો ગરબો પણ ગાવામાં આવે છે. શરદ પૂનમની રાત્રે દૂધ-પૌઆ કે ખીર ખાવાનો રિવાજ છે.
આસો સુદ પૂનમ કૌમુદી પૂનમ પણ કહેવાય છે. કૌમુદી એટલે ચાંદની. આ પૂનમે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠતો હોવાથી અને ચાંદની ચારેકોર રેલાઈ હોવાથી અને એ ચાંદનીના પ્રકાશને કારણે વાતાવરણમાં ગજબનાક સ્ફૂર્તિ અને ઊર્જાનો અનુભવ થતો હોવાથી એ કૌમુદી પૂનમ તરીકે પણ સંબોધવામાં આવે છે. શરદ પૂનમ માણેકઠારી પૂનમ તરીકે પણ કેમ ઓળખાય છે એની પાછળ કથા જોડાયેલી છે.
વાયકા અનુસાર સ્વાતિ નક્ષત્રમાં પડતા વરસાદનું ટીપું જો સમુદ્રના ખુલ્લા રહેલા છીપમાં પડે તો એ બિંદુ સાચા મોતી બની જાય છે. મણિ માણેક પણ કહેવાતો હોવાથી શરદ પૂનમ માણેકઠારી પૂનમ પણ કહેવાય છે. પૂનમે ડાકોરમાં મેળો ભરાય છે જે માણેકઠારી પૂનમનો મેળો તરીકે પ્રસિદ્ધ છે. મેળામાં બે દિવસ સાંજથી મોડી રાત સુધી જિલ્લાના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની લોકકળા રજૂ કરી ડાકોરના ઇતિહાસની ઝાંખી કરાવે છે.
सणांच्या म्हणी
તહેવાર માટે મરાઠી શબ્દ છે સણ. सण हे केवळ धार्मिक विधि नसून सांस्कृतिक व सामजिक जीवनाचा अविभाज्य अंग आहेत आणि म्हणी त्या संस्कृतीची ओळख करुन देतात. તહેવાર એટલે કેવળ ધાર્મિક વિધિ નહીં બલકે સાંસ્કૃતિક અને સામાજિક જીવનનું અવિભાજ્ય અંગ હોય છે અને કહેવતોના માધ્યમથી એ સંસ્કૃતિનો પરિચય થાય છે. એની સમજણ મળે છે.
अकिती आणि सणांची निचिती કહેવતથી આ ભાવના સમજીએ. अकिती ‘अक्षय तृतीया’ या सणाचेच एक रूप आहे. અકિતી એ અક્ષય તૃતીયા – અખાત્રીજનું સંક્ષેપ સ્વરૂપ છે.
કહેવતનો બીજો હિસ્સો છે सणाची निचिती. याचा अर्थ सणांचा शेवट किंवा सणांचा निवाडा असा होतो. સણાચી નિચિતી એટલે તહેવારોની સમાપ્તિ અથવા સમાપન. સંદર્ભ એમ છે કે અખાત્રીજનો તહેવાર વૈશાખ મહિનામાં આવે છે. ત્યારબાદ તરત ખેતીવાડીની મોસમ શરૂ થઈ જતી હોય છે. એટલે આ તહેવારને તહેવારના ચક્રનું સમાપન અને કામના બીજા ચક્રનો પ્રારંભ માનવામાં આવે છે. બીજી એક માણવા અને સમજવા જેવી કહેવત છે दिवाळी साठी दारिद्र्य, सणवार कोणासाठी? જીવનની ફિલસૂફી આ કહેવતમાં પ્રગટ થાય છે.
દિવાળી જેવા મોટા તહેવારમાં આર્થિક મુશ્કેલી, ગરીબી અનુભવાતી હોય એવી માનસિક પરિસ્થિતિમાં તહેવાર – ઉત્સવની ઉજવણી કરવામાં દિલ ન લાગે અને મજા પણ ન આવે. તો પછી એવી પરિસ્થિતિમાં તહેવારની ઉજવણી શું કામ કરવી જોઈએ? ટૂંકમાં આનંદી અને સમૃદ્ધ વાતાવરણમાં જ તહેવાર ઉજવણીની મજા માણી શકાય એ અર્થ આ કહેવતમાં અભિપ્રેત છે.
त्योहारों की कहावतें
તહેવાર માટે હિન્દીમાં ત્યોહાર શબ્દ છે. આપણા દેશમાં હોળી, દિવાળી જેવા તહેવારોનું મહત્ત્વ સમગ્ર દેશમાં હોય છે અને સાગમટે એની ઉજવણી કરવામાં આવતી હોય છે. અલબત્ત એવા કેટલાક તહેવાર પણ હોય છે જે હિન્દી ભાષી વિસ્તારમાં વિશેષ રૂપે ઉજવવામાં આવે છે. तीज भारत में महिलाओं द्वारा मनाया जाने वाला एक महत्वपूर्ण त्योहार है, जो मुख्य रूप से उत्तर और पश्चिम भारत में मनाया जाता है, जिसमें हरियाली तीज, कजरी तीज और हरतालिका तीज जैसे त्योहार शामिल हैं। તીજનો તહેવાર મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ ભારતની મહિલાઓ ઉજવે છે. આ તહેવાર સંબંધિત કહેવત છે કે तीज त्यौहार बावड़ी ले डूबी गणगौर.
આ કહેવત બે ભાગ કરી સમજવી જોઈએ. तीज तींवारां बावड़ी: इसका मतलब है कि सावन की तीज एक बावड़ी (सीढ़ियों वाली कुई) की तरह है, जो त्योहारों के लंबे सफर की शुरुआत करती है। तीज के बाद अन्य कई प्रमुख त्योहार जैसे नाग पंचमी, रक्षाबंधन, जन्माष्टमी आदि आते हैं। શ્રાવણ મહિનાની ત્રીજ પગથિયાંવાળી સીડી ધરાવતી વાવ જેવો હોય છે, જ્યાંથી તહેવારોની લાંબી સફરની શરૂઆત થાય છે.
તીજના તહેવાર પછી નાગ પંચમી, રક્ષાબંધન, જન્માષ્ટમી વગેરે તહેવારોની હારમાળા શરૂ થાય છે. ले डूबी गणगौर: गणगौर (शिव-पार्वती के मिलन का प्रतीक) के विसर्जन (जिसे ‘ले डूबना’ कहा जाता है) के साथ ही त्योहारों का यह क्रम समाप्त हो जाता है। यह त्योहारों का अंत या उन पर एक लंबा विराम दर्शाता है. ગણગૌર શબ્દમાં ગણ શિવજીનું એક નામ છે અને ગૌર એટલે પાર્વતી. ગણગૌર વિસર્જન સાથે તહેવારોનો સિલસિલો પણ સમાપ્ત થાય છે.
FESTIVAL Proverbs
આપણા દેશમાં વિવિધ તહેવારો અને એની ઉજવણીની જે મજા છે એ બીજે ક્યાંય નથી. આપણે એ ઉજવણી અને એ આનંદ માણવાનું ધીરે ધીરે વિસરી રહ્યા છીએ એ વાત અલગ છે. વિદેશમાં ક્રિસમસ – નાતાલનું માહાત્મ્ય વધારે છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉજવણી કરવામાં આવે છે એ ક્રિસમસ સંબંધિત કેટલીક કહેવતો જાણીએ, સમજીએ. પહેલી કહેવત છે Christmas came early this year. આ વર્ષે ક્રિસમસ વહેલી આવી એ શબ્દાર્થ પરથી કશું સ્પષ્ટ નથી થતું, ઉલ્ટાનું મૂંઝવણ પેદા કરે છે. નાતાલનો તહેવાર વહેલો કેવી રીતે આવી શકે? ગ્રેગોરિયન કેલેન્ડરમાં આપણા અધિક માસ જેવી કોઈ હાજરી નથી.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : ચિત્તલના પાદર જેવું ઉજ્જડ…
હિન્દુ પંચાંગ અનુસાર બહુધા અષાઢ કે શ્રાવણ જ અધિક માસ હોય અને એને કારણે તહેવારો પાછળ ધકેલાઈ જતા હોય છે. Christmas came early this year means something good but surprising happens. કોઈ સારી ઘટના કે બાબત અણધારી – ઓચિંતી બને ત્યારે આ કહેવતનો ઉલ્લેખ થાય છે. Perhaps you received an unexpected gift from your friend, or got some really good news about a job you applied for — it looks like Christmas came early this year! You can use this idiom all year round. મિત્ર કે સ્નેહી પાસેથી અનપેક્ષિત ભેટસોગાદ મળે કે નોકરી – કામ ધંધા અંગે સારા સમાચાર મળે ત્યારે આ વર્ષે નાતાલ વહેલી આવી એમ કહેવાય છે.
ક્રિસમસનો ઉલ્લેખ આવતો હોવા છતાં આ કહેવતનો ઉલ્લેખ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે. નાતાલ સંબંધિત બીજી કહેવત છે Lit up like a Christmas tree. ક્રિસમસ ટ્રીની જેમ ઝળહળ કરવું. પ્રકાશનો સીધો સંબંધ ઉમંગ, ઉત્સાહ, આનંદ અને સકારાત્મક ઉર્જા સાથે છે. વ્યક્તિના ચહેરા પર અનાયાસે સ્મિત ઝળકે કે આંખો ચમકી ઉઠે અને આવી પ્રતિક્રિયા વાતાવરણને મધુર બનાવી દે એની વાત છે. નાતાલના તહેવાર દરમિયાન ક્રિસમસ ટ્રી જેમ રંગબેરંગી પ્રકાશના તોરણ અને લટકણોથી શણગારવામાં આવતા વાતાવરણમાં કેવી ચક આવી જાય છે.
એ જ રીતે ચહેરા પર અચાનક આવી ગયેલી ચમક વાતાવરણને હર્યુંભર્યું બનાવી દે છે. A Christmas miracle means Something highly unlikely but wonderful. કોઈ બાબત અણધારી પણ અફલાતૂન બને ત્યારે આ પ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવે છે. મિરેકલ શબ્દનો અર્થ છે ચમત્કાર. કોઈ એવી ઘટના કે પ્રસંગ બને જે ભાગ્યે જ ઘટતી હોય છે ત્યારે એ આપણને ચમત્કાર જેવી લાગતી હોય છે. ઉદાહરણ તરીકે ઓફિસમાં બોસ કાયમ ટીકા કરતા હોય અને વઢતા હોય અને એક દિવસ સ્ટાફની હાજરીમાં પ્રશંસા કરે ત્યારે એ ચમત્કાર જેવું જ લાગે ને. ક્રિસમસના સંદર્ભની હોવા છતાં આ કહેવત આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે વાપરી શકાય છે.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : અથ: શ્રી ‘અઠે જ દ્વારકા’ કથા